Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નવો ઇતિહાસ લખવાનો પડકાર ટીમ ઇન્ડિયાના ક્રિકેટ-વૉરિયર્સ સામે

નવો ઇતિહાસ લખવાનો પડકાર ટીમ ઇન્ડિયાના ક્રિકેટ-વૉરિયર્સ સામે

Published : 07 February, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૪માં ભારત જીત્યું હતું, પણ કોઈ ટીમ ઉપરાઉપરી બે વાર નથી જીતી શકી : આજ સુધી કોઈ યજમાન ટીમ આ કપ નથી જીતી શકી : ભારત બે વાર ચૅમ્પિયન બન્યું, પણ કોઈ ટીમ ૩ વાર નથી જીતી; ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ પણ બે-બે વાર જીત્યાં છે

ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતીય ટીમ (તસવીરો : અતુલ કાંબળે)

ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતીય ટીમ (તસવીરો : અતુલ કાંબળે)


આજથી મેન્સ T20 વર્લ્ડ કપની દસમી આવૃત્તિનો પ્રારંભ થશે. ભારતનાં પાંચ અને શ્રીલંકાનાં ત્રણ સ્ટેડિયમ એમ ટોટલ ૮ વેન્યુ પર T20 વર્લ્ડ કપનો રોમાંચ જામશે. આગામી ૩૦ દિવસમાં ૨૦ ટીમ વચ્ચે પંચાવન રોમાંચક મુકાબલા બાદ ચૅમ્પિયન ટીમનો નિર્ણય થશે. બંગલાદેશ અને પાકિસ્તાનની ડ્રામેબાજીને કારણે ટુર્નામેન્ટ પહેલાંથી જ ચર્ચામાં છે. જોકે ક્રિકેટ-ફૅન્સ એક રેકૉર્ડબ્રેક વર્લ્ડ કપની આશા સાથે સ્ટેડિયમમાં અને ટીવી-સ્ક્રીનની આગળ આતુરતાથી ભેગા થશે.

સૂર્યા ઍન્ડ કંપની પાસે ઘરઆંગણાના આ વર્લ્ડ કપમાં ઇતિહાસ બનાવવાની ગોલ્ડન તક રહેશે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈ ટીમ વર્લ્ડ કપ ડિફેન્ડ નથી કરી શકી એટલે કે સતત બે વખત ટાઇટલ નથી જીતી શકી. છેલ્લા નવ વર્લ્ડ કપમાં કોઈ ટીમ ઘરઆંગણે આ ટુર્નામેન્ટ નથી જીતી શકી. ભારત, ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ બે-બે વખત ચૅમ્પિયન બન્યા છે, પરંતુ કોઈ ટીમ ૩ વખત ટ્રોફી નથી ઉપાડી શકી. ૮ માર્ચે ફાઇનલ જંગ જીતીને ટીમ ઇન્ડિયાના ક્રિકેટ-વૉરિયર્સ આ ત્રણેય રેકૉર્ડ પોતાને નામે કરી શકે છે.



મૅચ-૧ : પાકિસ્તાન vs નેધરલૅન્ડ્સ


કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ વચ્ચેની સવારે ૧૧ વાગ્યાની મૅચથી આજે T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થશે. આ બન્ને ટીમ વચ્ચે T20 ઇન્ટરનૅશનલમાં બે જ મૅચ રમાઈ છે. ૨૦૦૯ અને ૨૦૨૨ના T20 વર્લ્ડ કપમાં થયેલી આ ટક્કરોમાં પાકિસ્તાને અનુક્રમે લૉર્ડ્સમાં ૮૨ રન અને પર્થમાં ૬ વિકેટથી આ હરીફ ટીમને હરાવી હતી. ૧૯૯૬થી ૨૦૨૩ વચ્ચે બન્ને ટીમ વચ્ચે ૭ વન-ડે મૅચ પણ રમાઈ છે. એ તમામ મૅચમાં પણ પાકિસ્તાન અપરાજિત રહ્યું છે.

મૅચ-૨ : વેસ્ટ ઇન્ડીઝ vs સ્કૉટલૅન્ડ


કલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે બીજી મૅચ બપોરે ૩ વાગ્યાથી વેસ્ટ ઇન્ડીઝ અને સ્કૉટલૅન્ડ વચ્ચે શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે આ ફૉર્મેટની એકમાત્ર ટક્કર ૨૦૨૨ના વર્લ્ડ કપમાં હોબાર્ટમાં થઈ હતી. આ મૅચમાં સ્કૉટલૅન્ડે ૪૨ રને શાનદાર જીત નોંધાવી હતી. ૧૯૯૯થી ૨૦૨૩ દરમ્યાન બન્ને ટીમ વચ્ચે ૪ વન-ડે મૅચ રમાઈ છે. એમાંથી પહેલી ૩ મૅચ વેસ્ટ ઇન્ડીઝે અને અંતિમ મૅચ સ્કૉટલૅન્ડે જીતી હતી. બંગલાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને આ T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી છે.

મૅચ - ૩ : ભારત vs અમેરિકા

ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ અને અભિષેક શર્મા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે સાંજે ૭ વાગ્યાથી ટીમ ઇન્ડિયા અમેરિકા સામે પોતાના T20 વર્લ્ડ કપ 2026 અભિયાનની શરૂઆત કરશે. ભારત અને અમેરિકા વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં માત્ર એક T20 મૅચ રમાઈ છે. જૂન ૨૦૨૪માં ભારતે વર્લ્ડ કપ દરમ્યાન ન્યુ યૉર્કમાં અમેરિકાને ૭ વિકેટે માત આપી હતી.

વાનખેડેમાં ભારત ૬ T20 મૅચ રમ્યું છે. ટીમ ઇન્ડિયા અહીં ૨૦૧૨ અને ૨૦૧૬માં અનુક્રમે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચ હાર્યું હતું, પરંતુ શરૂઆતની એ બે મૅચ હાર્યા બાદ ભારતે ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં તમામ ૪ T20 મૅચ જીતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK