Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ જગતના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ જગતના સમાચાર

27 October, 2021 03:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ બૅન્કનો ચોખ્ખો નફો ૫૫ ટકા વધ્યો; વસઈ વિકાસ કૉ-ઓપરેટિવ બૅન્કને ૯૦ લાખ રૂપિયાનો દંડ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જિયો-બીપીનું પ્રથમ પેટ્રોલ પંપ લૉન્ચ કરાયું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપી (જૂનું નામ બ્રિટિશ પેટ્રોલિયમ)ના સંયુક્ત સાહસ – રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે (આરબીએમએલ) મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત નાવડે ખાતે પોતાના જિયો-બીપી બ્રૅન્ડના પ્રથમ મોબિલિટી સ્ટેશનનું લૉન્ચિંગ કર્યું છે.



કંપનીના નિવેદનમાં જણાવાયા મુજબ વર્તમાન પડકારરૂપ સંજોગોમાં પણ જિયો-બીપી વૈશ્વિક કક્ષાનાં મોબિલિટી સ્ટેશનોનું નેટવર્ક ઊભું કરશે, જેમાં ગ્રાહકોને ઈંધણ સંબંધે અનેક વિકલ્પો પૂરા પાડવામાં આવશે.  નોંધનીય છે કે બીપીએ વર્ષ ૨૦૧૯માં રિલાયન્સની માલિકીનાં ૧૪૦૦ પેટ્રોલ પંપ અને ૩૧ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ સ્ટેશનોમાં ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સોદો ૧ અબજ ડૉલરમાં થયો હતો. રિલાયન્સનાં હાલનાં પેટ્રોલ પંપ ઉક્ત સંયુક્ત સાહસને ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. ઈંધણ ભરાવવા માટેનાં હાલનાં ૧૪૦૦ કેન્દ્રોને ‘જિયો-બીપી’ તરીકે ઓળખાવવામાં આવશે. આગામી મહિનાઓમાં ગ્રાહકોને એમાં અનેક મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે. ભારતમાં ઈંધણની માગ ઝડપથી વધી રહી છે અને એથી એને લગતી સેવાઓની માગ પણ વધી રહી છે. આગામી ૨૦ વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભારતની માર્કેટ સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામી રહેલી માર્કેટમાં સ્થાન પામશે એવી ધારણા છે. જિયો-બીપી મોબિલિટી સ્ટેશનો આ વધતી માગને પહોંચી વળવા સમર્થ છે અને ગ્રાહકોની આવશ્યકતાઓને અનુલક્ષીને આદર્શ સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે, એમ કંપનીએ જણાવ્યું છે.


આ સંયુક્ત સાહસને સમગ્ર ભારતમાંના રિલાયન્સના ગ્રાહકલક્ષી બિઝનેસના વ્યાપક નેટવર્ક અને અનુભવનો લાભ મળશે. જિયો અને રિલાયન્સ રીટેલ લાખો ગ્રાહકો ધરાવે છે. એની સાથે-સાથે બીપીના વૈશ્વિક અનુભવનો લાભ પણ મળશે. બીપી અલગ-અલગ પ્રકારનાં ઈંધણ, લુબ્રિકન્ટ પૂરાં પાડવા ઉપરાંત કાર્બનનું ઓછું ઉત્સર્જન કરનારા અદ્યતન ઉપાયો કરી આપવાનો અનુભવ ધરાવે છે. આ રીતે ઉક્ત સંયુક્ત સાહસ ઈંધણ અને પ્રવાસને લગતી (મોબિલિટી) સેવાઓમાં અગ્રણી બની શકશે.

યાદીમાં જણાવાયા મુજબ ભારતભરનાં જિયો-બીપી મોબિલિટી સ્ટેશનોમાં ભાવ વધારે લીધા વગર ઈંધણમાં એડિટિવ્સ ઉમેરીને આપવામાં આવશે. ઈંધણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત ‘ઍક્ટિવ’ ટેક્નૉલૉજી ઉમેરવામાં આવશે, જેનાથી એન્જિનના મહત્ત્વપૂર્ણ ભાગો પર રક્ષણાત્મક કવચ તૈયાર થાય છે અને એન્જિન સાફ રહે છે. જિયો-બીપી પોતાનાં મોબિલિટી સ્ટેશનોમાં ઇલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશનોનું તથા બૅટરી સ્વૉપ સ્ટેશનોનું નેટવર્ક સ્થાપશે. એ ઉપરાંત ‘મોબિલિટી’ પૉઇન્ટ નામે કેટલાંક સ્વતંત્ર સ્થળો પણ રાખવામાં આવશે. આ સંયુક્ત સાહસ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટેની અગ્રણી માળખાકીય સુવિધા બનવા માગે છે.


 

ઍક્સિસ બૅન્કનો નફો ૮૬ ટકા વધ્યો

ખાનગી ક્ષેત્રની ઍક્સિસ બૅન્કે ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૮૬ ટકાની વૃદ્ધિ સાથે ૩૧૩૩.૩૨ કરોડ રૂપિયાનો સ્ટેન્ડ-અલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. પાછલા વર્ષે સમાન અરસામાં નફાનું પ્રમાણ ૧૬૮૨.૬૭ ટકા હતું.

બૅન્કની કુલ સ્ટેન્ડ-અલોન આવક વધીને ૨૦,૧૩૪.૩૯ કરોડ રૂપિયા થઈ હતી. તેની કુલ નોન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) કુલ ધિરાણના ૩.૫૩ ટકા છે, જે ગયા વર્ષે સમાન અરસામાં ૪.૧૮ ટકા હતું.

 

સેન્ટ્રલ બૅન્કનો ચોખ્ખો નફો ૫૫ ટકા વધ્યો

સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૨૫૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે, જે પાછલા વર્ષે થયેલા ૧૬૧ કરોડના નફાની સામે ૫૫ ટકા વધારે છે. આ સમયગાળામાં બૅન્કની કુલ આવક ૬૭૬૨.૩૬ કરોડ રૂપિયાથી ઘટીને ૬૫૦૩.૩૯ કરોડ રૂપિયા થઈ છે. બૅન્કે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ વ્યાજની ચોખ્ખી આવક ૫.૯૯ ટકા વધીને ૨૪૯૫ કરોડ રૂપિયા થઈ છે, જે પાછલા વર્ષે ૨૩૫૪ કરોડ રૂપિયા હતી. કુલ એનપીએ ૧૭.૩૬ ટકાથી ઘટીને ૧૫.૫૨ ટકા થઈ છે.

 

ધિરાણની વિશેષ યોજના હેઠળ બૅન્કોએ કુલ ૧૧,૧૬૮ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી

સરકારે આવશ્યકતા મુજબ વધુ ધિરાણ આપવા માટે જાહેર કરેલી યોજના હેઠળ બૅન્કોએ આશરે બે લાખ લોકોને કુલ ૧૧,૧૬૮ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હોવાનું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું.

ઉક્ત યોજના હેઠળ બૅન્કો દેશના અલગ-અલગ ભાગોમાં લોન માટે વિશેષ શિબિરોનું આયોજન કરી રહી છે. મોટા ભાગની બૅન્કોએ વ્યાજ અને પ્રોસેસિંગ ચાર્જિસમાં રાહતના દર જાહેર કર્યા છે. યોજના હેઠળની લોન કેન્દ્ર સરકારની અલગ-અલગ લોન બાંયધરી યોજના ઉપરાંતની છે.

નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ લગભગ ૧ લાખ લાભાર્થીઓને ૬૨૬૮ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. વાહનો માટેની લોનનું પ્રમાણ ૪૪૮ કરોડ રૂપિયા છે. હાઉસિંગ લોનનું પ્રમાણ ૭૬૨ કરોડ રૂપિયા હતું.

 

સરકારને ચાર કેન્દ્રીય કંપનીઓ પાસેથી ડિવિડન્ડ પેટે ૫૩૩ કરોડ રૂપિયા મળ્યા

સરકારને કેન્દ્ર સરકારની માલિકીની ચાર કંપનીઓ પાસેથી ડિવિડન્ડ પેટે ૫૩૩ કરોડ રૂપિયા મળ્યા છે. આ કંપનીઓમાં ઇરકોન, એનએચપીસી, કોનકોર અને હિન્દુસ્તાન કોપર લિ.નો સમાવેશ થાય છે. તેમણે ચારેએ અનુક્રમે આશરે ૧૪૮ કરોડ, ૨૯૪ કરોડ, ૬૭ કરોડ અને ૨૪ કરોડ રૂપિયા આપ્યા છે. આ રકમ અલગ-અલગ ભાગોમાં આપવામાં આવી હોવાનું ડિપાર્ટમેન્ટ ઑફ ડિસઇન્વેસ્ટમેન્ટના સચિવ તુહીનકાંત પાંડેએ મંગળવારે ટ્વિટર પરના સંદેશમાં જણાવ્યું હતું.

આ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરના આંકડાઓ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં સરકારને ૮૫૭૨ કરોડ રૂપિયાનું ડિવિડંડ કેન્દ્રીય કંપનીઓ પાસેથી મળ્યું છે. આ ઉપરાંત અમુક કંપનીઓમાંથી કરાયેલા ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે ૯૧૧૦ કરોડ રૂપિયા મળ્યા છે.

 

કોટક મહિન્દ્ર બૅન્કનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨૯૮૯ કરોડ રૂપિયા થયો

ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્ર બૅન્કે ગત જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૯૮૯ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો કર્યો છે જે પાછલા વર્ષે સમાન અરસામાં ૨૯૪૭ કરોડ રૂપિયા હતો. આમ નફામાં ૧.૪૩ ટકાની વૃદ્ધિ થઈ છે. તેની પહેલાંના અર્થાત્ એપ્રિલ-જૂન ક્વૉર્ટરની તુલનાએ નફામાં ૬૫.૫ ટકા વૃદ્ધિ થઈ છે.

સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વર્ષાનુવર્ષ ધોરણે ૭ ટકા ઘટીને ૨૦૩૨ કરોડ રૂપિયા થયો છે. બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક ૩.૨ ટકા વધીને ૪૦૨૧ કરોડ રૂપિયા થઈ છે. તેની કુલ નોન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) કુલ ધિરાણના ૩.૧૯ ટકા થઈ છે, જે એક વર્ષ પહેલાં સમાન ગાળામાં ૨.૭ ટકા હતી. આ જ રીતે નેટ એનપીએ ૦.૭૪ ટકાથી વધીને ૧.૦૬ ટકા થઈ છે.

 

વસઈ વિકાસ કૉ-ઓપરેટિવ બૅન્કને ૯૦ લાખ રૂપિયાનો દંડ

રિઝર્વ બૅન્કે વસઈ વિકાસ સહકારી બૅન્કને લોનનું એનપીએ તરીકે વર્ગીકરણ કરવાને લગતા તથા અન્ય કેટલાક નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ ૯૦ લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

કેન્દ્રીય બૅન્કે કરાવેલા વૈધાનિક નિરીક્ષણને પગલે જાણવા મળ્યું હતું કે વસઈ વિકાસ બૅન્કે નિર્દેશોનું પાલન કર્યું નથી.

દરમ્યાન અન્ય એક નિવેદન મુજબ રિઝર્વ બૅન્કે સિટિઝન્સ અર્બન કૉ-ઓપરેટિવ બૅન્કને સાત લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ બૅન્કે પણ નિર્દેશોનું પાલન કર્યું નહોતું.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK