રિપોર્ટ અનુસાર સૌથી વધુ નુકસાન બૅન્ગલોરના લોકોને થયું હતું. કુલ નુકસાનમાંથી ૨૬.૩૮ ટકા લૉસ બૅન્ગલોરવાસીઓને થયો છે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટરના રિપોર્ટ મુજબ દેશનાં મોટાં શહેરોમાં અને ખાસ કરીને બૅન્ગલોર, દિલ્હી-NCR અને હૈદરાબાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે હજારો લોકો સ્કૅમનો ભોગ બન્યા છે. આ સ્કૅમને કારણે લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ગોટાળા સોશ્યલ મીડિયા, નકલી ઍપ્સ અને લોભામણી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે કરવામાં આવ્યા હતા. છેલ્લા ૬ મહિનામાં દેશનાં મુખ્ય શહેરોમાં ૩૦,૦૦૦થી વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમનો ભોગ બન્યા હતા. આ જાણકારી ગૃહમંત્રાલયના સાઇબર વિન્ગના એક રિપોર્ટમાં બહાર આવી હતી.
રિપોર્ટ અનુસાર સૌથી વધુ નુકસાન બૅન્ગલોરના લોકોને થયું હતું. કુલ નુકસાનમાંથી ૨૬.૩૮ ટકા લૉસ બૅન્ગલોરવાસીઓને થયો છે. અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વર્કિંગ કૅટેગરીના છે. ૩૦થી ૬૦ વર્ષની ઉંમરના લોકોને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સ્કૅમનો ભોગ બનનારા ૭૬ ટકા લોકો વર્કિંગ કૅટેગરીના હતા.
ADVERTISEMENT
૬૦ વર્ષથી મોટી ઉંમરના ૮.૬૨ ટકા લોકો સ્કૅમનો શિકાર બન્યા હતા. આ રિપોર્ટમાં ધ્યાનમાં લેવામાં આવેલા કેસ નાની-મોટી રકમના નથી, પરંતુ મોટી રકમોના જ છે. સરેરાશ એક વ્યક્તિને ૫૧.૩૮ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. દિલ્હીમાં સ્કૅમનો ભોગ બનનારને સરેરાશ ૮ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.


