માથે શૅર-વિભાજન વચ્ચે ટાઇટન બાયોટેક નવા શિખરે જઈને ૧૨૨ રૂપિયા વધી : હિન્દુસ્તાન અર્બન ૨૭૯૯ની વર્ષની ટોચે જઈને પોણા ટકા જેવી નરમ, કંપનીનું નામ બદલાયું : ફર્સ્ટક્રાય નબળા પરિણામમાં રડમસ થઈ ઑલટાઇમ તળિયે ગઈ : પીએસયુ બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- લાર્સન નવી સર્વોચ્ચ સપાટી બનાવી બજારને સર્વાધિક ૭૬ પૉઇન્ટ ફળી
- અદાણીના મોટા ભાગના શૅર સુધારામાં, અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર
- ઓલા ઇલેક્ટ્રિક નવા નીચા તળિયાની શોધમાં વધુ ગગડી
મોટા ભાગનાં એશિયન બજાર રજામાં છે. જૅપનીઝ નિક્કેઈ પોણો ટકો ઘટીને તો થાઇલૅન્ડ નવા બેસ્ટ લેવલ સાથે દોઢેક ટકો વધીને મંગળવારે બંધ થયું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા જેવું ઉપર ચાલતું હતું. પાકિસ્તાની શૅરબજાર નીચામાં ૧,૭૨,૧૧૫ થયા બાદ રનિંગમાં નજીવા સુધારે ૧,૭૨,૮૬૮ દેખાયું હતું. ૨૬ જાન્યુઆરીના રોજ ૧,૯૧,૦૩૩ની સર્વોચ્ચ સપાટી બન્યા પછી કરાચી શૅરબજાર હાંફી ગયું છે. બિટકૉઇન પોણાત્રણ ટકાના સુધારે રનિંગમાં ૬૮,૦૫૭ ડૉલર હતો. કૉમેકસ ગોલ્ડ નીચામાં ૪૮૭૯ ડૉલર બતાવી રનિંગમાં બે ટકા બગડી ૪૯૩૯ ડૉલર તો હાજર સોનું નીચામાં ૪૮૬૧ ડૉલરની અંદર ગયા બાદ દોઢ ટકો ઘટી ૪૯૭૯ ડૉલર બતાવી રનિંગમાં બે ટકા બગડી ૪૯૪૯ ડૉલર તો હાજર સોનું નીચામાં ૪૮૬૧ ડૉલરની અંદર ગયા બાદ દોઢ ટકો ઘટીને ૪૯૧૯ ડૉલર બતાવ્યું હતું. ચાંદી વાયદામાં ૭૨.૮૧ ડૉલર બતાવી રનિંગમાં અઢી ટકા ઘટીને ૭૪.૫૭ ડૉલર ચાલતી હતી. ઝિન્ક વાયદો દોઢ ટકો, નિકલ વાયદો સવા બે ટકા, કૉપર વાયદો દોઢ ટકા ડાઉન થયો છે. બ્રૅન્ટ ક્રૂડ એક ટકો ઘટીને ૬૮ ડૉલર નીચે રહ્યું છે.
ઘરઆંગણે નવી દિલ્હી ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી છે. ટેક્નૉલૉજીના ક્ષેત્રે વિશ્વના ટોચના ખેરખાં હાજર છે. વિશ્વસ્તરે AIના વિકાસની જે રફતાર શરૂ થઈ છે એમાં સહભાગી થવાની ભારતની મહેચ્છા તરીકે આ સમિટને વિશ્લેષકો વધારી રહ્યા છે. ઘણી બધી ડાહી ડાહી, મોટી-મોટી વાતો થશે અને પછી સૌ પોતપોતાના ઘરે જશે. આ પ્રકારની વાર્તાઓથી વિકાસ થતો હોત તો ભારત ક્યાંય પહોંચી ગયું હોત. ચાઇના આવા કોઈ સમિટના ઠઠારા કરતું નથી છતાં ટેક્નૉલૉજીમાં આજે પશ્ચિમને હંફાવે છે. બાય ધ વે, અદાણી ગ્રુપે ૨૦૩૫ સુધીમાં AI ડેટા સેન્ટર્સમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરી દીધી છે. AI સમિટ ચાલે છે એટલે આવી જાહેરાત માટે આનાથી ઉત્તમ સમય બીજો ન હોઈ શકે. અમેરિકામાં ટ્રમ્પ સત્તારૂઢ થયા ત્યારે પણ અદાણી તરફથી અમેરિકામાં રોકાણ માટે આવો જ કોઈક આંકડો જાહેર થયો હતો. વાત ત્યાં પહોંચી એની ખબર નથી. છેલ્લાં પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ તરફથી દેશમાં રોકાણને લગતી કેટલી જાહેરાતો કરાઈ છે અને એમાં કેટલી પ્રગતિ થઈ એનો અભ્યાસ કોઈકે કરવો જોઈએ. જોકે મામલો જરાક નહીં, પૂરો રિસ્કી છે એની નોંધ લેવી.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા બંધથી ૮૦ પૉઇન્ટ જેવો નરમ ૮૩,૧૯૮ ખૂલી છેવટે ૧૭૪ પૉઇન્ટ વધીને ૮૩,૪૫૧ તથા નિફ્ટી ૪૩ પૉઇન્ટની આગેકૂચમાં ૨૫,૭૨૫ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૮૨,૯૮૭ તથા ઉપરમાં ૮૩,૫૯૮ થયો હતો. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. NSEમાં વધેલા ૧૯૩૨ શૅરની સામે ૧૨૧૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૫૩ લાખ કરોડ વધી ૪૭૦.૧૧ લાખ કરોડ થયું છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં ૯૫૪૮ની ઑલટાઇમ હાઈ બતાવી ૨.૧ ટકા ઊછળી ૯૫૦૧ બંધ થયો છે. નિફ્ટી ડિફેન્સ ૧.૩ ટકા, IT ૧.૨ ટકા, FMCG અને કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક પોણા ટકા આસપાસ પ્લસ હતો.
સિગારેટમાં ભાવવધારો કર્યાની અસરમાં ITC ૨.૩ ટકા વધી ૩૨૫ના બંધમાં સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બની બજારને ૬૦ પૉઇન્ટ ફળી છે. નિફ્ટીમાં અદાણી એન્ટર ૨.૭ ટકા ઊછળીને મોખરે હતી. ભારત બે ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકા, ટાઇટન ૧.૪ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર દોઢ ટકો, બજાજ ઑટો સવા ટકો મજબૂત હતી. લાર્સન ૪૨૮૬ની વિક્રમી સપાટી બનાવી ૧.૮ ટકા વધી ૪૨૭૯ બંધ આપી સર્વાધિક ૭૬ પૉઇન્ટ ફળી છે. સ્ટેટ બૅન્ક ૧૨૨૫ની ઑલટાઇમ હાઈ દેખાડી અડધો ટકો વધીને ૧૨૧૩ રહી છે. નિફ્ટી ખાતે બે ટકા ઘટી હિન્દાલ્કો અને સેન્સેક્સમાં દોઢ ટકા ઘટી એટર્નલ ટૉપ લૂઝર હતી. તાતા સ્ટીલ, ટ્રેન્ટ, રિલાયન્સ, શ્રીરામ ફાઇનૅન્સ એકથી સવા ટકો નરમ રહી છે. એન્જિનિયર્સ ઇન્ડિયા બે દિવસની આગેકૂચ બાદ ગઈ કાલે ઉપરમાં ૨૩૬ થઈ પાંચ ટકા બગડી ૨૧૫ના બંધમાં A ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે.
બેતરફી તોફાનમાં નવી બૉટમ અને નવી ટૉપ બનાવી ફ્રૅક્ટલ સુધરી
આજે મહારાષ્ટ્રના લાતુર ખાતેની યશતેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૧૦ની અપરબૅન્ડમાં ૮૮૮૮ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની સોયાબીનનું પ્રોસેસિંગ કરી એમાંથી ક્રૂડ સોયા ઑઇલ તથા સોયા ડી ઑઇલ્ડ કેક (સોયાખોળ) બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૪૪૮ ટકાના વધારામાં ૩૨૫ કરોડની આવક તથા ૯૨૪ ટકાના ઉછાળામાં ૧૧૫૭ લાખ નેટ પ્રૉફિટ બતાવી દીધો છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનાની આવક ૧૯૧ કરોડથી વધુ તથા નફો ૭૨૫ લાખ દર્શાવ્યો છે, દેવું ૩૭૪૭ લાખનું છે. ભરણામાં કોઈ QIB કે એન્કર પોર્શન નથી. ઇશ્યુ બાદ ૧૫ કરોડની ઇક્વિટી વધીને ૨૩૦૮ લાખની થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર પાંચ રૂપિયાથી વધુ નથી. ગયા વર્ષના સુપર પ્રૉફિટને લઈને ઇશ્યુ પ્રાઇસ પોસ્ટ ઇક્વિટી ધોરણે લગભગ બાવીસનો પીઈ બતાવે છે. સોયા ઑઇલ અને સોયાખોળ બનાવતી કંપની માટે આટલો ઊંચો પીઈ બેશક વધુપડતો કહી શકાય. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
દરમ્યાન મુંબઈના અંધેરી-ઈસ્ટની ગામેન્ટ્સ કંપની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૧૬ની અપરબૅન્ડ સાથે ૪૯ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ બેગણા જેવો ભરાયો છે. પ્રીમિયમ પાછું ઝીરો થયું છે. આગલા દિવસે મેઇન બોર્ડમાં પોણાછ ટકા લિસ્ટિંગ લૉસમાં ૮૪૭ બંધ થયેલી મુંબઈના ગોરેગામ-ઈસ્ટની ફ્રૅક્ટલ ઍનલિટિક્સ ગઈ કાલે ૮૨૧નું નવું બૉટમ બનાવી ૯૨૧ની ટોચે જઈ ૪.૮ ટકા વધીને ૮૮૮ તથા ૧૦ પૈસાની નામ પૂરતી લિસ્ટિંગ લૉસમાં ૧૨૯ નીચે બંધ થયેલી નવી દિલ્હીની આય ફાઇનૅન્સ નવી ટૉપમાં ૧૪૯ થઈ ૬ ટકા વધી ૧૩૬ બંધ રહી છે. ૧૦ના શૅરદીઠ ૧૧૭ના ઇશ્યુ ભાવવાળી મરુશિકા ટેક્નૉલૉજીઝનું લિસ્ટિંગ ગુરુવારે થવાનુ છે. છેલ્લે-છેલ્લે એમાં ગ્રેમાર્કેટ ખાતે બે રૂપિયાનું પ્રીમિયમ શરૂ થયું છે.
નબળા પરિણામ વચ્ચે ઈઝી ટ્રિપ પ્લાનર્સ સતત ઉપલી સર્કિટે
ફ્લૅટ રેવન્યુ સાથે નફામાં ૮૨.૬ ટકાના ગાબડા પછી પણ ઈઝી ટ્રિપ પ્લાનર્સ સોમવારે સાડાછ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭.૯૩ થઈ છેવટે એની નજીક ૭.૯૨ બંધ રહી હતી, ગઈ કાલે એ વધીને ૯.૫૦ થઈ ૨૦ ટકા ઊછળી ત્યાં જ રહી છે. શૅરદીઠ એકના મેઇડન બોનસની જાહેરાત છતાં પોણાચાર ટકા ગગડી ૪૨.૨૯ બંધ થયેલી આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રકચર ગઈ કાલે નીચે ૪૧.૯૦ થઈ પોણો ટકા વધીને ૪૨.૬૪ રહી છે. ફર્સ્ટક્રાય ફેમ બ્રેઇનબીઝ સૉલ્યુશન્સે ૧૨ ટકા વધારામાં ૨૪૨૪ કરોડ જેવી આવક મેળવી છે, પણ એની નેટલૉસ ૭૭૯ લાખથી તગડા વધારામાં ૨૮૪૩ લાખે પહોંચી છે. એમાં શૅર સોમવારે ૧૨ ટકા જેવો તૂટી ૨૪૦ બંધ થયા પછી ગઈ કાલે ૨૨૮ની ઑલટાઇમ બૉટમ બતાવી સવાચાર ટકા ગગડી ૨૩૦ થયો છે. નવી દિલ્હીની હિન્દુસ્તાન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનું નામ બદલીને હિન્દુસ્તાન ઇન્સ્યુલેટર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કરવામાં આવ્યું છે. કંપનીએ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ-ડેટ ૨૭ ફેબ્રુઆરી નક્કી કરી છે. ડિસેમ્બર ક્વૉર્ટરમાં નફો ૪૭ લાખથી જોરદાર વધારામાં ૧૪૭૦ લાખ વટાવી જતાં શૅર સોમવારે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૯૨ રૂપિયા ઊછળી ૨૩૫૩ બંધ થયા પછી ગઈ કાલે વર્ષની ટોચે ૨૭૯૯ થઈ ૦.૭ ટકા ઘટીને ૨૩૩૭ રહ્યા છે. હાલ ૧૦ના શૅરદીઠ ૨૬૮૪ રૂપિયાની બુકવૅલ્યુ કંપની ધરાવે છે. ઇક્વિટી ઘણી નાની માત્ર ૧૪૪ લાખ રૂપિયા છે. એમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકાનું છે. અમદાવાદની રિદ્ધિ સ્ટીલ ઍન્ડ ટ્યુબ્સ બે શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે કોઈ કામકાજ વગર જૂના ૩૯૫ના લેવલે રહી હતી. નવી દિલ્હીની બેઝલ ઇન્ટરનૅશનલ શૅરદીઠ એક બોનસમાં આજે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૭૬ થઈ અઢી ટકા વધીને ૭૪ બંધ હતો. ટાઇટન બાયોટેક ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૨૦મીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર ૧૪૩૫નું નવું શિખર બતાવી ૯.૪ ટકા ઊછળીને ૧૪૨૪ રહ્યો છે.
હિન્દુસ્તાન યુનિલીવરની ક્વૉલિટી વૉલ્સ મંદીની સર્કિટમાં નવા તળિયે
નેવી વેસલ્સ માટે ૫૦૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરમાં કોચિન શિપયાર્ડ લોએસ્ટ બિડર તરીકે જાહેર થઈ છે. આના પગલે શૅર ગઈ કાલે ઉપરમાં ૧૫૭૫ થઈ ૪ ટકા વધીને ૧૫૨૬ બંધ થયો છે. ટેક્સમાકો રેલને મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન તરફથી ૨૧૯ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. શૅર આગલા દિવસે ૧૧૧ની ૨૩ ઑક્ટોબર ૨૦૨૩ પછીની ટોચે જઈને બે ટકા ઘટી ૧૧૧ની ઉપર બંધ થયા પછી ગઈ કાલે ઉપરમાં ૧૨૩ થઈ ૪.૫ ટકા વધીને ૧૧૬ થયો છે. JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રાઇટ ઇશ્યુ, ક્વિકરૂટ તથા અન્ય વિકલ્પ મારફત ભંડોળ ઊભું કરવાની યોજના વિચારવા ૨૦મીએ બોર્ડ મીટિંગ નક્કી થઈ છે. શૅર ઉપરમાં ૨૬૫ બતાવી અડધો ટકો ઘટીને ૨૬૦ હતો. ગુડગાંવ ખાતેની એમ્બસી ડેવલપમેન્ટસને અલીબાગ ખાતે એના મેઇડન રેસિડેન્ટલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે મહારાષ્ટ્રની રિયલ્ટી ઑથોરિટી મહારેરા તરફથી મંજૂરી મળી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૬ થઈને પોણાબે ટકા વધીને ૬૪ રહ્યો છે. ચેન્નઈની અરિહંત ફાઉન્ડેશન ઍન્ડ હાઉસિંગની બોર્ડ મીટિંગ નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફત ભંડોળ ઊભું કરવાની યોજના વિશે ૧૯મીએ મળશે. શૅર ગઈ કાલે ૧૨૫૧ નજીક જઈ નજીવો ઘટીને ૧૧૬૯ બંધ હતો.
હિન્દુસ્તાન યુનિલીવરના વર્ષેદહાડે ૧૮૦૦ કરોડના આઇસક્રીમ ડિવિઝનના ડીમર્જરમાંથી અસ્તિત્વમાં આવેલી ક્વૉલિટી વૉલ્સ ઇન્ડિયા ૪૦.૨૦ની ડિસ્કવર્ડ પ્રાઇસ સામે સોમવારે લિસ્ટિંગમાં ૨૯.૯૦ ખૂલી છેવટે ૨૯.૫૧ બંધ રહ્યા પછી ગઈ કાલે ૨૮નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ૨૮ થઈ છે. હિન્દુસ્તાન યુનિલીવર સામાન્ય ઘટાડામાં ૨૩૧૩ હતી. કંગાળ પરિણામ પછી ઓલા ઇલેક્ટ્રિકમાં એમ્કે ગ્લોબલ અને કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી ૨૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે વેચવાની ભલામણ જારી થતાં શૅર આગલા દિવસે ઑલટાઇમ તળિયે જઈને પોણા સાત ટકા તૂટી ૨૮.૮૩ બંધ થયા પછી ગઈ કાલે ૨૭.૩૬નું નવું વર્સ્ટ લેવલ બતાવી ત્રણેક ટકા તૂટી ૨૮ બંધ આવ્યો છે.
તાજેતરની ખરાબી બાદ ITમાં સુધારો, મેટલ શૅર પ્રૉફિટ-બુકિંગમાં
વિશ્વબજારમાં ચાંદી સાડાચાર ટકા ઘટવાની સાથે ઇન્ડ. મેટલના ભાવમાં પણ નરમાઈ રહેતાં ઘરઆંગણે મેટલ ઇન્ડેક્સ નીચામાં ૩૮,૬૩૧ થઈ ૩૬૮ પૉઇન્ટ કે એક ટકો ઘટીને ૩૯૦૪૨ બંધ થયો છે. ગઈ કાલે અહીં ૧૩માંથી ૧૨ શૅર ડાઉન હતા. હિન્દુસ્તાન ઝિન્ક ૨.૨ ટકા, નાલ્કો ૨.૧ ટકા, સેઇલ ૧.૪ ટકા, હિન્દાલ્કો ૧.૯ ટકા, વેદાન્તા ૧.૮ ટકા, NMDC ૧.૬ ટકા, જિંદલ સ્ટેનલેસ બે ટકા તો તાતા સ્ટીલ ૧.૩ ટકા માઇનસ હતી. મંદિરોમાં ખાસ પ્રસંગે વિશેષ આરતી વખતે ચડાવો બોલાતો હોય છે. આવી જ સ્ટાઇલમાં નવી દિલ્હી ખાતે આયોજિત AI સમિટને અનુલક્ષી અદાણી ગ્રુપ તરફથી ૨૦૩૫ સુધીમાં AI ડેટા સેન્ટર્સમાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરવાની જાહેરાત કરાઈ છે. અદાણી ગ્રુપે મીડિયાની હેડલાઇન્સમાં ચમકવાનો પાકો બંદોબસ્ત કરી લીધો લાગે છે. અદાણી એન્ટરનો શૅર પણ ૨.૬ ટકા વધ્યો છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પોર્ટસ દોઢ ટકા, અદાણી એનર્જી અઢી ટકા, અદાણી ગ્રીન અઢી ટકા, NDTV ૩.૬ ટકા, અદાણી પાવર એક ટકા, પીએસપી પ્રોજેક્ટસ અડધો ટકો, સેમિ ઇન્ડિયા પ્રોજેક્ટસ દોઢ ટકા, અદાણી ટોટલ એક ટકો વધી હતી.
જેના કારણે ભારતીય IT સેક્ટરમાં તાજેતરમાં ખરાબી આવી છે એ ઍન્થ્રોપિક સાથે ઇન્ફોસિસે AI સેગમેન્ટમાં વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરી છે એના પગલે ગઈ કાલે ઇન્ફોસિસ ઉપરમાં ૧૪૩૧ થઈ છેવટે ૧.૮ ટકા વધી ૧૩૯૧ બંધ આપીને બજારને ૭૫ પૉઇન્ટ ફળી છે. અન્ય IT હેવી વેઇટ્સમાં HCL ટેક્નૉલૉજીઝ સવા ટકો, ટેક મહિન્દ્ર પોણો ટકો, TCS સાધારણ, વિપ્રો સવા ટકો, લાટિમ પોણો ટકા સુધરી હતી. સરવાળે IT ઇન્ડેક્સ પણ ઉપરમાં ૩૨,૫૮૨ થઈને ૧.૨ ટકા કે ૩૬૪ પૉઇન્ટના સુધારામાં ૩૧,૯૮૦ બંધ રહ્યો છે. એના ૭૭માંથી ૫૯ શૅર પ્લસ હતા. યુનિકૉમર્સ ઇસૉલ્યુશન્સ ૨૦ ટકા ઊછળી ૧૧૮ વટાવી ત્યાં જ રહી છે. કંપની એકના શૅરદીઠ ૧૦૮ના ભાવે ઑગસ્ટ ૨૦૨૪માં ૨૭૭ કરોડનો ઇશ્યુ લાવી હતી. કેલ્ટોન ટેકનો ૧૬.૫ ટકા, ન્યુ જેન સૉફ્ટવેર ૧૪.૫ ટકા, જેનેસિસ ૯.૭ ટકા, ક્વિકહીલ ૭ ટકા, ઇન્ફોબીન્સ ૭.૧ ટકા, રેટ ગેરઇન ૭.૪ ટકા, નેલ્કો ૫.૯ ટકા ઝળકી છે. ઝગલ ૩.૯ ટકા તો ૬૩ મૂન્સ ૪.૨ ટકા ગગડી હતી.
