ડૉલર સામે રૂપિયો આૅલ ટાઇમ લો લેવલ પર બંધ થયો એ છતાં...
ભારતીય રૂપિયો
અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો ગઈ કાલે પહેલી વાર ૯૦ પાર થઈને બંધ થયો એ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન આ બાબતે ચિંતિત નથી. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતીય રૂપિયો પહેલી વાર ડૉલર સામે ૯૦ના સ્તરને પાર કરીને અત્યાર સુધીના સૌથી નીચા લેવલે આવી ગયો છે. જોકે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કરન્સીની ગતિવિધિ સંભાળી શકાય એવી લિમિટમાં છે અને એનાથી કોઈ મૅક્રો-ઇકૉનૉમિક તનાવ નથી. ભારત એક વિકાસશીલ અર્થતંત્ર છે અને એની આયાતનું બિલ ફક્ત વધશે. તેથી એને નિકાસ અને રોકાણ દ્વારા ધિરાણ આપવાની જરૂર છે. આપણે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) લાવવાના આપણા પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે.’
દિલ્હીમાં CII સમિટમાં પત્રકારો સાથે વાત કરતાં વી. અનંત નાગેશ્વરને કહ્યું હતું કે ‘મને એની ચિંતા નથી. વર્તમાન અવમૂલ્યનથી ફુગાવાના દબાણમાં વધારો થયો નથી કે ભારતના નિકાસ-વેગમાં કોઈ નબળાઈ આવી નથી. હાલમાં એ આપણી નિકાસ કે ફુગાવાને નુકસાન પહોંચાડતો નથી. અવમૂલ્યનનો સમય અર્થતંત્ર માટે ખરાબ નથી. જો રૂપિયાનું હમણાં જ અવમૂલ્યન કરવું પડે તો કદાચ એ યોગ્ય સમય છે.’


