વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણના પગલે જેમ્સ-જ્વેલરી, ટૂર-ટ્રાવેલ, ઍરલાઇન્સ, ખાતર, હોટેલ-રિસૉર્ટ્સ જેવાં સેક્ટરના શૅરોમાં માનસ ખરડાયું : બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ માઇનસ ઝોનમાં, હેલ્થકૅર ફાર્મા ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલ સાથે અડધો ટકો પ્લસ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- સ્વિગીની ત્રિમાસિક ખોટ ૧૦૮૧ કરોડથી ઘટીને ૮૦૦ કરોડ થઈ, શૅર પાંચ ગણા વૉલ્યુમે ૬ ટકા ખરડાયો
- એશિયન બજારો બહુધા સુધારામાં, જપાન, સાઉથ કોરિયા અને ચાઇના ખાતે નવી ઊંચી ટૉપ
- સેન્સેક્સ ૧૩૧૩ પૉઇન્ટ, માર્કેટકૅપ ૬.૧૬ લાખ કરોડ ડાઉન થયું
મધ્યપૂર્વમાં શાંતિ-સમજૂતી નજીકમાં હોવાના અહેવાલ હાલની તારીખે ગતકડાં પુરવાર થયા છે. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ આકાર લઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ સાડાત્રણ ટકા વધીને ૧૦૫ ડૉલરે આવી ગયું છે. મજાની વાત એ છે કે આ ભાવ કેવળ જોવા કે બોલવા માટેનો છે. હકીકતમાં તમારે ક્રૂડ લેવું હોય તો ૧૩૫-૧૪૦ ડૉલર કમસે કમ ચૂકવવા પડે છે. મોટા ભાગનાં એશિયન બજારોએ નવા સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરી છે. સાઉથ કોરિયા આગઝરતી તેજીમાં ૭૮૯૯ની નવી વિક્રમી સપાટી બનાવી સવાચાર ટકા ઊછળી ૭૮૯૯ની નવી વિક્રમી સપાટી બનાવી સવાચાર ટકા ઊછળી ૭૮૨૨ થયું છે. ચાઇનીઝ શૅરબજાર ૪૨૭૭ની ૨૦૧૫ની ૧ જુલાઈ પછીની ટૉપ હાંસલ કરી એક ટકો વધીને બંધ હતું. જપાન ૬૩,૩૮૫ની લાઇફ ટાઇમ હાઈ બનાવી ૦.૪ ટકાની પીછેહઠમાં ૬૨,૪૭૯ હતું. તાઇવાન તથા સિંગાપોર અડધા ટકા આસપાસ, હૉન્ગકૉન્ગ નહીંવત્ પ્લસ હતું. ઇન્ડોનેશિયા પોણો ટકો તો થાઇલૅન્ડ અડધો ટકો ઘટ્યું છે. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી સાધારણ સુધારામાં તો અન્ય બજારો સામાન્યથી લઈને પોણો ટકો નરમ હતા. ડૉલર સામે રૂપિયો ૯૪.૪૮ના આગલા બંધ સામે ગગડીને નીચામાં ૯૫.૨૮ થઈ ૯૫.૧૯ ચાલતો હતો. બિટકૉઇન ૮૨,૨૦૦ ડૉલર પરથી ૮૦,૭૩૩ ડૉલરે આવ્યો છે.
ઘરઆંગણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની, પેટ્રોલ-ડીઝલ-ખાદ્ય તેલો તથા ખાતરનો વપરાશ ઓછો કરવાની, વિદેશપ્રવાસ ટાળવાની સલાહ આપી છે. મતલબ કે લોકોએ દેશ માટે ત્યાગ કરવા તૈયાર થઈ જવાનું છે. તેમની સરકાર દેશ માટે કયો ત્યાગ કરશે એ કહ્યું નથી. અર્થાત્ રાજકારણીઓના ખૂની ભપકા ચાલુ રહેવાના છે. એનીવે, પરંતુ વડા પ્રધાનની શિખામણ પાછળ આવનારી કાલ કપરી હશે એનો સંકેત છે. શૅરબજાર મૂડલેસ બન્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૯૦ પૉઇન્ટ ઘટીને ૭૬,૬૩૮ ખૂલી ૧૩૧૩ પૉઇન્ટ તૂટીને ૭૬,૦૧૫ તથા નિફ્ટી ૩૬૦ પૉઇન્ટ ગગડીને ૨૩,૮૧૬ બંધ થયો છે. બજાર ઉપરમાં ૭૬,૬૭૮ અને નીચામાં ૭૫,૯૫૭ થયું હતું. માર્કેટ કૅપ ૬.૧૬ લાખ કરોડ ઘટીને ૪૬૭.૩૧ લાખ કરોડ રહ્યું છે.
ADVERTISEMENT
જ્વેલરી અને શૅરની ચમક ખાસ્સી ઝંખવાઈ છે. ટાઇટન ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૪૧૫૧ બતાવી ૬.૮ ટકા કે ૩૦૮ રૂપિયા તૂટી ૪૨૦૫ બંધમાં સેન્સેક્સ નિફ્ટીમાં ટૉપ લૂઝર બની છે. કલ્યાણ જ્વેલર્સ સવાનવ ટકા, સેન્કો ગોલ્ડ પોણાઆઠ ટકા, PN ગાડગીળ જ્વેલર્સ ૮.૫ ટકા, મનોજ વૈભવ જેમ્સ-જ્વેલરી ૭.૫ ટકા, TBZ ૯ ટકા, સ્કાય ગોલ્ડ ૬.૬ ટકા, બ્લુસ્ટોન ૬.૭ ટકા, એશિયન સ્ટાર ૧૧ ટકા, થંગમયિલ જ્વેલર્સ ૫.૮ ટકા, ગોલ્ડિયમ ઇન્ટર પાંચ ટકા, રાધિકા જ્વેલ સવાછ ટકા, DP આભૂષણ ૬ ટકા ખરડાઈ છે. ટૂર-ટ્રાવેલ રિલેટેડ શૅરમાં થૉમસ કુક ૪.૧ ટકા TBO ટેક ૩.૮ ટકા, યાત્રા ઑનલાઇન ૪.૬ ટકા, ઈઝી ટ્રિપ પ્લાનર્સ સવાત્રણ ટકા, IRCTC દોઢ ટકો, LGT બિઝનેસ પાંચ ટકા ડૂલ થઈ હતી. ખાતર ઉદ્યોગના ૨૧માંથી ૧૭ શૅર ડાઉન હતા. ઍરલાઇન્સમાં ઇન્ડિગો ૪.૭ ટકા કે ૨૧૨ રૂપિયા ગગડી છે. સ્પાઇસ જેટ પોણાપાંચ ટકા ડાઉન થઈ છે.
બ્લુડાર્ટ નફામાં ઘટાડા પાછળ ૪૨૦ રૂપિયા ખરડાયો
બ્લુડાર્ટની ત્રિમાસિક આવક સવાઆઠ ટકા વધીને ૧૫૩૩ કરોડ તથા નેટ નફો ૧૧.૫ ટકા ઘટીને ૪૯ કરોડ થયો છે. શૅરદીઠ ૨૫નું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર નીચામાં ૫૨૦૮ થઈ સાડાસાત ટકા તૂટી ૫૨૫૯ બંધ થયો છે. ઉત્કર્ષ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સાડાઆઠ ટકા ઘટી ૩૭૬ કરોડ થતાં બૅન્ક ૨૯૭ લાખના નફામાંથી ૧૮૮ કરોડની નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર નીચામાં ૧૪ બતાવી ૮ ટકા તૂટીને ૧૪.૨૮ હતો. કેવલ કરિણ ક્લોધિંગ્સની આવક ૧૨.૫ ટકા વધીને ૩૨૪ કરોડ થઈ છે. નફો ૬.૪ ટકાના દરે વધીને ૩૧ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૪૯૫ થઈ અઢી ટકા ઘટીને ૪૭૮ હતો. મેડિ અસિસ્ટ હેલ્થકૅરની આવક ૨૮.૨ ટકા વધીને ૨૪૨ કરોડ તથા નફો ૨૧ કરોડથી ઊછળી ૫૩.૪ કરોડ જોવા મળ્યો છે. શૅર ઉપરમાં ૩૯૫ બતાવીને બે ટકા સુધરી ૩૮૪ થયો છે.
ઍટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સે ૮૧.૭ ટકાના વધારામાં ૭૪૭ કરોડ પ્લસની આવક પર મલ્ટીકોલ્ડ રાઇસમાં ૪૪.૭ કરોડ સામે ૧૦૨ કરોડથી વધુનો નેટ નફો હાંસલ કર્યો છે. શૅર ઉપર ૧૭૧૭ દેખાડીને પાંચ ટકા ઉપલી સર્કિટે ત્યાં જ રહ્યો છે. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સની ત્રિમાસિક આવક પોણાસોળ ટકા વધીને ૧૪૬૭ કરોડ થઈ છે. સામે નેટ નફો ૩૨ કરોડથી ઊછળી ૧૩૫ કરોડ વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૧૭૮ થઈ નહીંવત્ વધીને ૧૬૭ બંધ હતો. ઍડ્વાન્સ્ડ એન્ઝિમ તરફથી ૨૧.૬ ટકા વધારામાં ૨૦૩ કરોડ આવક પર ૬૨ ટકા વૃદ્ધિદરથી ૪૩ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ૪૨૦ની દોઢ વર્ષની ટૉપ બતાવીને ૯.૨ ટકા ઊછળી ૩૯૦ બંધ આવ્યો છે.
સાસ્કેન ટેક્નૉલૉજીઝ પરિણામ પાછળ ૨૦ ટકાની તેજીમાં જોવા મળ્યો
બિરલા કૉર્પની આવક પોણો ટકો વધીને ૨૮૩૬ કરોડ થઈ છે. નેટ નફો ૧૫ ટકા વધીને ૨૯૫ કરોડ રહ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાન ગાળામાં ૩૮ કરોડનો વન-ટાઇમ ગેઇન કર્યો હતો. આ વેળા ૨૮ કરોડની વન-ટાઇમ લૉસ કરી છે. શૅર ઉપરમાં ૧૧૦૩ થઈ ૭.૨ ટકા વધીને ૧૦૬૬ થયો છે. લૉયડ્સ એન્ટરપ્રાઇઝિસે ૫૦.૧ ટકા વધારામાં કુલ ૭૯૦ કરોડની આવક પર ૩૨૧૩ ટકા વધારામાં ૬૦૩૧ લાખ ત્રિમાસિક નફો મેળવ્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૭૪ બતાવી ૦.૭ ટકા ઘટીને ૭૧ બંધ થયો છે. સાસ્કેન ટેક્નૉલૉજીઝે ૧૨૬ ટકા જેવા વધારામાં ૩૩૪ કરોડની વેચાણ આવક પર ૧૪૫ ટકા નજીકના વૃદ્ધિદરથી ૨૭ કરોડ જેવો નફો હાંસલ કર્યો છે. ભાવ ઉપરમાં ૧૬૩૪ થઈ ૨૦ ટકા ઉપલી સર્કિટે ત્યાં જ રહ્યો છે.
MCX ટેક્નૉલૉજીઝની કુલ ત્રિમાસિક આવક ૧૮૯ ટકાના વધારામાં ૯૨૫ કરોડ થઈ છે. નેટ નફો ૨૯૧ ટકાના તગડા વધારામાં ૫૩૦ કરોડ નોંધાયો છે. શૅરદીઠ ૮નું ડિવિડન્ડ જાહેર થયું છે. ભાવ ગઈ કાલે ૩૨૨૦નું નવું શિખર હાંસલ કરી ત્રણેક ટકા વધીને ૩૧૮૮ બંધ થયો છે. શૅર વર્ષ પૂર્વે ૯ મેએ ૧૧૨૦ હતો. આ ધોરણે એમાં ૧૫૮ ટકાનું રિટર્ન એક વર્ષમાં છૂટ્યું છે. બાય ધ વે BSE લિમિટેડ ગઈ કાલે ઉપરમાં ૩૯૪૫ બતાવી નહીંવત્ સુધારામાં ૩૯૧૮ રહી છે. બૅન્ક ઑફ ઇન્ડિયાની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ માર્ચ ક્વૉર્ટરમાં ૧૧ ટકા વધીને ૬૭૩૦ કરોડ થઈ છે. નેટ નફો ૧૫ ટકા વધીને ૩૦૧૬ કરોડ આવ્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૬ બતાવીને ત્રણ ટકા વધી ૧૪૪ બંધ થયો હતો.
તાતા કન્ઝ્યુમર નવી ટોચે જઈ નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બની
નવી દિલ્હીની વૅલ્યુ ૩૬૦ કમ્યુનિકેશન્સ ૧૦ના શૅરદીઠ ૯૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૭૮ ખૂલી ૮૨ પર બંધ થતાં ૧૬ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. રીકોડ સ્ટુડિયોઝનો SME IPO આજે ૧૨મીએ લિસ્ટેડ થશે. ૪૩વાળું પ્રીમિયમ વધીને હાલમાં ૪૮ બોલાય છે. અંધેરી-વેસ્ટની સિમ્કા ઍડ્વર્ટાઇઝિંગનો ૧૦ના શૅરદીઠ ૧૮૩ની અપરબૅન્ડ સાથે ૫૮ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૩.૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૦ જેવું ચાલે છે.
અમદાવાદની એપ્ટસ ફાર્મા બે શૅરદીઠ ત્રણ બોનસમાં મંગળવારે આજે એક્સ-બોનસ થવાની છે. ભાવ ઉપરમાં ૪૩૧ થઈ ૧.૪ ટકા વધી ત્યાં જ બંધ થયો છે. ભાવનગરની દેવ લૅબટેક ૧૫ મેએ શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૨૫ નજીકનો ભાવ બતાવીને નજીવી સુધરી ૧૨૪ હતો. કંપની માર્ચ ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૫૧ના ભાવે ૧૧૨૨ લાખનો BSE SME ઇશ્યુ લાવી હતી. ૨૦૨૪ની ૨૨ એપ્રિલે ભાવ ૧૩૭ નજીક વિક્રમી સપાટીએ ગયો હતો.
રિલાયન્સ નીચામાં ૧૩૮૨ થઈ ૩.૩ ટકા ગગડીને ૧૩૮૮ બંધમાં બજારને ૨૭૨ પૉઇન્ટ નડી છે. જિયો ફાઇનૅન્શિયલ સાડાત્રણ ટકા ડૂલ થઈ હતી. તાતા કન્ઝ્યુમરનો નફો ૨૧.૫ ટકા વધીને ૪૧૯ કરોડ વટાવી ગયો છે. શૅરદીઠ ૧૦નું ડિવિડન્ડ જાહેર થયું છે. એમાં ભાવ ૧૨૭૯ની ઑલટાઇમ ટૉપ બનાવીને ૮ ટકાની તેજીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. મૅક્સ હેલ્થકૅર અઢી ટકા, કોલ ઇન્ડિયા ૧.૮ ટકા, સનફાર્મા ૧.૩ ટકા વધી છે. સ્ટેટ બૅન્ક સાડાચાર ટકા, એટર્નલ ચાર ટકા, ભારતી ઍરટેલ ૪.૨ ટકા ડૂલ થઈ છે. સ્વિગીની આવક ૪૫ ટકા વધી છે. નેટ લૉસ ૧૦૮૧ કરોડથી ઘટીને ૮૦૦ કરોડ થઈ છે. શૅર ૬.૧ ટકા તૂટીને ૨૬૪ બંધ હતો.
ગુજરાતના હિંમતનગરની RFBL ફ્લેક્સી પૅક આજે મૂડીબજારમાં
ગુજરાતના હિંમતનગર ખાતેની RFBL ફ્લેક્સી પૅક ૧૦ના શૅરદીઠ ૫૦ની અપરબૅન્ડમાં કુલ ૩૫ કરોડ રૂપિયાનો NSE SME ઇશ્યુ આજે મંગળવારે કરવાની છે. જુલાઈ ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની પ્રિન્ટેડ મલ્ટીલિયર ફ્લેક્સિબલ પૅકેજિંગ મટીરિયલનું ઉત્પાદન તેમ જ ટ્રેડિંગ કરે છે. ૨૦૨૪-’૨૫ના વર્ષે ૬૯.૪ ટકા વધારામાં ૧૩,૬૪૬ લાખની આવક પર ૪૩.૯ ટકા વૃદ્ધિદરમાં ૮૩૩ લાખ નેટ નફો બતાવ્યા પછી કંપનીએ ગયા વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૬૯૬૬ લાખની આવક પર ૩૮૪ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું માર્ચ ૨૦૨૪ના અંતે ૫૨૩ લાખ હતું એ વધીને દોઢ વર્ષમાં ૧૭૫૧ લાખ વટાવી ગયું છે. કંપનીની હાલની ક્ષમતા વપરાશ બાવન ટકા જેવી જ છે છતાં એ હાલની વાર્ષિક ૫૦૪૦ મેટ્રિક ટનની ક્ષમતા સામે નવી ૫૮૪૦ મેટ્રિક ટનની ક્ષમતા ઊભી કરી રહી છે એની નવાઈ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ૧.૦૮ રૂપિયા છે. ઇશ્યુ પ્રાઇસ ૨૦.૨૫ જેવો ઊંચો PE બતાવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.
બીજી કંપની નાગપુરની ગોલ્ડલાઇન ફાર્માસ્યુટિકલ્સ ૧૦ના શૅરદીઠ ૪૩ની અપરબૅન્ડમાં આશરે ૧૨ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ આજે કરશે. કંપની ગોલ્ડલાઇન બ્રૅન્ડથી વિવિધ ફાર્મા પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. એનો ખુદનો કોઈ એકમ નથી. થર્ડ પાર્ટી પાસેથી માલ લઈ પોતાનું લેબલ લગાવીને વેચાણ કરે છે. ૨૦૨૪-’૨૫ના વર્ષે ૧૯ ટકા વધારામાં ૨૮૦૬ લાખની આવક તથા ૫૬.૪ ટકા વધારામાં ૨૮૩ લાખ નફો કર્યા પછી કંપનીએ ગયા વર્ષે ૯ મહિનામાં ૨૧૪૧ લાખની આવક પર ૨૨૨ લાખ રૂપિયાનો નફો બતાવ્યો છે. દેવું ૯૪૭ લાખ છે. દેવું ૯૪૭ લાખ છે. ઇશ્યુની સાઇઝ ૧૧૬૧ લાખ છે એમાં QIB પોર્શન ૫૦ ટકા, રીટેલ માટે ૩૫ ટકા છે. આટલા નાના ઇશ્યુમાં ૫૦ ટકા QIB પોર્શન જોઈ રમૂજ થાય છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૮થી શરૂ થઈ હાલમાં ૧૬ ચાલે છે.
