ટોલનાકા પર ઑનલાઇન પેમેન્ટ કર્યું એને લીધે પકડાઈ ગયા શાર્પશૂટરો
ચંદ્રનાથ રથ
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની સનસનીખેજ હત્યાના કેસમાં પોલીસે આંતરરાજ્ય ગૅન્ગના ૩ શાર્પ શૂટરોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ વિશાલ શ્રીવાસ્તવ, રાજ સિંહ અને મયંક તરીકે થઈ છે. આ ધરપકડ ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ વિસ્તારોમાંથી કરવામાં આવી છે.
તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે હત્યા કર્યા બાદ ભાગી રહેલા હુમલાખોરોએ કલકત્તા નજીક બાલી ટોલબૂથ પર ડિજિટલ પેમેન્ટ (UPI) કર્યું હતું. આ ટ્રાન્ઝૅક્શન દ્વારા પોલીસને હુમલાખોરોની ઓળખ અને તેમનું લોકેશન મેળવવામાં મોટી મદદ મળી હતી. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV કૅમેરાનાં ફુટેજના આધારે શૂટરોનો પીછો કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ એક પ્રી-પ્લાન્ડ મર્ડર હતું. હુમલાખોરોએ સિલિગુડીના રહેવાસીની નકલી નંબરપ્લેટવાળી કારનો ઉપયોગ કર્યો હતો જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. પકડાયેલો વિશાલ બિહારના બક્સરનો છે, જ્યારે અન્ય બે આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે.
ADVERTISEMENT
આજે ત્રણેય શૂટરોને બારાસત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વ્યાવસાયિક શૂટરોને સોપારી કોણે આપી હતી અને આ હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે.
