NSE લિમિટેડ નવા વર્સ્ટ લેવલે જઈ ઘટાડે બંધ, BSE લિમિટેડ ૧૩૭ રૂપિયા કે ૪.૪ ટકા મજબૂત: નવા સૂત્રધારની વરણીમાં HDFC બૅન્ક પ્રારંભિક મજબૂતી દાખવી બે ટકા ડૂલ થઈ : વિશાલ નિર્મિતિ અને નિત્યાસ જેમ્સનાં ભરણાં પૂરાં થતાં પ્રીમિયમ લગભગ ગાયબ થવાની તૈયારીમાં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- પૉલિસી બાઝાર નવા મલ્ટિયર તળિયે જઈને ઘટાડે બંધ
- ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ વૉલ્યુમ સાથે ૨૩૭ રૂપિયા ડૂલ
- V-2 રીટેલ ૧૩ મહિનાના તળિયે જઈ સાડાસોળ ટકા સાફ થઈ
સેન્સેક્સમાં સળંગ ૪ દિવસ અને નિફ્ટીમાં સતત ૬ દિવસની ખરાબી બાદ સોમવારે માર્કેટ પૉઝિટિવ ઝોનમાં બંધ થયું છે. સેન્સેક્સ ૪૭૩ પૉઇન્ટ વધી ૭૨,૩૮૨ તથા નિફ્ટી ૧૩૪ પૉઇન્ટ વધીને ૨૨,૫૫૬ થયો છે. શૅરઆંક આગલા બંધથી ૪૩૧ પૉઇન્ટ પ્લસ, ૭૨,૩૪૧ ખૂલી ગઈ કાલે ઉપરમાં ૭૨,૬૩૨ થયો ત્યારે ચૅનલિયા વિશ્લેષકો અને ઍન્કરો બજારના બાઉન્સબૅક માટે જોરશોરથી ક્રૂડની નરમાઈનું કારણ આપતા હતા, પરંતુ બ્રેન્ટ ક્રૂડ સોમવારે ઘટવાના બદલે હળવા સુધારામાં હતું. ભાવ ઉપર ૧૦૩ ડૉલર વટાવી અડધો ટકો વધી ૧૦૨.૭૦ ડૉલર ઉપર હતો એટલે ક્રૂડની સો-કોલ્ડ નરમાઈની દલીલ જ વાહિયાત છે. હકીકતમાં માર્કેટ ગઈ કાલનો સુધારો એક પ્રકારનું ટેક્નિકલ રીઍક્શન માત્ર છે. બજાર વધુ બગડવા માટે ગઈ કાલે સુધર્યું હોય એમ અમને લાગે છે, કારણ કે ગઈ કાલે શૅરઆંક ઉપરમાં ૭૨,૬૩૨ થયો હતો એ ત્યાંથી ખરડાઈ નીચામાં ૭૧,૮૪૦ પણ થઈ ગયો હતો. મતલબ કે ૭૨૨ પૉઇન્ટ વધેલું બજાર ત્યાંથી ૭૯૨ પૉઇન્ટ બગડ્યું હતું. ડૉલર સામે રૂપિયો વધુ નજીવો ઘટી ૯૬.૨૯ થયો છે. ગઈ કાલે એશિયા ખાતે સાઉથ કોરિયા રજામાં હતું. હૉન્ગકૉન્ગ નામપૂરતું ઘટ્યું હતું. અન્યથા જપાન ૨.૩ ટકા, તાઇવાન અઢી ટકા, ઇન્ડોનેશિયા ૧.૩ ટકા, સિંગાપોર અડધો ટકો, ચાઇના અને થાઇલૅન્ડ સાધારણ પ્લસ હતાં. યુરોપ ખાતે ફ્રાન્સ રનિંગમાં એકાદ ટકો ડાઉન હતું. અન્યત્ર સાધારણ સુધારો હતો. ઘરઆંગણે માર્કેટકૅપ ૨.૧૨ લાખ કરોડ વધી ૪૬૯.૦૮ લાખ કરોડ થયું છે. માર્કેટ બ્રેડ્થ નેગટિવ બાયસમાં હતી. NSEમાં વધેલા ૧૭૪૫ શૅર સામે ૧૮૪૪ જાતો ઘટી છે.
ITC સેન્સેક્સમાં ૪.૫ ટકા વધી ૨૬૮ તથા નિફ્ટીમાં ૫.૧ ટકા ઊચકાઈ ૨૬૯ના બંધમાં ટૉપ ગેઇનર બની છે. અન્યમાં સેન્સેક્સ ખાતે એટર્નલ અઢી ટકા, ભારતી ઍરટેલ ૨.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૩ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૧ ટકા તો નિફ્ટી ખાતે તાતા મોટર્સ પૅસેન્જર ૩.૩ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૨.૮ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૩ ટકા અને ભારતી ઍરટેલ ૨.૨ ટકા વધીને સુધારામાં મોખરે હતી. ICICI બૅન્ક ૨.૧ ટકા વધીને ૧૩૩૩ના બંધમાં બજારને ૧૬૬ પૉઇન્ટ તો રિલાયન્સ પોણાબે ટકા વધી ૧૧૮૬ના બંધમાં ૧૧૨ પૉઇન્ટ ફળી છે. આ બન્ને શૅર નિફ્ટીમાં ૧.૬ ટકા જેવા જ પ્લસ હતા. TCSનાં રિઝલ્ટ ૮મીએ છે. આ શૅર સેન્સેક્સમાં ૧.૪ ટકા વધી ૨૧૦૮ તો નિફ્ટીમાં ૧.૯ ટકા વધી ૨૧૧૪ બંધ થયો છે. HCL ટેક્નૉલૉઝિસ ૩.૭ ટકાના ઘટાડે ૧૨૦૦ તો નિફ્ટીમાં ૩.૪ ટકા ઘટી ૧૨૦૨ના બંધમાં ટૉપ લુઝર બન્યો છે. મૅક્સ હેલ્થકૅર અઢી ટકા, HDFC બૅન્ક ૨.૩ ટકા (સેન્સેક્સમાં બે ટકા), અપોલો હૉસ્પિટલ્સ ૧.૮ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકા (સેન્સેક્સમાં ૧.૪ ટકા), સનફાર્મા દોઢ ટકો, ઇન્ફી દોઢ ટકો ઘટી છે. વિપ્રો ૧.૭ ટકા વધી ૧૬૨ વટાવી ગઈ છે. રિઝલ્ટ ૧૫મીએ છે.
ADVERTISEMENT
રિઝર્વ બૅન્કની નાણાનીતિની સમીક્ષા માટે ૩ દિવસની બેઠક શરૂ થઈ ગઈ છે. ૭મીએ આઉટકમ છે. એમાં રેપોરેટ ૦.૨૫ ટકા વધવાના વરતારા વધી પડ્યા છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૧ શૅરના સુધારે અડધો ટકો તો PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની હૂંફમાં એકાદ ટકો વધ્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૧૨ શૅર માઇનસ હતા. બંધન બૅન્ક પોણાચાર ટકા ડૂલ થઈ હતી. સામે AU બૅન્ક, જનાસ્મૉલ બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, IOB, બૅન્ક ઑફ ઇન્ડિયા, ફેડરલ બૅન્ક ૩થી ૪ ટકા નજીક મજબૂત હતી.
મુંબઈની પીએચ કૅપિટલ શૅરદીઠ ૧૦ બોનસમાં આજે બોનસ બાદ થશે
ભોપાલની GTV એન્જિનિયરિંગ એક શૅરદીઠ બે બોનસમાં બુધવારે એક્સ બોનસ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપર ૭૧.૭૫ થઈ બે ટકા વધી ૬૯ હતો. ફેસવૅલ્યુ બેની છે. મુંબઈના લોઅર પરેલની ફિકૉમ ઑર્ગેનિક્સની પ્રમોટર કંપની પીએચ કૅપિટલ તરફ એક શૅરદીઠ ૧૦ શૅરનું બોનસ જાહેર થયેલું છે. ભાવ બુધવારે બોનસ બાદ થશે. શૅર હાલ BSE ખાતે પિરીઓડીક કૉલ ઑક્શનના લિસ્ટમાં છે. શૅર ગઈ કાલે ઉપર ૧૩૫૫ની ટોચે જઈ દોઢ ટકા વધી ૧૩૫૫ બંધ દેખાયો છે. નવી દિલ્હીની BLS ઈ-સર્વિસીસ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ઉપર ૩૨૮ થઈ નજીવો ઘટીને ૩૨૨ હતો.
BSE લિમિટેડ ગઈ કાલે નીચામાં ૩૦૩૬ બતાવી ૪.૪ ટકા વધી ૩૧૭૯ તો NSE લિમિટેડ ઉપરમાં ૧૭૫૦ થયા બાદ ૧૭૧૨ના વર્સ્ટ લેવલે જઈ એક ટકો ઘટી ૧૭૨૩ રહી છે. જેફરીઝ દ્વારા ૧૮૯૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ જારી થતાં એલજી ઇલેક્ટ્રૉનિક્સ ચાર ગણા વૉલ્યુમે ૧૮૨૫ના બેસ્ટ લેવલે જઈ ૨.૯ ટકા ઊચકાઈ ૧૭૬૮ બંધ આવી છે. પૉલિસી બાઝાર ફેમ પીબી ફિનટેક ગઈ કાલે ૯૪૫ની ૩૨ માસની નવી બૉટમ નોંધાવી દોઢા કામકાજે બાઉન્સબૅકમાં ૧૦૦૬ વટાવી સાધારણ ઘટી ૯૮૦ થઈ છે. V-2 રીટેલ દ્વારા બિઝનેસ અપ-ડેટમાં સ્ટૅન્ડ અલોન ધોરણે ૨૮ ટકા વધારામાં ૯૦૫ કરોડની આવક દર્શાવાઈ છે. આમ છતાં શૅર ૩૬ ગણા કામકાજે ૧૬૨ની ૧૩ મહિનાની નીચી સપાટી બનાવી ૧૬.૫ ટકા ખરડાઈ ૧૬૮ થયો છે. રીટેલિંગમાં ડી-માર્ટ ફેમ એવન્યુ સુપરમાર્ટ્સ ૯ ગણા વૉલ્યુમે નીચામાં ૩૫૫૦ થઈ સવાછ ટકા કે ૨૩૭ રૂપિયા લથડી ૩૫૭૩ હતી. તાજેતર લિસ્ટેડ થયેલી હીરો મોટર્સ ૧૭૯ની વિક્રમી સપાટી બતાવી એક ટકા સુધરી ૧૬૯ રહી છે. લિસ્ટિંગ બાદ ઉપલી સર્કિટનો સિલસિલો જાળવી રાખતાં જિંદલ સુપ્રીમ ૧૮૦ના નવા શિખરે જઈ પાંચ ટકા ઊછળી ૧૮૦ હતી. નાયકા ૨૭ ગણા કામકાજે ઉપર ૩૪૪ થઈ ૫.૫ ટકા વધી ૩૪૧ થઈ છે.
શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા સાડાચૌદ ગણા કામકાજે ૨૯૨ વટાવી પોણાનવ ટકા ઊછળી ૨૯૦ પ્લસ બંધ આવી છે. રેમન્ડ બુલરન જાળવી રાખતાં ૧૩૧૨ નજીક નવી મલ્ટિયર ટૉપ બતાવી ૯.૪ ટકા કે ૧૧૨ની તેજીમાં ૧૩૦૪ થઈ છે. ૩૦ માર્ચના રોજ ચાલુ વર્ષે ભાવ ૩૨૦ના તળિયે હતો. DCM શ્રીરામ ૯ ગણા કામકાજે ઉપર ૧૦૮૫ થઈ સાડાસોળ ટકાના જમ્પમાં ૧૦૫૩ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. પરાગ મિલ્ક સરેરાશ કરતાં ૩૩ ટકા વૉલ્યુમે ૭.૪ ટકા ઊચકાઈ ૨૮૩ વટાવી ગઈ છે. નુવામા વેલ્થ ૨૧ ગણા વૉલ્યુમે ૧૮૬૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાતેક ટકા કે ૧૧૮ રૂપિયા વધી ૧૮૨૧ બંધ આવી છે. ટેક્સમાકો રેલ સવાસાત ટકા ગગડી ૧૧૭ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે.
સ્નૅપડીલમાં ૨૦ ટકા લિસ્ટિંગ લૉસ તો ઓરિયન્ટ કેબલ્સમાં ૪૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે નવાં ૮ IPO લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડમાં મુંબઈની રુણવાલ એન્ટરપ્રાઇઝિસ બેના શૅરદીઠ ૩૦૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૮થી શરૂ થઈ ઉપરમાં ૩૭ બોલાયેલું પ્રીમિયમ ગગડી પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ફેરવાયા પછી છેલ્લે ચાલતા ઝીરોના રેટ સામે ગઈ કાલે ૩૦૬ ખૂલી ૩૦૫ નીચે બંધ રહેતાં નજીવી લિસ્ટિંગ લૉસ મળી છે. અમદાવાદી જર્મન ગ્રીન સ્ટીલ ૧૦ના શૅરદીઠ ૧૩૯ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૫થી શરૂ થઈ ઉપર ૨૯ બતાવી છેલ્લે બોલાતા સાડાનવના પ્રીમિયમ સામે ૧૪૩ ખૂલી ૧૨૮ બંધ આવતાં ૭.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. નવી દિલ્હીની ઓરિયન્ટ કેબલ્સ એકના શૅરદીઠ ૨૭૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૪થી શરૂ થઈ ઉપર ૧૨૩ બતાવી અંતે ચાલતા ૧૧૦ના પ્રીમિયમ સામે ૪૪૮ ખૂલી ૪૦૩ બંધ થતાં ૪૮.૩ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. સ્નૅપડિલવાળી સતત ખોટ કરતી એઇસવેક્ટર એકના શૅરદીઠ ૩૨ની ઇશ્યુ પ્રાઇસ તથા બેથી શરૂ થઈ છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૨૮ ખૂલી ૨૬ અંદર બંધ આવતાં ૨૦ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.
SME સેગમેન્ટમાં કલકત્તાની બેન્ચમાર્ક ઇન્ફોટેક ૧૦ના શૅરદીઠ ૧૧૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૨થી શરૂ થઈ ઝીરો થયા બાદ ઉપરમાં ૨૯ બતાવી છેલ્લે બોલાતા ૧૫ના પ્રીમિયમ સામે NSEમાં ૧૧૦ ખૂલી ૧૧૫ બંધ રહેતાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતેની સાંઈ ઊર્જા ઇન્ડોવેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૧૧૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૮થી શરૂ થઈ ઉપર ૩૨ ખૂલી ૧૪૦ બંધ રહેતાં ૨૪.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જયપુરની દુદાણી રીટેલ ૧૦ના શૅરદીઠ ૨૯ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૩થી શરૂ થઈ ૫૦ પૈસા થયેલા પ્રીમિયમ સામે BSEમાં ૨૫ ખૂલી ૨૫ બંધ રહેતાં ૧૩.૮ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. પંચકુલા (હરિયાણા) ખાતેની હિમાલયન સોલર ૧૦ના શૅરદીઠ ૧૦૩ની ઇશ્યુ પ્રાઇસ તથા પહેલેથી ચાલતા ઝીરો પ્રીમિયમ સામે NSEમાં ૮૫ ખૂલીને ૮૫ નીચે બંધ થતાં એમાં ૧૭.૭ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.
દરમ્યાન આગલા દિવસે મેઇન બોર્ડમાં ૫૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૫૩ બંધ થયેલી મનીવ્યુ લિમિટેડ ગઈ કાલે પાંચ ટકા તૂટી ૫૧ તથા સવાબે ટકા જેવા લિસ્ટિંગ ગેઇન સાથે ૪૧૪ બંધ થયેલી એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા ૩૮૫નું વર્સ્ટ લેવલ નોંધાવી ૭.૬ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે. SMEમાં ૮૦ ટકાથી વધુના લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૫ બંધ રહેલી અમદાવાદી રૂપા સ્ક્રીન ગઈ કાલે ૧૧૦નું નવું બૉટમ દેખાડી ૫.૯ ટકા લિસ્ટિંગ લૉસમાં ૯૫ બંધ થઈ હતી. ગઈ કાલે એમાં કામકાજ નહોતું.
તાજેતરમાં લિસ્ટેડ થયેલાં અન્ય ભરણાંમાં ભિવંડીની એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૨૨૪નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ૨૨૪, સ્વસ્તિકા ઇન્ફ્રા પાંચ ટકાના ગાબડામાં ૨૦૫, મુંબઈના લોઅર પરેલની એલિવેટ કૅમ્પાસિસ સવાબે ટકા ઘટીને ૩૩૬ અને અમદાવાદી આર્મી ઇન્ફોટેક ૭.૭ ટકા તૂટી ૨૫૨ના તળિયે બંધ રહી છે.
આજે મંગળવારે શ્રીત ઇન્ડિયા, શાહ ઇન્વેસ્ટર્સ હોમ, એકમે યુનિવર્સલ સેફઝોન, શિવકેમ ઍગ્રો તથા પિન્દ હૉસ્પિટૅલિટી લિસ્ટિંગમાં જવાની છે. હાલમાં ગ્રેમાર્કેટ ખાતે શ્રીત ઇન્ડિયામાં ૫૪નું, શાહ ઇન્વેસ્ટર્સમાં ૧૬નું, એકમે યુનિવર્સલમાં ૧૨નું, શિવકેમ ઍગ્રોમાં દોઢનું અને પિન્દમાં ૧નું પ્રીમિયમ ચાલે છે.
જિયો પ્લૅટફૉર્મના મેગા ઇશ્યુની તારીખ અને પ્રાઇસ-બૅન્ડ નક્કી થવાનું બાકી, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ સુધરી ૧૫૧નું
પ્રાઇમરી માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી જબ્બર ધમાધમી હવે શાંત પડશે એમ લાગે છે. આજની તારીખે ચાલુ સપ્તાહે નવો કોઈ ઇશ્યુ નક્કી દેખાતો નથી. IPOની યાદીમાં હાલ તો જિયો પ્લૅટફૉર્મનું નામ છે પણ તારીખ નક્કી થવી બાકી છે. ઇશ્યુ પ્રાઇસને લઈ બજારમાં વિવિધ ધારણા ચાલે છે જે શૅરદીઠ ૧૦૫૦થી માંડીને ૧૫૫૦ રૂપિયા સુધીની છે. ઇશ્યુ સાઇઝ ૩૫,૦૦૦ કરોડ આસપાસ અંદાજાય છે. ઇશ્યુની તારીખ, પ્રાઇસ-બૅન્ડ અને સાઇઝ જાહેર થશે ત્યારે થશે, પરંતુ ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૪૮થી શરૂ થયા બાદ હાલ ૧૫૧ જેવું સંભળાય છે. ગઈ કાલે SME સેગમેન્ટમાં કલકત્તા ખાતેની આર.કે. ફૅશન ઍક્સસરીઝનો ૧૦ના શૅરદીઠ ૮૨ના ભાવનો ૩૫ કરોડનો NSE SME IPO પ્રથમ દિવસે રીટેલ સહિત કુલ ૩૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ નથી.
જે ભરણાં ચાલુ હતાં એમાંથી મેઇન બોર્ડ ખાતે સુરતની નિત્યાસ જેમ્સ પાંચના શૅરદીઠ ૭૫ના ભાવનો ૧૦૮ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૩.૮ ગણા સહિત કુલ બે ગણો તથા મુંબઈના ફોર્ટ વિસ્તારની વિશાલ નિર્મિતિનો ૧૦ના શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૧૭૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં નિત્યાસ જેમ્સમાં ૧નું અને વિશાલમાં ૪નું પ્રીમિયમ છે. SME સેગમેન્ટમાં ૭ ભરણાંનો ગઈ કાલે આખરી દિવસ હતો જેમાંથી એવરેસ્ટ IMS ટેકનૉલૉઝિસનો શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૮૪૬ લાખનો ઇશ્યુ રીટેલમાં ૨૫૫ ગણા સહિત કુલ ૨૮૭ ગણો, ઓમારા વેન્ચર્સનો શૅરદીઠ ૩૧૧ના ભાવનો ૪૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૪ ટકા સહિત કુલ ૧.૧ ગણો, સોલફેજ સ્માર્ટ ઇલેક્ટ્રૉનિક્સનો શૅરદીઠ ૫૫ના ભાવનો ૨૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ગણા સહિત કુલ ૨.૨ ગણો, SJP અલ્ટ્રાસોનિક્સનો શૅરદીઠ ૬૭ના ભાવનો ૨૩૪૫ લાખનો ઇશ્યુ રીટેલમાં ૯૮ ટકા સહિત કુલ ૧.૮ ગણો, ઇવેન્શન્સ લિમિટેડનો ૧૧૮ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૪ ગણા સહિત કુલ ૨.૪ ગણો, ડોવ સૉફ્ટનો ૧૧૧ના ભાવનો ૭૩૨૬ લાખનો ઇશ્યુ રીટેલમાં ૮૦ ટકા સહિત કુલ ૧.૪ ગણો તથા શ્રી TNB પૉલિમર્સનો શૅરદીઠ ૫૩ના ભાવનો ૩૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ગણા સહિત કુલ ૨.૭ ગણો ભરાયો છે. હાલ એવરેસ્ટમાં ૪૨ પ્રીમિયમ છે.
ત્રણ SME IPO આજે પૂરાં થવાનાં છે. અત્યાર સુધીમાં એમાંથી એકમે ઇન્ડસ્ટ્રીઝનો શૅરદીઠ ૧૯૬ના ભાવનો ૧૨૨ કરોડનો ઇશ્યુ કુલ ૩.૪ ગણો, પેરામાઉન્ટ સિન્ટેક્સનો શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૮૨ કરોડનો ઇશ્યુ કુલ દોઢ ગણો અને TNA સૉલ્યુશન્સનો શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ કુલ પોણાત્રણ ગણો ભરાઈ ચૂક્યો છે. અત્યારે એકમે ઇન્ડિયામાં ૩૦નું તથા TNA સૉલ્યુશન્સમાં ૧૦નું પ્રીમિયમ છે.
