મેઇન બેન્ચમાર્કમાં રિલાયન્સ, વિપ્રો, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલીવર, તાતા કન્ઝ્યુમર, જિયો ફાઇનૅન્શિયલ, તાતા મોટર્સ પૅસેન્જર નવા ઐતિહાસિક તળિયે જઈ ઘટાડામાં બંધ
પ્રતીકાત્મક તસવીર
મહત્ત્વનાં તમામ સપોર્ટ લેવલ તોડીને સેન્સેક્સ ૧૧૨૪ પૉઇન્ટ તથા નિફ્ટી ૩૬૦ પૉઇન્ટ ખરડાઈ સાડાછ માસના નવા તળિયે ઃ મેઇન બેન્ચમાર્કમાં રિલાયન્સ, વિપ્રો, મારુતિ સુઝુકી, હિન્દુસ્તાન યુનિલીવર, તાતા કન્ઝ્યુમર, જિયો ફાઇનૅન્શિયલ, તાતા મોટર્સ પૅસેન્જર નવા ઐતિહાસિક તળિયે જઈ ઘટાડામાં બંધ ઃ NSE લિમિટેડ બિલો-પાર થઈને નરમાઈમાં બંધ ઃ કુલ ૪૧ બૅન્ક-શૅરમાંથી માત્ર ફેડરલ બૅન્ક અને ઇસફ બૅન્ક પોણો ટકો પ્લસ, બાકી બધું લાલ ઃ PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૨ બૅન્કની ખરાબીમાં સવાત્રણ ટકા ડૂલ
બજાર બૂરાઈમાં છે, ખરું કહીએ તો બૂરાઈ વધી રહી છે. માર્કેટ આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી સોમવારે ૧૧૨૪ પૉઇન્ટ ડૂલ થયું છે. કામકાજના છેલ્લા ૩ દિવસમાં આ બીજી વખતનો હજારી ધબડકો બજારમાં નોંધાયો છે. તમામ નજીકનાં સપોર્ટ લેવલ તૂટી ગયાં છે. બજારની ખરાબી માટે ચૅનલિયા પંડિયો અને વિશ્લેષકો સાચા-ખોટા જાત-જાતના કારણ ગણાવે છે. ક્રૂડની કઠણાઈ, ડૉલર સામે ફરીથી ૯૬ થવાના આરે આવી ગયેલો રૂપિયો, ફેડરેટમાં કામે લાગેલા વૃદ્ધિ વલણ, જિયો પૉલિટિક્સ ટેન્શન, ટ્રમ્પની ટૅરિફ, ઘરઆંગણે ડિસેમ્બરના અંત સુધીમાં રેપોરેટમાં અડધો ટકો વધારો થવાના વરતારા વગેરે વગેરે... વિલન કહેવાય છે, પરંતુ અંદરખાને બધા જાણે છે છતાં કોઈ જાહેરમાં કહેવા તૈયાર નથી એવાં કારણો બજારની ખરાબીમાં સૌથી વધુ ભાગ ભજવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીની જબ્બર આયોજનપૂર્વક તૈયાર કરેલી સત્તાની ઇમારતમાં તિરાડો પડવા માંડી છે. ધૂરંધર મહાનાયક તરીકે
ઉપસાવાયેલી નરેન્દ્ર મોદીની ઇમેજ ચમક ગુમાવી રહી છે. કુબેરનો ખજાનો જમાવીને બેઠેલી મોટી વગદાર ટોળકી અત્યાર સુધી નાણાકોઠળીના જોરે બજારને તેની મરજી મુજબ રમાડતી હતી, હવે આવનારી કાલની ફિકરમાં તેની મુઠ્ઠી ટાઇટ થવા માંડી છે. બજારમાં તેના તરફથી વહેતા ભંડોળની સરવાણી સૂકાવા માંડી છે. સોશ્યલ અન-રેસ્ટ હવે પછીના સમયમાં ઓર વધવાનો છે. બજાર ક્રમશઃ વધુ બગડવાનું છે. અમને જે લાગે છે એ બહું ટૂંકમાં સંયમપૂર્વક કહી દીધું. આમાંથી શું સમજવું, કેટલું સમજવું એ તમારી સમજદારીનો વિષય છે.
સેન્સેક્સ ગઈ કાલે ૧૬૦ પૉઇન્ટ નરમ, ૭૩,૭૩૫ નીચે ખૂલી ઉપરમાં ૭૩,૭૪૧ નજીક તથા નીચામાં ૭૨,૭૧૬ બતાવી ૧૧૨૪ પૉઇન્ટ ખરડાઈ ૭૨,૭૭૨ નજીક તો નિફ્ટી ૩૬૦ પૉઇન્ટ લથડી ૨૨,૭૮૦ બંધ થયો છે. બજારનું માર્કેટકૅપ ૭.૪૨ લાખ કરોડના ધબડકામાં ૪૭૪.૪૭ લાખ કરોડ થઈ ગયું છે. સેન્સેક્સ-નિફ્ટીના દોઢ ટકાના ઘટાડા સામે રિયલ્ટી, પાવર,
ઑઇલ-ગૅસ, કૅપિટલ ગુડ્ઝ, યુટિલિટીઝ, ટેલિકૉમ, ફાઇનૅન્સ, એનર્જી, બૅન્ક નિફ્ટી, નિફ્ટી મેટલ પોણાબેથી સવાબે ટકા તો PSU બૅન્ક નિફ્ટી સવાત્રણ ટકા ડૂલ થયો છે.
સેન્સેક્સમાં એક માત્ર ઇન્ફી નામપૂરતો પ્લસ હતો. નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૭ ટકા અને ઇન્ફી સામાન્ય સુધરી હતી. બાકી બધું લાલ હતું. HDFC બૅન્ક સવાબે ટકા બગડી ૭૧૯ના બંધમાં બજારને ૨૧૮ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક ૧.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૧ ટકા, ઍક્સિસ બૅન્ક પોણો ટકો ડાઉન હતી. રિલાયન્સ સવાયા કામકાજે ૧૧૯૬ની નવેમ્બર ૨૦૨૩ પછીની બૉટમ બનાવી સવાબે ટકા બગડી ૧૧૯૮ના બંધમાં બજારને ૧૬૪ પૉઇન્ટ ભારે પડી છે. જિયો ફાઇનૅન્શિયલ ૨૧૯ની ૧૯ માસની બૉટમ બનાવી ૩ ટકા તૂટી ૨૨૦ હતી. આ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલીવર ૨.૩ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર અઢી ટકા, તાતા કન્ઝ્યુમર અઢી ટકા, વિપ્રો દોઢ ટકા, મારુતિ સુઝુકી ૦.૩ ટકા નરમ હતી. આ તમામ શૅરમાં નવા ઐતિહાસિક નીચા ભાવ ગઈ કાલે નોંધાયા છે. નિફ્ટી ખાતે તાતા મોટર્સ પૅસેન્જર ૩ ટકા, અદાણી એ–ટર ૨.૯ ટકા, જિયો ફાઇનૅન્શિયલ ૨.૯ ટકા, લાર્સન ૨.૮ ટકા, બજાજ ઑટો ૨.૩ ટકા ગગડી ઘટાડે મોખરે હતી. સેન્સેક્સમાં લાર્સન ૨.૮ ટકા, પાવર ગ્રીડ ૨.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૪ ટકા, HDFC ૨.૩ ટકા અને હિન્દુસ્તાન યુનિલીવર ૨.૩ ટકા ઘટી હતી.
ADVERTISEMENT
ગ્રીન એશિયા ઇમ્પેક્સનો SME IPO પ્રથમ તબક્કે નિષ્ફળ નીવડ્યો
ગઇ કાલે ખૂલેલા કુલ છ ભરણાંમાંથી પ્રથમ દિવસે મેઇન બોર્ડમાં બૅન્ગલોરની SRIT (શ્રીત) ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૧૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૩ ગણા સહિત કુલ ૭૮ ટકા તથા ગાંધીનગરની શાહ ઇન્વેસ્ટર્સ હોમનો ૧૦ના શૅરદીઠ ૧૬૭ના ભાવનો ૯૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં વીસેક ટકા સહિત કુલ ૨૯ ટકા ભરાયો છે. હાલ શ્રીતમાં ૩૧ અને શાહમાં ૧૨નું પ્રીમિયમ છે. SME પ્લૅટફૉર્મમાં પ્રથમ દિવસે એકમે યુનિવર્સલ સેફઝોન નાઇનનો ૧૦ના શૅરદીઠ ૭૧ના ભાવથી ૩૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૩ ટકા સહિત કુલ દસેક ટકા, પુણેની પિન્દ હૉસ્પિટલિટીનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ટકા સહિત કુલ બે ટકા, નવી દિલ્હીની શિવકેમ એગ્રોનો પાંચના શૅરદીઠ ૬૨ના ભાવથી ૧૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં દસેક ટકા સહિત કુલ ૧૧ ટકા તેમ જ સિલ્વાસાની શ્રી TNB પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૫૩ના ભાવનો ૩૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬ ટકા સહિત કુલ ૨૮ ટકા ભરાયો છે. હાલ શિવકેમમાં ૬નું પ્રીમિયમ છે.
ગઈ કાલે બીજા દિવસના અંતે મેઇન બોર્ડમાં રણવલ એન્ટરપ્રાઇઝીસનો બેના શૅરદીઠ ૩૦૫ના ભાવનો ૫૦૦ કરોડનો IPO કુલ ૬૦ ટકા, જર્મન ગ્રીન સ્ટીલનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો ૩૦૪ કરોડનો ઇશ્યુ કુલ ૪.૬ ગણો, ઓરિયેન્ટ કેબલ્સનો એકના શૅરદીઠ ૨૭૨ના ભાવનો ૫૫૨ કરોડનો ઇશ્યુ કુલ સવાસાત ગણો, સતત ખોટ કરતી સ્નેપડીલ ફેમ એઇસવેક્ટરનો એકના શૅરદીઠ ૩૨ના ભાવનો ૪૨૦ કરોડનો ઇશ્યુ કુલ ૧.૧ ગણો ભરાયો છે. અત્યારે ગ્રેમાર્કેટ ખાતે રણવલમાં ૧૧નું, એઇસવેક્ટરમાં ૧નું, જર્મન ગ્રીન સ્ટીલમાં ૨૭નું અને ઓરિયેન્ટ કેબલ્સમાં ૮૦નું પ્રીમિયમ ચાલે છે. SME સેગમેન્ટમાં સાંઈ ઊર્જા ઇન્ડોવેન્ચર્સનો શૅરદીઠ ૧૧૩ના ભાવનો ૨૫ કરોડનો ઇશ્યુ કુલ ૧૫ ટકા, હિમાલયન સોલરનો શૅરદીઠ ૧૦૩ના ભાવનો ૬૮ કરોડનો ઇશ્યુ કુલ ૬૫ ટકા, દુદાણી રીટેલનો ૧૦ના શૅરદીઠ ૨૯ના ભાવનો ૧૧ કરોડનો ઇશ્યુ કુલ ૨૭ ટકા તેમ જ બેન્ચમાર્ક ઇન્ફોટેકનો ૧૦ના શૅરદીઠ ૧૧૦ના ભાવનો ૪૨ કરોડનો ઇશ્યુ કુલ એક ગણો ભરાયો છે. અત્યારે બેન્ચમાર્કમાં ૧૯ અને દુદાણીમાં ૩નું પ્રીમિયમ છે.
કુલ પાંચ ભરણાં ગઈ કાલે પૂરાં થયાં છે. મેઇન બોર્ડમાં મનીવ્યુમાં એકના શૅરદીઠ ૩૪ના ભાવનો ૧૦૯૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં વીસેક ગણા સહિત કુલ ૮૭ ગણા તથા એ-વન સ્ટીલ્સનો ૧૦ના શૅરદીઠ ૪૦૫ના ભાવનો ૪૦૫ કરોડનો IPO રીટેલમાં ૯ ગણા સહિત કુલ ૧૧ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ મનીવ્યુમાં ૧૩નું અને એ-વન સ્ટીલ્સમાં ૩૫નું પ્રીમિયમ છે, જ્યારે SME સેગમેન્ટમાં રૂપા સ્ક્રીનનો શૅરદીઠ ૬૪ના ભાવનો ૧૯૨૦ લાખનો ઇશ્યુ રીટેલમાં ૪૪૨ ગણા સહિત કુલ ૨૨૭ ગણો, પેશ્વા વ્હીટનો શૅરદીઠ ૧૦૧ના ભાવનો ૫૩૫૨ લાખનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૨.૭ ગણો અને ગ્રીન એશિયા ઇમ્પેક્સનો શૅરદીઠ ૯૦ના ભાવનો ૬૦૧૦ લાખનો ઇશ્યુ રીટેલમાં ૧૯ ટકા સહિત કુલ ૪૨ ટકા ભરાઈ પૂર્ણ થયો છે. રૂપા સ્ક્રીનમાં પ્રીમિયમ છે. ગ્રીન એશિયા ઇમ્પેક્સનો ઇશ્યુ ફ્લૉપ ગયો છે. હવે ભરણું રદ થાય છે કે લંબાવાય છે એ જોવું રહ્યું.
SME સેગમેન્ટમાં આજે નવાં ૪ ભરણાં મૂડીબજારમાં
આજે, મંગળવારે ૪ નવાં SME IPO ખૂલશે. તમિલનાડુના સેલમ ખાતેની વેન્ચ ઇલેક્ટ્રો એન્જિનિયરિંગ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૮ની અપરબેન્ડમાં ૩૪ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપની રેલવે, મેટ્રો તથા રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ટ્રેક્શન પાવર સપ્લાય તથા ઓવરહેડ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ બનાવે છે. ગત વર્ષે ૬૮ ટકા વધારામાં ૨૩૧૯ લાખની આવક ઉપર ૨૧૨ ટકા વધારાથી ૫૩૯ લાખ નફો બતાવ્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૨૭૬ લાખ અને નફો બે લાખ હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૪૫ ચાલે છે. રાજસ્થાનના બિકાનેરની પાપડમલજી એગ્રોફુડ્સ ૧૦ના શૅરદીઠ ૭૨ની અપરબેન્ડમાં ૨૦ કરોડનો NSE SME IPO કરશે. તેમાં OFS ૧૬૬ લાખની છે. ૨૦૧૭માં સ્થાપાયેલી આ કંપની એગ્રો બેઝડ ફુડ પ્રોડક્ટસનું પ્રોસેસિંગ કરી વેચાણ કરે છે. ૨૦૨૪-૨૫માં ૨૧ ટકા વધારામાં ૩૧૭૬ કરોડ આવક ઉપર ૧૨૪ ટકા વધારામાં ૪૭૨ લાખ નફો બતાવ્યા પછી કંપનીએ ગતવર્ષે પ્રથમ ત્રણ માસમાં ૮૧૦ લાખની આવક અને ૧૮૧ લાખ નફો કર્યો છે. ત્યાર પછી સવા વર્ષે ય તે ગતવર્ષના પરિણામ આપી શકી નથી. દેવું નવ કરોડ નજીક છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. નવી દિલ્હીની બ્લેક ઓપલ કન્સલ્ટસ ૧૦ના શૅરદીઠ ૧૯૭ની અપરબેન્ડમાં ૫૫ કરોડનો BSE SME ઇશ્યુ આજે લાવશે. તેમાંથી ૧૧ કરોડ પ્રમોટર પ્રસૂન ચૌહાણ OFS મારફત ઘરભેગા કરશે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની નાના-મોટા રિયલ્ટી ડેવલપર્સના રેસિડેન્શીયલ તેમજ કોમર્શિઅલ પ્રોજેક્ટસ વેચવાનું કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો તે રીયલ્ટી બ્રોકરના ધંધામાં છે. ગત વર્ષે ૨૮ ટકા વધારામાં ૪૨૩૪ લાખ આવક ઉપર ૬ ટકા વધારામાં ૧૨૨૦ લાખ નફો કર્યો છે. દેવું ૨૦ લાખથી વધી સાડાનવ કરોડ વટાવી ગયું છે. હાલ ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. ચોથી કંપની બૅન્ગલોરની એવરેસ્ટ IMS ટેક્નૉલૉઝીસ ૧૦ના શૅરદીઠ ૮૫ની અપરબેન્ડમાં ૪૮ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. એમાં OFS ૯૪૧ લાખ છે જે મોટે ભાગે પ્રમોટર્સ લઈ જશે. ૨૦૧૭માં સ્થપાયેલી આ કંપની IT ક્ષેત્રે સૉફ્ટવેર એઝ એ સર્વિસિસ સેગમેન્ટમાં કામકાજ કરે છે. ગત વર્ષે ૧૪ ટકા વધારામાં ૬૫૯૧ લાખ આવક ઉપર સાત ટકા ઘટાડામાં ૧૩૧૪ લાખ નફો કર્યો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૩થી શરૂ થઈ હાલ ૨૦ છે.
પુણેની રોબોકિડ્સ એજ્યુવેન્ચર્સમાં ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન
ગઈ કાલે ૩ SME IPO લિસ્ટેડ થયા છે. કડીની વિવેકાનંદ કોટસ્પીન ૧૦ના શૅરદીઠ ૩૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે BSEમાં ૩૮ ખૂલી ૪૦ બંધ થતાં ૭.૮ ટકા લિસ્ટિંગ ગેઇન, અમદાવાદી FX મલ્ટિટેક શૅરદીઠ ૧૧૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ ઉપર ૬ થયા બાદ છેલ્લે ચાલતા ૬ના પ્રીમિયમ સામે BSEમાં ૧૨૩ ખૂલી ૧૨૯ બંધ રહેતાં ૧૧.૪ ટકા લિસ્ટિંગ ગેઇન તથા પુણેની રોબોકિડ્સ એજ્યુવેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૬ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૪૫થી શરૂ થઈ ઉપર ૮૨ થયા બાદ છેલ્લે બોલાતા ૮૬ના પ્રીમિયમ સામે BSEમાં ૨૦૧ ખૂલી ૨૧૧ બંધ આવતાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન એમાં મળ્યો છે.
આજે વરમોરા ગ્રેનિટો, આનંદ સીમલેસ અને હિમાલયા ન્યુટ્રાવેદિક્સનું લિસ્ટિંગ છે. અત્યારે વરમોરામાં ઝીરો, હિમાલયામાં ઝીરો અને આનંદમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે. બરોડાની એક્ઝિઓમ ગૅસ ઝીરો લિસ્ટિંગ ગેઇનમાં શુક્રવારે ૫૪ બંધ થયા પછી ગઈ કાલે ૫૧ના વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. તાજેતરમાં લિસ્ટેડ અન્ય IPOમાં હાઈ પ્રોફાઇલ NSE લિમિટેડ ગઈ કાલે ૧૭૬૧નું નવુ બૉટમ બનાવી પોણાબે ટકા ઘટી ૧૭૬૧ તો સોના સિલેક્શન ૯૭નું નવું તળિયું દેખાડી પાંચ ટકા તૂટી ૯૭ થઈ છે. સ્પેક્ટ્રા ટેક્નૉલૉજી ૨૫૫ની નવી ટૉપ નોંધાવી અડધો ટકાના સુધારામાં ૨૪૮ હતી. લિસ્ટિંગના દિવસે બિલોપાર ખુલ્યા પછી ૨૦ ટકાની ઉપલી સર્કિટની હૅટ-ટ્રિક સાથે ઑલટાઇમ હાઈ થતી ગયેલી હીરો મોટર્સ ગઈ કાલે ૧૫૬નું નવું શિખર બનાવી ૪.૮ ટકા ઘટી ૧૩૫ રહી છે. જિંદલ સુપ્રીમ ૧૪૮ની ટોચે જઈ પાંચ ટકા વધી ૧૪૮ તો એસએસ રીટેલ ઉપરમાં ૭૭૭ બનાવી પોણો ટકો સુધરીને ૭૩૩ હતી.
