શૅરબજાર-અર્થતંત્ર માટે નેગેટિવ ન્યુઝના આક્રમણ જોરમાં
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બજારનું હજારેક કે એથી વધુ પૉઇન્ટ્સ તૂટવાનું સહજ બન્યું છે. રોજેરોજના ભારે કરેક્શનમાં માર્કેટકૅપનાં મોટાં-મોટાં ગાબડાં પડી રહ્યાં છે, ફૉરેન ઇન્વેસ્ટર્સ વેચાણમાં આક્રમક રહ્યા છે, સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટર્સનો ટેકો ટૂંકો પડે છે. ચારેકોરથી બૅડ અને નેગેટિવ ન્યુઝનું આક્રમણ ચાલુ છે, રીટેલ રોકાણકારો મોસ્ટ કન્ફ્યુઝ્ડ હોવા ઉપરાંત પૅનિકમાં જવા લાગ્યા છે અને અનિશ્ચિતતાના માહોલમાં અધ્ધરતાલ પણ છે
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ ચાલુ છે કે પતી ગયું કે પછી વિસ્તરી રહ્યું છે? મિડલ ઈસ્ટના અન્ય દેશો પર પણ એના ભારે છાંટા ઊડી રહ્યા છે, આ ક્યાં જઈને અટકશે એની સ્પષ્ટતા છે કોઈને? અમેરિકા હાલ યા પછી શું કરશે કોઈ કહી શકે એમ છે? અમેરિકન ટૅરિફના નવા ફણગા ફૂટી રહ્યા હોવાના અહેવાલ ફરતા થયા છે, સતત નવી ઊંચાઈ તરફ જઈ રહેલા ક્રૂડના ભાવોનો તાલ હવે પછી શું થશે? રૂપિયા સામે ડૉલર કેવો રહેશે એનો આઇડિયા? ગૅસના ભાવ અને પુરવઠાની સમસ્યા વકરી રહી છે, રીટેલ ઇન્ફ્લેશન દર ઊંચો ગયો છે, રોજેરોજ આકાર લેતી ઘટનાઓ, ફરતા અહેવાલો અને સંકેતોમાંથી એક્ઝૅક્ટલી શું તારવવું એનો કોઈને ખ્યાલ આવતો નથી, આવતો પણ હશે તો કોઈ ચોક્કસ યા ખાતરીપૂર્વક કહી શકે એમ નથી, કારણ કે મામલો એક દેશનો નથી, મામલો સરળ યા સીમિત પણ નથી. આ લડાઈ જૂની છે અને હવે આ લડાઈમાં ઘણાં નવાં તત્ત્વો ઉમેરાતાં ગયાં છે. ગ્લોબલ સોશ્યોઇકો સિસ્ટમ નવાં સમીકરણ ખોલતી જાય છે. એવામાં શૅરબજારની દિશા વિશે ધારણા બાંધવી કઠિન બને એ સ્વાભાવિક છે.
ADVERTISEMENT
FII, DII અને નાના રોકાણકારો
એક યુદ્ધ ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) વચ્ચે પણ ચાલી રહ્યું હોવાનું લાગે છે. FII સાવચેતીપૂર્વક સિલેક્ટિવ બન્યા છે અને વેચાણમાં અગ્રેસર રહ્યા છે. DII ખરીદીનો ટેકો આપે છે, પરંતુ એનો ટેકો પણ મર્યાદિત રહે છે. આમ તો આ બન્ને વર્ગ હાલ માર્કેટ માટે વેઇટ ઍન્ડ વૉચ કરી રહ્યા છે. નાના રોકાણકારોમાં તો એવી વિચારધારા ચાલી રહી છે કે શૅરબજારથી હાલ દૂર જ રહેવું. અમુક વર્ગ તો મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓથી દૂર રહેવાનું વિચારે છે યા નીકળી જવાનું વિચારે છે, જ્યારે ખરેખર તો તેમને માટે આ સમય સિલેક્ટિવ ખરીદીનો ગણાય. જોકે યુદ્ધના મૂડ અને માહોલને જોતાં નાના રોકાણકારોને ગભરાટ થવો કે શંકા થવી સહજ છે. તો કરવું શું? બધું વેચીને બહાર નીકળી જવું? બજાર બહુ ઘટી ગયું છે એથી બેફામ ખરીદી કરવા માંડવી? SIP બંધ કરવા? નવાં રોકાણ સાવ અટકાવી દેવાં? બૅન્કોમાં FD ખોલાવવા દોડી જવું? સિનિયર સિટિઝન્સ સ્કીમમાં નાણાં મૂકવાનું પગલું ભરવું? સોનું કે ચાંદી ભેગાં કરવા માંડવું? સ્ટૉપલૉસ રાખી ટ્રેડિંગમાં સક્રિય થઈ જવું?
તો હાલ શું કરવું?
જાણકારો-અનુભવીઓ કહે છે કે હાલમાં એક નીતિ અપનાવવામાં સાર છે, હાલ કોઈ આગાહી કરવી કે માનવી નહીં, બજારના સમયથી તોલવું કે મૂલવવું નહીં, બહુ ઝડપી રીઍક્શન પણ ન આપવાં, કંઈ જ ન કરવું હોય તો પણ જે છે એ જાળવી રાખવું. માર્કેટની ભાષામાં એને સ્ટે ઇન્વેસ્ટેડ કહે છે. આપણે ગયા વખતે કરેલી ચર્ચા મુજબ માર્કેટના ઇતિહાસને યાદ કરીએ અથવા દોહરાવીએ તો યુદ્ધ હોય કે અન્ય કોઈ ક્રાઇસિસ, માર્કેટ જેટલા પ્રમાણમાં તૂટે છે એના કરતાં વધુ પ્રમાણમાં વધી જાય છે. અલબત્ત એ માટે બજાર બહુ લાંબો સમય લેતું નથી એથી જ આવા માહોલમાં મૂડીને વધવાનો સમય આપવો જોઈએ, એને પાછી ખેંચવી જોઈએ નહીં. આશરે ૧૦,૦૦૦ પૉઇન્ટથી વધુ નીચે ગયેલા બજારમાં નવું રોકાણ કરવાનું વિચારવું જોઈએ. અલબત્ત ધીમે-ધીમે આ કરવું સલાહભર્યું રહેશે, ઉતાવળે નહીં.
ભારતની વિશેષતા અને પડકારો
વાસ્તવમાં વર્તમાન વૈશ્વિક માહોલની અનિશ્રિતતા ઇન્વેસ્ટર્સ વર્ગને વધુ કન્ફ્યુઝ કરે છે. એકસાથે મલ્ટિપલ ઘટનાઓ આકાર લેતી રહે છે ત્યારે રોકાણકારોની મૂંઝવણ વધવાનું સહજ ગણાય. અલબત્ત, રોકાણકારોએ આવા સમયમાં સાવચેત અને વિવેકપૂર્ણ રહેવું જરૂરી બને છે. બજારને એક કરતાં વધુ પરિબળો અસર કરી રહ્યાં છે. ભારત એક વિશાળ દેશ તો છે જ, પરંતુ સાથે-સાથે શાંતિપૂર્ણ અને વિશ્વસનીય રાષ્ટ્ર પણ છે, જેની નોંધ વિશ્વ ચોક્કસ લઈ રહ્યું હશે, આ બાબત વિદેશી કે વૈશ્વિક રોકાણકારોને ભારત તરફ વધુ આકર્ષશે. યોગ્ય સમયની રાહ જોવી રહી.
બજારનું બદતર સપ્તાહ
ગયા સોમવારથી માર્કેટે કરેક્શનનો દોર ચાલુ રાખ્યો છે, જોકે એકાદ દિવસ થોડી રિકવરી આવી હતી પરંતુ કરેક્શન સામે રિકવરી ટકી શકવાની સ્થિતિમાં નહોતી, કારણ કે સંજોગો રિકવરીની ફેવરમાં નથી. ગુરુવાર સુધીમાં સેન્સેક્સ ૭૭,૦૦૦ની નીચે ઊતરી ગયો, નિફ્ટી ૨૪,૦૦૦ નીચેઊતરી ગયો હતો. જોકે શુક્રવાર બ્લૅક ફ્રાઇડે કરતાં પણ વધુ કાળો બની રહ્યો એમ કહી શકાય. મે ૨૦૨૦થી લઈને અત્યાર સુધીનું સેન્સેક્સ તૂટવાનું આ સૌથી બદતર સપ્તાહ હતું. શુક્રવારે સેન્સેક્સ ૧૪૭૦ પૉઇન્ટના કડાકા સાથે ૭૪,૫૦૦ પર આવી ગયો અને નિફ્ટી ૫૦૦ પૉઇન્ટ તૂટીને ૩૦૦૦ આસપાસ પહોંચી ગયો હતો. ઈરાન યુદ્ધે હાલ બહુ કપરા સમયનું સર્જન કર્યુ છે, જેના અંતના નજીકમાં કોઈ અણસાર દેખાતા નથી. આમ તો આખું સપ્તાહ કરેક્શનનું જ રહ્યું છે, બજાર વૅલ્યુએશનની દૃષ્ટિએ ખરીદવા માટે ઉત્તમ બની રહ્યું હોવાનું કહેવાય છે, પરંતુ આ સમય-સંજોગ અને માહોલને ધ્યાનમાં રાખતાં રોકાણકારો વધુ ને વધુ સાવચેત થઈ રહ્યા છે. બજારની બૉટમ હવે ક્યાં બનશે એ પણ અનિશ્ચિત થતું જાય છે, વૅલ્યુએશન નીચે ગયા બાદ પણ ખરીદી ત્યારે સંભવ બને જ્યારે ભાવો રિકવર થવાની આશા દેખાય. બીજી બાજુ અર્થતંત્રનાં પરિબળો બગડી રહ્યાં હોવાથી પણ સેન્ટિમેન્ટ નબળું બનતું જાય છે. ઓવરઑલ ગ્લોબલ સંજોગોને લક્ષ્યમાં લેતાં ભાવો હજી નીચા નહીં જાય કે બજાર હજી નહીં ઘટે એની ખાતરી મળી નથી રહી.
પરીક્ષા અને પ્રતીક્ષાનો સમય
જોકે રોકાણકારો માટે આ જ પરીક્ષા અને પ્રતીક્ષાનો સમય બને છે. બાકી આ નવા સપ્તાહમાં પણ બજારમાં કેવાં કરેક્શન આવશે એ કહી શકાય એમ નથી. અમેરિકાનું મગજ (સમજી ગયા, કોનું મગજ) પણ ફર્યું છે, ટ્રમ્પનાં નિવેદનો પણ તોફાની બની રહ્યાં છે. બીજી બાજુ ઈરાન અને ઇઝરાયલનું પણ ફટક્યું તો છે જ. મિડલ ઈસ્ટ તણાવમાં આવ્યા છે. વિવિધ દેશો માટે ચિંતા વધી રહી છે. આયાત-નિકાસ-ગ્લોબલ વેપાર વર્તમાન સંજોગોની અસરથી મુક્ત રહી શકે એમ નથી. બાય ધ વે, ફૉરેન ઇન્વેસ્ટર્સ જ્યાં સુધી નેટ સેલર્સ બનતા રહેશે ત્યાં સુધી રિકવરીની આશા ઓછી ગણાય, ક્યાંક સ્થાનિક સંસ્થાઓ તરફથી વૅલ્યુ બાઈઇંગ આવી શકે, પણ એ બજારને રિકવરીમાં કેટલું સહાયરૂપ થશે? નો આઇડિયા.
વિશેષ ટિપ
બજારમાં વૉલેટિલિટી અને અનિશ્ચિતતા ચાલી રહી હોય ત્યારે ધીરજ જ ઉપાય રહે છે. કોવિડના કપરા સમયને અને ત્યારે થયેલી બજારની દશાને અને એ પછી થયેલા સુધારાને યાદ કરો, ચોક્કસ જવાબ મળી જશે.
