ટીના અંબાણી અને તેમની ૬ બહેનો સૌથી મોટાં સિસ્ટર માટે કઈ રીતે બની રહી છે સપોર્ટ-સિસ્ટમ?
મળીએ મુનીમ સિસ્ટર્સને. ટીના અંબાણી અને તેમની ૭ બહેનો વિશે આજે વાત કરવાનું કારણ હૃદયસ્પર્શી છે
મુંબઈમાં ઊછરેલી આઠેય બહેનો વચ્ચે જબરદસ્ત આત્મીયતા છે. બધા સંજોગોમાં એકબીજાના પડખે રહેવું એ તેમનો જીવનમંત્ર છે. સંપીને રહેવાના સંસ્કારો તેમને ગળથૂથીમાં મળ્યા છે. હાલમાં ડિમેન્શિયાથી પીડિત સૌથી મોટી બહેન માટે બાળગીતો ગાતા તેમના હૃદયસ્પર્શી વિડિયોએ બધાનાં દિલ જીતી લીધાં છે. એક સમયની બૉલીવુડસ્ટાર અને અંબાણી પરિવારની પુત્રવધૂ ટીનાને તો આપણે ઓળખીએ છીએ. આજે મળીએ બધી બહેનોને

ADVERTISEMENT
જમણી બાજુથી ઝરણા, હરિણા, ટીના, ભૈરવી, ભાવના, ગીતા, ક્ષમા, જાગૃતિ.
ટીના અંબાણીનાં ભાણેજ લીના આશરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા કેટલાક વિડિયો વાઇરલ થયા છે. વિડિયોમાં ટીના અને તેમની બહેનો ડિમેન્શિયા સામે ઝઝૂમી રહેલાં સૌથી મોટાં બહેન ઝરણા સોમૈયા માટે બાળપણનાં ગીતો ગાતાં જોવા મળે છે. ૮૮ વર્ષનાં ઝરણાબહેનને કશું યાદ નથી, પણ પરિવારના સભ્યો દ્વારા લેવાતી કાળજીએ લોકોનાં દિલ જીતી લીધાં છે. હૃદયસ્પર્શી વિડિયો બહેનો વચ્ચે અતૂટ બંધન, પ્રેમ અને જીવનભરનો સપોર્ટ દર્શાવે છે. ટીનાબહેનને તો આપણે ઍક્ટ્રેસ ટીના મુનીમ તરીકે અને પછી અંબાણી-પરિવારનાં પુત્રવધૂ તરીકે ઓળખીએ છીએ, આજે જાણીએ બધી જ મુનીમ સિસ્ટર્સને. પહેલાં વાત કરીએ વિડિયો અને ઝરણાબહેનની તબિયતની.

બધું ભૂલી ચૂકેલાં ઝરણા સોમૈયા સાથે બાળપણની વાતો વાગોળતાં ટીના અંબાણી અને અન્ય બહેનો.
બાંદરામાં રહેતાં ઝરણાંબહેનનાં દીકરી લીના આશર કહે છે, ‘મમ્મીને ૨૮ વર્ષ પહેલાં કાર્ડિઍક અરેસ્ટ આવ્યો. એ વખતે તેઓ ઑસ્ટ્રેલિયામાં હતાં. મારા ભાઈઓ ત્યાં સ્થાયી છે. ૮ વર્ષ પહેલાં ભાવનામાસીની દીકરીનાં લગ્નમાં તેઓ ભારત આવ્યાં ત્યારે બ્રેઇન-સ્ટ્રોક આવ્યો. ત્યારથી મમ્મી-પપ્પા મારી સાથે છે. બ્રેઇન-સ્ટ્રોકને લીધે યાદશક્તિ ઘટવા લાગી. બે વર્ષ અગાઉ ડિમેન્શિયાનાં લક્ષણો દેખાયાં. બીજી પણ શારીરિક સમસ્યાઓ ઊભી થઈ. થોડાક દિવસથી તબિયત નાજુક છે. કોઈને ઓળખતાં નથી. સાંજે મારા ઘરમાં માસીઓનો મેળાવડો જામે છે. તેમની વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ છે. ગીતો ગાય, ભજન કરે અને ઘણીબધી વાતો કરે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા છે.’
સંસ્કારોનું સિંચન
પહેલાં કિંગ્સ સર્કલમાં અને ત્યાર બાદ ખારમાં બંગલો ધરાવતા વૈષ્ણવ સમાજના નંદકુમાર અને મીનાક્ષી મુનીમને ૯ સંતાનો થયાં - ૮ દીકરી અને ૧ દીકરો. આ બહેનો અને ભાઈનાં ક્રમવાર નામ છે ઝરણા, હરિણા, ગીતા, જાગૃતિ, ભૈરવી, નયનકમલ, ક્ષમા, ભાવના અને નિવૃત્તિ (ટીના). નંદકુમાર મુનીમની ફોર્ટમાં ડી.એન. રોડ પર મોદી કૉફી નામની શૉપ હતી જે તાજી કૉફીનું રીટેલિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કરતી હતી. આ શૉપ આજે પણ છે. નંદકુમાર અને મીનાક્ષી મુનીમને ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને વિચારો આધુનિક. જંગલો અને પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવું ગમતું એટલે સંતાનોનાં નામ જંગલ અને પ્રકૃતિ સાથે જોડાયેલાં છે. સૌથી મોટી દીકરી ઝરણા એટલે જંગલોમાં ખડખડ વહેતી જળધારા. હરિણા નામ હરણ પરથી લીધું. પક્ષીઓના કલરવને ગીત માનતા મુનીમ દંપતીએ એક દીકરીનું નામ ગીતા રાખ્યું. જંગલોમાં સૂર્યોદયનાં દર્શનને આધ્યાત્મિક જાગૃતિ સાથે જોડી દીધું. જંગલોનું વર્ણન કરતા શાસ્ત્રીય સંગીત અને રાગ પરથી ભૈરવી નામ પાડ્યું. પ્રકૃતિના સૌંદર્યને માણવા આંખો જોઈએ અને જંગલમાં કમળ ખીલે છે એટલે છઠ્ઠા નંબરે જન્મેલા ભાઈનું નામ પડ્યું નયનકમલ. ક્ષમા નામ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે, જંગલો પૃથ્વીનો ભાગ છે. કુદરતના સાંનિધ્યમાં મળતી શાંતિથી પ્રેરિત થઈ ભાવના નામ પાડ્યું. સાંસારિક જીવનથી આધ્યાત્મિક જીવન તરફ જવું, એકાંતને માણવું એટલે નિવૃત્તિ. સૌથી નાની દીકરી ટીનાનું સાચું નામ નિવૃત્તિ છે.

મમ્મી બન્યા પછી ટીના પોતાની મમ્મી સાથે.
મુનીમ દંપતીએ સંતાનોને સુખસાહ્યબીમાં ઉછેરવાની સાથે તેમના આધ્યાત્મિક વિકાસ પર ખાસ ધ્યાન આપ્યું. બાળપણની વાત યાદ કરતાં ૮ બહેનોમાં છઠ્ઠા નંબરનાં બહેન ક્ષમા ઝવેરી કહે છે, ‘મમ્મી-પપ્પાનો અમારા પર ઘણો પ્રભાવ હતો. તેઓ દરરોજ ગીતાજીના અધ્યાય બોલતાં, ઠાકોરજીની સેવા કરતાં અને શનિવારે દાદરમાં આવેલા હનુમાન મંદિરમાં પણ જતાં. કામે જતાં પહેલાં પપ્પા એક શ્લોક લખીને જાય જે બધાં ભાઈ-બહેનોએ ફરજિયાત મોઢે કરવાનો. સાંજે ઘરે આવ્યા પછી જમીને અમને હરોળમાં બેસાડીને શ્લોક બોલાવતા. અમે વૈષ્ણવ છીએ, પણ દાદી જૈન ધર્મનાં હતાં. દોઢસો વર્ષ પહેલાં મારા દાદાએ રતનબાને પોતાનો ધર્મ પાળવાની તમામ સુવિધા આપી હતી જે તેમના વિચારોનું પ્રતિબિંબ છે. બા અમને પ્રવચનમાળામાં લઈ જતાં. વૈષ્ણવ અને જૈન બન્ને ધર્મના સંસ્કારોનું સિંચન થયું. હમણાં ઝરણાબહેનને મળવા જઈએ ત્યારે અમે મમ્મી-પપ્પા પાસેથી સાંભળેલાં ભજનો ગાઈએ છીએ. ‘અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ’ બધાનું ફેવરિટ ભજન છે. ‘હઠીલે શ્માય’ મમ્મીને પ્રિય હતું એ પણ ગાઈએ. ‘આનંદ રૂપમ શુભ ચિદાનંદ શિવોહમ’ તો ગાવાનું જ. બાળપણમાં અમને શીખવવામાં આવ્યું હતું કે ‘શિવોહમ શિવોહમ’ ગાશો તો બીક ભાગી જશે. આગળ જતાં ઝરણાબહેને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એટલે બૅકગ્રાઉન્ડમાં આખો દિવસ બૌદ્ધ શ્લોક ચાલુ હોય. ટીના લગભગ દરરોજ મળવા જાય છે. બીજી બહેનો અઠવાડિયે બે-ત્રણ વાર જાય. સાથે મળીને ભજન અને બાળગીતો ગાઈને બાળપણને સંભારીએ છીએ.’

મમ્મી-પપ્પા અને ભાઈ સાથે આઠેય મુનીમ સિસ્ટર્સ.
સ્વતંત્રતા સાથે જવાબદારી
મુનીમ દંપતીને કોઈ એવો ટોણો મારે કે તમને ૮ દીકરી છે, કાન ભંભેરવાનો પ્રયાસ કરે તો તેઓ કહેતા, ‘દીકરીઓ અમારું અભિમાન છે. એક શબ્દ નહીં સાંભળીએ.’ નયનકમલભાઈ આજે હયાત નથી, પણ તેમને કોઈ પૂછતું કે ૮ બહેનોને કઈ રીતે સંભાળો છો ત્યારે તેઓ હસીને કહેતા, મારા ૮ ભાઈઓ છે, હું બહેન છું.
મીનાક્ષીબહેન બધાને કહેતાં, ૮ દીકરીઓ છે પછી બહેનપણીની શું જરૂર? ઘરકામ માટે હેલ્પર હતા, પણ રસોડું જાતે સંભાળતાં. દીકરીઓના શિક્ષણને પ્રાધાન્ય આપ્યું. દીકરીઓને સ્વતંત્રતા આપી જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. ક્ષમાબહેન કહે છે, ‘પપ્પાને વાંચનનો શોખ હતો. એ જમાનામાં અમને ફિક્શન સ્ટોરીઝ કહેતા. મમ્મી-પપ્પાએ અમને ઊડવા માટે પાંખો આપી અને જવાબદારી પણ શીખવી. ક્યારેક અમે પપ્પાને પૂછતાં કે અમારાં લગ્ન શ્રીમંત ઘરમાં થશે તો કામ કરવાની જરૂર નહીં પડેને? તેઓ કહેતા કે રસોડામાં ઇન્સ્ટ્રક્શન આપવા માટે પણ રસોઈ આવડવી જોઈએ, કઢી સાથે મગ સરસ લાગે એ સમજ કેળવવા રસોઈ કરો. દર રવિવારે મમ્મીને રસોડામાંથી છુટ્ટી. અમે રસોઈ બનાવીએ અને મમ્મી-પપ્પા હીંચકે બેસીને વાતો કરે. જમવાના ટેબલ પર વાતો નહીં કરવાની. જે બન્યું હોય એ બધાએ ખાવાનું અને થાળીમાં એઠું નહીં મૂકવાનું. રસોઈમાં વધઘટ થાય કે સ્વાદમાં ફરક પડે તો પપ્પા કહે કે રસોઈ બનાવનાર ત્રાજવું લઈને નથી બેસતું; તેના હાથ છે, તે ખાશે ત્યારે તેને શું ખૂટે છે એ ખબર પડશે, ટોકવાની જરૂર નથી. બુધવારે ફિલ્મ જોવાનો દિવસ હોય. પાર્ટી કરવાની અને મિત્રો સાથે મોડી રાત સુધી બહાર ફરવાની સ્વતંત્રતા હતી, પણ શરતો સાથે. રાત્રે અગિયાર-બાર સુધીમાં આવી જઈશું એમ કહીએ તો પૂછે, ૧૧ કે ૧૨? પાકો સમય આપો. એ સમયે આવી જવું પડે. કહેતા કે મનમાં આવે એ કરો, મારો વિશ્વાસ ન તોડતા. તેમની આ વાત અમે ગાંઠ વાળીને રાખી હતી એટલે જ ક્યારેય બાઉન્ડરી ક્રૉસ નથી કરી. કમ્યુનિકેશન જોરદાર હતું એટલે દરેક વાત ખૂલીને કરી શકતા. સ્વતંત્રતા સાથે જવાબદારી આવે છે એ શીખ અમને જીવનભર કામ લાગી.’
હમ સાથ-સાથ હૈં
ટીના અને તેમનાં બહેનોને હરવા-ફરવાનો અને ખાણી-પીણીનો જબરો શોખ છે. કાઠિયાવાડી રસોઈ બહુ ભાવે. ભારતના દરેક રાજ્યની વાનગીઓ ચાખી છે અને કૉન્ટિનેન્ટલ ક્વિઝિન પણ પસંદ છે. ક્ષમાબહેનને થાઈ ફૂડ અને ભાવનાબહેન અને ટીનાબહેનને ચાઇનીઝ બહુ ભાવે છે. નવી-નવી રેસ્ટારાંમાં ફૂડ ટ્રાય કરવું ગમે. શૉપિંગનાં પણ શોખીન છે. એક કિસ્સો યાદ કરતાં ભૈરવી આશર કહે છે, ‘એ વખતે ઝરણાબહેન ઑસ્ટ્રેલિયા હતાં. ટીનાએ પ્લાન બનાવ્યો અને બધાં ઊપડ્યાં ઑસ્ટ્રેલિયા ફરવા. અચાનક ઝરણાબહેને બધાને કવર હાથમાં આપીને કહ્યું, અરાઇવલ ગિફ્ટ ફૉર શૉપિંગ. તેઓ શૉપિંગની બાબતમાં ઔરંગઝેબ જેવાં છે. ખોટા ખર્ચ કરો તો ટોકે. રિસૉર્ટ જેવા ઘરમાં રહે, પણ જીવન સાદગીભર્યું. જરૂરિયાત હોય એટલું જ લેવાનું એવો આગ્રહ રાખે. આથી શૉપિંગની વાત સાંભળીને અમે રાજી થઈ ગયાં. કહાની મેં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અમને મૉલ પાસે ઉતારીને કહ્યું, સાડાચાર વાગ્યે લેવા આવું છું. ધણ વગરનાં ઢોર ન બનીએ એટલે સમયમર્યાદા આપી દીધી. આવા તો અનેક કિસ્સાઓ છે.’
રાજસ્થાનની ટ્રિપ પણ યાદગાર હતી એમ જણાવતાં ભૈરવીબહેન કહે છે, ‘મનવાર ગામ અદ્ભુત છે. સવારે પાંચ વાગ્યામાં નઝારો જોવા નીકળી ગયાં. ફેબ્રુઆરી મહિનામાં અહીં સાઇબેરિયન ક્રેન નામનાં પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે. દાણા નાખો તો એક પક્ષી આવીને જોઈ જાય કે બધું સલામત છેને. ત્યાર બાદ ૨૫-૩૦ની પંગતમાં પક્ષીઓ આવે. એ લોકો દાણા ચણે ત્યાં સુધી બીજી પંગત આકાશમાં ઊડ્યા કરે. વારાફરતી દાણા ચણવા આવે. આવી ડિસિપ્લિન મનુષ્યમાં નથી. આ પ્રવાસમાંથી અમે ઘણું શીખ્યા. નાના-મોટા, સારા-નરસા કેટલાય પ્રસંગો છે. બહેનો મળીએ એટલે વાતો ખૂટે જ નહીં. સેન્સ ઑફ હ્યુમર બધાની એક સે બઢકર એક. જોક્સ તો રેડી જ હોય. મમ્મી-પપ્પા ગાતાં હતાં એ ભજનો આજે પણ મોઢે છે. જોડકણાં અને બાળગીતો ગાવાના શોખને જીવંત રાખ્યો છે. કોઈ બે બહેનોને વધુ બને અને બીજા સાથે ઓછું એવું અમારી વચ્ચે ક્યારેય બન્યું નથી. હાથ ઊંચા કરીને એકબીજાને વચન આપ્યું છે કે કોઈ પણ સંજોગોમાં સાથ નહીં છૂટે.’
મુનીમ ભાઈ-બહેનો
(૧) ઝરણા સોમૈયા ૮૮ વર્ષનાં છે અને તેઓ દીકરી લીના આશરને ત્યાં બાંદરામાં રહે છે.
(૨) ૮૬ વર્ષનાં હરિણા શાહ ચોપાટી ખાતે રહે છે.
(૩) ૮૫ વર્ષનાં ગીતા મિસ્ત્રી બાંદરામાં રહે છે. તેઓ માર્બલ ક્યુરેટિંગ આર્ટ ઇફેક્ટ અને પવિત્રા બનાવે છે.
(૪) જાગૃતિ શાહ ૮૪ વર્ષનાં છે. તેઓ બિઝનેસવુમન છે અને દુબઈમાં રહે છે.
(૫) ૮૨ વર્ષનાં ભૈરવી આશર અગાઉ કાલિકટ (કોઝીકોડ) રહેતાં હતાં. તેઓ ફૅશન-ડિઝાઇનર રહી ચૂક્યાં છે. હવે તેઓ મુંબઈ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અવરજવર કરે છે.
(૬) નયનકમલભાઈનું માત્ર ૪૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. તેઓ હયાત હોત તો આજે ૭૮ વર્ષના હોત.
(૭) બ્રીચ કૅન્ડીમાં રહેતાં ૭૪ વર્ષનાં ક્ષમા ઝવેરી ફૅશન ઍન્ડ જ્વેલરી ડિઝાઇનર છે. તેમનું બુટિક છે.
(૮) સાંતાક્રુઝમાં રહેતાં ૭૦ વર્ષનાં ભાવના મોતીવાલા મલ્ટિ-ટૅલન્ટેડ છે. ફૅશન-ડિઝાઇનિંગ સહિત ઘણાં ક્ષેત્રોમાં તેમની માસ્ટરી છે.
(૯) ૬૬ વર્ષનાં ટીના (મૂળ નામ નિવૃત્તિ) અંબાણી બિઝનેસવુમન છે તથા કફ પરેડ અને બાંદરાના પાલી હિલમાં તેમનાં ઘર છે.
બધી બહેનો કુકિંગમાં એક્સપર્ટ
ટીના સિવાય બધાં સંતાનોનાં લગ્ન પિતાની હાજરીમાં થઈ ગયાં હતાં. ટીનાનાં લગ્નમાં ભાઈ નયનકમલે પિતાની ફરજ નિભાવી હતી. બધી બહેનો કુકિંગમાં એક્સપર્ટ છે. ભાવના મોતીવાલાને તેઓ બેસ્ટ હોસ્ટ માને છે. તેમના ઘરે જવું એટલે પિયર ગયા જેવી ફીલિંગ આવે. ઝરણાબહેનને તેઓ ઔરંગઝેબ ઑફ શૉપિંગ કહીને ચીડવતાં, કારણ કે તેઓ મિનિમલ શૉપિંગનાં આગ્રહી છે. રક્ષાબંધનના દિવસે ભાઈને યાદ કરી બહેનો એકબીજાને રાખડી બાંધે છે.
