Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રેડ-ડીલમાં લખો અને ભૂંસોની કવાયતથી શૅરબજારમાં કન્ફ્યુઝન દેખાઈ આવ્યું

ટ્રેડ-ડીલમાં લખો અને ભૂંસોની કવાયતથી શૅરબજારમાં કન્ફ્યુઝન દેખાઈ આવ્યું

Published : 12 February, 2026 08:35 AM | IST | Mumbai
Anil Patel

સ્ટેટ બૅન્ક નવા શિખર સાથે મજબૂતીમાં સેન્સેક્સને ૧૩૭ પૉઇન્ટ ફળી : પરિણામના જોરમાં આઇશર નવી ટૉપ સાથે ૪૭૫ રૂપિયા ઊછળી નિફ્ટીમાં ટૉપ ગેઇનર : ઇન્ડોનેશિયન સબસિડિયરીને મોટો ઑર્ડર મળતાં તાતા મોટર્સ ઑલટાઇમ હાઈ : સરકારના ડાઇવેસ્ટમેન્ટમાં ભેલ સાડાપાંચ ટકા ગબડી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


મહિન્દ્ર સારા પરિણામ બાદ વધીને ફ્લૅટ બંધ, TCS બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર, ઇન્ફી પોણાબે ટકા ગબડીને બજારને સર્વાધિક ૮૦ પૉઇન્ટની હાનિ : ઇશ્યુ પૂરો થતાં ફેક્ટલમાં પ્રીમિયમને બદલે ગ્રેમાર્કેટમાં બે રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યું

એશિયન બજારોની રૅલી આગળ વધી છે. બુધવારે તાઇવાન દોઢ ટકાથી વધુ, સાઉથ કોરિયા એક ટકો, સિંગાપોર સાધારણ તથા થાઇલૅન્ડ નહીંવત્ સુધારા સાથે નવા બેસ્ટ લેવલે બંધ થયાં છે. ઇન્ડોનેશિયા પોણાબે ટકા તો હૉન્ગકૉન્ગ, ચાઇના અને મલેશિયા નહીંવત્‍થી સાધારણ પ્લસ હતા. જપાન રજામાં હતું. યુરોપ રનિંગમાં સાંકડી વધ-ઘટે મિશ્ર જણાયું છે. કરાચી શૅરબજાર રનિંગમાં ૧,૮૩,૮૦૨ થઈ ૧૨૧૮ પૉઇન્ટ વધી ૧,૮૩,૩૭૨ ચાલતું હતું. બિટકૉઇન પોણાત્રણ ટકા બગડીને ૬૬,૯૦૬ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ સુધારા સાથે ૭૦ ડૉલર ભણી ગતિમાન હતું. કૉમેક્સ સિલ્વર ૪ ટકા વધી ૮૪ ડૉલર નજીક તો કૉમેક્સ ગોલ્ડ એક ટકો વધી ૫૦૮૦ ડૉલર થયું છે.



દરમ્યાન ઇન્ડિયા-અમેરિકા વચ્ચે કથિત ઇન્ટરિમ ટ્રેડ-ડીલમાં ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને કેટલાક સુધારા કર્યા છે જેમાં ટ્રેડ-ડીલના ભાગરૂપ ભારત તરફથી વિવિધ કૃષિ પેદાશો તથા ફૂડ પ્રોડક્ટ્સ પર જકાતમાં ઘટાડો કે સદંતર રદ કરવાની વાત છે એમાંથી કઠોળની બાદબાદી થઈ છે. બીજા ફેરફાર પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરની અમેરિકન ગુડ્સની આયાત કરવા ભારત પ્રતિબદ્ધ છે એવી જે વાત હતી એમાં કમિટેડ (પ્રતિબદ્ધ) શબ્દને બદલીને ઇન્ટેડ શબ્દ મુકાયો છે. મતલબ કે ભારત ૫૦૦ અબજ ડૉલરની આયાત માટે હવે પ્રતિબદ્ધ નહીં, પણ ઉત્સુક રહેવાનું છે.  


હકીકતમાં સરકાર અને પ્રચાર માધ્યમો જેને ઇન્ટરિમ ટ્રેડ-ડીલ કહે છે એ ઇન્ટરિમ ટ્રેડ-ડીલ છે જ નહીં, આ એક ઇન્ટરિમ ફ્રેમવર્ક માત્ર છે. હાલના તબક્કે એક પ્રકારની વાટાઘાટ છે. કશું ચોક્કસપણે નક્કી નથી. એનો અમલ ક્યારે થશે એ પણ નક્કી થવાનું બાકી છે. સેન્સેક્સ આગલા બંધથી ૬૬ પૉઇન્ટ પ્લસ, ૮૪,૩૩૯ ખૂલી છેવટે ૪૦ પૉઇન્ટ ઘટી ૮૪,૨૩૩ તથા નિફ્ટી ૧૯ પૉઇન્ટ સુધી ૨૫,૯૫૪ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ઉપરમાં ૮૪,૪૮૭ થયેલું બજાર નીચામાં ૮૪,૦૮૧ થયું હતું. માર્કેટ બ્રેડ્થ કમજોર બની છે. NSEમાં વધેલા ૧૪૮૫ શૅર સામે ૧૬૮૩ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩૨,૦૦૦ કરોડ ઘટીને ૪૭૪.૯૭ લાખ કરોડ થયું છે.

નિફ્ટી ખાતે આઇશર સાડાછ ટકા કે ૪૭૫ રૂપિયા તથા અપોલો હૉસ્પિટલ ચાર ટકા કે ૨૮૮ રૂપિયા વધીને મોખરે હતી. સેન્સેક્સમાં સ્ટેટ બૅન્ક ૧૧૮૮ નજીક નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૩.૪ ટકાની આગેકૂચમાં ૧૧૮૩ બંધ રહીને બજારને ૧૩૭ પૉઇન્ટ ફળ્યો છે.


મહિન્દ્રએ ૪૭ ટકાના વધારામાં ૪૬૭૫ કરોડના નફા સાથે સારાં રિઝલ્ટ આવ્યાં છે. શૅર ઉપરમાં ૩૭૮૬ થયા બાદ ૩૬૭૭ના લેવલે ફ્લૅટ રહ્યો છે. મારુતિ સુઝુકી ૧.૭ ટકા, ઇન્ડિગો ૧.૧ ટકા, મેક્સ હેલ્થકૅર ૩.૭ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર દોઢેક ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૯ ટકા, બજાજ ઑટો એક ટકો પ્લસ હતી. રિલાયન્સ ૦.૭ ટકા વધી ૧૪૬૮ રહી છે. ઇન્ફોસિસ પોણાબે ટકા અને TCS અઢી ટકા ગગડી બજારને કુલ ૧૪૫ પૉઇન્ટ નડી છે. HCL ટેક્નો ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર પોણો ટકો, વિપ્રો પોણો ટકો, લાટિમ અઢી ટકા ડાઉન હતી. આઇટી ઇન્ડેક્સ સર્વાધિક ૧.૭ ટકા કે ૫૯૭ પૉઇન્ટ બગડ્યો છે. એના ૭૭માંથી ૬૧ શૅર ડૂલ થયા છે. સામે હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧૯માંથી બાવન શૅરની હૂંફમાં ૧.૪ ટકા કે ૫૮૦ પૉઇન્ટ વધ્યો છે. નવા લેબર કોડને કારણે ૭૪ કરોડની વનટાઇમ પ્રોવિઝનમાં ડિવીઝ લૅબનો નફો ૫૮૯ કરોડની સામે સહેજ ઘટી ૫૮૩ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૬૭૭૬ થઈ ૪.૯ ટકા કે ૩૦૨ રૂપિયા વધી ૬૪૭૪ થયો છે. ફાઇઝર રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં સાડાચાર ટકા કે ૨૨૫ની આગેકૂચમાં ૫૧૯૦ થઈ છે. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝ તાજેતરના બુલરન બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૦ ટકા તૂટી ૧૪૨ નીચે બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. BSE લિમિટેડ ૩૨૨૭ની ટોચે જઈ સહેજ વધીને ૩૧૭૭ હતી. 

બ્રૅન્ડમૅનમાં સવાનવ ટકા, ગ્રોવરમાં ૧૪.૬ ટકા લિસ્ટિંગ ગેઇન

આજે ગુરુવારે નવી દિલ્હીની મરુશિકા ટેક્નૉલૉજી ૧૦ના શૅરદીઠ ૧૧૭ની અપરબૅન્ડમાં ૨૬૯૭ લાખનો NSE SME IPO કરવાની છે. કંપની આઇટી તથા ટેલિકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ગયા વર્ષે ૪૧ ટકા વધારામાં ૮૫૬૩ લાખની આવક પર ૧૦૦ ટકા વધારામાં ૬૨૯ લાખ નેટ પ્રૉફ‌િટ બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૪૮૭૧ લાખ આવક અને ૩૧૪ લાખ ચોખ્ખો નફો કર્યો છે. દેવું ૧૯ કરોડ જેવું છે. ઇશ્યુમાંથી પાંચ કરોડ રૂપિયા દેવાની પરતચુકવણીમાં અને બાકીનું ભંડોળ વર્કિંગ કૅપિટલમાં ખર્ચાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.

દરમ્યાન મેઇનબોર્ડ ખાતે ગોરેગામની ફેક્ટલ ઍનલિટિક્સનો એકના શૅરદીઠ ૯૦૦ના ભાવનો ૨૮૩૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૨.૮ ગણો ભરાઈને બંધ થયો છે. ગ્રેમાર્કેટમાં હાલ બે રૂપિયા ડિસ્કાઉન્ટ ચાલે છે. નવી દિલ્હીની આઇ ફાઇનૅન્સનો બેના શૅરદીઠ ૧૨૯ના ભાવનો ૧૦૧૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮૨ ટકા સહિત કુલ એક ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ નથી.

નવી દિલ્હીની બ્રૅન્ડમૅન રીટેલ ૧૦ના શૅરદીઠ ૧૭૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૨થી શરૂ થયા બાદ ઉપરમાં ૨૬ થઈ છેલ્લે બોલાતા ૧૭ના પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૧૮૩ ખૂલી ૧૯૨ બંધ થતાં એમાં સવાનવ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની જ ગ્રોવર જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૮૮ની ઇશ્યુ પ્રાઇસ તથા અઢી રૂપિયાથી શરૂ થઈને છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૯૬ ખૂલી ૧૦૦ બંધ રહેતાં એમાં ૧૪.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME કંપની બાયોપૉલ કેમિકલ્સ અને પાન એચ.આર. સૉલ્યુશન્સનું લિસ્ટિંગ શુક્રવારે છે. હાલ બાયોપૉલમાં પ્રીમિયમ ૪ બોલાય છે. પાન એચ.આર.માં રેટ ઝીરો છે.

ટ્રમ્પના બંગલાદેશી પ્રેમમાં ગાર્મેન્ટ ટેક્સટાઇલ શૅર વધુ ખરડાયા

સરકાર દ્વારા એની ૬૩.૨ ટકા માલિકીની ભેલમાં બે ટકાના ગ્રીન-શૂ ઑપ્શન સહિત કુલ પાંચ ટકા હોલ્ડિંગ શૅરદીઠ ૨૫૪ની ફ્લોર પ્રાઇસથી ઑફર ફૉર સેલ મારફત વેચવાની કવાયત હાથ ધરવામાં આવતાં ભેલનો શૅર ગઈ કાલે નીચામાં ૨૫૭ થઈ ૫.૬ ટકા ગગડી ૨૬૦ બંધ થયો છે. ડેલ્ફી વર્લ્મની એક શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૧૩મીએ એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૨૩૮ થઈ અઢી ટકા વધી ૨૩૫ હતો. ગઈ કાલે એક્સ-રાઇટ થતાં સૂર્યા ફૂડ્સ ૩.૪ ટકા વધી ૨૫, અવી પૉલિમર્સ પાંચ ટકા વધી ૧૧ ઉપર તથા સ્ટૅલિયન ઇન્ડિયા ૪.૮ ટકા વધી ૧૬૭ બંધ રહી છે.

ઇસબ ઇન્ડિયાએ આવકમાં સવાબાર ટકા વધારા સામે સાડાછ ટકા વધારામાં ૪૩ કરોડ નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૨૫નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૮૪૦ થઈ અઢી ટકા ઘટી ૫૬૧૯ રહ્યો છે. યુનાઇટેડ બ્રુઅરીઝની આવક સાડાત્રણ ટકા વધી છે, પરંતુ નેટ નફો ૧૧૧ ટકા ઊછળી ૮૧ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૬૬૯ને વટાવીને અડધો ટકો સુધરીને ૧૬૨૩ બંધ થયો છે.

ટ્રેડ-ડીલમાં બંગલાદેશ પર ફિદા થઈને અમેરિકાએ કેટલીક ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ તથા ગાર્મેન્ટ્સની આયાત પર ઝીરો ડ્યુટીની સુવિધા આપતાં ભારતીય ગાર્મેન્ટ્સ, અપૅરલ્સ અને ટેક્સટાઇલ સેક્ટરની માયૂસી બુધવારે વધી છે. આગલા દિવસના ૧૦ ટકાના ધબડકા બાદ પર્લ ગ્લોબલ વધુ ૪.૫ ટકા ગગડી ૧૫૪૦ થઈ છે. કીટેક્સ ગાર્મેન્ટ્સ ૪.૫ ટકા, વિરાટ ઇન્ડસ્ટ્રીઝ સવાત્રણ ટકા, અરવિંદ અઢી ટકા, ગોકળદાસ એક્સપોર્ટ્‍સ સવાત્રણ ટકા, એસ. પી. અપૅરલ્સ ૪.૨ ટકા, થૉમસ સ્કૉટ સવાત્રણ ટકા, લૉયલ ટેક્સટાઇલ સાડાસાત ટકા, ફ્રેઝ થ્રી લિમિટેડ ૬.૧ ટકા, શ્રીરામકૃષ્ણા મિલ્સ સાડાચાર ટકા, ગિની ફિલામેન્ટ ૩.૮ ટકા, વિનાયક ટૅક્સ પ્રોસેસર પાંચ ટકા, ટ્રાઇડેન્ટ ટેક્સફૅબ પાંચ ટકા, યજૂર ફાઇબર્સ સાડાસાત ટકા, કેપીઆર મિલ્સ સાડાચાર ટકા, વર્ધમાન ટેક્સટાલ અઢી ટકા, ઇન્ડોકાઉન્ટર ઇન્ડસ્ટ્રીઝ એક ટકો વધુ ખરડાઈ છે. 

ટાઇટન તથા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ નવી ટોચે જઈ ઘટાડામાં બંધ

તાતાની ટાઇટન દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪૩.૩ ટકાના વધારામાં ૨૫૪૧૬ કરોડની આવક પર નવા લેબર કોડને કારણે ૧૫૨ કરોડની વન ટાઇમ પ્રોવિઝન કર્યા પછી પણ ૬૦.૮ ટકા વૃદ્ધિદરથી ૧૬૮૪ કરોડનો નેટ પ્રૉફિટ હાંસલ થયો છે. શૅર ગઈ કાલે ૪૩૮૦ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો ઘટી ૪૨૪૮ બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. સામે બુકવૅલ્યુ ૧૪૪ પ્લસની છે. છેલ્લે બોનસ એપ્રિલ ૨૦૧૧માં આવ્યું હતું. આઇશર મોટર્સે ૨૩ ટકા જેવા વધારામાં ૬૧૧૪ કરોડ આવક પર ૨૧.૪ ટકા વૃદ્ધિદરથી ૧૪૨૧ કરોડ નેટ નફો મેળવ્યો છે. ભાવ ગઈ કાલે ૭૮૦૩ના શિખરે જઈ સાડાછ ટકા વધીને ૭૭૭૩ હતો. શૅરની ફેસવૅલ્યુ એકની છે, સામે બુકવૅલ્યુ ૮૦૫ રૂપિયા છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. અપોલો હૉસ્પિટલ્સે સવાસત્તર ટકા વધારામાં ૬૪૭૭ કરોડની આવક પર લેબર કોડ પેટે ૧૯ કરોડની વન ટાઇમ જોગવાઇ કર્યા પછી ૩૫ ટકા જેવા વધારાથી ૫૦૨ કરોડ ચોખ્ખો નફો દર્શાવી શૅરદીઠ ૧૦નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૭૬૪૦ થઈ ચારેક ટકા વધી ૭૫૦૪ રહ્યો છે. ફેસવૅલ્યુ પાંચની તો બુકવૅલ્યુ ૬૩૨ની છે. બોનસનું ખાનું ખાલી છે.

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે ૨૫.૩ ટકા વધારામાં ૪૪,૩૧૨ કરોડની આવક પર ૨૬.૪ ટકા વધારામાં ૧૦૩૭ કરોડ નજીકનો ચોખ્ખો નફો કર્યો છે. ભાવ ૨૯૮૦ની ટોચે જઈ એક ટકો ઘટી ૨૯૨૫ હતો. બેની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ ૧૪૬૪ રૂપિયા છે. છેલ્લે બોનસ ફેબ્રુઆરી ૧૯૮૮માં આવ્યું હતું. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે આવકમાં સવાઆઠ ટકાના વધારા સામે ૧૭ ટકા વૃદ્ધિદરથી ૬૮૨ કરોડ નેટ નફો કર્યો છે. ભાવ ઉપરમાં ૬૧૫૪ થઈ અઢી ટકા વધી ૬૦૧૬ હતો. એકના શૅરની બુકવૅલ્યુ ૧૫૫ છે. છેલ્લું બોનસ ઑક્ટોબર ૨૦૨૦માં આવ્યું હતું. તાતા મોટર્સની ઇન્ડોનેશિયા સબસિડિયરીને ૭૦,૦૦૦ વાહનોનો ઑર્ડર મળતાં શૅર ૪૯૮ના શિખરે જઈ ત્રણ ટકા વધીને ૪૮૭ બંધ થયો છે. 

ખોટમાંથી નફામાં આવતાં TVS સપ્લાય ચેઇન ૧૪ ટકા ઊછળી

TVS સપ્લાય ચેઇનની આવક ૧૧ ટકા વધી ૨૭૧૬ કરોડ થઈ છે. કંપની ૨૪ કરોડની નેટ લૉસમાંથી ૧૧૨૦ લાખના નફામાં આવી છે. શૅર ઉપર ૧૨૭ થઈ ૧૪ ટકા ઊછળી ૧૨૩ હતો. શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવક સવાસાત ટકા ઘટતાં નફો ૩૪.૮ ટકા ગગડી ૯૭ કરોડ થયો છે. શૅર નીચામાં ૩૨૮ થઈ ૦.૯ ટકા ઘટી ૩૪૨ હતો. સોમ ડિસ્ટિલિયરીઝની આવક પોણાસત્તર ટકા ઘટી ૨૫૦ કરોડ તથા નેટ નફો ૭૬ ટકા ખરડાઈને સાડાચાર કરોડ રહ્યો છે. શૅર નીચે ૮૫ બતાવી ૮.૯ ટકા તૂટી ૮૭ હતો.

ઇલેક્ટ્રોડ્સ બનાવતી HEG લિમિટેડે ૩૭ ટકા વધારામાં ૬૫૬ કરોડ આવક પર ૧૪૮ ટકા વધારામાં ૨૦૭ કરોડ નેટ નફો મેળવ્યો છે. ભાવ ઉપરમાં ૫૯૮ થઈ સાડાપાંચ ટકા બગડી ૫૩૧ હતો. ટૉરન્ટ પાવરની આવક સવાચાર ટકા વધી છે, પણ નફો ૩૫ ટકા વધીને ૬૪૩ કરોડ વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૧૪૮૯ બતાવી ૩.૮ ટકા ગગડી ૧૪૨૭ હતો. ડોમિનો પીત્ઝાવાળી જ્યુબિલન્ટ ફૂડ વર્ક્‍સની આવક સવાતેર ટકા વધી ૨૪૩૭ કરોડ તથા નેટ નફો ૬૫.૨ ટકા ઊછળી ૭૧ કરોડ નજીક આવ્યો છે. શૅર ઉપરમાં ૫૭૩ થઈ દોઢ ટકો ઘટી ૫૪૬ રહ્યો છે.

સરકારની ૫૬.૭ ટકા માલિકીની ઑઇલ ઇન્ડિયાએ ૮૩૩૦ કરોડની ફ્લૅટ આવક પર ૧૦.૭ ટકાના ઘટાડામાં ૧૧૯૫ કરોડ નેટ નફો કરી શૅરદીઠ સાતનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. ભાવ નીચામાં ૪૭૩ થઈ ૧.૭ ટકા ઘટી ૪૮૦ બંધ હતો. રિલાયન્સનું જેમાં ૧૮.૮ ટકાનું રોકાણ છે એ EIH લિમિટેડે ૯ ટકા વધારામાં ૮૭૩ કરોડની આવક પર ૮ ટકાના ઘટાડામાં ૨૪૩ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૩૪૯ થઈ ૨.૪ ટકા ઘટી ૩૩૮ હતો. પ્રિન્સ પાઇપ્સની ત્રિમાસિક આવક પોણો ટકો ઘટીને ૫૭૩ કરોડ થઈ છે. કંપનીની ચોખ્ખી ખોટ પણ ૨૦૪૦ લાખથી ઘટીને ૨૪૦ લાખ રહી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૮૨ થઈ સવાત્રણ ટકા વધીને ૨૭૦ બંધ હતો. કંપનીનું માર્જિન પોણા ટકાથી વધીને પોણાપાંચ ટકા નોંધાયું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 08:35 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK