આ ટાઇટલ જોઈને તમને થશે કે આ શૅરબજારમાં ટ્રેન અને મુસાફરો ક્યાંથી આવી ગયા? પરંતુ આ મુસાફરોની માનસિકતા એ માનવસહજ માનસિકતા હોય છે, જે રોકાણકારોને પણ લાગુ પડે છે, કારણ કે શૅરબજારની ટ્રેનમાં પ્રવેશ કરવાની બાબતે રોકાણકારોની આ માનસિકતા મહત્ત્વની ભૂમિકા ભજવે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મુસાફરો પાંચ પ્રકારના હોય છે, એક ટ્રેન પ્લૅટફૉર્મ પર આવે એ પહેલાં પોતે પ્લૅટફૉર્મ પર આવી પહોંચે છે, બીજા ટ્રેન આવે કે પહોંચીને બેઠક લઈ લે છે, ત્રીજા ટ્રેન ઊપડવાની તૈયારીમાં હોય ત્યારે ટ્રેનમાં પ્રવેશે છે અને ચોથા ટ્રેન ચાલવા માંડે ત્યારે દોડીને ટ્રેન પકડે છે, પાંચમા ટ્રેન ગતિ પકડીને ઊપડી જાય ત્યારે પ્લૅટફૉર્મ પર પહોંચે છે જેથી એ ટ્રેન ચૂકી જાય છે અને ત્યાર બાદ કાં તો પાછા ફરી જાય છે અથવા બીજી ટ્રેન આવે એની રાહ જુએ છે. આમાં હવે આપણે મુસાફરોની જગ્યાએ ઇન્વેસ્ટર્સને મૂકીને વિચારીએ.
હાલ છેલ્લા કેટલાક સમયથી બજારની ચાલ નિયમિત રીતે વૉલેટાઇલ બનતી ગઈ છે, ફૉરેન ઇન્વેસ્ટર્સ સતત નેટ સેલર્સ રહ્યા છે જેની આપણે ગયા વખતે ચર્ચા પણ કરી. યુદ્ધનો માહોલ હજી અધ્ધર છે. ક્રૂડની સમસ્યા, રૂપિયાની સ્થિતિ, મોંઘવારીની દશા અને દિશા પણ ચિંતાનો વિષય બનીને ચાલ્યા કરે છે. બીજી બાજુ માર્કેટ ઘટી-ઘટીને આશરે એવા સ્તરે આવ્યું છે જ્યાંથી એની વધુ ઘટાડાની શક્યતા ઓછી થતી જાય છે, પરંતુ વધવાની શક્યતા બહુ આકાર પામી નથી રહી, પણ આનો અર્થ એ થઈ શકે કે હવે બજાર એવા વૅલ્યુએશન સ્તરે પહોંચ્યું છે જ્યાંથી એની ખરીદીને તક બનાવી શકાય. ટ્રેનની ભાષામાં કહીએ તો ટ્રેન પ્લૅટફૉર્મ પર આવીને ઊભી રહી ગઈ છે અને એની પાસે હાલમાં ગતિ નથી. ટ્રેન માત્ર ઊભી હોવાને કારણે પૅસેન્જર્સ સમાન રોકાણકારો એમાં પ્રવેશતા નથી, વેઇટ ઍન્ડ વૉચ કરે છે. એને ગતિ મળે એની રાહ જુએ છે. ગતિ ક્યારે મળશે, કોણ આપશે? રોકાણકારો જ આપશે. કયા રોકાણકારો? જેમની પાસે ભંડોળ છે, જોખમ લેવાની અને હોલ્ડ કરવાની ક્ષમતા છે. આવા ઇન્વેસ્ટર્સ હાલ સિલેક્ટિવ થોડા-થોડા સ્ટૉક્સ જમા કરતા જશે, એટલે કે પોતાની અમુક બેઠકો લઈ લેશે. બીજા પૅસેન્જર્સ ટ્રેનની વ્હિસલ વાગે એની રાહ જોશે, એ પછી ખરીદીની શરૂઆત કરશે. ત્રીજા પૅસેન્જર્સ-રોકાણકાર ટ્રેન ધીમી ગતિએ શરૂ થશે કે ખરીદી કરવા આવશે અને જેઓ બેઠક લઈ ચૂક્યા છે તેઓ ખરીદી વધારી દેશે અને પછી ટ્રેન સ્પીડ પકડશે કે લોકો પડવાના જોખમ સાથે પણ ખરીદી કરવા દોડશે.
ADVERTISEMENT
સ્માર્ટ રોકાણકારો શું કરે છે?
એક ખાસ વાત નોંધવા જેવી છે તેમ જ આંખે ઊડીને વળગે એવી પણ છે, જેમાં ફૉરેન ઇન્વેસ્ટર્સના સતત નેટ સેલ્સ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ બાયર્સ રહ્યા છે. અર્થાત્, આપણી સંસ્થાઓ નીચા ભાવે કે કરેક્શનમાં પણ સતત બાયર્સ રહી છે. આ કાર્ય હવે રીટેલ રોકાણકારો પણ કરી રહ્યા છે યા કરી શકે. બાય ધ વે, ચોક્કસ સ્માર્ટ રોકાણકાર વર્ગ આ સમયને ખરીદીનો માનીને ખરીદતા રહ્યા છે, તેઓ બૂમબરાડા પાડ્યા વિના ચૂપચાપ આ કામ કરે છે. શું તમે આવું કર્યું છે? કેટલાંક મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ આ કાર્ય ચૂપચાપ કરતા રહ્યા છે, જેમને ઇન્વેસ્ટર્સના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ના પ્રવાહનો લાભ મળતો રહ્યો છે.
ભારતીય ફન્ડામેન્ટલ્સ એકંદરે મજબૂત
હાલ અમેરિકા-ઈરાન વચ્ચે કે ગ્લોબલ સ્તરે જે પણ અનિશ્ચિતતા ચાલી રહી હોય એને ધ્યાનમાં રાખનાર રોકાણકાર વર્ગે એ પણ યાદ રાખવાની જરૂર છે કે ભારતીય ફન્ડામેન્ટલ્સ ધીમાં પડ્યાં છે, નબળાં નહીં, કારણ કે સમસ્યા ભારતીય અર્થતંત્રની પોતાની નથી, બલકે બાહ્ય-ગ્લોબલ પરિબળોની છે, જેની અસરોની ઉપેક્ષા ન થઈ શકે, પરંતુ આવા જ અવસર નવી અને જુદી તક ઊભી કરતા હોય છે. માત્ર એને હિંમત, સમય, સંયમ તેમ જ ધીરજની વધુ જરૂર પડે છે. આજના સંજોગો કાયમી નથી, ભારતના વિકાસની સંભાવનાથી વિશ્વ વાકેફ છે જે લોકો આર્ટિફિશ્યયલ ઇન્ટેલિજન્સ (AI)ના મોહમાં બીજે ફંટાયા છે તેમને મોહભંગનો અનુભવ થશે કે તેઓ ભારતનાં ફન્ડામેન્ટલ્સ તરફ પાછા ફરશે. તેમને માટે વૅલ્યુએશનનો બહેતર તબક્કો છે. આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ઇનફ સ્માર્ટ અને દૂરંદેશી હોય છે.
માર્કેટની ટ્રેન કઈ સ્થિતિમાં?
ઇન શૉર્ટ, ભારતીય માર્કેટની ટ્રેન પ્લૅટફૉર્મ પર છે, વ્હિસલ ગમે ત્યારે વાગી શકે છે, ઘણાને સંભળાવાના અણસાર-ભણકારા પણ મળવા લાગ્યા છે, ગતિ ક્યારે પણ દેખાવાનું થઈ શકે, સ્પીડ તો અચાનક લેશે. સ્માર્ટ રોકાણકાર તરીકે તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. હજી શૅરબજારની વૉલેટિલિટી જોખમી લાગતી હોય તો મ્યુચ્યુઅલ ફન્ડના પ્લાન બહેતર સલામત અને શિસ્તનો માર્ગ છે જ. આમાં તમને વળતર સંભવતઃ ટૂંકા ગાળામાં ઓછું મળી શકે, પરંતુ સલામતી એકંદરે બહેતર રહેશે. અલબત્ત, લાંબા ગાળામાં તો વળતર પણ સારું રહી શકે. રોકાણકારો યોગ્ય સમજણ કેળવે તો બજારની બુલિશ ટ્રેન સમયસર પકડી શકે.
મોટા-મોટા રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ નાનાં-મોટાં ગાબડાં
કૅપિટલ માર્કેટ સંબંધી જાણીતી રિસર્ચ સંસ્થા પ્રાઇમ ડેટાબેઝના તાજેતરના અહેવાલ મુજબ આ માર્ચ ક્વૉર્ટરમાં ભલભલા મોટા-જાયન્ટ ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોમાં પણ ગાબડાં પડ્યાં છે. આ ઇન્વેસ્ટર વર્ગમાં એવા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ (HNI) છે, જેમના નામના પણ સિક્કા પડે છે અને તેઓ જ્યાં રોકાણ કરે ત્યાં લોકો પણ રોકાણ કરવા પ્રેરાય છે. આવા રોકાણકારોનાં નામને ટાળીને માત્ર એટલું કહેવું છે કે વર્તમાન વૈશ્વિક માહોલની અસરમાં આવા બાહોશ રોકાણકારોના રોકાણની વૅલ્યુ પણ ડાઉન ગઈ છે તો સામાન્ય રોકાણકારોનું શું થાય? અહીં આ નોંધવાનો આશય એ જ કે મોટા રોકાણકારોનાં ગણિત પણ ખોટાં પડી શકે, તેમના નિર્ણયોમાં પણ ક્ષતિ રહી શકે. બજારમાં સમય સાથે સતત શીખતા રહેવું પડે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
ઇન્ફ્લેશનની ચિંતાને કારણે US ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે.
US ટ્રેઝરીના લાંબા ગાળાના (૩૦ વર્ષ) બૉન્ડ્સ પરનાં વળતર (યીલ્ડ) દર હાલમાં ૨૦૦૭થી સૌથી ઊંચા સ્તરે છે.
મોંઘવારીના સંજોગોને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્ક પણ વ્યાજદરમાં વધારો કરે એવા સંકેત છે. આ ઉપરાંત NRI ડિપોઝિટની મર્યાદા પણ વધારવાનું વિચારે છે.
જિઓપૉલિટિકલ અનિશ્ચિતતાના સંજોગોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર બિનજરૂરી આયાત પર અંકુશ રાખવાનો વિચાર કરી રહી છે.
કેન્દ્ર સરકારની એક મહત્ત્વની બેઠક આગામી સપ્તાહમાં થવાની છે જેમાં રૂપિયાના મૂલ્ય, વિકાસને વેગ અને રેવન્યુ વૃદ્ધિ બાબતે ચર્ચાવિચારણા થશે.
