આપણા દૈનિક જીવન સાથે પ્લાસ્ટિક એટલું વણાઈ ગયું છે કે એનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો કદાચ શક્ય નથી, પરંતુ બને ત્યાં સુધી એનો વપરાશ ઘટાડવો ચોક્કસપણે આપણા પોતાના હાથમાં છે.
પ્રતીકાત્મક તસવીર
આજે ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક-ફ્રી ડે છે ત્યારે આપણે મુંબઈના એવા કેટલાક સભાન નાગરિકો સાથે વાત કરીએ જેમણે પોતાની લાઇફસ્ટાઇલમાં ખૂબ નાના પણ મહત્ત્વના બદલાવ લાવીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની દિશામાં એક સરાહનીય પગલું ભર્યું છે.
આપણા દૈનિક જીવનમાં પ્લાસ્ટિક-કલ્ચર એટલું ઊંડું ઊતરી ગયું છે કે સવારે આંખ ખૂલે ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે અજાણતાં જ પ્લાસ્ટિકના ઘેરાવમાં રહીએ છીએ. એ કોઈ એક વસ્તુ પૂરતું મર્યાદિત નથી રહ્યું, આપણી આખી જીવનશૈલીનો ભાગ બની ગયું છે. આપણા દિવસની શરૂઆત જ પ્લાસ્ટિકના બ્રશથી થાય છે. ફેસવૉશ, શૅમ્પૂ, કન્ડિશનર જેવાં બાથરૂમ લિક્વિડ્સ પ્લાસ્ટિકની બૉટલમાં પૅક હોય છે. સવારે ચા માટેનું દૂધ પણ પ્લાસ્ટિકની થેલીમાં આવે છે. બજારમાં શાકભાજી-ફળો લેવા જાઓ કે કરિયાણાનો સામાન, બધું પ્લાસ્ટિકની થેલીમાં આપવામાં આવે છે. ઑનલાઇન ફૂડ ઑર્ડર કરો તો એ પ્લાસ્ટિકના કન્ટેનરમાં આવે છે. કપડાં, સામાન કે ગૅજેટ્સ મગાવો તો એમાં પણ પ્લાસ્ટિકનાં રૅપર્સ હોય છે. પ્લાસ્ટિક કન્વીનિયન્સ તો આપી રહ્યું છે, પણ લાંબા ગાળે એ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્નેને નુકસાન પહોંચાડી રહ્યું છે. પ્લાસ્ટિક-કલ્ચરને એકાએક બંધ કરવું મુશ્કેલ છે, પણ આપણે સભાનતાપૂર્વક દૈનિક જીવનમાં નાના-નાના પ્રયત્નો દ્વારા એનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ.
ADVERTISEMENT
ઇકો-લિવિંગથી બદલાયું જીવન
કાંદિવલીમાં રહેતાં પૂજા દોમડિયા જે રીતે ઇકો-ફ્રેન્ડ્લી લાઇફસ્ટાઇલ જીવી રહ્યાં છે એ ખરેખર બીજા માટે ખૂબ પ્રેરણાદાયી છે. પૂજાની આ સફરની શરૂઆત એક એવી વ્યક્તિને મળવાથી થઈ જે પોતાના ઘરના કચરામાંથી જાતે જ ખાતર બનાવતી હતી. પૂજા કહે છે, ‘તેમના ઘરે બહુ છોડ નહોતા, પણ જે ખાતર બનતું એ તેઓ સોસાયટીના ગાર્ડનમાં કે આસપાસની હરિયાળીમાં નાખી આવતા. તેમનો હેતુ માત્ર એટલો જ હતો કે કચરો લૅન્ડફિલ સુધી ન પહોંચે. ત્યાં સુધી મને અંદાજ જ નહોતો કે કચરાની સમસ્યા કેટલી ગંભીર છે. આ મુલાકાતથી પ્રેરિત થઈને મેં પોતાના ઘરમાં જ શાકભાજી અને ફળોની છાલ જેવા ભીના કચરામાંથી ખાતર બનાવવાનું શરૂ કર્યું. આ પ્રયોગ સફળ રહ્યો અને ઘરનો મોટા ભાગનો ભીનો કચરો ઘરમાં જ સમાઈ ગયો. ભીના કચરાનો નિકાલ થયા પછી પણ મેં જોયું કે પ્લાસ્ટિકનાં પૅકેટ્સ હજી પણ કચરાપેટીમાં જઈ રહ્યાં હતાં. આથી મેં ધીમે-ધીમે પ્લાસ્ટિક પૅકેજિંગવાળી વસ્તુઓનો વપરાશ ઘટાડવાનું નક્કી કર્યું. આ એક નિર્ણયની મારી હેલ્થ પર અદ્ભુત અસર પડી. પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવા માટે મેં વેફર્સ, બિસ્કિટ જેવી અલ્ટ્રા-પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ વસ્તુઓ ખાવાની બંધ કરી દીધી. પરિણામે મારી વર્ષો જૂની ઍસિડિટી સાવ ગાયબ થઈ ગઈ અને હું વધુ હેલ્ધી ફીલ કરવા લાગી. હું ફૂડી છું એટલે મેં સ્માર્ટ વિકલ્પો શોધ્યા. મને ખાવાનું ક્રેવિંગ થાય તો હું બેકરીમાં પોતાનો જ સ્ટીલનો ડબ્બો લઈને જાઉં અને જે જોઈતું હોય એ એમાં ભરીને લઈ આવું. મેં સ્ટ્રીટ-ફૂડ ખાવાનું શરૂ કર્યું જે પ્રોસેસ્ડ ફૂડની સરખામણીમાં ફ્રેશ હોય છે.’
પૂજા દોમડિયા ઇડલીનું ખીરું લેવા માટે સ્ટીલનો ડબ્બો લઈને જાય છે
પૂજાએ સ્લો ઍન્ડ કૉન્શ્યસ લીવિંગ નામનું એક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આ પ્લૅટફૉર્મ દ્વારા હું ભારતનાં અલગ-અલગ NGO અને ઇકો-ઑન્ટ્રપ્રનર્સ સાથે જોડાઈને ઇકો-ફ્રેન્ડ્લી રોજિંદી વસ્તુઓ જેમ કે બામ્બુ ટૂથબ્રશ અને લાકડાના દાંતિયા, કાચની બૉટલમાં કેમિકલ વગરની હૅન્ડમેડ ટૂથપેસ્ટ, પ્લાસ્ટિક બૉટલથી મુક્ત હૅન્ડમેડ શૅમ્પૂ બાર, ક્લોથ સૅનિટરી પૅડ્સ અને કપડાની અપસાઇકલ કરેલી વસ્તુઓ વગેરેનું વેચાણ કરું છું.’
પૂજાએ તેમની ફ્રેન્ડ માનસી શાહ સાથે મળીને હમ પૃથ્વી સે નામની એક અનોખી પહેલ શરૂ કરી છે. આ ઇનિશ્યેટિવ હેઠળ તેઓ વેસ્ટ સૅગ્રિગેશન, હોમ કમ્પોસ્ટિંગ, ગ્રીન વૉશિંગ, લો-વેસ્ટ કુકિંગ અને ગાર્ડનિંગ જેવા પંદરથી વધુ અલગ-અલગ વિષયો પર વર્કશૉપ્સનું આયોજન કરે છે. તેઓ લગ્ન કે ગેટ-ટુગેધર જેવી મોટી પાર્ટીઓમાં કચરાના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળે છે. આ ઉપરાંત સિંગલ-યુઝ પ્લાસ્ટિક કે ડિસ્પોઝેબલ ક્રૉકરીનો વપરાશ અટકાવવા માટે થોડા મહિના પહેલાં જ તેમણે એક રેન્ટલ બૅન્ક પણ શરૂ કરી છે. કોઈ પણ ઇવેન્ટ માટે લોકો તેમની પાસેથી સ્ટીલનાં રીયુઝેબલ વાસણો અને ઇકો-ફ્રેન્ડ્લી ડેકોરેશનની આઇટમો ભાડે લઈ જઈ શકે છે અને ઉપયોગ બાદ પાછી આપી શકે છે.’
જાગૃતિથી બદલાઈ ગયું જીવન
ઘાટકોપરમાં રહેતાં ગૃહિણી પૂજા ટોપરાણીએ પણ પોતાના ઘરની નાની-નાની આદતો બદલીને પ્લાસ્ટિકમુક્ત લાઇફસ્ટાઇલ અપનાવી છે. પૂજાબહેન કહે છે, ‘હું આખા વર્ષનું ઘઉં-ચોખાનું મોટું કરિયાણું સાથે જ ભરાવી લઉં છું જેથી વારંવાર પ્લાસ્ટિકના પૅકિંગવાળી નાની-નાની થેલીઓ ઘરમાં ન આવે. રોજબરોજનું કરિયાણું જેમ કે પૌંઆ, સિંગદાણા એવું કંઈ લેવા જઉં ત્યારે દુકાનદારને કહી દઉં કે મને પ્લાસ્ટિકને બદલે કાગળમાં બાંધીને આપે. શાકભાજી લેવા માટે મેં ઘરે જ કાપડની ઘણીબધી થેલીઓ ભેગી કરીને રાખી છે એટલે બહારથી પ્લાસ્ટિક લાવવાનો પ્રશ્ન જ નથી રહેતો. મારા રસોડામાં અનાજ હંમેશાં સ્ટીલના ડબ્બામાં જ ભરાય છે. અમે નાસ્તો પણ સ્ટીલના ડબ્બામાં જ રાખીએ છીએ. આખા વર્ષના મસાલા કાચની બરણીમાં જ સાચવું છું. ફ્રિજમાં પણ પ્લાસ્ટિકની એકેય બૉટલ તમને નહીં મળે, બધી સ્ટીલની જ છે. બહારથી બરફી, પેંડા કે એવું કંઈ લાવવાનું હોય તો ઘરેથી સ્ટીલનો ડબ્બો લઈને નીકળું છું અને એમાં જ મીઠાઈ ભરાવીને લાવું છું. નારિયેળપાણી પણ પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલું લાવવાને બદલે આખું નારિયેળ જ ઘરે લઈ આવવાનું પસંદ કરું છું. મારા ઘરમાં પ્લાસ્ટિકની એક પણ ડિશ, વાટકા, કપ કે ચમચી જેવી વસ્તુ નથી.’
નારિયેળપાણી પ્લાસ્ટિકની થેલીમાં લાવવાને બદલે આખું નાળિયેર જ ઘરે લઈ આવે છે પૂજા ટોપરાણી
આ આદત પાછળ પૂજાબહેનની જિંદગીનો એક બહુ જ ભાવુક કિસ્સો જોડાયેલો છે. ભૂતકાળને યાદ કરતાં તેઓ કહે છે, ‘મારા હસબન્ડ સાયન્સના પ્રોફેસર હતા. તેઓ ૨૦૨૩માં ગુજરી ગયા. તેઓ હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા ત્યારે તેમની સામેના બેડ પર કૅન્સરનો દરદી હતો. મારા હસબન્ડ અને તે પેશન્ટના સગા વચ્ચે વાતો-વાતોમાં પ્લાસ્ટિકનો ટૉપિક નીકળ્યો. પ્લાસ્ટિક આપણી હેલ્થ અને પર્યાવરણ માટે કેટલું ઘાતક છે અને એ કેવી રીતે કૅન્સર જેવી બીમારીઓ નોતરે છે એ વિશેની તે બન્ને વચ્ચેની વાતચીત હું બાજુમાં બેસીને સાંભળી રહી હતી. એ ઘટનાના થોડા સમય પછી મારા હસબન્ડ તો દુનિયા છોડીને ચાલ્યા ગયા, પણ હૉસ્પિટલના બેડ પર સાંભળેલી તેમની એ વાત મારા મનમાં એટલી ઊંડે સુધી ઘર કરી ગઈ કે બસ, ત્યારથી મેં નક્કી કરી લીધું કે મારાથી બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ હું ટાળીશ.’
પ્લાસ્ટિક સામે વેપારીની પહેલ
પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવા માટે મીરા રોડના વેપારી દીપક જોશીએ પણ એક વ્યવહારુ રસ્તો અપનાવ્યો છે જે અન્ય વેપારીઓ માટે રોલમૉડલ બની શકે છે. દીપકભાઈ કહે છે, ‘જો અમે કપડાની બૅગનો સીધો ચાર્જ વસૂલ કરીએ તો ગ્રાહકો નારાજ થાય અને કદાચ આવતા બંધ પણ થઈ જાય. એટલે અમે ડિપોઝિટ સિસ્ટમ અપનાવી છે. ગ્રાહકો ૨૦ રૂપિયા ડિપોઝિટ જમા કરાવીને કપડાની બૅગ લઈ જઈ શકે છે. એ બૅગ તેઓ અઠવાડિયે, ૧૫ દિવસે કે મહિને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે પાછી આપીને પોતાના ૨૦ રૂપિયા રીફન્ડ મેળવી શકે છે. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જ બૅગ વારંવાર ઉપયોગમાં આવતી રહે છે અને ગ્રાહક પર કોઈ આર્થિક બોજ પણ પડતો નથી. સારી વાત એ છે કે આ કામમાં અમને ગ્રાહકોનો પણ ભરપૂર સાથ મળી રહ્યો છે. દુકાનની આ સિસ્ટમથી પ્રભાવિત થઈને ઘણા ગ્રાહકો તો એવા છે જેમના ઘરમાં વધારાની કપડાની થેલીઓ પડી હોય તો તેઓ સામેથી દુકાને આવીને આપી જાય છે જેથી બીજા લોકો એનો ઉપયોગ કરી શકે.’
દુકાનદાર દીપક જોશીએ એક વર્ષથી રીફન્ડેબલ રીયુઝેબલ કપડાની થેલી ગ્રાહકોને આપવાનું શરૂ કર્યું છે.
છેલ્લા એક વર્ષથી આ સિસ્ટમ તેમની દુકાનમાં છે. BMCએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ઍન્ટિ-પ્લાસ્ટિક ડ્રાઇવ શરૂ કરેલી અને વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવાની શરૂઆત કરેલી ત્યારથી મેં આ સિસ્ટમ મારી દુકાનમાં લાગુ કરેલી. દીપકભાઈ કહે છે, ‘સરકારી દંડ કે પેનલ્ટીથી આ સમસ્યાનું કાયમી સૉલ્યુશન ક્યારેય નહીં આવે. એ માટે નાગરિકોને જાગરૂક કરવા વધુ જરૂરી છે. મારી દરેક નાના-મોટા વેપારી ભાઈઓને વિનંતી છે કે તેઓ પણ પોતાની દુકાનોમાં આવી કોઈ સિસ્ટમ ડેવલપ કરે. મારું માનવું છે કે પર્યાવરણ પ્રત્યેની આ સભાનતા બાળપણથી જ કેળવવી જોઈએ. જો શાળાના સ્તરથી જ બાળકોને પ્લાસ્ટિકના નુકસાન અને વેસ્ટ મૅનેજમેન્ટ વિશે અવેર કરવામાં આવે તો તેઓ મોટા થઈને જવાબદાર નાગરિક બનશે. મોટી ઉંમરે પહોંચ્યા પછી વર્ષો જૂની આદતો બદલવી ખૂબ અઘરી પડી જતી હોય છે એટલે સાચો બદલાવ પાયામાંથી જ શરૂ થવો જોઈએ.’
ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક-ફ્રી ડેનો ઉદ્દેશ
ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક-ફ્રી ડે પચીસ મેએ મનાવવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઓછામાં ઓછા એક દિવસ માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસની શરૂઆત ‘ફ્રી ધી ઓશન’ નામની સંસ્થા દ્વારા દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા માટે કરવામાં આવી હતી. આની ઉજવણી પાછળનો હેતુ એ છે કે લોકો આ દિવસે પ્લાસ્ટિકની બૉટલ, થેલી, સ્ટ્રૉ અને પૅકિંગ મટીરિયલનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લે. જો દુનિયાની દરેક વ્યક્તિ એક દિવસ માટે પણ પ્લાસ્ટિક છોડી દે તો એક જ દિવસમાં ૭.૬ અબજથી વધુ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ અટકી શકે છે. લોકોને પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બૉટલ અને વાંસમાંથી બનેલી વસ્તુઓ વાપરવા પ્રેરણા આપવામાં આવે છે. પ્લાસ્ટિકના પ્રદૂષણની ગંભીરતા તમે આ આંકડાઓ પરથી સમજી શકો કે દુનિયામાં દર વર્ષે ૪૪ કરોડ ટનથી વધુ પ્લાસ્ટિક બને છે. એમાંથી ૩૬થી ૪૦ ટકા પ્લાસ્ટિક માત્ર એક જ વાર વાપરીને ફેંકી દેવાય છે. માત્ર ૯ ટકા પ્લાસ્ટિક જ રીસાઇકલ થાય છે. બાકીનું બધું કચરામાં અથવા દરિયામાં જાય છે.
ચાલો સંકલ્પ લઈએ
પ્લાસ્ટિકમુક્ત ભવિષ્ય તરફ જવા માટે કોઈ મોટા આંદોલનની નહીં, આપણી રોજિંદી આદતોમાં એક નાનકડા મક્કમ બદલાવની જરૂર છે. સરકાર કાયદા બનાવશે અને તંત્ર દંડ ફટકારશે, પરંતુ જ્યાં સુધી આપણે વ્યક્તિગત જવાબદારી નહીં સ્વીકારીએ ત્યાં સુધી સાચો બદલાવ શક્ય નથી. આ ‘ઇન્ટરનૅશનલ પ્લાસ્ટિક ફ્રી ડે’ પર ચાલો આપણે પણ એક સંકલ્પ લઈએ કે શરૂઆત ભલે નાની હોય, પણ પ્લાસ્ટિકમુક્ત જીવન તરફ આપણું એક પગલું ચોક્કસ હશે.
