ટીન એજ એવી ઉંમર છે જેને બરાબર સાચવવી જરૂરી છે. તેમનું જાહેરમાં અપમાન કરીએ, ઉતારી પાડીએ ત્યારે તેમના હૃદય પર કેટલા ઘસરકા પાડીએ છીએ એનું ધ્યાન જ નથી રહેતું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગયા અઠવાડિયે ‘ઍડોલસન્સ’ વિશે લખ્યું એ વાંચી એક મિત્રએ 13 Reasons Why સિરીઝ તરફ ધ્યાન દોર્યું, એવી જ માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણવાળી ચકચારી સિરીઝ છે. કારણ કે અહીં પણ એક છોકરી, હન્ના બેકરનું મૃત્યુ થાય છે પણ ઍડોલસન્સના જેમી મિલર જેવા કોઈ ક્લાસમેટે હત્યા નથી કરી. હન્ના આત્મહત્યા કરે છે અને પાછળ છોડી જાય છે તેર કૅસેટ-ટેપ્સ. તેર વ્યક્તિઓને ઉદ્દેશીને. ટીન એજને અવગણના, અપમાન, અફવા, શોષણ વગેરે ઘણી ઊંડી અસર કરે છે. દિગ્દર્શક પ્રશ્ન મૂકી જાય છે : આ તેર હત્યારા ગણાય કે નહીં? આ સિરીઝે પણ ઘણો વિવાદ ઊભો કર્યો હતો.
ટીન એજ એવી ઉંમર છે જેને બરાબર સાચવવી જરૂરી છે. તેમનું જાહેરમાં અપમાન કરીએ, ઉતારી પાડીએ ત્યારે તેમના હૃદય પર કેટલા ઘસરકા પાડીએ છીએ એનું ધ્યાન જ નથી રહેતું. આ ગંભીર બાબત પર આ સિરીઝ પ્રકાશ પાડે છે. 13 Reasons Whyમાં હન્ના કેમ મરી એ પ્રશ્ન નથી પણ તેની ચીસો (શબ્દાર્થમાં નહીં), તેણે જેની પાસે આશા રાખી હતી એ કોઈએ સાંભળી કેમ નહીં એ મુખ્ય પ્રશ્ન છે. ઘરમાં આપણે ટીનેએજર્સની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહીએ ત્યારે આપણે કેટલી મોટી ભૂલ કરી બેસીએ છીએ! તેમને માતા-પિતા મિત્ર નથી લાગતાં અને મિત્રો પૂરતા નથી લાગતા. આ ઉંમરમાં આપણા શબ્દો અને નજર પણ હથિયારનું કામ કરે છે. સંતાનો પ્રત્યે અજાણતાં જ બહુ મોટો ગુનો કરી બેસીએ છીએ.
ADVERTISEMENT
હાઈ સ્કૂલના એક વિદ્યાર્થી ક્લે જેન્સનને તેર કૅસેટવાળું બૉક્સ મળે છે. હન્નાએ મૃત્યુ પહેલાં રેકૉર્ડ કરેલી ટેપ્સનું. તેનો સંદેશ શરીરમાંથી લખલખું પસાર કરાવી દે એવો છે. ‘આ કૅસેટ તમે સાંભળો છો એનો અર્થ તમે પણ એક કારણ છો.’ આવી રીતે ૧૩ ટેપ્સ ચોક્કસ રીતે આગળ વધારવાની હોય છે. આ ૧૩ તેની હત્યાનાં કારણો છે.
બાય ધ વે, અહીં ઉદ્દેશ આપણી આસપાસ, કદાચ ઘરમાં જ ઊભી થતી માનસિક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવાનો માત્ર છે. ‘તને કહીએ તેમ કર. તને સમજણ ન પડે’, એવું આપણાં સંતાનોને કહેતાં ક્યારે બંધ થઈશું?
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)


