Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વીરોને આંદામાન દ્વારા માનાંજલિ

વીરોને આંદામાન દ્વારા માનાંજલિ

29 January, 2023 01:50 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ગયા અઠવાડિયે પરમવીર ચક્રવિજેતા જાંબાજો પરથી આંદામાન અને નિકોબારના ૨૧ મોટા ટાપુઓનું નામકરણ કરવામાં આવ્યું એ પ્રત્યેક ભારતીય માટે ગૌરવપ્રદ ઘટના છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ પ્રસંગે જાણીએ આંદામાન-નિકોબાર ટાપુઓનો ભવ્ય ઇતિહાસ શું કહે છે અને સાથે જ એ વીરોને મળીએ જેમને સન્માન અપાયું છે

આંદામાન અને નિકોબારના ૨૧ મોટા આઇલૅન્ડ્સનું પરમવીર ચક્રવિજેતા મહાવીરો પરથી નામકરણ કરવામાં આવ્યું. આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે આટલા મોટા પાયે ભારતનાં સ્થળોનું નામકરણ દેશના સાચા હીરો પરથી કરવામાં આવ્યું હોય. એવા હીરો જે ભારતના ગૌરવપ્રદ ઇતિહાસના સાચા હીરો છે. છાતી આઠ-દસ ઇંચ પહોળી અને કૉલર બે-ત્રણ ફુટ વધુ ઊંચા થઈ જાય એવી આ ઘટના ખરેખર ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે જ લખવી પડે એવી છે. જોકે એ વિશે વાત કરતાં પહેલાં એ જાણી લઈએ કે ભારતનો દરિયાઈ પ્રવેશદ્વાર જેવા ગણાતા આંદામાન અને નિકોબાર આઇલૅન્ડ વાસ્તવમાં છે કેવા?
કેવા છે આ આઇલૅન્ડ?
ભારતમાં કુલ ૧,૩૮૨ ટાપુઓનો સમૂહ છે. એમાં સૌથી જાણીતા આંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ છે. કુલ ૮,૨૪૯ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ નાના-મોટા ૮૩૬ ટાપુઓનો સમૂહ છે. એમાં ૩૮ એવા ટાપુઓ છે જ્યાં માનવવસ્તી છે. ૨૦૧૯ના સરકારી આંકડા અનુસાર કુલ ૪,૩૪,૧૯૨ લોકોની વસ્તી ધરાવતા આ ટાપુમાં ત્રણ શહેરો છે અને નવ તહસીલ છે.
સૌથી પ્રાચીન પુરાતત્ત્વ પુરાવાઓ લગભગ ૨,૨૦૦ વર્ષ પહેલાંનો ઇતિહાસ દર્શાવે છે, પરંતુ ઘણા ઇતિહાસકારો અને આર્કિયોલૉજિસ્ટ્સનું માનવું છે કે આંદામાન-નિકોબાર આશરે ૩૦,૦૦૦ વર્ષ કરતાંય પહેલાંના સમયનો ઇતિહાસ ધરાવે છે. જોકે મધ્ય પાષાણયુગ દરમિયાન સ્થાનિક આંદામાનના લોકો વિશ્વની અન્ય વસ્તીથી અલગ પડી ગયા હતા અને તેથી જ આંદામાનીઓ ભાષાકીય અને સાંસ્કૃતિક રીતે અલગ પ્રાદેશિક જૂથ તરીકે વધુ વૈવિધ્યસભર બન્યા હતા. 
ચૌલા ડાયનૅસ્ટી દ્વારા આ ટાપુઓનો એક સ્ટ્રૅટેજિક નેવલ બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે મરાઠાયુગ દરમિયાન આ બંને ટાપુઓનો સમૂહ હંગામી પોર્ટ તરીકે વ્યાપાર વ્યવહારના ઉપયોગમાં લેવાતો હતો. ૧૨ ડિસેમ્બર ૧૭૫૫ના દિવસે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નિકોબાર આઇલૅન્ડ પર પ્રવેશી ત્યાર બાદ ત્યાં મૂળ આંદામાની નહીં હોય એવા લોકોનો પણ વસવાટ શરૂ થયો અને પહેલી જાન્યુઆરી ૧૭૫૬ના દિવસે આ આઇલૅન્ડ પર ડચ કૉલોની સ્થાપિત થઈ. ત્યાર બાદ અંગ્રેજોનો પ્રવેશ અને ભારતની ગુલામી અવસ્થા દરમિયાનનો ઇતિહાસ તો બધાને ખબર છે. આંદામાનમાં બનાવવામાં આવેલી જેલનો અંગ્રેજો આઝાદી માટે લડતા ભારતીય વિરલાઓને કાળા પાણીની સજા આપવા માટે ઉપયોગ કરતા હતા. એમાંના એક વિરલા સ્વતંત્રતાવીર સાવરકરજી પણ હતા.
આંદામાન અને નેતાજી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી (પરાક્રમ દિવસ) પર ભારતના સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર એવા પરમવીર ચક્રના ૨૧ વિજેતાઓનાં નામ પરથી આંદામાન અને નિકોબાર ટાપુઓના ૨૧ મોટા અનામી ટાપુઓનું નામકરણ કરવામાં આવ્યું. સાથે જ તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે ઑનલાઇન ઇવેન્ટમાં આંદામાન-નિકોબારના ટાપુઓ પર બોઝને સમર્પિત પ્રસ્તાવિત સ્મારકના મૉડલનું અનાવરણ કર્યું હતું. અનાવરણ સમયે વડા પ્રધાન મોદીના શબ્દો હતા, ‘આજે મારા માટે ગર્વની પળ છે, કારણ કે હું આંદામાનના લોકોને સંબોધિત કરી રહ્યો છું. આ એ ભૂમિ છે જ્યાં ૧૯૪૩ની સાલમાં સુભાષચંદ્ર બોઝે પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.’



હા, સુભાષચંદ્ર બોઝ પહેલી એવી વ્યક્તિ હતા જેમણે ભારતની આઝાદીની સિંહગર્જના આંદામાનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરી હતી. નેતાજીને ભારતની શક્તિ અને પોતાની જાત પર એટલો ભરોસો હતો કે અંગ્રેજો સામે લડવા માટે ક્યારે, ક્યાંથી અને કઈ રીતની સ્ટ્રૅટેજી અપનાવવી પડશે એ ક્રિસ્ટલ ક્લિયર વિઝન હતું.
સ્વતંત્રતા સંગ્રામમાં નેતાજીના યોગદાનને આજ સુધી દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર દેશ હવે તેમને યાદ કરીને તેમનો ઋણસ્વીકાર કરી રહ્યો છે. આંદામાનમાં નેતાજીનું જે સ્મારક બનવા જઈ રહ્યું છે એ રોસ આઇલૅન્ડ પર સ્થાપિત કરવામાં આવશે. એનું નામ ૨૦૧૮ની સાલમાં જ રોસ આઇલૅન્ડથી બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ કરી નાખવામાં આવ્યું હતું. અહીં એક મ્યુઝિયમ, એક કેબલ કાર રોપવે, લેસર ઍન્ડ સાઉન્ડ શો અને ઐતિહાસિક ઇમારતો દ્વારા માર્ગદર્શિત હેરિટેજ ટ્રેલ પણ બનાવવામાં આવશે. તો વળી થીમ પાર્ક, ચિલ્ડ્રન અમ્યુઝમેન્ટ પાર્ક, રેસ્ટ્રો લાઉન્જ વગેરે તો ખરાં જ.


દરિયાઈ પ્રવેશદ્વારનું નામકરણ

હવે આ વિઝનરી લીડર સાથે આંદામાનની ધરતી પર દેશના પરમ વિજેતાઓને યાદ કરવામાં આવ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવાની આ જે અનોખી રીત અપનાવવામાં આવી છે એ ભારતની આવનારી પેઢી માટે માઇલસ્ટોન બની રહેવાની છે. પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારા મહાવીરોનાં નામ પરથી નામ આપવામાં આવેલો એ દરેક ટાપુ આવનારી પેઢી માટે પ્રેરણાભૂમિ સાબિત થશે. આ નામકરણ દ્વારા દેશ માટે તેમણે આપેલા બલિદાનને તો યાદ કરવામાં આવી જ રહ્યું છે, સાથે જ આપણે ભારતીય સેનાની બહાદુરી અને અમરત્વનો સંદેશ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચાડી શક્યા છીએ. ભારતનું ઇન્ટેન્શન હવે વિશ્વકક્ષાએ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સિંહની દહાડ એ ભારતની તાકાત પણ છે અને પ્રકૃતિ પણ.
આંદામાનના ટાપુઓનું આ નવું નામકરણ માત્ર નામકરણ જ નથી, પરંતુ ભારતની અનેકતામાં એકતા અને વૈવિધ્યસભરતાનું પણ એક અનોખું દૃષ્ટાંત આ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. ભારતની સેનાની ત્રણે પાંખોમાં દેશનાં વિવિધ રાજ્યોનાં અલગ-અલગ શહેરો કે ગામડાંઓમાંથી આપણા બહાદુરો સામેલ થતા હોય છે. આ દરેક વિરલાની ભાષા કે બોલી તો અલગ હોય જ છે, સાથે જ તેમની જીવનશૈલી સ્વાભાવિક રીતે જ અલગ હોવાની. જોકે દેશસેવામાં એકઠું થયેલું આ સૈન્યબળ આ બધું જ ભુલાવી એક થઈને રહેતું હોય છે, જેમ સમુદ્ર વિવિધ ટાપુઓને જોડે છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની લાગણી પોતાની ભીતર જન્માવીને જીવનારા અને દેશની સુરક્ષા માટે પોતાના જીવની પણ દરકાર નહીં કરનારા આ વિરલાઓને તેમના બલિદાન માટે ૨૩ જાન્યુઆરીએ સાચી ઓળખ મળી છે અને આપણે સાચા અર્થમાં તેમણે અંજલિ આપી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય.


એક ટાપુ એક વિરલાને અર્પણ
૧. મેજર સોમનાથ શર્મા. ૧૯૪૭ની બડગામની લડાઈમાં કુમાઉ રેજિમેન્ટના સોમનાથજીએ જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જે બાહોશી દેખાડી હતી એ માટે તેમને સેનાના સર્વોચ્ચ સન્માન પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. 
૨. નાયક જદુનાથ સિંહ, રાજપૂત રેજિમેન્ટના સપૂત જદુનાથ ૧૯૪૭ની ભારત-પાકિસ્તાનની લડાઈમાં નૌશેરા સેક્ટરમાં એકલા હાથે લડતા રહ્યા. ભારતીય સેનાની ચોકી પર નાપાક પાકિસ્તાનીઓ કબજો ન કરે એ માટે તેમણે પોતાના જીવની પણ પરવા ન કરી અને આજે દેશ તેમનું એ ઋણ આંદામાન ટાપુને તેમનું નામ આપી ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
૩. જદુનાથની સાથે એ જ લડાઈમાં એ જ નૌશેરા સેક્ટરમાં બીજો પણ એક વિરલો હતો સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે. મુંબઈ શેપર્સના આ બાહોશ જવાન જદુનાથજીના બે મહિના પછી યુદ્ધમેદાનમાં મૃત્યુને ભેટ્યા હતા. હવે પછી ભારતનો એક ટાપુ તેમનું નામ અમર કરશે.  
૪. બીજા બે મહિના વીત્યા અને ભારત-પાકિસ્તાનની એ જ લડાઈમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરના ટીથવાલ સેક્ટરમાં રાજપૂતાના રાઇફલ્સના એક કંપની હવાલદારે બાહોશીપૂર્વક લડતાં-લડતાં પોતાનો જીવ હોમી દીધો. કંપની હવાલદાર મેજર પીરુ સિંહ. દેશના એક ટાપુને તેમનું નામ આપીને સમગ્ર દેશ આજે તેમને વંદન કરી રહ્યો છે.
૫. એ જ ભારત-પાકિસ્તાન યુદ્ધના બીજા એક જવાંમર્દ એટલે લાન્સ નાયક કરમ સિંહ. સિખ રેજિમેન્ટનો આ સિંહ પણ કાશ્મીરના ટીથવાલ સેક્ટરમાં લડ્યો અને આજે હવે દેશ એક ટાપુને તેમનું નામ આપીને ઋણસ્વીકાર કરી રહ્યો છે.
૬. કૅપ્ટન જી. એસ. સલારિયા. ૧૯૬૧ની સાલની એ લડાઈને કૉન્ગો ક્રાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. ગુરખા રાઇફલ્સના કૅપ્ટન ગુરબચન સિંહ કૉન્ગોમાં લડ્યા અને દેશે તેમનો ઋણસ્વીકાર પરમવીર ચક્ર દ્વારા કર્યો હતો. આજે તેમના એ બલિદાનને ફરી આંદામાનના ટાપુ દ્વારા યાદ કરાઈ રહ્યું છે.
૭. મેજર ધાનસિંહ થાપા. ૧૯૬૨ની લડાઈમાં કાશ્મીરમાં લડતાં-લડતાં પોતાનું જીવન દેશ માટે અર્પણ ચૂકેલા આ વાઘનું નામ આજે દેશ એક ટાપુના નામ દ્વારા અમર કરી રહ્યો છે.
૮. સૂબેદાર જોગીન્દર સિંહ. લડાઈ ફરી એ જ ૧૯૬૨ની, પણ આ શેરદિલ હતો સિખ રેજિમેન્ટનો. નૉર્થ-ઈસ્ટ ભારતના તોંગપેનમાં ચાઇના સામે લડતા મૃત્યુને વરેલા આ ભડવીરને આખો દેશ હવે આંદામાનના ટાપુ દ્વારા યાદ કરશે. 
૯. મેજર શૈતાન સિંહ. કુમાઉ રેજિમેન્ટના શૈતાન સિંહ સામે આવેલા સો સિંહોને હંફાવે એવા બાહોશ હતા. ૧૯૬૨ની ચાઇના વૉરમાં કાશ્મીરના રેઝાન્ગ લા રીજનમાં ચીનાઓ સામે લડત આપી. હવે આંદામાન તેમને સૅલ્યુટ કરી રહ્યું છે.
૧૦. ગ્રેનેડિયર્સનો જીવતો-જાગતો ગ્રેનેડ એટલે અબ્દુલ હમીદ, જેનાથી દુશ્મને સતત ડરવું પડે એ જરૂરી હતું. કંપની ક્વૉર્ટર માસ્ટર હવાલદાર હમીદ ૧૯૬૫ની સાલમાં ખેમકરણમાં ’૬૫ની પાકિસ્તાન સાથેની લડાઈ અને પાકિસ્તાનના તરન તારન જિલ્લાનું એ ગામ અસ્સલ ઉત્તર જેને હમીદ જેવા સિંહે પાકિસ્તાની ટૅન્ક્સની કબર બનાવી મૂક્યું હતું. હમીદ હવે આંદામાનના ટાપુના નામે જીવંત રહેશે.
૧૧. યાદ છે ૧૯૬૫નો જંગ? એ પુણે હૉર્સના લેફ્ટનન્ટ કર્નલ અરદેશર તારાપોર જ હતા જે પાકિસ્તાનના છેક સિયાલકોટ સુધી પ્રવેશી ચૂક્યા હતા. જવાંમર્દીની આથી મોટી નિશાની શું જોઈએ? હવે તારાપોર અરદેશરજીને ભારત ટાપુના નામ દ્વારા સૅલ્યુટ કરી રહ્યું છે. 
૧૨. સાલ ૧૯૭૧ની અને પાકિસ્તાન ફરી હરામખોરી પર ઊતર્યું હતું. બ્રિગેડ ઑફ ધ ગાર્ડ્સના લાન્સ નાયક આલ્બર્ટ એક્કા અગરતલાના ગંગાસાગરમાં ઝીંક ઝીલી રહ્યા હતા અને હરામખોર પાકિસ્તાનોએ આપણી પાસેથી આપણો આ સિંહ છીનવી લીધો હતો. જોકે હવે આલ્બર્ટ એક્કાનું નામ શાનથી ભારતના એક ટાપુ દ્વારા ફરી જીવંત થઈ ચૂક્યું છે. 
૧૩. ૧૮ સ્ક્વૉડ્રન આઇએએફના ફલાઇંગ ઑફિસર નિર્મલજિત શેખોં એ જ લડાયક વિમાનના મહારથી હતા જેમણે ૧૯૭૧ની લડાઈની જીતનો તાજ ભારતને નામ કરવામાં જબરદસ્ત મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. નિર્મલજિત શેખોં હવે આંદામાનની હવાઓમાં અમરત્વનો શ્વાસ લેશે અને ભારત તેમને નતમસ્તક રહેશે.
૧૪. એ જ ૧૯૭૧ની લડાઈ હતી અને ફરી એ જ પુણેના હૉર્સનો વાઘ જેણે પાકિસ્તાનના બારાપિંડ સુધી ઘૂસી જઈને પાકિસ્તાનના નાપાક કુત્તાઓને પોતાની દહાડથી ડરાવીને હરાવી મૂક્યા હતા. નામ હતું સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ. 
૧૫. મેજર હોશિયાર સિંહ દહિયા ગ્રેનેડિયર્સના મેજર પણ પાકિસ્તાનના જ સૈનિકોને પાકિસ્તાનમાં જ છેક બસાન્તર નદી સુધી પાછળ ધકેલી જઈને પાકિસ્તાનની અંદર સુધી પ્રવેશી ચૂક્યા હતા. પરમવીર ચક્રવિજેતા આ સિંહ પણ હવે આંદામાનના ટાપુઓ દ્વારા ભારતનું ઋણ-અદાયગી સ્વીકારી રહ્યા છે.
૧૬. ૧૯૮૭ની એ સિયાચીન ગ્લૅસિયરવાળી ઘટના યાદ છે? આપણે ઑપરેશન રાજીવ તરીકે ઓળખીએ છીએ! બના સિંહ જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીના એ જ નાયબ સૂબેદાર જેમણે દુશ્મનના દાંત ખાટા કરી મૂક્યા હતા.
૧૭. ૧૯૮૭ની જ સાલમાં ભારતે શ્રીલંકામાં ઑપરેશન પવન કર્યું હતું. યાદ છેને? એલટીટીઈ સાથેની એ ભારત-શ્રીલંકાની લડાઈ. માહેર રેજિમેન્ટના મેજર રામાસ્વામી પરમેશ્વરમ એ જ બાહોશ બાહુબલી જેમણે પરમવીર ચક્ર મેળવ્યો અને હવે આંદામાન દ્વારા ભારતની આઝાદ હવામાં અમરત્વનો શ્વાસ લેશે.
૧૮. મહિનો હતો જુલાઈ અને સાલ હતી ૧૯૯૯. કારગિલ યુદ્ધ. કેમેય કરીને ભુલાય નહીં એવી આ બૅટલ ૧૧ ગોરખા રાઇફલ્સના લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે જેવા સિંહને કારણે જ આપણે જીતી શક્યા હતા. હવે તેમને દેશ સૅલ્યુટ કરી રહ્યો છે ભારતના એક ટાપુને તેમનું નામ દઈને. 
૧૯. ધ ગ્રેનેડિયર્સના શેરદિલ ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ પણ ટાઇગર હિલ પર લડતા રહ્યા અને પાકિસ્તાન જેવા નાપાક દુશ્મનને હરાવીને દેશનું નાક જાળવી શક્યા. યોગેન્દ્રને દેશના લાખ-લાખ સલામ કઈ રીતે? દેશનો આખો એક ટાપુ જ તેમને નામ.
૨૦. રાઇફલમૅન સંજયકુમાર. જમ્મુ ઍન્ડ કાશ્મીર રાઇફલ્સનો આ ખૂંખાર વાઘ કારગિલ જેવી મુશ્કેલ બૅટલફીલ્ડ પર પણ પોતાના નહોર જમાવી રાખીને લડતો રહ્યો અને આખરે પરમવીર ચક્રને પોતાની પ્રેમિકા હોય એ રીતે ગાલે વળગાડ્યો. આજે દેશ એના એક ટાપુને તમારે નામ કરતાં નતમસ્તક છે.
૨૧. અને દેશના મુગટ પર ચમકતો ૨૧મો હીરો એટલે કૅપ્ટન વિક્રમ બત્રા. કારગિલ વૉરનો એ હીરો જેમણે કારગિલમાં લડતા રહીને દેશનું નાક અને કૉલર એ રીતે ઊંચાં કર્યાં કે જાને દુશ્મનને કહી રહ્યા હોય કે ખબરદાર જો હવે પછી એકેય વાર ભારત તરફ આંખ પણ ઉઠાવી છે. કૅપ્ટન વિક્રમ અને દેશના મુગટ પર બિરાજમાન બાકીના વીસેવીસ હીરાઓ, સાચા અર્થમાં તમે જ હીરો છો, પ્રેરણાસ્રોત છો, અમર છો, દેશનું નામ, સન્માન, સ્વમાન અને સ્વાભિમાન છો. તમારી આ બાહોશી, બહાદુરી, સમર્પણ અને શેરદિલી દેશ નતમસ્તકે સ્વીકારે છે. આથી જ આંદામાનના એ ૨૧ ટાપુઓને હવે તમારા નામે ઓળખાવતાં અમને એવો ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે જાણે આપણી ભારત મા આજ સુધી ઘરેણાંવિહોણી હતી અને આ ૨૩ જાન્યુઆરીએ તેણે ગર્વભેર પોતાનાં ઘરેણાં પહેર્યાં હોય. આ ૨૧ સપૂતો સાચા અર્થમાં દેશનાં ઘરેણાં છે જેમનાં નામ આ રીતે દેદીપ્યમાન થતાં ચહેરો અને આંખો ગર્વથી ઉન્નત થઈ ઊઠે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 01:50 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK