Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ધુમાડો કાઢતાં સ્મોક બિસ્કિટ્સ ખાતાં પહેલાં બે વાર વિચારજો

ધુમાડો કાઢતાં સ્મોક બિસ્કિટ્સ ખાતાં પહેલાં બે વાર વિચારજો

08 May, 2024 07:40 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

લિક્વિડ નાઇટ્રોજન અતિશય ઠંડો હોય છે અને એ જો ફેફસાંમાં કે શ્વાસનળીમાં જાય તો એનાથી અચાનક જ શ્વાસ રોકાઈ જાય કે ગભરામણ થવા લાગે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ મોંમાંથી ધુમાડો નીકળે એવાં વેફર આઇસક્રીમ અને બિસ્કિટ્સ ધૂમ ચાલે છે. આવું જ બિસ્કિટ ખાવાથી તામિલનાડુમાં એક બાળક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો એ ઘટનાએ ફૂડ -સેફ્ટીના નિયમો પર વેધક સવાલ ઉઠાવ્યો છે. લિક્વિડ નાઇટ્રોજન વાપરીને ધુમાડો કાઢવાની આ ટેક્નિક ફૂડને ફૅન્સી તો બનાવે છે, પણ એમાં જરાક પણ ચૂક થઈ તો ક્યારેક હસવાનું ખસવું થઈ શકે એમ છે

ત્રણ-ચાર વર્ષ પહેલાં મુંબઈમાં પહેલી વાર સ્મોક આઇસક્રીમ અને સ્મોક બિસ્કિટ્સ વેચતાં પાર્લર્સની શરૂઆત થઈ હતી, હવે આવાં બિસ્કિટ રેંકડીઓ પર મળવા લાગ્યાં છે અને એની આડઅસરો અને જોખમો પણ સામે આવી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર ફરી રહેલો એક વિડિયો ભલભલાને કમકમાં લાવી દે એવો છે. એક છોકરો રેંકડીવાળા ફેરિયા પાસેથી સ્મોક બિસ્ટિક ખાય છે અને મોંમાંથી ધુમાડો કાઢીને મજા લે છે; પણ એ પછી થોડી જ વારમાં તે પેટ પકડીને પીડાથી કરાંજતો જમીન પર પડી જાય છે. તામિલનાડુના મદુરાઈનો આ વિડિયો છે. આ ઘટના પછી તામિલનાડુના ફૂડ-સેફ્ટી વિભાગે એ સ્મોક બિસ્કિટ વેચનારાનું લાઇસન્સ રદ કરી દીધું અને લિક્વિડ નાઇટ્રોજનના ઉપયોગથી બનતા સ્મોક ફૂડ વિશેના નિયમો વધુ કડક બનાવ્યા છે.
આ ઘટના પછી આપણે એ સમજી લેવું જરૂરી છે કે મોંમાંથી ધુમાડો કાઢવાની પળભરની ખુશી આપતી આ ટેક્નિક કેટલી જોખમી બની શકે છે. એ માટે પહેલાં સમજવું પડશે કે સ્મોક ફૂડ બને છે કઈ રીતે. 

સ્મોક ફૂડ છે શું?

ફૂડમાં સ્મોક બે પ્રકારે પેદા થાય. એક તો કોઈ ચીજને ભૂંજવાથી પેદા થતો ધુમાડો અને બીજો, કોઈ ચીજ અતિશય નીચા તાપમાને લઈ જવામાં આવે તો એમાંથી ધુમાડો થાય. જેમ હાડ થિજાવી દે એવી બર્ફીલી ઠંડીમાં જઈએ ત્યારે મોં ખોલતાં જ મોંમાંથી ધુમાડા નીકળે છે. એનું કારણ એ છે કે અતિશય ઠંડી મોંમાં જાય તો શરીરની અંદરની ગરમીને કારણે ધુમાડા વાટે બહાર નીકળે છે. આ જ ટેક્નિક ફૂડમાં વાપરવા માટે લિક્વિડ નાઇટ્રોજન વપરાય છે. આ લિક્વિડ કોઈ પણ ફૂડને તાત્કાલિક થિજાવી દેવાનું કામ કરે છે. લિક્વિડ નાઇટ્રોજન કઈ રીતે કામ કરે છે એ સમજાવતાં અંધેરીનાં જાણીતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ કહે છે, ‘આપણા વાતાવરણમાં તો નાઇટ્રોજન હોય જ છે, પણ એ ગૅસ ફૉર્મમાં હોય છે; જ્યારે ફૂડમાં વાપરવામાં આવે છે એ લિક્વિડ ફૉર્મમાં હોય છે. લિક્વિડ નાઇટ્રોજનનો બૉઇલિંગ પૉઇન્ટ એકદમ ઓછો એટલે કે લગભગ માઇનસ ૧૯૬ ડિગ્રી સેલ્સિયસ જેટલો હોય છે. એટલે રૂમ-ટેમ્પરેચર પર આ લિક્વિડ ગૅસ ફૉર્મમાં આવી જાય છે. આટલા નીચા તાપમાને જે લિક્વિડ હોય એ જો ડાયરેક્ટ ત્વચાના સંસર્ગમાં આવે તો એનાથી કોલ્ડ બર્ન કે ફ્રોસ્ટબાઇટ થઈ જાય. સામાન્ય રીતે આ લિક્વિડનો ઉપયોગ ફૂડને ચોક્કસ સ્મૂધ ટેક્સ્ચર આપવા માટે થાય છે. બાઉલમાં બિસ્કિટના ટુકડા લઈને એના પર લિક્વિડ નાઇટ્રોજન રેડવામાં આવે એટલે તરત જ એ રૂમ-ટેમ્પરેચર પર આવતા ફૂડને ફ્રોસ્ટ કરી નાખે છે અને એના પર એક કડક સ્મૂધ લેયર બની જાય છે. આ ચીજ મોંમાં નાખો એટલે મોંની ગરમીને કારણે એ ગૅસ ફૉર્મમાં આવી જાય અને એ મોંમાંથી ધુમાડા રૂપે બહાર આવે છે.’

ફૅન્સી ફૂડ સ્ટાઇલિંગ માટે હવે મોટી ફાઇનડાઇન કૅફે અને રેસ્ટોરાંમાં આનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે, જે હવે રેંકડીઓવાળાઓ પણ વાપરવા લાગ્યા છે એ જોખમી છે. કેમ કે લિક્વિડ નાઇટ્રોજન હૅન્ડલ કરવા માટે ખાસ ગાઇડલાઇન્સ આપવામાં આવી હોય છે અને એમાં જો સહેજ પણ ગરબડ થઈ તો એ હસવામાંથી ખસવું કરી નાખી શકે છે. ૨૦૧૮માં અમેરિકાની આયોવા યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ મુજબ લિક્વિડ નાઇટ્રોજન અતિશય ઠંડો હોય છે અને એ જો ફેફસાંમાં કે શ્વાસનળીમાં જાય તો એનાથી અચાનક જ શ્વાસ રોકાઈ જાય કે ગભરામણ થવા લાગે છે. લિક્વિડ ફૉર્મમાં નાઇટ્રોજનનું એક ટીપું પણ પણ જો શરીરમાં જાય તો એ ત્યાંની ત્વચા બાળી નાખે, પેટમાં કાણું પાડી દે એવું બની શકે છે. 



લિક્વિડ નાઇટ્રોજન વાપરવાનો નિયમ શું?
જ્યારથી આ ચીજ ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં વપરાવાની શરૂ થઈ છે ત્યારથી એનાં જોખમો વિશે સભાનતા છે જ. એ જ કારણોસર ફૂડ-સેફ્ટીના નિયમો અંતર્ગત કોઈ પણ આઇટમ સંપૂર્ણપણે લિક્વિડ નાઇટ્રોજન પૂરી રીતે બાષ્પીભવન થઈ જાય એ પછી જ સર્વ કરવાનો રૂલ બનાવાયો છે. આ રૂલ જો પાળવામાં ન આવે તો શું-શું થઈ શકે એ વિશે ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ કહે છે, ‘લિક્વિડ નાઇટ્રોજન ખૂબ જ લો ટેમ્પરેચર પર હોય છે. અતિશય લો ટેમ્પરેચરવાળી ફૂડ-આઇટમ મોંમાં જાય તો એનાથી જે સેલ્સના સંપર્કમાં આવે એ ડેડ થઈ શકે છે. નાઇટ્રોજન લિક્વિડ ફૉર્મમાં અંદરની ત્વચાને અડે તો એનાથી ટિશ્યુઝ ફાટી જાય. સ્ટમકમાં જ અતિશય માઇક્રો અમાઉન્ટમાં લિક્વિડ ફૉર્મવાળો નાઇટ્રોજન જાય તો એ જઈને ગૅસ બની જતાં એનું વૉલ્યુમ અચાનક વધી જાય છે. ગૅસનું પ્રેશર વધી જાય તો એ ક્યારેક જઠરને ફાડી નાખે અથવા તો અંદરની દીવાલમાં કાણું પાડી દે એવું બને. નાઇટ્રોજન ગૅસને કારણે ઑક્સિજન ઘટી જતો હોવાથી અચાનક જ જાણે ગળામાં ટૂંપો લાગી ગયો હોય એવી ફીલ આવે છે. લિક્વિડ નાઇટ્રોજન પૂરેપૂરો બાષ્પીભવન થયો છે કે નહીં એ ચેક કરવાનાં પણ ચોક્કસ પરિમાણો હોય છે, પણ જો એ ફૉલો ન કરવામાં આવે તો એનું નુકસાન એક્સપરિમેન્ટ કરનારાને થઈ શકે છે.’


અન્ય માઇલ્ડ લક્ષણો 
એટલું તો નક્કી છે જ કે આ ફૅન્સી ફૂડ જેટલી ક્ષણ માટે મજા આપે છે એટલી જ ક્ષણમાં એ શરીરની અંદર હાનિકારક આડઅસરો છોડી દઈ શકે છે એમ જણાવતાં મેઘના પારેખ શેઠ કહે છે, ‘લિક્વિડ નાઇટ્રોજન ખરેખર જોખમી છે. એ વડીલો અને નાનાં બાળકો માટે નથી જ. જેમને શ્વસનની તકલીફ હોય એવા લોકો માટે આ ક્ષણની મોજ મુસીબત લાવી શકે છે. એની માઇલ્ડ આડઅસર રૂપે મોંમાં અલ્સર થઈ જાય, વોમિટિંગ થાય, ડાયેરિયા થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ ફીલ થાય જેવાં લક્ષણો જોવા મળી શકે છે. જેમને શ્વસનતંત્રની તકલીફ છે તેમને તો લિક્વિડ નાઇટ્રોજનથી સૌથી વધુ નુકસાન થવાનો ખતરો છે. ત્વચા સેન્સિટિવ હોય તેમણે પણ સાચવવું.’

ચક્કર અને ભ્રાંતિ 
લિક્વિડ નાઇટ્રોજન ૦.૦૧ મિલીલીટર જેટલી થોડીક માત્રામાં પણ શરીર કે ફેફસાંમાં જાય તો એનાથી શ્વાસ લેવાની મુશ્કેલી પડવાની સાથે માનસિક લક્ષણો પણ જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે શરીરમાં છૂટો પડેલો નાઇટ્રોજન વાયુ બૉડીમાં ઑક્સિજન અચાનક કમી કરે છે. અચાનક આવેલા આ બદલાવને કારણે મગજને જો બે-ચાર ક્ષણ માટે પણ ઓછો ઑક્સિજન મળે તો એનાથી ચક્કર આવવાં, ભ્રાંતિ થવી, માથું ફાટતું હોય એવો દુખાવો થવો જેવાં લક્ષણો પણ જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 07:40 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK