વડીલો દ્વારા સ્થાપિત થયેલો રેશમી સંબંધ જ્યારે વકીલોની દલીલોની સોયથી તાર-તાર થઈને છૂટો પડે ત્યારે સપ્તપદી છાના ખૂણે હીબકું ભરી લેતી હોય છે. કંસારનું ફૂડ-પૉઇઝનિંગ ભલે તાત્કાલિક નથી થતું, પણ જ્યારે થાય ત્યારે સંબંધોનાં આંતરડાં ખેંચાઈ જતાં હોય છે.
સાંઈરામ દવે
વડીલો દ્વારા સ્થાપિત થયેલો રેશમી સંબંધ જ્યારે વકીલોની દલીલોની સોયથી તાર-તાર થઈને છૂટો પડે ત્યારે સપ્તપદી છાના ખૂણે હીબકું ભરી લેતી હોય છે. કંસારનું ફૂડ-પૉઇઝનિંગ ભલે તાત્કાલિક નથી થતું, પણ જ્યારે થાય ત્યારે સંબંધોનાં આંતરડાં ખેંચાઈ જતાં હોય છે.
જેટલી ઝડપથી છેડાછેડી બંધાણી હોય એટલી ઝડપથી છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. લગ્નસંસ્કાર એ આપણા ૧૬ સંસ્કારની કરોડરજ્જુ જેવા છે. લાગે છે કે એ કરોડરજ્જુના મણકાની ગાદીઓ હલબલી ગઈ છે. આમ ને આમ ચાલ્યું તો આપણી સમાજવ્યવસ્થા ટટ્ટાર રહેશે કે કેમ એ પ્રશ્ન છે.
ADVERTISEMENT
એક સમયે આપણા અભણ વડવાઓ પાસે જીવનનિર્વાહનાં ટાંચાં સાધનો હતાં એમ છતાં પ્રસન્ન દામ્પત્યજીવન હતાં. અત્યારે દોમદોમ સાહ્યબી વચ્ચે દામ્પત્યજીવન છે, પરંતુ પ્રસન્નતા અદૃશ્ય થઈ ગઈ છે. લગ્નપરંપરાને લૂણો લાગ્યો છે. ડિવૉર્સની ઊધઈએ કંઈકેટલાંય નવયુગલોના જીવનની કિતાબને એવી રીતે કોતરી ખાધી છે કે એ પુસ્તક પછી અન્ય કોઈ વાંચતું પણ નથી અને બાળતું પણ નથી.
સગાઈ વખતે તમે ફોન કરી-કરીને સ્વજનો સામે જમાઈ કે પુત્રવધૂની જે મોંફાટ પ્રશંસા કરી હોય તે જ વ્યક્તિના આઠ-દસ મહિનામાં ડિવૉર્સ બાદ તમે અવગુણોનું લિસ્ટ સંભળાવો ત્યારે સાંભળનારા અચંબિત થઈ જાય છે કે તમે પહેલાં સાચા હતા કે હવે?
ક્યાંક વડીલોની દખલગીરી બન્ને પક્ષે દાદાગીરી બની જાય છે એટલે છૂટાછેડા થાય છે તો ક્યાંક વડીલોનું મૌન પણ કારણભૂત છે. ક્યાંક પ્રેમનો અભાવ છે તો ક્યાંક સહનશક્તિનો! ક્યાંક કન્યાને રસોઈ આવડતી નથી એટલે લગ્નજીવન અટવાય છે તો ક્યાંક રસોઈ સિવાય બીજું કંઈ આવડતું નથી એટલે! ક્યાંક વરરાજા માવડિયો છે તો ક્યાંક કાવડિયો! ક્યાંક
પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનું વહાણ હાલકડોલક થયું છે તો ક્યાંક શંકાની સુનામીએ દામ્પત્યજીવનને તહસનહસ કર્યું છે. ક્યાંક પુરુષોનો વધુ પડતો વર્કલોડ જવાબદાર છે તો ક્યાંક સ્ત્રીઓનો વધુ પડતો તર્કલોડ! ક્યાંક બન્નેમાં જવાબદારી સ્વીકારવાનો દુકાળ છે તો ક્યાંક એકબીજાની મર્યાદા સ્વીકારવાની ઊણપ.
મંગળસૂત્ર જ્યારે ગળાનો ફાંસો લાગવા માંડે ત્યારે મેંદીનો લીલો રંગ રક્તવરણો થઈ જાય. કાળજાની ભીની-ભીની વાતો જ્યારે કોર્ટે ચડે ત્યારે એ ભરણપોષણના દાવામાં પરિણામે. ૭ જનમ સાથે જીવવાનો આપેલો કૉલ જ્યારે ૭ મહિના કે ૭ વરસમાં રફેદફે થઈ જાય ત્યારે જાણે જિંદગીનો રંગ ઊડી જાય છે. ડિવૉર્સ આપણા સામાજિક અંગનું એવું ગૅન્ગ્રીન છે જે આપણને જે-તે અંગ કાપવા મજબૂર કરે છે. આપણા ૧૬ સંસ્કારોને દિવ્યમાંથી દિવ્યાંગ કરવાનું એક મસમોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. કમનસીબે લગભગ તમામ ઘર-પરિવાર આ ષડયંત્રનો શિકાર થઈ રહ્યાં છે.
આપણા સમાજમાં પુરુષને મરદ મુછાળાનું ટૅગિંગ આદિકાળથી કરવામાં આવ્યું છે તો પણ પોતાનાં લગ્નનું આલબમ ડસ્ટબિનમાં નાખતી વખતે ભલભલા પુરુષોના હાથ કંપી જાય છે. પત્ની સાથે લીધેલો સેલ્ફી ડિલીટ કરવા માટે પહેલાં હૃદયને બ્લૉક કરવું પડે. લગ્નમાં ભેટ મળેલા સ્પ્રેમાંથી રાતોરાત સુગંધ ગાયબ થઈ જાય છે. ડિવૉર્સ લેનારો પુરુષ બેડરૂમના અરીસામાં પોતાને એકલો સહન નથી કરી શકતો. છૂટાછેડા લીધા બાદ કંઈકેટલાય પુરુષો કાં તો વ્યસનના રવાડે ચડી જાય છે ને કાં તો ફ્રસ્ટ્રેશન કાઢવાનાં ફાંફા મારે છે તો સામા પક્ષે સ્ત્રીની હાલત પણ કફોડી થાય છે. ડિવૉર્સ પેપર પર ‘છેલ્લી સહી’ કરતી વખતે કોઈ સ્ત્રીની વેદના શું હોતી હશે જરા કલ્પના કરીએ.
lll
‘પ્રિય! આજે તારી સહીની સામે છેલ્લી સહી કરી અને બે વરસનો સંબંધ બે મિનિટમાં પૂરો થઈ ગયો. મારી સેંથીના સિંદૂરમાં કોઈએ ધગધગતા અંગારા મૂક્યા હોય એવું ફીલ થયું. તારા નામમાત્રથી ખનખની ઊઠતી મારી બંગડીઓ જાણે ધોરી નસ કાપતી હોય એમ કાંડાને ખૂંચવા લાગી. બર્થ-ડે પર તેં પહેરાવેલી વીંટી ૨૪ કૅરૅટમાંથી જાણે કથીર જેવી થઈ ગઈ. મારા પગ ચૂમીને તેં પહેરાવેલાં ચાંદીનાં ઝાંઝર જાણે બે ઘડીમાં જ લોખંડની જંજીર જેવાં બની ગયાં.
ક્ષેત્રપાળને સ્પર્શતી વખતે તારો પગ સહેજ ધ્રૂજતો હતો. એ પગ મને લાત મારતી વખતે સહેજ પણ ધ્રૂજ્યો નહીં! મારી બાંહોમાં જિંદગી વિતાવવાના સોગંદ ખાનારો તું અત્યારે મારામાંથી છૂટવાનો હાશકારો અનુભવી રહ્યો છે, હેંને?
બીજું તો શું કહું, તું તારું ધ્યાન રાખજે! દેવદાસ થઈને ખોટા રવાડે ન ચડતો. તારા ઘરમાં તારી વસ્તુ તને જ્યારે ન મળે ત્યારે બિન્દાસ ફોન કરજે. મારા કરતાં સારું પાત્ર શોધીને વહેલાસર પરણી જજે! શક્ય હોય તો પરિવાર અને પત્નીમાં બૅલૅન્સ કેમ રાખવું એ શીખી લેજે! બીજી પત્ની સાથે જીવવામાં કામ લાગશે. હું એકલા જીવવા માગું છું પણ મારો પરિવાર એવું થવા નહીં દે! મને પિયરપક્ષની તમામ વસ્તુઓ તારા પરિવારે પાછી આપી દીધી છે. બસ, મારો પહેલો સ્પર્શ તારી પાસે રહી ગયો છે. છેલ્લી સહી અને પહેલા સ્પર્શ વચ્ચે હવે માત્ર આ સ્ટૅમ્પપેપર જ વધ્યું છે. ખુશ રહેજે!’
lll
સ્ત્રીના પત્રનો જવાબ છૂટાછેડા લેનાર પુરુષ આપે તો લ્યો એ પણ વાંચી લો.
lll
‘પ્રિય! તને જ્યારે જોવા આવ્યો ત્યારે સ્માઇલની શરૂઆત પણ મેં જ કરી હતી. તારો હાથ પકડીને પ્રથમ સ્પર્શ સાથે ‘આઇ લવ યુ’ પણ મેં જ કીધું હતું. ઘરમાં જ્યાં-જ્યાં તારો પક્ષ લેવાનો થયો ત્યાં પણ મેં જ શરૂઆત કરેલી. તારી અને મમ્મી વચ્ચે તું કશું જતું કરવા જ માગતી નહોતી. પરિણામે આ છૂટાછેડાની નોબત આવી છે. યાદ રાખજે આઇ લવ યુ કહેતી વખતે જેટલું મારું હૈયું પ્રેમથી ખીલ્યું હતું એ આ સ્ટૅમ્પપેપર પર પહેલી સહી કરતી વખતે તૂટી ગયું. ખેર, તને એનો અંદાજ પણ નહીં હોય.
ભરોસો રાખજે, હું વ્યસનોના રવાડે નહીં ચડું. હવે કોઈનો વહેલો ઘરે આવી જવાનો ફોન નથી આવતો તો પણ ઘરે સમયસર પહોંચી જાઉં છું. મારી તમામ વસ્તુઓ મને મળી જાય છે, પણ તારી સાથે વિતાવેલો સમય ક્યાંક આડા હાથે મુકાઈ ગયો છે. સાડાબાર લાખ પૂરા તારા પિતાશ્રીએ અમારી પાસેથી વસૂલ કર્યા છે. તારાં બીજાં લગ્ન ધામધૂમથી કરી લેજે! સહી કરતી વખતે હાથ ધ્રૂજતો હતો એટલે કદાચ સાચી સહી નથી થઈ. માફ કરજે. કદાચ આપણે બેય સાચાં હતાં, પરંતુ ખોટી જગ્યાએ હતાં. ખુશ રહેજે.
lll
આ બન્ને પત્રો પર તમામ પરણેલાઓ અને કુંવારાઓ પણ વિચાર કરજો. એકાદ ડિવૉર્સ બચાવી લઈશું તો ૧૬ સંસ્કારોના સાચા વારસદાર કહેવાઈશું. નહીંતર પછી સ્ટૅમ્પપેપર તો છે જ.
