અજાણતાં જ જો કોઈ એવું પગલું લેવાઈ જાય તો એની સીધી આડઅસર જન્મના ગ્રહો પર પડે. એ પગલાંઓ કયાં છે અને એની કેવી વિપરીત અસર જોવા મળે એ જાણવા જેવું છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે અમુક કાર્ય વ્યક્તિથી માનવસહજ સ્વભાવ સાથે થઈ જતું હોય છે, પણ એ કાર્ય કરવાથી કે પછી એ કૃત્ય થવાની સીધી આડઅસર વ્યક્તિના ગ્રહો પર પડતી હોય છે અને જે-તે ગ્રહ નકારાત્મક બનતો હોય છે. કયા કૃત્યની કયા ગ્રહ પર ખરાબ અસર પડે એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. જો પ્રયાસ કરવામાં આવે અને એ કૃત્ય ભૂલથી પણ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે તો જે-તે ગ્રહની સકારાત્મક અસર અકબંધ રહે એ જાણવા જેવું છે. ચાલો જાણીએ...
ગુરુને કોણ બગાડે?
ADVERTISEMENT
ગુરુ જ્ઞાન આપે એ સીધો નિયમ છે. આવા સમયે જ્ઞાનનું અભિમાન કરવાથી ગુરુ ગ્રહ બગડતો હોય છે. આ ઉપરાંત વડીલો સાથે ક્લેશ કરવાથી પણ ગુરુનું અપમાન થાય છે અને ગુરુ ગ્રહ બગડે છે. મનમાં રાગદ્વેષ રાખવાથી કે જૂના સંબંધો ભૂલીને એ સંબંધોને અવગણવાથી પણ ગુરુ ગ્રહ બગડે છે અને એની નકારાત્મક અસરનો સામનો કરવો પડી શકે છે.
શુક્રને કોણ બગાડે?
મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરવું, તેમને આદર ન આપવાથી શુક્ર ગ્રહ પર આડઅસર જોવા મળે છે. આ ઉપરાંત અણઘડ રહેવાથી, વ્યક્તિગત રીતે અસ્તવ્યસ્ત રહેવાથી, ઘરને ખરાબ રીતે રાખવાથી પણ શુક્ર ગ્રહની નકારાત્મક અસર જીવનમાં આવે છે. ઑફિસમાં ટેબલ ખરાબ રીતે ભરેલું હોય તો પણ શુક્ર ગ્રહ દૂષિત થાય છે.
શુક્ર ગ્રહ ખરાબ હોય એવા સમયે ભૌતિક સુખ-સુવિધાઓ ઓછી થવાથી માંડીને વિવાહિત જીવનમાં ક્લેશ થવાની અને આર્થિક તંગી આવવાની શક્યતા રહે છે.
સૂર્યને કોણ બગાડે?
સૂર્ય ગ્રહ આત્મવિશ્વાસ અને સન્માનનો કારક છે. પિતા કે પિતાતુલ્ય વ્યક્તિ સાથે વાદવિવાદ કરવાથી કે તેમનું દિલ દુભાવવાથી સૂર્ય સૌથી વહેલો બગડે છે. આ ઉપરાંત સવારે મોડા સુધી સૂઈ રહેવાથી અને આળસ કરવાથી પણ સૂર્ય નબળો પડે છે. શક્ય હોય ત્યાં સુધી વડીલો સાથે બગાડવું ન જોઈએ એવું શાસ્ત્રોમાં આ જ કારણે કહેવામાં આવ્યું છે.
સૂર્ય ગ્રહ ખરાબ હોય એવા સમયની નકારાત્મક અસર જોઈએ તો એને લીધે આત્મવિશ્વાસ ઘટી જવો, સરકારી કામોમાં અડચણ આવવી અને સમાજમાં માન-સન્માન ઓછું થવા જેવી બાબતો બને છે.
ચંદ્રને કોણ બગાડે?
ચંદ્ર મન અને માતાનો કારક છે. જેનો ચંદ્ર ખરાબ હોય તેને આ બન્ને બાબતમાં નકારાત્મક અસર જોવા મળે છે. મા અથવા મા સમાન સ્ત્રીઓનું અપમાન કરવાથી કે તેમની ઉપેક્ષા કરવાથી ચંદ્ર બગડે છે. કાલ્પનિક ડર રાખવાથી, સતત નકારાત્મક વિચારવાથી અને પાણીનો બગાડ કરવાથી પણ ચંદ્ર અશુભ બને છે.
ખરાબ ચંદ્રને કારણે માનસિક તનાવ અને અનિદ્રા જેવી તકલીફો જોવા મળે છે તો સાથોસાથ ખરાબ ચંદ્ર આર્થિક નુકસાન પણ કરાવે છે.
મંગળને કોણ બગાડે?
મંગળ સાહસ અને ભાઈઓ સાથેના સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. પોતાના ભાઈઓ, પછી તે નાના હોય કે મોટા, સાથે ઝઘડો કરવાથી કે મતભેદ કરવાથી મંગળ ગ્રહ ખરાબ થાય છે. આ ઉપરાંત ભાઈ જેવા સંબંધો ધરાવતા સંબંધોમાં આવતો મતભેદ પણ મંગળ ખરાબ કરે છે. જમીન-મકાન બાબતે કપટ કરવાથી મંગળ બગડે છે. વાત-વાતમાં અતિશય ગુસ્સો કરવો અને શારીરિક શ્રમ ન કરવાથી પણ મંગળ ખરાબ થાય છે.
મંગળ ગ્રહ ખરાબ હોય એવા સમયે અકસ્માતે ઈજા થવા જેવું અને નાહકના કોર્ટકેસમાં ફસાવા જેવું બની શકે છે.
બુધને કોણ ખરાબ કરે છે?
બુધ બુદ્ધિ અને બિઝનેસનો કારક છે. બહેન, દીકરી અથવા ફોઈ સાથેના સંબંધો બગાડવાથી બુધ અશુભ ફળ આપે છે. કોઈની પાછળથી નિંદા કરવાથી, જૂઠું બોલવાથી અને વચન આપીને ફરી જવાથી બુધ બગડે છે તો સાથોસાથ જેની સાથે બૌદ્ધિકતાના સંબંધો હોય તેમની સાથે સંબંધોમાં અંટશ લાવવાથી પણ બુધ નકારાત્મક અસર આપવાનું શરૂ કરે છે. બુધની નકારાત્મક અસર મોડેથી દેખાવાની શરૂ થાય છે અને એ લાંબો સમય રહે છે.
બુધની નકારાત્મક અસર હોય એવા સમયે બિઝનેસ કે જૉબ કરતા હો એવી જગ્યાએ નુકસાન જવાથી લઈને નિર્ણયો ખોટા પડવા અને વાણી પરનો સંયમ ગુમાવવા જેવી ઘટના બને છે.
રાહુને કોણ ખરાબ કરે?
રાહુ ભ્રમ અને અચાનક થતી ઘટનાઓનો કારક છે. સાસુ-સસરા સાથે સંબંધો ખરાબ કરવાથી અને દાદાનું અપમાન કરવાથી રાહુ બગડે છે તો સાથોસાથ ઘરમાં અંધકાર રાખવાથી અને કામ વિનાનો સામાન કે પછી અકારણ સંઘરાખોરી કરવાથી રાહુ બગડે છે.
રાહુ ગ્રહની નકારાત્મક અસરને કારણે ભ્રમમાં રહેવાની, ખોટા નિર્ણયો લેવાઈ જવાની કે અણધારી આફત આવવાની સંભાવના વધે છે.
