Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મન્ના ડે અને સુલોચના વચ્ચે એક ગંભીર ગેરસમજ ઊભી થઈ હતી, એનું શું પરિણામ આવ્યું?

મન્ના ડે અને સુલોચના વચ્ચે એક ગંભીર ગેરસમજ ઊભી થઈ હતી, એનું શું પરિણામ આવ્યું?

19 September, 2021 04:43 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

વિરહ પછીના મિલનની મજા કંઈક ઑર હોય છે. મન્નાદા પોતાની પ્રેમકહાણીનો  એક મજાનો કિસ્સો આત્મકથામાં  લખે છે...

મન્ના ડે અને સુલોચના વચ્ચે એક ગંભીર ગેરસમજ ઊભી થઈ હતી, એનું શું પરિણામ આવ્યું?

મન્ના ડે અને સુલોચના વચ્ચે એક ગંભીર ગેરસમજ ઊભી થઈ હતી, એનું શું પરિણામ આવ્યું?


આદમ અને ઈવનું લગ્નજીવન સફળ હતું, કારણ કે આદમ ક્યારેય ઈવને મહેણાં નહોતો મારતો કે તારા કરતાં તો મારી મા વધુ સારી રસોઈ બનાવે છે. આદમને એ મહેણાં નહોતાં સાંભળવાં પડતાં કે તારા કરતાં બીજાને પરણી હોત તો હું સુખી હોત. અનુભવીઓનું માનવું છે કે જે લગ્નમાં પતિ-પત્નીની નોંકઝોંક ન હોય એમાં નીરસતા આવી જાય છે. સ્ત્રી અને શંકાનો ધૂપ-છાંવ જેવો નાતો છે. આદમ કામ પતાવીને મોડી રાતે થાક્યો-પાક્યો ઘેર આવ્યો ત્યારે  ઈવને શંકા ગઈ કે તેના જીવનમાં બીજી કોઈ સ્ત્રી તો નથીને? એટલે જ્યારે આદમ ઘસઘસાટ ઊંઘતો ત્યારે છાનીમાની તેની પાંસળીનાં હાડકાંની ગણતરી કર્યા પછી જ તેને ઊંઘ આવતી.
કોઈ પણ વ્યક્તિ એમ કહે કે મારા લગ્નજીવનમાં કદી ઝઘડો કે મનદુઃખ નથી થયું તો તેનો ભરોસો ન કરવો, કારણ કે તેને બીજી ઘણી બાબતમાં ખોટું બોલવાની આદત હશે. ભૂલેચૂકેય આ વાત સાચી હોય તો તેમણે માનસશાસ્ત્રીની મુલાકાત લેવી જોઈએ. લગ્નજીવનની ખાટીમીઠી યાદોને તાજી કરતાં મન્ના ડે આત્મકથામાં લખે છે... 
‘સુલુની હાજરી મારા જીવનમાં ઈશ્વરનું એક એવું વરદાન છે કે જીવનમાં મેં કદી બીજી  સ્ત્રીના સહવાસનો વિચાર સુધ્ધાં નથી કર્યો. સુલુના પ્રેમમાં હું એટલો તરબતર હતો કે મને કદી બીજી સ્ત્રી માટે આકર્ષણ થયું જ નથી. જ્યારે તેની સાથેની જિંદગીમાં મને કોઈ ફરિયાદ ન હોય ત્યારે બીજી કોઈ વ્યક્તિનું મારા જીવનમાં સ્થાન જ ન હોઈ શકે. હું નથી માનતો કે બીજી કોઈ સ્ત્રી મને સુલુથી વધુ પ્રેમ કે સુખ આપી શકે. લોકો કહે છે કે થોડું ઘણું ફ્લર્ટિંગ  લગ્નજીવનને વધુ રોમાંચિત અને સ્પાઇસી બનાવે છે. હું માનું છું કે અંતે એ કટુતામાં પરિણમે છે. 
મેં કદી એવી કલ્પના પણ નહોતી કરી કે મારી અને સુલુ વચ્ચે એક ગંભીર ગેરસમજ ઊભી થશે. કોણ જાણે આ વાતની સુલુ પર એટલી ગંભીર અસર થઈ કે બન્ને દીકરીઓને લઈને તે માબાપ સાથે રહેવા ચાલી ગઈ. તેણે એ જાણવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો કે આમ અચાનક હું એકલો કઈ હાલતમાં દિવસો પસાર કરું છું. તેનું આ વર્તન મને એટલું ચૂભ્યું કે મેં પણ તેનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ ન કર્યો. હું એકલો પીડાતો રહ્યો અને રાહ જોતો રહ્યો કે એક દિવસ તે મને યાદ કરશે. હું કબૂલ કરું છું કે એ દિવસો દરમ્યાન મને ઘણી ઇચ્છા થતી કે સુલુને અને દીકરીઓને ઘરે લઈ આવું, પરંતુ મેં એ વિચાર પર કાબૂ રાખ્યો. સાચું કહું તો એક સમય એવો પણ આવ્યો કે મારા માટે આ જુદાઈ એક મોટી કસોટી બની ગઈ. હું એકલતામાં ભાંગી પડતો અને રડતાં-રડતાં મનોમન સુલુને કહેતો કે તું પાછી આવ. તારા વિના મારા જીવનની કલ્પના જ અશક્ય છે. જેકાંઈ બન્યું એને ભૂલી જા. મારી કોઈ ભૂલ હોય તો એને માફ કરી દે. હું વચન આપું છું કે જીવનમાં કદી આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય.’
આત્મકથામાં મન્નાદા જ્યારે દિલને નિચોવીને આ એકરારની વાત લખતા હશે ત્યારે જરૂર તેમની કલમ ભીંજાઈ ગઈ હશે. પુરુષનો અહમ્ જ્યારે જીદ પર ચડે છે ત્યારે આવી પરિસ્થિતિ આકાર લેતી હોય છે. તે રાહ જોતો હોય છે કે મને કોઈ સામેથી બોલાવે. ગુલઝારની પંક્તિઓ યાદ આવે છે...
‘ઉન્હેં યે ઝિદ થી કી હમ બુલાએં 
હમેં યે ઉમ્મીદ થી કી વો પુકારે 
હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન 
આવાઝ મેં પડ ગઈ દરારેં...’ 
વર્ષો પહેલાં પિતાજીની આંગળીએ ભાંગવાડીમાં દેશી સમાજનાં અનેક નાટક જોયાં છે. એક નાટકમાં માસ્ટર અશરફ ખાનનું ગીત હતું, ‘એક સરખા સુખના દિવસ કોઈના જાતા નથી.’ મનુષ્યની નિયતિમાં ઈશ્વર સુખ-દુખનાં છાંટણાં વેરતો હોય છે. એકમેકના ગળાડૂબ પ્રેમમાં રહેતી વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ થવી સ્વાભાવિક છે. પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ નથી હોતો. એનાથી વિપરીત ગેરસમજને એકથી વધુ કારણો (જે મોટા ભાગે અહમ્ અને માલિકીપણાને કારણે ઊદ્‍ભવતાં હોય છે) મળી રહે છે.  
વિખ્યાત માનસશાસ્ત્રી સિગમન્ડ ફ્રૉઇડ કહે છે કે પુરુષ ભલે ફિઝિકલી સ્ટ્રૉન્ગ હોય, સ્ત્રીની સરખામણીમાં તે ઇમોશનલી વીક હોય છે (મારા ડૉક્ટરમિત્રે સરસ ઑબ્ઝર્વેશન કર્યું છે. મોટા ભાગે હાર્ટ-અટૅક પુરુષોને આવે છે. તેમનું કહેવું છે કે હૃદયરોગની તકલીફ માટે જે ઑપરેશન પુરુષ પર કરવામાં આવે એને ‘બાઈપાસ’ અને સ્ત્રીએ આવું ઑપરેશન કરાવવું પડે તો એને ‘ભાઈપાસ’ કહેવું જોઈએ). સમાજમાં એવા અનેક દાખલા જોવા મળશે જેમાં પતિની ગેરહાજરીમાં પત્ની એકલા હાથે બાળકોને ભણાવી-ગણાવીને મોટાં કરે છે, લગ્ન કરાવીને સેટલ કરે છે. વિધુર પુરુષ એકલા હાથે આ કરવા સમર્થ નથી હોતો. મોટા ભાગે પત્નીના મૃત્યુ  બાદ પતિ બીજાં લગ્ન કરતો હોય છે. પુરુષ માટે સ્ત્રી એ માનું એક્સટેન્શન છે. એટલા માટે કહેવાય છે કે જે પુરુષ પોતાની માની સારી રીતે સંભાળ રાખતો હોય તે પુરુષ આદર્શ પતિ બની શકે. 
પોતાની વ્યથાની વાત કહેતાં મન્ના ડે આગળ લખે છે, ‘સુલુ પર આ ઘટનાની અસર થઈ જ હશે. જોકે તેણે મન મક્કમ રાખીને ચુપકીદી સાધી લીધી હશે. સમય વીતતો જતો હતો. એ દિવસોમાં પુલક બંદોપાધ્યાયનું એક ગીત મારે રેકૉર્ડ કરવાનું હતું. એ ગીતનો ભાવાર્થ હતો, ‘તેં મને પીડા આપવાના ઘણા પ્રયત્ન કર્યા છે, પરંતુ તું સફળ નથી થયો.’ મારી વેદનાને વાચા આપવા માટે જ આ ગીત લખાયું હોય એમ મને લાગ્યું. મને ખબર નહોતી કે આ ગીત જ્યારે રેકૉર્ડ થશે ત્યારે મારી અગ્નિપરીક્ષા થશે. એક-એક પંક્તિઓ પર મારું ગળું ભરાઈ આવતું અને હું રડી પડતો. મહામુસીબતે મેં મારી લાગણીઓ પર કાબૂ રાખીને રેકૉ‌ર્ડિંગ પૂરું કર્યું. આ ગીતની રેકૉર્ડ રિલીઝ થઈ. એ ગ‌ીત અત્યંત લોકપ્રિય થયું અને એક ચમત્કાર થયો. જ્યારે સુલુએ આ ગીત સાંભળ્યું ત્યારે તેને મારી પીડાનો અહેસાસ થયો હશે. હું માનું છું કે તેને પસ્તાવો પણ થયો હશે. પરિણામે પોતાની મેળે તે બાળકો સાથે ઘરે પાછી આવી અને સોગંદ લીધા કે તે કદી આ રીતે મને છોડીને નહીં જાય. મારા માટે આનાથી વધુ સુખની ઘડી બીજી કઈ હોઈ શકે? ફરી એક વાર અમારી દુનિયામાં સુખ-શાંતિ છવાઈ ગયાં.’
ગૃહિણી વિનાનું ઘર અને ઘર વિનાની ગૃહિણી; બન્ને સ્થિતિ કરુણ છે. સફળ લગ્નજીવનની એક શરત છે કે પુરુષે સ્ત્રીને સમજવાની કોશિશ ન કરવી, પ્રેમ કરવો; કારણ કે સ્ત્રીને આજસુધી કોઈ સમજી નથી શક્યું. સામા પક્ષે સ્ત્રીએ પુરુષને સમજવો, પ્રેમ ન કરવો, કારણ કે તેને ગમે એટલો પ્રેમ કરશો, ઓછો જ લાગશે. સમરસેટ મૉમ લખે છે, ‘પરિપક્વ પ્રેમ અને અપરિપક્વ પ્રેમ વચ્ચે સંવાદ થાય છે. અપરિપક્વ પ્રેમ કહે છે, ‘હું ચાહું છું, કારણ કે મને તારી જરૂર છે.’ પરિપક્વ પ્રેમ કહે છે, ‘હું ચાહું છું એટલે મને તારી જરૂર છે.’ 
સુલોચના અને મન્નાદાને એકમેકની ગેરહાજરીમાં એકમેકની કિંમત સમજાઈ હશે. ક્યાંક વાંચ્યું હતું, ‘A good marriage is the union of two good forgivers.’ ગઈગુજરી ભૂલીને બન્નેએ ફરી એક વાર સાથે જીવવાનું શરૂ કર્યું, એમ માનીને કે જેકાંઈ બન્યું એ એક દુખદ સપનું હતું. વિરહ પછીના મિલનની મજા કંઈક ઑર હોય છે. મન્નાદા પોતાની પ્રેમકહાણીનો  એક મજાનો કિસ્સો આત્મકથામાં  લખે છે...
‘સુલુની ગેરહાજરીની મારા પર કેવી અસર થાય છે એની એક ઘટના મને યાદ આવે છે. અમે ન્યુ યૉર્ક ગયાં હતાં. રસ્તા પર ટહેલતાં-ટહેલતાં અમે વિન્ડો શૉપિંગ કરતાં હતાં. અમારી હોટેલ નજીકમાં જ હતી. રસ્તામાં તેને કોઈક ઓળખીતું મળ્યું એટલે તેની સાથે તે વાતો કરવા ઊભી રહી ગઈ. એ તરફ મારું ધ્યાન નહોતું. હું આગળ ચાલતો હતો. હોટેલ આવી અને જેવો હું લિફ્ટ પાસે પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે સુલુ મારી સાથે નથી. હું ગભરાયો. મનમાં અનેક વિચાર આવ્યા, ‘એવું તો નહીં બન્યું હોયને કે તે મારી આગળ નીકળીને હોટેલમાં અમારી રૂમ પર પહોંચી ગઈ હોય? કે પછી ભૂલમાં કોઈક બીજી હોટેલમાં પહોંચી ગઈ હોય? વિદેશમાં, અજાણી જગ્યાએ તે એકલી છે, ભૂલી પડી ગઈ હશે.’ હું તો રઘવાયો બની ગયો. દોડીને હોટેલની બહાર આવીને આમતેમ ફાંફાં મારવા લાગ્યો. શું કરું? કઈ તરફ જાઉં? મારી આવી હાલત જોઈને રિસેપ્શન પરથી એક યુવાન મારી પાસે આવ્યો અને કહે, ‘સર, શું થયું? હું તમારી મદદ કરી શકું?’ મેં જવાબ આપ્યો. ‘હું મારી પત્નીને શોધું છું.’ એ સાંભળીને તે મારા માટે મનમાં શું વિચારતો હશે એ તો તે જ જાણે.
થોડાં વર્ષ પહેલાં એક વર્ષ અમે એકમેકથી દૂર રહ્યાં ત્યારે મને અહેસાસ થયો કે તેની હાજરીનું મારા જીવનમાં કેટલું મહત્ત્વ છે. અમે ન્યુ યૉર્કમાં મારી મોટી દીકરીના ઘરે હતાં. તે ગંભીર રીતે માંદી હતી અને તેનાં ૭ ઑપરેશન કરવાનાં હતાં. એ દિવસોમાં મારા હાથમાં અનેક અગત્યના પ્રોજેક્ટ હતા એટલે એવું નક્કી કર્યું કે હું બૅન્ગલોર જાઉં અને સુલુ દીકરી રોમાની સારવાર માટે ન્યુ યૉર્ક રોકાઈ જાય. અમારા બન્ને માટે આ કપરો નિર્ણય હતો. રોમાની સારવાર એક વર્ષ ચાલી, ૧૨ મહિના સુધી. જ્યારે હું કામ પતાવીને ઘરે આવતો ત્યારે મને થતું કે હું એકલતાનો એક વિશાળ ટાપુ છું. ભલે દિવસમાં એક વાર ટેલિફોન પર સુલુ સાથે મારી વાતો થતી, પરંતુ તેનું પ્રત્યક્ષ ન હોવું એ મારા માટે જીરવવું ઘણું મુશ્કેલ હતું. એ દિવસો મેં કેવી રીતે પસાર કર્યા એ મારું મન જાણે છે. આયુષ્યના એવા તબક્કે હું પહોંચ્યો હતો જ્યાં જીવનસાથીની ગેરહાજરી વધુ સાલતી. નાની દીકરી સુમિત્રા ઘણી વાર ટિફિન લઈને આવતી, પરંતુ મને સુલુની યાદ ખૂબ આવતી.     
છેલ્લાં ૫૦ વર્ષથી સુલુ મારા જીવનનો અમૂલ્ય હિસ્સો બનીને રહી છે. એક વડનું વિશાળ વૃક્ષ આપણને શીતળ છાંયડા આપે એમ સુલુએ મને સાચવ્યો છે; જીવનનાં અનેક દૂષણોથી બચાવ્યો છે. એ બદલ હું તેનો ઋણી છું. તેના વિના હું આટલી સફળતા ન મેળવી શક્યો હોત.’
મન્નાદાની નિખાલસ કબૂલાત વાંચતાં મને પત્નીની મહત્તા અને તેના યોગદાન માટે લખાયેલો જાણીતો શ્લોક યાદ આવે છે...
‘કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી 
ભોજયેષુ માતા, શયનેષુ રંભા 
ઋપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી 
શત કર્મ યુક્તા, કૂલ ધર્મપત્ની...’
એક હાઉસવાઇફ તરીકે નહીં, પરંતુ એક હોમમેકર બનીને મન્નાદાના જીવનમાં સુલોચનાએ આ પંક્તિઓને સાર્થક કરી હશે. એટલા માટે જ મન્નાદા ભાવુક થઈને લખે છે, ‘ઉંમરના આ પડાવ પર આજે હું ઊભો છું ત્યારે મનમાં એક જ પ્રશ્ન આવે છે, ‘કોણ પહેલાં વિદાય લેશે? સુલુ કે હું?’ જો તે પહેલાં જશે તો હું એકલો મારી જાતને કેવી રીતે સંભાળીશ? તેના વગરના જીવનની હું કલ્પના જ નથી કરી શકતો. મારા માટે તો એ પરિસ્થિતિ મૃત્યુ સમાન હશે. એક વિચાર મને રાહત આપે છે કે જો પુનર્જન્મ જેવુ કંઈક હોય તો ઈશ્વર પાસે હું એટલું જ માગું છું કે આવતા જન્મે પણ મને સુલુનો સહવાસ મળે.’
આ હતી મન્નાદાના અંગત જીવનની ઓછી જાણીતી વાતો. તેમના સંગીત સાથે સંકળાયેલી  બીજી અનેક વાતો હજી બાકી છે.
rajnimehta45@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 04:43 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK