આદિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છે, ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે જ સાચું ઠરે, વ્યર્થ કરતો વલખાં મુક્ત થવા, કંઈ તારા કર્યાથી નહીં સરે.’ આપણે માત્ર નિમિત્ત બનવાનું છે.
કુંદન મહેતા
લગ્નજીવનનાં વર્ષો વીતી જાય અને આંગણે સંતાન ન રમે ત્યારે આજનો માનવી વિજ્ઞાનના શરણે દોડે છે. IVF અને ટેસ્ટ-ટ્યુબ બેબી જેવી મોંઘીદાટ ટ્રીટમેન્ટ્સ પાછળ લાખો રૂપિયા, સમય અને શરીર વેડફવામાં આવે છે. સંતાન મેળવવા કુદરતના નિયમો સાથે ચેડાં કરવાં કેટલાં યોગ્ય? વિજ્ઞાન પાછળ આંધળી દોટ મૂકવા કરતાં કોઈ બાળકને દત્તક લઈને તેનો યોગ્ય ઉછેર કરવામાં આવે તો એ માત્ર એક બાળકનું નહીં પણ આખા પરિવારનું નસીબ બદલી શકે છે. આ જ આજના સમયનો સૌથી મોટો અને પ્રસ્તુત સામાજિક સંદેશ છે.
કોઈ દંપતી સંતાનસુખથી વંચિત રહે ત્યારે સામાજિક દબાણ અને માનસિક તનાવને કારણે તેઓ મેડિકલ પ્રયોગોના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. ઘણી વાર આ ટ્રીટમેન્ટ્સ માત્ર શારીરિક અને આર્થિક શોષણ જ આપે છે. આવી સ્થિતિમાં વૈચારિક પ્રગતિ એ છે કે આપણે જીદ છોડીએ અને કુદરતના સંકેતને સમજીએ. આસપાસ નજર કરીએ તો અનાથાશ્રમોમાં કેટલાંય માસૂમ બાળકો માતા-પિતાના પ્રેમ માટે તરસતાં હોય છે. પોતાના લોહીનું સંતાન હોવું જોઈએ એ અહમને ઓગાળીને આવાં બાળકોનાં માતા-પિતા બનવું એ પરમાત્માની સાચી ભક્તિ છે. બાળકને દત્તક લેતી વખતે સામાજિક સવાલો અને ભવિષ્યની ચિંતાઓ મનમાં જાગવી સ્વાભાવિક છે : મોટી થઈને દીકરીને ખબર પડશે તો શું થશે? સમાજ તેને સ્વીકારશે કે નહીં? તેને પરણાવતી વખતે અડચણ આવશે? તમારો હેતુ સાચો હોય ત્યારે આ બધી ચિંતાઓ ગૌણ બની જાય છે. અનાથાશ્રમથી શરૂ થયેલી દીકરીની સફર ધનાઢ્ય અને સંસ્કારી પરિવાર સુધી પહોંચી હોય એવા કિસ્સાઓ જોયા છે.
ADVERTISEMENT
આપણી માનસિકતા અને સામાજિક માન્યતા એવી છે કે લોહી જ ઘડપણમાં લાકડીનો સહારો બને. જોકે શું આજના યુગમાં સગાં સંતાનો માતા-પિતાને તરછોડતાં નથી? દત્તક લીધેલું બાળક જો યોગ્ય સંસ્કાર સાથે ઉછેરવામાં આવે તો તે બુઢાપાનો સહારો બની શકે છે. અને કદાચ ભવિષ્યમાં સંજોગોવશાત્ તે સહારો ન પણ બને તોય મનમાં એ વાતનો પરમાનંદ અને સંતોષ રહેશે જ કે કોઈ બાળકનું જીવન સુધાર્યું. આદિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છે, ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે જ સાચું ઠરે, વ્યર્થ કરતો વલખાં મુક્ત થવા, કંઈ તારા કર્યાથી નહીં સરે.’ આપણે માત્ર નિમિત્ત બનવાનું છે. પ્રકૃતિ અને વિજ્ઞાન સાથે જીદ કરવા કરતાં સમાજ પ્રત્યેની આપણી ફરજ સમજીને કોઈકનું ભલું કરીશું તો આપણું ભલું ઈશ્વર પોતે જ કરી દેશે.
૪૫ વર્ષથી સામાજિક ક્ષેત્રે કાર્યરત કુંદન મહેતા શ્રી વિલે પાર્લે ઉત્કર્ષ મંડળ મહિલા વિભાગનાં ઉપપ્રમુખ છે. તેઓ શ્રી વિલે પાર્લે કપોળ મહિલા મંડળનાં ખજાનચી અને સેક્રેટરી રહી ચૂક્યાં છે અને હાલમાં સક્રિય સભ્ય છે. તેઓ સમાજકલ્યાણ અને સંસ્કૃતિ ટકાવી રાખવાના કાર્યક્રમો સાથે જોડાયેલાં છે.
- કુંદન મહેતા
