Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક કાયદાનો ક

ક કાયદાનો ક

Published : 01 March, 2026 04:23 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

પૃથ્વીના ઇતિહાસમાં જે જાતજાતના અને ભાતભાતના નિયમો પ્રવેશ્યા છે ને પછી અનેક જાતની અથડામણો પછી બદલાયા છે. એને જોયા પછી એવું કહેવાનું ખાતરીપૂર્વક કહી શકાય કે કોઈ નિયમ કે કોઈ કાયદો પરમાત્માએ મોકલ્યો નથી. પરમાત્માએ માણસને શાંતિપૂર્વક જીવવાનું કહ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

ઉઘાડી બારી

પ્રતિકાત્મક તસવીર


પ્રકૃતિએ પ્રારંભ કર્યો એ પૃથ્વી કેટલી અને કેવી હશે એ ક્ષણ વિશે આપણે કંઈ જાણતા નથી. જાણવું ગમે એવું છે. આજે બ્રહ્માંડનું જે વિરાટ અસ્તિત્વ છે એમાં કોઈ આદિ નથી કોઈ અંત નથી. પણ આદિ અને અંત વિહોણી પૃથ્વીના પ્રારંભ વિશે એક વાત કોઈ પણ સમજદાર માણસ છાતી ઠોકીને કહી શકે એમ છે - પૃથ્વીનો પ્રારંભ નિયમ રહિત હોઈ શકે નહીં. નિયમ એ જ પ્રારંભ. જો નિયમ ન હોય તો આજે આપણે જે કાંઈ જોઈએ છીએ એમાંનું આ કશું ન હોત.

માણસે પૃથ્વી ઉપર રહેવા અને જીવવા માટે બે પ્રકારના નિયમો બનાવ્યા છે. એક રોજિંદા જીવનને વ્યવસ્થિત કરે એવા સામાજિક નિયમો. સામાજિક નિયમો કોણે અને જ્યારે ઘડ્યા એ આપણે જોઈ સમજી શકીએ છીએ. એને આપણે કાયદો પણ કહી શકીએ. કાયદા ઘડી શકાય છે, બદલી શકાય છે અને નવેસરથી એને અમલમાં પણ મૂકી શકાય છે. સામાજિક નથી એવા કાયદા આખા સમાજને બદલી શકે છે. બહુ દૂર સુધી શોધવા ન જઈએ અને આપણી નજર સામે જ જે ગઈ કાલે બન્યું એ જોઈએ તો અલાહાબાદ હાઈ કોર્ટમાં પ્રવર્તમાન કાયદાનું અર્થઘટન કરીને આખા દેશમાં એક નવી ક્રાન્તિ આવી. એ જ રીતે શાહબાનુ કેસમાં એક સ્ત્રીના લગ્નવિચ્છેદના કેસમાં આખો દેશ વિભાજિત થઈ ગયો. આવું બને છે કારણ કે આ કાયદા છે, આ નિયમો છે અને આ કાયદા કે નિયમો ગમે ત્યારે નવેસરથી અમલમાં આવે છે અથવા રદબાતલ થાય છે. કોઈ પણ વાહન ડાબા હાથ તરફ હાંકવું જોઈએ એવો કાયદો આપણે ત્યાં છે. એ જ કાયદો અમેરિકામાં નથી. થોડાં વર્ષો પહેલાં આપણાં દેશી રાજ્યોમાં સાઇકલ હંકાવનારાએ સાઇકલ પર ઘંટડી મુકાવવી પડતી, રાતના વખતે બત્તી પણ મુકાવવી પડતી. આજે આ વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે, પણ એ દિવસે આ વાત કાયદેસરની હતી. લોકોએ એનું અનુસરણ કરવું પડતું.



કાયદો અને પેલો કાયદો


માણસે પોતાનું જીવન ક્રમબદ્ધ, સુખદ અને પરસ્પર સાથે સન્માન્ય ધોરણે જીવી શકાય એટલા પૂરતા પોતાના રોજિંદા જીવનના કાયદા ઘડ્યા છે. બન્યું છે એવું કે જે કાયદો નબળા માણસના રક્ષણ માટે ઘડવામાં આવ્યો હતો એ કાયદો વખત જતાં બળુકા જનનાં બાવડાંના બળમાં વધુ શક્તિ સ્વરૂપે રહી ગયો. આ વાત સમજવા જેવી છે. સામાજિક કાયદાની જેમ જ આધ્યાત્મિક કાયદાનાં ધારાધોરણ હોય છે. અમુક-તમુક આદેશ કુરાનમાં લખાયા હોય કે પછી બાઇબલમાં તો વેદમાં એનો સ્વીકાર થયો હોય એથી એ શાશ્વત પરમ પવિત્ર બની જતા નથી. કુરાનમાં કે બાઇબલમાં પરમાત્માએ ક્યારેય કશું લખ્યું નથી. ગીતામાં શ્રીકૃષ્ણે જે કહ્યું એ કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું અને સંજયે એ સાંભળીને એ પછી ધૃતરાષ્ટ્રને કહ્યું, આમ પરમાત્માનું કહેવાતું આ વેણ પણ ત્રણ-ચાર વાર ફરી ગયા પછી તમારી પાસે આવ્યું છે. આપણે એના વિશે કોઈ શંકા કરી શકાય નહીં પણ આ આધ્યાત્મિક વેણ એનાથી વધુ ઉપર શાશ્વતીનું સ્વરૂપ જ્યાં સુધી ધારણ ન કરી શકે ત્યાં સુધી એનો આધ્યાત્મિક સ્વીકાર કર્યા સિવાય છૂટકો નથી. જો આમ ન થાય તો પૃથ્વીનું આ ચક્ર ભારે વિમાસણમાં મુકાઈ જાય અને આમ છતાં કોઈ કાયદો બદલી શકાય એવું નથી. ડાબી તરફ સાઇકલની ઘંટડી બાંધવાના નિયમથી માંડીને કુરાનના આદેશ સાથે સંકળાયેલા આદેશો માણસે અંતે તો પોતાની સુખ-શાંતિ માટે નિર્માણ કર્યા છે. જે સ્થળ-કાળના સંદર્ભમાં એનું નિર્માણ થયું હતું એ સ્થળ-કાળના સંદર્ભો એવા ને એવા ક્યારેય રહી શક્યા નથી. રહ્યા પણ નથી, રહી શકે પણ નહીં. માણસે આવી સામાન્ય બુદ્ધિ સાથે પ્રવર્તમાન સામાજિક અથવા આધ્યાત્મિક નિયમોને પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપવું જોઈએ.

કાયદો કે નિયમ મજાક નથી


પૃથ્વીના ઇતિહાસમાં જે જાતજાતના અને ભાતભાતના નિયમો પ્રવેશ્યા છે ને પછી અનેક જાતની અથડામણો પછી બદલાયા છે. એને જોયા પછી એવું કહેવાનું ખાતરીપૂર્વક કહી શકાય કે કોઈ નિયમ કે કોઈ કાયદો પરમાત્માએ મોકલ્યો નથી. પરમાત્માએ માણસને શાંતિપૂર્વક જીવવાનું કહ્યું હતું. આ શાંતિપૂર્વક જીવવા માટે એક સીધી સડક પણ બનાવી આપી હતી. માણસ એ સડક સમજી શક્યો નહીં. અદાલતોના નામે આજે કાયદાનાં જે અર્થઘટન થાય છે એ અર્થઘટનો ભારે વાહિયાત હોય છે. આ અર્થઘટનથી ન્યાય કે સત્યનું ક્યાંય રક્ષણ થતું નથી. જાહેર રસ્તા પર બે વાહનો વચ્ચે નજીવી ટકરામણ થાય અને આ પછી આ ટકરામણની નુકસાનીનું પ્રમાણપત્ર મેળવવા માટે પોલીસખાતાથી માંડીને વીમા કંપની સુધીના બુદ્ધિશાળીઓ જે લડત વર્ષો સુધી કર્યા કરે છે એ જોતાં તો ભારે રમૂજ જ થાય છે.

બધું એમ ચાલ્યા કરે?

માણસે વર્ષોથી - કદાચ એની જન્મજાત ઉત્પત્તિ સાથે જ જીવવા માટે જે ધારાધોરણો ઘડ્યાં છે એ ધારાધોરણોને અવારનવાર તપાસતા જવાની જરૂર છે. તદ્દન નજીવી લાગતી વાત માટે બેવકૂફીના સ્વરૂપ વિધાન જેવાં અદાલતી અર્થઘટનો થાય, પરિવારમાં જે રીતે નિયમો કૌટુંબિક ધારાધોરણો બદલાતાં રહે ત્યારે એમ લાગે છે કે આપણે ક્યાંક કશીક ભૂલભલામણીમાં અટવાઈ તો નથી ગયાને?

કાગડા, કાબર કે કબૂતરના જીવનમાં કોઈએ ઘડી આપેલા નીતિનિયમો કે ધારાધોરણો નથી. તેમને તેમના પોતાના જ પ્રાકૃતિક નીતિનિયમો છે. આ નિયમો ગઈ કાલે હતા, આજે છે અને આવતી કાલે હશે. માણસ પોતાને બુદ્ધિશાળી પ્રાણી માને છે આ માન્યતા તે જે રીતે કાયદાના અર્થને ઉપસાવે છે એ જોતાં તો એવું લાગે કે આપણે ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યાને?

 

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 04:23 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK