૧૭ વર્ષના ટીનેજરના પિતા વાલજી ભૂષણ આ કેસમાં અત્યારે જેલમાં છે. થોડા દિવસ પહેલાં તેમની જામીનની અરજી રદ થઈ હતી
વિડિયોમાં લોકોને કૅન્ડલ માર્ચમાં આવવાની હાકલ કરતી મીનળ પટેલ અને કૅન્ડલ માર્ચનું પોસ્ટર.
મારા પતિનો જીવ લેનારો શરમ વગર સરેઆમ ફરી રહ્યો છે... મારા માટે, મારા હસબન્ડ માટે, મારા ન્યાય માટે કૅન્ડલ માર્ચમાં આવો
ધ્રુમિલ પટેલનો જીવ લેનારા ૧૭ વર્ષના બેફામ કાર-ડ્રાઇવરને પુખ્ત વયનો ગણીને તેની સામે કેસ નોંધવામાં આવે અને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એવી માગણીને ઉગ્ર કરવા આજે ફૅમિલી અને ફ્રેન્ડ્સ દ્વારા કૅન્ડલ માર્ચનું આયોજન, પથારીવશ પત્ની મીનળે પણ વિડિયો બહાર પાડીને લોકોને હાકલ કરી...
ADVERTISEMENT
જીવ ગુમાવનારા ધ્રુમિલ પટેલના ઘાટકોપરના ઘરથી શરૂ થઈને કૅન્ડલ માર્ચ જશે જીવ લેનારા ટીનેજરના વિસ્તાર તિલકનગર સુધી
૧૭ વર્ષના ટીનેજરના પિતા વાલજી ભૂષણ આ કેસમાં અત્યારે જેલમાં છે. થોડા દિવસ પહેલાં તેમની જામીનની અરજી રદ થઈ હતી
૧૭ વર્ષના બેફામ ટીનેજરને કારણે જીવ ગુમાવનારા ઘાટકોપરના ૩૨ વર્ષના પ્લાયવુડના વેપારી ધ્રુમિલ પટેલના પરિવારજનો અને મિત્રોએ આ કેસમાં તેમને ન્યાય મળે એ માટેની લડતને ઉગ્ર બનાવવા આજે સાંજે કૅન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. આ કૅન્ડલ માર્ચ ધ્રુમિલના ઘાટકોપરના ઘરેથી શરૂ થઈને વિદ્યાવિહારની સોમૈયા કૉલેજ પાસેના અકસ્માતના સ્થળે જશે અને ત્યાંથી ટીનેજર જ્યાં રહે છે એ ચેમ્બુરના તિલકનગરમાં સમાપ્ત થશે. આ કૅન્ડલ માર્ચમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા સોશ્યલ મીડિયાના માધ્યમથી આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
અકસ્માતમાં ધ્રુમિલની સાથે ઘવાયેલી અને અત્યારે પથારીવશ થઈ ગયેલી મીનળે પણ એક વિડિયો જાહેર કરીને પોતાને ન્યાય અપાવવા આ કૅન્ડલ માર્ચમાં જોડાવાની લોકોને હાકલ કરી છે. મીનળે વિડિયોમાં કહ્યું છે, ‘આપણે બધા જાણીએ છીએ કે ધ્રુમિલને આપણે લાઇસન્સ વગર રૅશ ડ્રાઇવિંગ કરતા એક સગીરને કારણે ગુમાવી દીધો છે. અમારી કોઈ ભૂલ નહોતી એ છતાં મારા હસબન્ડને અને મને સજા મળી છે. એ માઇનર વ્યક્તિને કારણે મેં મારો પતિ ગુમાવી દીધો છે અને હું પથારીવશ થઈ ગઈ છું. અમે દરરોજ લડી રહ્યા છીએ, કોઈને એ વાતનો અહેસાસ નથી કે અમારા પર શું વીતી રહી છે... પણ એ માણસ કોઈ શરમ વગર ખુલ્લેઆમ ફરી રહ્યો છે. હું ઇચ્છું છું કે દરેક જણ મારા ન્યાય માટે લડે, કારણ કે હું પથારીવશ છું અને મારા પગ પર ઊભી નથી થઈ શકતી. હું બધાને વિનંતી કરું છું કે મારા માટે, મારા હસબન્ડ માટે અને મારા ન્યાય માટે કૅન્ડલ માર્ચમાં આવે.’
આ બાબતે ધ્રુમિલ પટેલના મિત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદ્યાવિહાર-ઈસ્ટની સોમૈયા કૉલેજની બહાર ૧૫ ફેબ્રુઆરીએ રાતે ૧૦.૪૫ વાગ્યે તિલકનગરના ૧૭ વર્ષના ટીનેજરે તેની કારથી ઍક્ટિવા પર જતાં ધ્રુમિલ અને મીનળને ઉડાવી દીધાં હતાં. આ અકસ્માતમાં માતાના એકના એક દીકરા ધ્રુમિલનું ૧૦ દિવસ પછી મૃત્યુ થયું હતું. તેની પત્ની મીનળ બચી તો ગઈ છે, પરંતુ તે આજે પણ અનેક શારીરિક અને માનસિક યાતનામાંથી પસાર થઈ રહી છે. તેને એટલી બધી ગંભીર ઈજાઓ થઈ છે કે તે અન્યાય સામે લડવા બેડ પરથી ઊભી થઈ શકે એવી હાલતમાં નથી. અમે માનીએ છીએ કે જસ્ટિસ ડિલેય્ડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આથી જ અમે ધ્રુમિલ પટેલના મૃત્યુ માટે દોષી ટીનેજર અને તેના પપ્પા સામે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવાની અને ટીનેજરને પુખ્ત ગણીને કેસ ચલાવવાની માગણી કરી રહ્યા છીએ. અમે જ્યાં સુધી ધ્રુમિલ અને તેના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી શાંત બેસીશું નહીં.’
પરિવારની માગણીઓ
સગીર આરોપીને પુખ્ત ગણવામાં આવે અને ઘોર અપરાધની જોગવાઈઓ હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
સમયસર ન્યાય મળે એ માટે
કેસને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવામાં આવે.
પારદર્શક રીતે કેસનું પબ્લિક રિપોર્ટિંગ કરવામાં આવે અને કેસ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે.
કોઈ સગીર કાર ચલાવતો પુરવાર થાય તો ઓછામાં ઓછા ૧,૦૦,૦૦૦ રૂપિયા અથવા એથી વધુનો દંડ ફટકારવામાં આવે.
મહત્ત્વના સવાલો જેના જવાબ નથી મળ્યા
આ કેસમાં કારમાં જે બે ટીનેજર હતા તેમને કાયદાકીય ભાષામાં ચિલ્ડ્રન ઇન કૉન્ફ્લિક્ટ વિથ લૉ (CCL) તરીકે ઓળખવામાં આવે છે. આ CCLનો દાવો છે કે કારમાં બે જ છોકરાઓ હતા, પણ પુરાવા અને આઇ-વિટનેસનું કહેવું છે કે કારમાં ત્રીજી વ્યક્તિ હતી જે નાસી ગઈ હતી.
CCLએ દારૂ પીધો હોવાનું જણાય છે અને પહેલાં પણ તેમના દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાની સોશ્યલ મીડિયા પર હિસ્ટરી હતી જે હવે ડિલીટ કરી નખાઈ છે. અમે એ ડેટા પાછો મેળવવામાં આવે એવી માગણી કરીએ છીએ.
અકસ્માત કરતાં પહેલાં તેમણે દારૂ પીધો હતો એ બાબતની તપાસ થવી જ જોઈએ. હજી સુધી મેડિકલ રિપોર્ટ કેમ જાહેર કર્યો નથી?
લગભગ ૨૦ જેટલા CCTV કૅમેરા ત્યાં લગાડ્યા છે. એનાં ફુટેજ કેમ રિલીઝ નથી કરાયાં?
કૅન્ડલ માર્ચનો રૂટ
સ્ટાર્ટિંગ પૉઇન્ટ : એલચીવાડી, સાંજે ૪ વાગ્યે
ધ્રુમિલનું ઘર : મહાત્મા
ગાંધી રોડ , કપોળવાડીની સામે, ઘાટકોપર-વેસ્ટ,
મુંબઈ-૪૦૦ ૦૮૬.
હૉલ્ટ : સાંજે ૬ વાગ્યે
ઍક્સિડન્ટ-સ્પૉટ, સોમૈયા કૉલેજના ગેટ-નંબર ૩ સામે, વિદ્યાવિહાર-ઈસ્ટ,
મુંબઈ-૪૦૦ ૦૭૭.
એન્ડ : સાંજે ૭ વાગ્યે
તિલકનગર મ્યુનિસિપલ ગ્રાઉન્ડ (લાલ મેદાન)
તિલકનગર, ચેમ્બુર,
મુંબઈ-૪૦૦ ૦૮૯.
