Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું આપણે જ આપણાં બચ્ચાંઓથી અંતર બનાવી લેતા હોઈએ છીએ?

શું આપણે જ આપણાં બચ્ચાંઓથી અંતર બનાવી લેતા હોઈએ છીએ?

20 May, 2022 05:08 PM IST | Mumbai
RJ Dhvanit Thaker

‘હમ હૈં રાહી પ્યાર કે’માં આ જ વાતને એટલી સરસ રીતે દેખાડવામાં આવી છે કે ૯૦ના દસકામાં આવેલી આ ફિલ્મ આજે પણ સંપૂર્ણપણે પ્રસ્તુત છે અને વાસ્તવિકતા સાથે સીધી કનેક્ટ થાય છે

શું આપણે જ આપણાં બચ્ચાંઓથી અંતર બનાવી લેતા હોઈએ છીએ?

શું આપણે જ આપણાં બચ્ચાંઓથી અંતર બનાવી લેતા હોઈએ છીએ?


‘તું તો છેને આળસુ છો, શું આમ ચકલીની જેમ ખાય છે. તું તો ક્યારેય મારી વાત સાંભળતો જ નથી. કેટલો જિદ્દી થઈ ગયો છે...’ 
આ અને આ પ્રકારનાં જે બધાં વાક્યો છે એ બહુ ઘાતક છે. એનો ઉપયોગ ન કરવો. આજના આ આર્ટિકલની શરૂઆતમાં જ આપણે પૉઝિટિવ પેરન્ટિંગની ટિપ્સ શરૂ કરીએ છીએ, પણ એ જરૂરી છે અને એટલે જ આપણે અત્યારે એની ચર્ચાને આગળ વધારવી છે. આગળ, ઉપર જે વાક્યો કહ્યાં એ વાક્યોમાં જે લૅન્ગ્વેજ છે એને લિમિટિંગ લૅન્ગ્વેજ કહે છે, જેનાથી 
તમે બાળકને બાંધી દો છો, જેનાથી તમારા મનમાં એક પ્રેજ્યુડિસ ક્રીએટ થાય અને તમે પૂર્વાગ્રહ સાથે બાળકને જોતા થઈ જાઓ. પરિણામ એવું આવે કે બાળકને એમ જ લાગે કે તમે પહેલેથી જ મારા વિશે બધું એવું ધારી લીધું છે જે હકીકત નથી. ઇન ફૅક્ટ તમે બાળકના મનમાં પણ એક એવી ગ્રંથિને ઉત્તેજન આપી બેસો છો જે તેને તમારાથી અંતર કરવા માટે સૂચવે છે. ઉપર કહ્યાં એવાં સ્ટેટમેન્ટને લીધે તમે જ તેને તમારાથી અળગો કરી દો છે. તમે એમ કહ્યા કરો કે ‘તું તો આવો જ છે’, ‘તું તો નહીં જ સુધરે’, ‘તું તો જિદ્દી’ ને ‘તને ખાવામાં ખબર નથી પડતી’, કે પછી ‘તું મારું સાંભળતી જ નથી’ તો એની એક વિપરીત અસર ઊભી થશે અને એ વિપરીત અસરનું પરિણામ લાંબા ગાળે બહુ ખતરનાક આવશે.
આવું શું કામ થાય છે એ જાણવા માટે તમારે હકીકતમાં તો આ બધાં સ્ટેટમેન્ટના ઊંડાણમાં ઊતરવું જોઈએ અને જાણવું જોઈએ કે બાળક કેમ આવું કરે છે. શું તેઓ કોઈ વાતથી અપસેટ છે કે પછી તેને કોઈ વાત અપસેટ કરી જાય છે. તમારા સંતાન અને એનું વર્તન આ બે બિલકુલ જુદી કહેવાય એવી વાત છે અને એને સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમારે માટે એ લાભદાયી બનશે. 
તમે ચાઇલ્ડ બિહેવિયરને ચાઇલ્ડથી અલગ કરશો તો અને તો જ તમને સમજાશે. જેટલું તમે તેના વર્તનની ઊંડાણમાં ઊતરશો, એની પાછળનાં કારણો શોધશો તો જ તમને સમજાશે કે એ બધાની પાછળ બચ્ચાનો વાંક નથી, પણ હકીકતમાં વાંક સમય, સંજોગ અને પરિસ્થિતિનો છે. બાળકો પર જેટલાં લેબલ મારશો એટલાં જ તમને એ તમામ લેબલ ભવિષ્યમાં નડવાનાં છે.
એક વાત યાદ રાખજો કે સ્ટર્બન એટલે જિદ્દી બાળકને હૅન્ડલ કરવું બહુ અઘરું હશે, પણ વાત ત્યાં નથી પૂરી થતી. એનાથી 
આગળ વધી, પિક્ચરને ઝૂમ કરીને તમે જુઓ કે તે એવું બિહેવિયર શું કામ કરે છે અને એ બિહેવિયર પાછળનું કારણ સમજો. જો તમારાથી એ પ્રયાસ સફળતાપૂર્વક થયો તો જ તમને સમજાશે કે બાળક સ્ટર્બન કે જિદ્દી હોતું જ નથી, પણ તેને એવું બનાવવામાં આવે છે. અમુક વાર તો બાળક માત્ર એવું વર્તન કરીને ચેક કરતાં હોય છે કે હું આવું કરીશ, આ પ્રકારે જિદ્દી થઈ જઈશ તો મારાથી મોટા એવા આ બધા લોકો શું કરે છે. આ જે બચ્ચાંઓ છે એ બચ્ચાંઓ એક પ્રકારની બાઉન્ડરી પુશિંગ ઉંમર પર છે. એ બચ્ચાંઓને એ વર્તન પછીના પરિણામની ખબર ન હોય. તે તો માત્ર ચેક જ કરે છે કે આવું કરીએ તો આ મોટા લોકોનું રીઍક્શન શું આવે છે. એ રીએક્શનના આધારે જ બચ્ચાંઓ પછીના પોતાનાં સ્ટેપ લેતાં હોય છે અને એને લીધે એવું બની જાય છે કે ઘરમાં જ પાવર સ્ટ્રગલ શરૂ થઈ જાય. 
પાવર સ્ટ્રગલ પેરન્ટ્સ અને બચ્ચાંઓ વચ્ચે. આ જે પાવર સ્ટ્રગલ છે એમાં મોટા ભાગે પેરન્ટ્સને ગુમાવવાનું કશું નથી આવતું, પણ એમાં જો કોઈનો ભોગ લેવાય છે તો એ બાળકોનો અને બાળકના ભવિષ્યનો. આ પાવર સ્ટ્રગલનો કોઈ અંત નથી હોતો. વિચારો જરા શાંતિથી અને જો મનમાં એનો જવાબ સ્પષ્ટ ન થાય તો એક વખત પાછળ ફરીને તમે તમારા નાનપણને જોઈ લેજો. જો એ જોશો તો તમને સમજાશે કે વાત ખોટી નથી અને ધારો કે એ સમજવાનો પણ સમય ન હોય તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ, એવું ઉદાહરણ જેને માટે આપણી આ કૉલમ પૉપ્યુલર છે. ફિલ્મ અને ફિલ્મનાં ગીતની વાત.
‘હમ હૈં રાહી પ્યાર કે’ ૯૦ના દસકાની શરૂઆતમાં આવેલી આ ફિલ્મની કૅચલાઇન બહુ સરસ હતી,
‘A film about living, loving and laughing.’
‘જીવો, પ્રેમ કરો અને હસતા રહો.’ બહુ સરસ વાત અને એટલી જ સિમ્પલ વાત અને એ પછી પણ માણસ સમજી નથી શકતો, લાઇફમાં અમલમાં નથી મૂકતો એવી વાત.
મહેશ ભટ્ટે બનાવેલી કેટલીક ઉત્કૃષ્ટ ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે આ ‘હમ હૈં રાહી પ્યાર કે’. આ ફિલ્મ ક્રિટિકલી બહુ વખાણાઈ નહીં હોય એવું બની શકે, પણ આજના સમયમાં આ ફિલ્મ એટલી જ વાસ્તવિકતા સાથે જોડાયેલી તમને લાગશે. એક વાર જોઈ લેશો તો તમને પણ સમજાશે કે મારી વાત જરા પણ ખોટી નથી. બાળક જ્યારે પાવર સ્ટ્રગલ પર આવે ત્યારે તે શું-શું કરી શકે છે અને એવું થવાથી કેવો સંઘર્ષ ઘરમાં ઊભો થાય છે એની વાત ‘હમ હૈં રાહી પ્યાર કે’માં કરવામાં આવી છે.
ફિલ્મ અને એની સ્ટોરી વિશે વધારે વાત કરતાં પહેલાં એક વાત કહી દઉં. મિસ્ટર સોહા અલી ખાન એટલે કે કુણાલ ખેમુની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં કુણાલે ચાઇલ્ડ ઍક્ટર તરીકે કામ કર્યું હતું અને આ વાત મને પણ બહુ વર્ષો પછી ખબર પડી હતી! એ સમયે તો આપણે પણ કુણાલ ખેમુ જેવાં બાળકો જ હતાં, ક્યાંથી ખબર હોય કે આ બચ્ચું આગળ જતાં નવાબ પટૌડીનો જમાઈ બનવાનો છે.
કુણાલ ખેમુ સાથે આમિર ખાન અને જુહી ચાવલાની આ ફિલ્મમાં વાત ત્રણ બાળકોની છે. સ્ટોરી વિશે આગળ વાત કરતાં પહેલાં કહી દઉં કે જો ન જોઈ હોય તો આ ફિલ્મ તમારા બચ્ચા સાથે બેસીને એક વાર જોજો. આજના સમયમાં તો એને ઓટીટી પર શોધશો તો સરળતાથી મળી જશે. બાળઉછેરની બેસ્ટ કહેવાય એવી આ ફિલ્મ છે. ૯૦ના દસકામાં ફિલ્મો બહુ સરળતાથી જોવામાં નહોતી આવતી એને લીધે આ ફિલ્મ કદાચ તમે પણ ચૂકી ગયા હો તો મસ્ટ, મસ્ટ, મસ્ટ વૉચ ઇટ. આગળ વધતાં પહેલાં છેલ્લી વાત, ફિલ્મ સુપરહિટ જ હતી અને એ પછી પણ અઢળક લોકો એ જોવાનું ચૂકી ગયા હતા.
ત્રણ બચ્ચાંઓ છે, જેનાં માતાપિતા ઍક્સિડન્ટમાં ગુજરી જાય છે. હવે તેમની આગળ-પાછળ કોઈ છે નહીં એટલે એ બચ્ચાંઓની જવાબદારી આવી જાય છે મામા પર. મામા કંસ નથી, પણ મામા સિરિયસ છે. તેને કામ સિવાય કશું સૂઝતું નથી અને એટલે જ મામાને બચ્ચાંઓ સાથે ટ્યુનિંગ બનતું નથી. મામાનો કોઈ વાંક પણ નથી, કારણ કે મામા પોતે સિરિયસ વાતાવરણ વચ્ચે જ મોટા થયા છે અને એ વાતાવરણને ભૂલીને પણ મામા પોતાની બહેનનાં આ ત્રણ બચ્ચાંઓને સરસ રીતે સાચવવાની કોશિશ કરે છે, પણ જરા વિચારો કે સિરિયસ માણસ કેવી રીતે બચ્ચાંઓના બાળસહજ માનસને સમજી શકે?
મામા આ બાળકોને હિસ્ટરીની વાતો કરે, મ્યુઝિયમ લઈ જાય અને ફિલ્મો જોવા લઈ જાય, પણ એ દરેક જગ્યાએ ડિસિપ્લિન સાથે રહેવાનું અને ડિસિપ્લિન સાથે જીવવાનું. જો બચ્ચાંઓને તમે શિસ્તબદ્ધતા શીખવો તો તેની હાલત કેવી થાય! બસ, એવી જ હાલત આ બચ્ચાંઓની થાય છે અને બચ્ચાંઓને એવું લાગવા માંડે છે કે મામાને અમારા માટે પ્રેમ નથી. એક સિચુએશન પર મામાને એક નાનું બચ્ચું પૂછી પણ લે છે કે ‘તમે હંમેશાં મરી ગયેલા લોકોની વાત જ કેમ કરો છો?!’
અહીં આ ડાયલૉગ પર આપણી શિક્ષણપદ્ધતિ પર પણ રૉબિન ભટ્ટે આકરો પ્રહાર કર્યો છે. હા, રૉબિન ભટ્ટે બહુ જૂજ ફિલ્મોમાં ડાયલૉગ્સ લખ્યા છે, પણ આ ફિલ્મના ડાયલૉગ્સ રૉબિનભાઈએ લખ્યા છે, મહેશ ભટ્ટના કઝિન બ્રધર.
‘હમ હૈં રાહી પ્યાર કે’ અને એના એક પૉપ્યુલર, લાઇફમાં સાથે જોડી દેવા જેવા સૉન્ગની વાત આપણે હવે કરીશું આવતા શુક્રવારે. ઍઝ યુઝ્‍વલ, સ્થળસંકોચ. મળીએ આવતા શુક્રવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2022 05:08 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK