Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મારા આ સ્કૅલ્પ મહીં મોવાળા નથી, મને કોઈ ટાલિયાની બીક ન બતાવો

મારા આ સ્કૅલ્પ મહીં મોવાળા નથી, મને કોઈ ટાલિયાની બીક ન બતાવો

Published : 15 February, 2026 04:27 PM | IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

ટાલની વ્યાધિ તો મોટા ભાગના આજે ભોગવે છે પણ એ જ ટાલની આત્મકથા તમે ક્યારેય સાંભળી છે? સાંભળો આજે ટાલની વ્યથા-કથા

સાંઈરામ દવે

લાફ લાઇન

સાંઈરામ દવે


અત્યારે તો મારા માથા પર કાળાભમ્મર વાળ છે, એ ક્યાંથી આવ્યા ને કેમ આવ્યા એ બધા સમજી શકે એમ છે પણ એમ છતાં હું કહીશ કે જો કોઈ મારી નજરે સંશોધન કરે તો ‘ટાલ મહિમા’, ‘ટાલ ચાલીસા’ કે ‘ટાલ ઉદ્ધાર ગ્રંથ’ બહાર પડે એટલી માહિતી મળી શકે છે પરંતુ ટાલ પર બહુ રિસર્ચ થાય એવું કોઈ વાળવાળા ઇચ્છતા નથી હોતા.

કવિઓ, કલાકારો, રાજપુરુષો અને કેટલાક સંતોએ મને સ્વીકારી મારા હોવાપણાને સાર્થક કર્યું છે. બાકી મારી બર્થ-ડેટ આમ તો કોઈને યાદ નથી. સ્કૂલમાં મને ભણાવી ન હોવાથી મારું લીવિંગ સર્ટિફિકેટ કાઢવામાં જ નથી આવ્યું. પરંતુ રાજાશાહી વખતે લોકો વિવિધ આકારની પાઘડીઓ પહેરતા. પ્રજાએ પાઘડી છોડી અને ટાલનો જન્મ થયો આવું એક વૃદ્ધ ટાલ પાસેથી સાંભળેલું. ભારત સરકારે કૅશલેસ થવાનું નોટબંધી પછીથી એલાન આપ્યું, પરંતુ આ ધરતીની સૌથી પ્રથમ ‘કેશ લેસ’ તો હું છું.



‘ટાલ પડી’ એમ બધા બોલે છે. પરંતુ ક્યાં પડી? કેવી રીતે પડી? ટાલને પડ્યા પછી લાગ્યું કે મારે કોઈ ડ્રેસિંગ કે ડૉક્ટરની જરૂર છે? આવું કોઈ પૂછતું નથી. કોઈ ટાલિયાએ મારા વિશે યોગ્ય જ લખ્યું છે કે ટાલ એ બીજું કંઈ નથી, દાંતિયા સાથેના છૂટાછેડા છે. છૂછોત્તમ ચટ્ટોપાધ્યાયે મારા માટે ગીત સ્વરબદ્ધ કર્યું છે,


મારા સ્કૅલ્પ મહીં મોવાળા નથી,

મને કોઈ ટાલિયાની બીક બતાવો


હું ટાલ છું. સ્વચ્છંદી મારો સ્વભાવ છે. કોઈ મને બોલાવે કે ન બોલાવે, મારો સમય થાય એટલે હું તરત જ એ ધારકના શિરે સવાર થાઉં છું. આજ સુધી કોઈ અસુરે પણ વરદાનમાં મને માગી નથી તો પછી મનુષ્યો પાસેથી શું અપેક્ષા રાખવી?

વર્ષોથી હું ઉપેક્ષિત છું છતાં અડીખમ છું. ધીમા પગલે જ્યારે મારી શરૂઆત થાય છે ત્યારે પહેલાં તો ધારક ધમપછાડા આદરે છે. પોતાના વાળને બચાવવા અલગ-અલગ કંપનીનાં મોંઘાદાટ તેલ, કીમતી શૅમ્પૂઓ, કેટકેટલી દવાઓ અને ક્યારેક તો ડુંગળીના રસ અને ઘોડાની લાદ સુધ્ધાં માથામાં નાખીને મને દૂર ભગાવવાના પ્રયત્નો કરાય છે.

મારી અને ભૂમાફિયાઓ વચ્ચે ઘણી સમાનતા છે. અમને એક વાર જે જમીન ગમે એને ગણતરીના દિવસોમાં પચાવી પાડીએ છીએ. મારી અંદર ઠાંસી-ઠાંસીને હિંમત ભરેલી છે. કોઈ રાજા, શ્રીમંત કે મંત્રીથી પણ હું ફાટી ન પડું. હું એક વાર નિશ્ચય કરી લઉં કે મારે આના મસ્તકને સફાચટ્ટ કરવું છે પછી જગતની કોઈ તાકાત મને અટકાવી શકે નહીં. આ રીતે જુઓ તો આ સૃષ્ટિ પર એકમાત્ર હું જ સરમુખત્યારશાહી ભોગવું છું કારણ કે મેં તો કેટલાય સરમુખત્યારોને પણ ટાલિયા બનાવ્યા છે.

‘ટાલ પડે તે પૈસાદાર બને’ આવી ખોટી અફવા ઍક્ચ્યુઅલી મેં જ ફેલાવેલી છે. સંપત્તિ અને મારે સ્નાનસૂતકનો સંબંધ નથી. હા, કેટલાય લોકોએ ઉજજડ ટાલમાં વાળ ઉગાડવા લાખો ખર્ચ્યા છે. ટાલથી સંપત્તિ ઘટી હશે, વધવાની તો મને ખબર નથી. હમણાં-હમણાં હેર-ટ્રાન્સપ્લાન્ટના વાદે ચડેલા લોકો મારા અસ્તિત્વને અવરોધી રહ્યા છે. એ બધા મારા હિટ લિસ્ટમાં જ છે.

‘વિગ’ મારી સૌતન છે. અચાનક કેશગમનથી આઘાતમાં સરી જતા રહેને વિગ પહેરવાથી વચગાળાની રાહત મળે છે. વિગ સાથે મારા વાર્ષિક કરાર હોવાથી મને એમાં કશો વાંધો નથી. હા, વરસાદ અને વાવાઝોડાની હવામાં કે ખુલ્લા વાહનમાં ફરવામાં આબરૂનો ફાલૂદો થાય તો એમાં મારો વાંક નથી.

‘ટાલિયા યુવકોની સગાઈ નથી થતી’ આ મારા પર નાખેલો મિથ્યા મારોપ છે. લાખો યુવકો કેશ સાથે કન્યાવિહોણા માર્કેટમાં ભટકે છે તો એ બધાનું શું? ટાલ વારસામાં મળતી હોત તો પછી ટાલિયાના દીકરાને જનમતાંવેંત જ ટાલ હોવી જોઈએને? જેથી આ આરોપ પણ તદ્દન પાયાવિહોણો છે. ‘બહુ મગજ વાપરે તેને ટાલ પડી જાય છે’ આવી પોકળ અફવા પણ વ્યર્થ છે, કારણ કે જો આ સત્ય હોત તો પછી કોઈ રાજનેતાઓને ટાલ પડત જ નહીં.

નબળા શૅમ્પૂ વાપરવાથી અને રોજ માથે નહાવાથી ટાલ પડે છે. આવા તો કેટલાંય ખોટાં આળ હું સદીઓથી સહી રહી છું. બાકી કોઈ દી શૅમ્પૂ ન નાખ્યું હોય તેના માથે પણ હું પડી છું અને નહાવાના આળસુનેય મેં ટાલ પાડીને રાતે આંસુડે રોવડાવ્યા છે. વાળ ઉગાડવાની થોકબંધ ટીકડીઓના ઓવરડોઝથી કેટલાંક યુગલો વંધ્યત્વને પ્રાપ્ત કરે છે ત્યારે ક્યારેક હું છાના ખૂણે રડી લઉં છું. મેં વાળ ગુમાવ્યા છે, સંવેદના નહીં...

‘ટાલોહમ અસ્મિ’ ભલે ભગવાન બોલ્યા નથી, પરંતુ ‘ટાલધ્વનિ’ ચહુ દિશ ગુંજી રહ્યો છે. જે રીતે જમીનમાં ઝેરી દવાઓ તમે લોકો છાંટી રહ્યા છો એ જોતાં ‘હર ઘર ટાલિયા, ઘર ઘર ટાલિયા’ મિશન ૨૦૩૦માં જ ભારતમાં જ સાકાર થશે.

મારા અસ્તિત્વનો સ્વીકાર કરો. ઊતરેલા વાળનો રંજ ન કરો. દુખી ન થાઓ. એ જ ટાલ ઉત્કર્ષ મંડળના પ્રમુખનો ભાવ છે. ટાલપાર્ટી ઝિંદાબાદ.

જૈ ટાલ દેવતા.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 04:27 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK