કમ્પિલની એક ટેકરી પર નષ્ટ થઈ ગયેલા મંદિરમાં બે શિવલિંગ છે. કિંવદંતી અનુસાર એ ઋષિ અગસ્ત્યએ પ્રતિષ્ઠિત કર્યાં છે.
વિમલનાથ મંદિર
મહાભારતની મુખ્ય નાયિકા દ્રૌપદીની જન્મભૂમિ હોવા સાથે કમ્પિલ જૈનોના ૧૩મા તીર્થંકરની કલ્યાણક ભૂમિ પણ છે. વૈદિક કાળથી અસ્તિત્વ સાચવીને બેઠેલી આ નગરી દસમી શતાબ્દીથી વિધર્મી આક્રમણકારીઓના હિટલિસ્ટમાં રહી છે. એટલે એની સમૃદ્ધ વિરાસત આજે તહસનહસ છે પરંતુ ધીરે-ધીરે અહીં કાયાકલ્પ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં કમ્પિલ ફરી આકર્ષણનું કેન્દ્ર બની જશે એ વાતમાં શંકાને સ્થાન નથી
એકવીસમી સદી આવ્યાના દોઢ દાયકા બાદ પણ ઉત્તર પ્રદેશને દેહાતી ભાષામાં બીમારુ (બૅકવર્ડ) રાજ્ય કહેવાતું. લૉ ઍન્ડ ઑર્ડર સ્થાનિક બાહુબલીઓના હાથમાં હતું. હજારો ગામડાં વીજળીવિહીન હતાં. હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટનું લેવલ તો સાવ પુઅર હતું. વળી જ્ઞાતિભેદ, હિન્દુ-મુસ્લિમ વચ્ચે એટલુંબધું ટેન્શન હતું કે અહીં ફરવામાં, કામકાજ કરવામાં પણ અન્ય રાજ્યવાસીઓને ભય લાગતો. હા, શહેરોની સ્થિતિ આગળની સદી કરતાં થોડી સુધરી હતી પરંતુ ગ્રામ્યજીવન દહેશત અને તાણભર્યું હતું.
ADVERTISEMENT
નાઓ, આજે એકવીસમી સદી જ્યારે સિલ્વર જ્યુબિલી ઊજવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશ `અપર પ્રદેશ` બની ગયો છે. ગુનાખોરી, કોમી તંગદિલી ઘટી ગઈ છે. વીજળીપુરવઠો, વાહનવ્યવહાર, શિક્ષણ-વ્યવસ્થા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યાં છે. ને ખાસ તો ડરનો અંત આવ્યો છે. સ્થાનિક લોકોથી લઈ અન્ય પ્રદેશોના રહેવાસીઓ, વિદેશીઓ અહીં કોઈ પણ પ્રકારના ભય વગર ફરે છે, રહે છે અને કામકાજ કરે છે.
આવા અપર પ્રદેશના રળિયામણા ફરુખાબાદ જિલ્લાના નાનકડા ટાઉન કમ્પિલમાં આજે આપણી તીર્થાટન એક્સપ્રેસ પહોંચી ગઈ છે. ને આપણે અહીંનાં જૈન મંદિર, રામેશ્વર શિવાલય, કપિલ મુનિ મંદિર, દ્રૌપદી કુંડ, કાલેશ્વરનાથની માનસયાત્રા કરવાની છે.
કમ્પિલ કે કામ્પિલ્યા નામે ઓળખાતું આ નગર જિલ્લા મથક ફરુખાબાદથી ૪૫ કિલોમીટર અને મદીનાતુલ ઔલિયા નામે જાણીતા બદાયૂંથી પંચાવન કિલોમીટરની દૂરી પર આવેલું છે. આજે કસ્બા લાગતું આ ગામ ઐતિહાસિક દૃષ્ટિએ વિરાટ મહત્ત્વ ધરાવે છે. સૌપ્રથમ જૈન તવારીખની વાત કરીએ. આ ભૂમિમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ દેવોએ પહેલું સમવસરણ રચ્યું હતું. આ સમવસરણમાં બિરાજી આદિનાથ પ્રભુએ દેશના આપી હતી. ત્યાર બાદ ૧૩મા તીર્થંકર વિમલનાથ ભગવાનનાં ચાર કલ્યાણક અહીં થયાં. ચ્યવન (ગર્ભનું માતાની કુક્ષિમાં અવતરણ), જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન.
પાંચાલ દેશના કમ્પિલપુર નગરના ઈક્ષ્વાકુ વંશીય રાજા કૃતવર્મા અને રાણી શ્યામાદેવીએ અહીં તેજસ્વી પુત્ર વિમલને જન્મ આપ્યો હતો. પહેલાં રાજકુમાર, બાદમાં રાજા તરીકે ૧૫ લાખ વર્ષ રાજ્ય કરી વિમલનાથે એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સોનાના સિક્કાનું દાન કરી આ જ ભૂમિમાં ૧૦૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ કરી અને આ જ પાવન સ્થળે કેવળજ્ઞાન પામ્યા. કમ્પિલપુરમાં વિમલનાથ ભગવાનનાં ચારેય કલ્યાણ ધરાવતું સુંદર શ્વેતામ્બર જિન મંદિર છે અને એની બાજુમાં દિગમ્બર જિન મંદિર પણ છે. સફેદ આરસપહાણમાંથી બનેલા આ દેરાસરો દર્શનીય, પૂજનીય હોવા સાથે અસીમ શાંતિ બક્ષનારાં સ્થાન છે.

કપિલ મુનિ મંદિર અને રામેશ્વર શિવાલય
હવે આવીએ ત્રેતાયુગમાં. કામ્પિલ્ય મહાત્મ્ય અનુસાર અહીં રામેશ્વરનાથ તરીકે ઓળખાતા મહાદેવ મૂળે ત્રંબકેશ્વર નામ ધરાવતા હતા. આ શિવબાબાની કથા એવી છે કે લંકાધિપતિ રાવણના ભાઈ કુબેર આ ત્રંબકેશ્વરની પૂજાઅર્ચના કરતા પરંતુ રાવણ સાથેના યુદ્ધમાં જ્યારે તેમનો પરાજય થયો ત્યારે લંકેશ કુબેરનું પુષ્પક વિમાન સહિત સઘળી સંપત્તિ અને ત્રંબકેશ્વર ભગવાન પણ પોતાની સાથે લંકા લઈ ગયા. ત્રંબકેશ્વર દેવને દશાનને અશોકવાટિકામાં સ્થાપ્યા. કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. માતા સીતાનું અપહરણ કરી જ્યારે રાવણે તેમને અશોકવાટિકામાં રાખ્યાં ત્યારે જાનકીજી આ દેવીની પૂજા કરતાં અને શિવજીને પોતાના ચારિત્રને અણીશુદ્ધ રાખવાની પ્રાર્થના કરતાં. રામ-રાવણનું યુદ્ધ થયું. રાવણ પરાસ્ત થયો ત્યારે સીતાજી આ ત્રંબકેશ્વરનાથ લિંગ પોતાની સાથે અવધ લઈ આવ્યાં અને દિયર શત્રુઘ્નને સોંપ્યું. રાજા શત્રુઘ્નએ શિવલિંગને ગંગા નદી નજીક આવેલી ચારેય કાળમાં પુજાનારી પાવન નગરી કામ્પિલ્યમાં પ્રતિષ્ઠિત કર્યું. ત્યારથી ભોલેનાથને નવું નામ મળ્યું, રામેશ્વરનાથ. રામેશ્વરનાથ મંદિર ગામની મધ્યમાં છે. મંદિર નાનું છે પણ જબરદસ્ત આધ્યાત્મિક શક્તિ ધરાવે છે. આજે પણ દરેક ગ્રામ્યવાસી ભોલેબાબાને મત્થા ટેકી કામે ચડે છે.
ત્રેતાયુગ પછી આવ્યો દ્વાપરયુગ. દ્વાપર કાળમાં તો પાંચાલ દેશનું ઐશ્વર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. હિન્દુ ધર્મગ્રંથો, ટીકાઓ, શાસ્ત્રો કહે છે કે કામ્પિલે વેદિક સંસ્કૃતિને સૌથી મૂલ્યવાન યોગદાન આપ્યું છે. ઋષિઓ, સંતો, તપસ્વીઓ, યોગીઓ, બુદ્ધિમાન રાજાઓ અને નિપુણ મહિલાઓ આ ભૂમિ પર જન્મ્યાં છે. એ કાળમાં અહીં અનેક મંદિરો, પાઠશાળા, યજ્ઞશાળા, ઋષિ-મુનિઓના આશ્રમો તથા તપોસ્થળી હતાં. આવા ગૌરવશાળી રાજ્યના રાજા દ્રુપદે કામ્પિલ્યને જ પોતાની રાજધાની રાખી હતી. મહાભારત ગ્રંથના પાંચમા ખંડમાં આલેખાયું છે કે શક્તિશાળી રાજા દ્રુપદને પિતામહ ભીષ્મે મહારથીની ઉપાધિ આપી હતી. પાંચાલ દેશના આ રાજાને લાંબો સમય સુધી કોઈ સંતાન નહોતાં. તેમણે શંભુનાથની કઠોર તપસ્યા કરી. પરિણામ સ્વરૂપ તેમના પહેલા સંતાન શિખંડિનીનો જન્મ થયો. કુરુક્ષેત્રમાં આ શિખંડિનીનો રોલ પણ બહુ મહત્ત્વનો હતો. એ પછી તેમને ૧૧ પુત્રો થયા.
દ્રૌપદીના જન્મની કથા પણ રોચક છે. ભારદ્વાજ આશ્રમમાં ભણતા દ્રુપદ અને દ્રોણ (ગુરુ) ખૂબ સારા મિત્ર હતા. દ્રુપદે દ્રોણને પ્રૉમિસ કર્યું હતું કે જ્યારે તેઓ રાજા બનશે ત્યારે અડધું રાજ્ય દ્રોણને આપશે. જોકે રાજગાદી મેળવ્યા પછી દ્રુપદે એ વાયદો પાળ્યો નહીં અને બેઉ સહપાઠીઓ વચ્ચે દુશ્મની થઈ ગઈ. બેઉએ એકબીજા પર વિજય પ્રાપ્ત કરવા અનેક લડાઈઓ લડી પણ કોઈ સફળ ન થયું. ત્યારે દ્રુપદે દ્રોણને વધ કરવા બળવાન અને સક્ષમ પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનો નિશ્ચય લીધો. જ્ઞાની ઋષિઓએ મોટા પાયે યજ્ઞ કર્યો અને એની પ્રસાદી દ્રુપદની પત્નીને આપવાનું કહ્યું. રાણી ત્યારે હાજર ન થઈ શક્યાં આથી રોષે ભરાયેલા ઋષિઓએ એ પ્રસાદ યજ્ઞના અગ્નિમાં નાખી દીધો અને વેદીમાંથી એક યોદ્ધા યુવક તથા સુંદર કન્યા પ્રગટ થયાં જે હતાં ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી. પાંચાલી તરીકે પણ ઓળખાતી આ રાજકન્યાનું પ્રાગટ્ય થતાં જ આકાશવાણી થઈ હતી કે આ કન્યા સંસારમાં રહેલા અધર્મનો નાશ કરવાનું કારણ બનશે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
- દિગમ્બર જૈન મંદિર ૧૮૦૦ વર્ષ પ્રાચીન હોવાનું કહેવાય છે. આ જિનમંદિરમાં રહેલી વિમલનાથ ભગવાનની શ્યામરંગી મૂર્તિ ૨૬૦૦ વર્ષ પૂર્વેની છે અને એ ગંગાનદીમાંથી પ્રાપ્ત થઈ છે.
- કામ્પિલ્યમાં રાષ્ટ્રકૂટ રાજાઓના શાસન દરમ્યાન અહીં કામ્પિલ્ય વિહારનું નિર્માણ કરાયું હતું. જેમાં ૫૦૦ ભિક્ષુઓ રહી ધર્માભ્યાસ કરતા હતા.
- બડા મંદિરની સ્થાપના શ્રી દેવનાયકાચાર્ય મહારાજે કરી હતી. ૧૧ માળ અને એક ભૂગર્ભ ખંડ ધરાવતા આ મંદિરના અન્ડરગ્રાઉન્ડ ખંડમાં મા સતીની મૂર્તિ છે. સૌથી ટોચે વિષ્ણુ ભગવાન છે અને વચ્ચેના મજલાઓમાં શ્રી રાધા-કૃષ્ણ, શ્રી નરસિંહ ભગવાન, શ્રી શક્તિ ખંડમાં મા સરસ્વતી, મા દુર્ગા, મા ગાયત્રી તથા રામાનુજ સ્વામી બિરાજે છે. સ્થાનિક લોકો અહીં સૂર્યાસ્ત જોવા ખાસ આવે છે.
- એક સમયે ધનવાન મહાતીર્થ રહેલો આ પ્રદેશ આજે ખંડેર થઈ ગયો છે અને નાનકા ગામડામાં તબદિલ થઈ ગયો છે પણ અહીંના માણસો હેલ્પફુલ, હસમુખા અને હેતાળ છે.
- એ વેદી તો હવે નથી પણ યજ્ઞસેની (દ્રૌપદી)એ પ્રાગટ્ય બાદ જ્યાં સ્નાન કર્યું એ કુંડ હજી અહીં છે અને બાજુમાં જ કપિલમુનિ આશ્રમ છે. કહેવાય છે કે સમખ્યા ફિલોસૉફીનું સ્થાપન કરનાર સંત કર્દમ અને મનુની પુત્રી દેવહુતિના પુત્ર કપિલ ઋષિએ અહીં લાંબો સમય રહી તપોસાધના કરી હતી. આ જ પરિસરમાં બડા મંદિર નામે ૧૧ મજલી મંદિર છે. લક્ષ્મીનારાયણ, ભોલેનાથ, ગણેશજી, માતૃશક્તિ આદિ દેવોને સમર્પિત આ અર્વાચીન મંદિર આખાય પ્રદેશની ટૉલેસ્ટ ઇમારત છે.
કાલેશ્વરનાથ મંદિર કમ્પિલની અન્ય એક અસાધારણ ધરોહર છે. ઐતિહાસિક અભિલેખો અનુસાર અદ્વૈત જ્ઞાન અને બુદ્ધિધારી દ્રૌપદીએ પોતાના સ્વયંવર બાદ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. એની બાજુમાં કાલી મંદિર પણ છે. એ પણ કૃષ્ણાએ જ સ્થાપિત કર્યું હોવાનું મનાય છે.

દ્રૌપદી કુંડ
આ સિવાય તથાગત બુદ્ધે અહીં ભ્રમણ કર્યું છે. આ પ્રાચીન શહેરની સમૃદ્ધિની પ્રતિષ્ઠા દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. આથી છેક દસમીથી ૧૬મી સદીઓ સુધી વારંવાર વિધર્મી આક્રાંતાઓએ અહીં ચઢાઈ કરી. મંદિરોનાં રત્નો, સોનું, ચાંદી લૂંટીને પ્રાચીન કાળની મૂર્તિઓ, સ્થાપત્યો આદિને ધ્વસ્ત કર્યાં છે. આજે પણ આ પ્રદેશમાં ખોદકામ દરમ્યાન તીર્થંકરોની મૂર્તિઓ, દ્રુપદના કિલ્લાના અવશેષો, સ્નાનઘાટ, ધર્મશાળા, અન્ન ભંડાર, ઘોડાર, ગૌશાળાના અંશો નીકળ્યા છે અને હજી નીકળી રહ્યા છે.
હરિયાળાં ખેતરોની વચ્ચે રહેલા આ ગામમાં કોઈ ઢંગની હોટેલ કે રેસ્ટોરાં નથી પરંતુ જૈન ધર્મશાળાઓ સગવડયુક્ત છે. એ જ રીતે બહુમજલી મંદિરમાં પણ રહેવા માટે નાની ઓરડી છે. જમવા માટે પ્રૉપર રેસ્ટોરાં નથી પરંતુ ઉત્તર ભારતીય ખાણું ખાસ કરીને પુડી, શાક, જલેબી વગેરે વેચતી દુકાનો છે. જૈન તીર્થમાં ભોજનશાળાની સગવડ છે જ્યાં સૂર્યાસ્ત બાદ જમવાનું નથી મળતું. નજીકમાં ફરુખાબાદમાં સ્ટાન્ડર્ડ હોટેલો છે. જોકે બદાયૂં શહેર એના કરતાં મોટું હોવાથી અહીં રહેવા માટે ઘણા ઑપ્શન અવેલેબલ છે. મુંબઈથી કાનપુર સેન્ટ્રલ, લખનઉ જંક્શન જતી ટ્રેનો ફરુખાબાદ ઊભી રહે છે. તો બાંદરા ટર્મિનસથી રામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ બદાયૂં લઈ જાય છે. બરેલીનું ઍરપોર્ટ કમ્પિલથી સૌથી નિયરેસ્ટ ઍરપોર્ટ છે. આ ત્રણેય મહાનગરોથી કમ્પિલ જવા ટૅક્સી, બસ આદિ વાહનો મળી રહે છે.


