નવનિયુક્ત હોવાથી જેને યુદ્ધમાંથી વિરામ મળી શકતો હતો એ અરુણ ખેતરપાલે માત્ર એકવીસ વર્ષની ઉંમરે યુદ્ધમેદાનમાં એવું સાહસ કરી દેખાડ્યું કે એ શૌર્ય સામે દુશ્મનો પણ નતમસ્તક થઈ ગયા
ફિલ્મ ઇક્કીસમાં અરુણ ખેતરપાલની ભૂમિકામાં અગસ્ત્ય નંદા.
ફિલ્મ ‘ઇક્કીસ’માં એ જવાનની વાત કરવામાં આવી છે જેણે એકવીસ વર્ષની ઉંમરે દેશ માટે શહીદી વહોરી લીધી. એવી શહાદત જેના માટે તેને સામેથી જ પોતાના સિનિયરે પાછા આવી જવાનું કહ્યું અને એ પછી પણ તેણે પાછા ફરવાને બદલે દુશ્મન દેશની છેલ્લી બે ટૅન્કનો ખાતમો બોલાવવાના હેતુથી આગળ વધવાનું નક્કી કર્યું અને એ બન્ને ટૅન્ક ખતમ કરી પોતાની ટૅન્ક સાથે જ જીવ છોડ્યો. હા, આપણે વાત કરીએ છીએ ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની.
લશ્કરી તાલીમ પછી ડ્યુટી પર લાગવું અને ડ્યુટી પર લાગ્યા પછી માત્ર છ જ મહિનામાં શહીદ થવું. જરા વિચાર કરો, બીજા કોઈ હોય તો પરિવાર આખો તૂટી પડે, પડી ભાગે; પણ ખેતરપાલ ફૅમિલીની વાત અલગ છે. ખેતરપાલ ફૅમિલી તેના શૌર્ય માટે સદીઓથી હા, સદીઓથી હિન્દુસ્તાનમાં પૉપ્યુલર છે. અરુણ ખેતરપાલના દાદા પહેલા વર્લ્ડ વૉરમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મી તરફથી યુદ્ધ લડ્યા હતા તો તેના પપ્પા એટલે કે અરુણના પરદાદા મહારાજા રણજિતસિંહ સિખ ખાલસા આર્મીમાં હતા અને તેમણે બ્રિટિશ સેના સામે યુદ્ધ લડ્યું હતું. વાત અહીં જ પૂરી નથી થતી, અરુણના પપ્પા એમ. એલ. ખેતરપાલે ભારતીય સેનાના કૉર્ઝ ઑફ એન્જિનિયર્સમાં ફરજ બજાવી છે તો અરુણનો મોટો ભાઈ મુકેશ પણ આર્મી જૉઇન કરવા માગતો હતો પણ ચાર ટ્રાય પછી પણ પાસ નહીં થતાં તેને એ વાતનો જીવનભર અફસોસ રહી ગયો. ભાઈ અને પપ્પાનું સપનું પૂરું કરવા જ અરુણ ખેતરપાલે આર્મી જૉઇન કરી અને એકવીસ વર્ષની ઉંમરે જ દેશભરમાં ખેતરપાલ પરિવારનું નામ રોશન કરી ગયો.
વાત આરંભ કાળની...
ADVERTISEMENT
૧૯પ૦ની ૧૪ ઑક્ટોબરે અરુણનો જન્મ પુણેની હિન્દુ ખત્રી ફૅમિલીમાં થયો. ખેતરપાલ ફૅમિલી મૂળ પંજાબના સરગોધા ગામની. વિભાજન પછી સરગોધા પાકિસ્તાનમાં જતાં ખેતરપાલ પરિવાર શરણાર્થી તરીકે ભારત આવ્યો અને પુણેમાં સેટલ થયા અને પછી દિલ્હી શિફ્ટ થયો.

અરુણ ખેતરપાલ તેની બટૅલ્યન અને ટૅન્ક સાથે.
અરુણનો જન્મ પુણેમાં થયો પણ તેનું એજ્યુકેશન દિલ્હીની સેન્ટ કોલમ્બા સ્કૂલ અને ધ લૉરેન્સ સ્કૂલમાં કર્યું. મોટા ભાઈને આર્મીમાં ઍડ્મિશન નહીં મળતાં અરુણનું સપનું આર્મી બની ગયું હતું. ૧૯૬૭માં અરુણ નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં જોડાયો અને એ પછી તે ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમીમાં ગયો અને ત્રણ વર્ષની ટ્રેઇનિંગ પછી ૧૯૭૧ની ૧૩ જૂને અરુણ ખેતરપાલને ‘૧૭ પુના હૉર્સ’ રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું.
જે સમયે કમિશન મળ્યું એ સમયે વાતાવરણમાં ક્યાંય ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધનાં પડઘમ વાગતાં નહોતાં. ઈસ્ટ પાકિસ્તાન (આજનું બંગલાદેશ) અને વેસ્ટ પાકિસ્તાન વચ્ચે રાજકીય વિદ્રોહ ચરમસીમા પર હતો અને ઈસ્ટ પાકિસ્તાનના નેતા મુજબીર રહેમાને ભારત સરકારના સહકાર સાથે અલગ દેશની માગ શરૂ કરી દીધી હતી.
અરુણ ખેતરપાલ માટેનો આ આખો સમયગાળો નૉર્મલ હતો, પણ નવેમ્બરની શરૂઆતમાં ગુપ્તચર ખાતાને માહિતી મળતાં ભારતીય સેનાએ અમુક સરહદ પર જાપ્તો વધાર્યો અને સાથોસાથ સેનાની ટુકડીઓને પણ સાબદી કરવામાં આવી.
વાત દીકરાના હત્યારાની

અરુણના પિતા અને ભૂતપૂર્વ બ્રિગેડિયર એમ. એલ. ખેતરપાલ અને બ્રિગેડિયર નાસિર
વર્ષ ૨૦૦૧ની વાત છે.
અરુણ ખેતરપાલના પપ્પા અને ભૂતપૂર્વ બ્રિગેડિયર એમ. એલ. ખેતરપાલ ૮૧ વર્ષની ઉંમરે પોતાનું જન્મસ્થળ જોવા પાકિસ્તાનના સરગોધા ગયા ત્યારે લાહોર ઍરપોર્ટ પર બ્રિગેડિયર ખ્વાજા મોહમ્મદ નાસિર તેમને લેવા ગયા અને પોતાના ઘરે મહેમાન તરીકે રાખ્યા. બ્રિગેડિયર નાસિરે તેમની ખૂબ આગતા-સ્વાગતા કરી. વધુપડતા ઓળઘોળ થવાની આ રીત જોઈને બ્રિગેડિયર ખેતરપાલને એ કંઈક અજુગતું લાગતું હતું. એ શું કામ અકળ હતું એ વાત છેલ્લી રાત્રે બ્રિગેડિયર નાસિરે તેમને કહી.
મોહમ્મદ નાસિરે કહ્યું કે ૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે બસંતર તટ પર જે યુદ્ધ થયું એમાં તમારો દીકરો અરુણ અને હું એકબીજાની સામે હતા. મને કહેતાં અફસોસ થાય છે કે તમારો દીકરો મારા હાથે જ શહીદ થયો છે. પરવરદિગારને કદાચ એ જોઈતું હતું કે હું જીવું અને તે શહીદ થાય. યુદ્ધ પછી મને ખબર પડી કે તેની ઉંમર ફક્ત એકવીસ વર્ષની હતી. નાસિરે ખેતરપાલને સૅલ્યુટ કરતાં કહ્યું હતું, ‘આજે હું તમને સૅલ્યુટ કરું છું કે જેણે પોતાના દીકરાને આવી દેશદાઝના સંસ્કારો આપ્યા છે.’
સગા દીકરાને રણમેદાનમાં મારનારાના ઘરે જ મહેમાન બનવું એ એક બાપ માટે કફોડી સ્થિતિ હતી તો એક સોલ્જર તરીકે ખેતરપાલ માટે એ પણ ખાનદાની અને નિખાલસતાની વાત હતી કે નાસિરે આ વાત સ્વીકારી હતી.
બીજા દિવસે વિદાય વખતે બ્રિગેડિયર નાસિરે અરુણના પપ્પાના હાથમાં એક ફોટો મૂક્યો, જેના પર લખ્યું હતું: બ્રિગેડિયર એમ. એલ. ખેતરપાલ, શહીદ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના પિતાને, જે ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના દિવસે ૧૩-લાન્સર્સના અટૅક સામે પથ્થરની જેમ અડગ ઊભા રહ્યા હતા.
વાત એ ફામાગુસ્તાની
અરુણ ખેતરપાલ જે ટૅન્કમાં સવાર હતા એ ટૅન્કનું નામ ફામાગુસ્તા છે. સેનામાં પરંપરા છે કે દરેક ટૅન્કને નામ આપવામાં આવે છે. બ્રિટિશ બનાવટની આ સેન્ચુરિયન ટૅન્કનું નામ ‘ફામાગુસ્તા’ રાખવામાં આવ્યું હતું. આ ફામાગુસ્તા નામ સાયપ્રસના એક શહેર પરથી લેવામાં આવ્યું હતું.
ફામાગુસ્તા ટૅન્ક દ્વારા અમેરિકન બનાવટની દસ ટૅન્ક ધારાશાયી થઈ અને યુદ્ધના અંતે ક્ષતિગ્રસ્ત હાલતમાં આ ટૅન્ક પાકિસ્તાની સેનાએ કબજે કરી, જે યુદ્ધવિરામ અને શિમલા કરાર પછી ભારતને પાછી આપવામાં આવી.
ભારત પરત આવેલી એ ટૅન્કને જતનપૂર્વક રિપેર કરવામાં આવી. જોકે એ પછી પણ એટલું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે એ ટૅન્ક પર પાકિસ્તાની સેનાએ કરેલા અટૅકની નિશાનીઓ અકબંધ રહે અને લોકો એ જોઈ શકે.
અત્યારે આ ટૅન્ક મહારાષ્ટ્રના અહમદનગર ખાતે આવેલી ‘આર્મર્ડ કૉર્ઝ સેન્ટર અને સ્કૂલ’ના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. સેનામાં જોડાનારા દરેક નવા જવાનને એ દેખાડવામાં આવે છે. આ ટૅન્કને અરુણ ખેતરપાલ ટૅન્ક નામ આપવામાં આવ્યું છે.
વાત વલોપાતની
ભારતીય સેનાના રેકૉર્ડ પર છે કે જે સમયે પુના હૉર્સ રેજિમેન્ટને ઑપરેશન પર મૂકવાનું નક્કી થયું ત્યારે અરુણ ખેતરપાલને ઑપ્શન આપવામાં આવ્યો હતો કે જો તે ધારે તો ન્યુકમર હોવાના નાતે તેને યુદ્ધમાંથી બ્રેક મળી શકે છે પણ અરુણને એ વાત અપમાનજનક લાગી અને તેણે સેના-સિનિયર્સને કહ્યું કે નસીબદાર હોય તેને જ યુદ્ધભૂમિ જોવા મળે અને હું નથી ઇચ્છતો કે મારે ભવિષ્યમાં કોઈ અફસોસ કરવો પડે.
શબ્દો, ખેવના અને હિંમત જોઈને નક્કી થયું કે સૌથી નાની એટલે કે માત્ર ૨૧ વર્ષની ઉંમરે અરુણ ખેતરપાલને ૧૯૭૧ના એ યુદ્ધમાં પોતાની રેજિમેન્ટ સાથે બસંતર નદી પર બ્રિજ હેડ બનાવવા મોકલવો.
વાત આગળ વધારતાં પહેલાં બસંતર નદી અને ત્યાં બનાવવામાં આવનારા બ્રિજ હેડ વિશે જાણવું જોઈએ.
બસંતર નદી પાકિસ્તાનના શક્કરગઢ વિસ્તારમાં આવેલી છે જે આગળ જતાં રાવી નદી સાથે ભળી જાય છે. યુદ્ધ સમયે આ બસંતર નદી ભારતના પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં દાખલ થવાનું દ્વાર બનવાની ભારોભાર સંભાવના ધરાવતો હતો તો સાથોસાથ એવી ગુપ્ત માહિતી પણ મળી હતી કે બસંતર નદીના વહેણને પાર કરી પાકિસ્તાની ટૅન્કો ભારતના પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં દાખલ થઈ શકે છે. જો એવું બને તો પાકિસ્તાન એ વિસ્તારમાં કબજો કરે એવી ભારોભાર સંભાવના હતી. આર્મીએ વ્યૂહરચના બનાવી કે બસંતર પાર કરીને પાકિસ્તાની ટૅન્ક ઇન્ડિયામાં આવે એ પહેલાં પુના હૉર્સ રેજિમેન્ટ બસંતર પાર કરીને પાકિસ્તાન સાઇડ પર આવેલા બસંતરના કિનારા પર પકડ કરી લે અને પાકિસ્તાની સેનાને એની જ સીમારેખામાં ટક્કર આપે.
વાત પાકિસ્તાની પ્લાનની
પાકિસ્તાન પણ જાણતું હતું કે ભારત આવું પગલું ભરી શકે છે એટલે એણે પણ બસંતર નદીના તટીય વિસ્તારમાં સુરંગો પાથરી દીધી હતી. પાકિસ્તાનની ગણતરી હતી કે જો ભારત હુમલો કરે તો એ હુમલામાં એ ધોબીપછાડ ખાય અને જો પોતાને તક મળે તો સુરંગ હટાવીને ભારતમાં દાખલ થઈ જાય.
નરી આંખે જોઈ ન શકાય એવી સુરંગો દૂર કરવાનું કામ એન્જિનિયરોનું હોય છે પણ બસંતર પહોંચેલી પુના હૉર્સ રેજિમેન્ટ પાસે પૂરતી સંખ્યામાં એન્જિનિયરો નહોતા એટલે લાંબો સમય પસાર થવાની સંભાવના હતી. જો એવું બને તો પાકિસ્તાન હુમલો કરે ને જો હુમલો થાય તો ભારતીય ટૅન્કોની આગળ રહેલી આર્મી પર જોખમ વધે. એવું ન બને એ માટે અરુણ ખેતરપાલ અને એની રેજિમેન્ટે નક્કી કર્યું કે આર્મીને પાછળ રાખી ટૅન્ક બટૅલ્યન આગળ વધારવી અને એ વિસ્તારમાં રહેલા ભોમિયાઓના સહારે દુશ્મન ટેન્કોનો ખાતમો બોલાવતા જવું.
ભારત હમ કો જાન સે પ્યારા હૈ...

અરુણ ખેતરપાલની શહાદતને ધ્યાનમાં રાખીને હિન્દુસ્તાને અનેક જગ્યાએ તેમનું નામ જોડ્યું છે, જે પૈકીનાં કેટલાંક મહત્ત્વનાં સ્થાન નીચે મુજબ છે.
૧. નૅશનલ ડીફેન્સ અકૅડમી (NDA)ના પરેડ ગ્રાઉન્ડનું નામ ‘ખેતરપાલ ગ્રાઉન્ડ’ છે.
૨. ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમીના ઑડિટોરિયમ અને મેઇન ગેટને ખેતરપાલના નામ સાથે જોડવામાં આવ્યાં છે.
૩. અરુણ ખેતરપાલની ટૅન્ક ‘ફામાગુસ્તા Jx 202’ને યુદ્ધ પછી અહમદનગરના આર્મર્ડ કૉર્ઝ સેન્ટર ખાતે રાખવામાં આવી, જેને ખેતરપાલ ટૅન્ક નામ આપ્યું.
૪. માત્ર એકવીસ વર્ષની ઉંમરે વૉર-હિસ્ટરીમાં પ્રચંડ સિદ્ધિ હાંસલ કરનારા અરુણ ખેતરપાલની યાદમાં પુણેની નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાં વર્ષમાં બે વાર પરેડ થાય છે.
વાત શહાદતની...
ટેક્નિકલી ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧નો દિવસ ભારત-પાકિસ્તાનનના યુદ્ધનો છેલ્લો અને નિર્ણાયક દિવસ હતો. એ દિવસે સવાર ૮ વાગ્યામાં પાકિસ્તાની સેનાની ૧૩મી લાન્સર્સ નામની બટૅલ્યને અમેરિકા પાસેથી ખરીદાયેલી પૅટન ટૅન્ક સાથે અરુણ ખેતરપાલ આણિ મંડળી પર ભયાનક હુમલો કર્યો તો સામા પક્ષે ખેતરપાલ અને તેના સાથીઓ પણ તૂટી પડ્યા. સરકારી રેકૉર્ડ કહે છે કે દર દોઢ મિનિટે બન્ને સાઇડથી ઓછામાં ઓછું એક ફાયરિંગ થતું હતું અને એ પણ ટૅન્ક દ્વારા. આ જે ટૅન્ક-ફાયરિંગ છે એની તાકાતની વાત કરવી હોય તો કહી શકાય કે એક બ્લાસ્ટમાં મુંબઈનો ગેટવે ઑફ ઇન્ડિયા ધરાશાયી થઈ જાય.
દિવસ આગળ વધતો રહ્યો અને ધીમે-ધીમે આપણી ટૅન્કો પાછળ રહેવા માંડી પણ અરુણ ખેતરપાલ પોતે એકલા આગળ વધતા રહ્યા અને સાત કલાકમાં તેમણે એકલા હાથે પાકિસ્તાનની નવ ટૅન્ક તોડી પાડી પણ એ પછી ખેતરપાલની ફામાગુસ્તા ટૅન્કમાં આગ લાગી. ખેતરપાલની ટૅન્કને આગ લાગી છે એ જોયા પછી તેમને ઉપરી અધિકારીએ તાત્કાલિક અસરથી ટૅન્ક છોડી પાછા ફરવાનો આદેશ આપ્યો પણ રેડિયો મેસેજમાં અરુણ ખેતરપાલે જે જવાબ આપ્યો એ જવાબ આજે પણ ભારતીય સેનાના રેકૉર્ડમાં મોજૂદ છે.
‘ના સર, હું મારી ટૅન્ક નહીં છોડું. મારી મેઇન ગન હજી કામ કરી રહી છે અને હું આ હરામીઓને ખતમ કરીને જ રહીશ.’
આ રેડિયો મેસેજ પછી અરુણ ખેતરપાલે પોતાનો રેડિયો ઑફ કરી દીધો જેનો સીધો મેસેજ એ થાય કે તેમને ખબર પડી ગઈ હતી કે હવે તે જીવતા પાછા જઈ શકવાના નથી. રેડિયો મેસેજની સોળ મિનિટ પછી અરુણ ખેતરપાલે માત્ર ૧૦૦ મીટરના ડિસ્ટન્સ પર આવી ગયેલી દુશ્મનની છેલ્લી ટૅન્કનો નાશ કર્યો અને એ જ વખતે ખેતરપાલની ટૅન્કને પર ફાયરિંગ શરૂ થયું અને એ બૉમ્બાર્ડિંગમાં અરુણ ખેતરપાલ ગંભીર રીતે ઘાયલ થયા. તેણે પોતાની ટૅન્કમાં જ જીવ છોડ્યો એવું ખુદ પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે.
પાકિસ્તાની સેનાએ બસંતરના તટ પરથી અરુણ ખેતરપાલની ટૅન્ક અને પાર્થિવ દેહ કબજે કર્યો અને પછી ભારતને પરત કર્યો. ‘બૅટલ ઑફ બસંતર’ તરીકે પૉપ્યુલર થયેલા આ જંગમાં અરુણ ખેતરપાલની આ મર્દાનગી અને સર્વોચ્ચ બલિદાન બદલ ભારત સરકારે તેમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કર્યા. આજે પણ ભારતીય સેના ‘ટૅન્ક એસ ઑફ એસીસ’ તરીકે ઓળખે છે.
પાકિસ્તાની આર્મર્ડ કૉર્ઝના નિવૃત્ત મેજર એ. એચ. અમીને પોતાની બુકમાં લખ્યું છે કે ‘૧૩ લાન્સર્સની સ્ક્વૉડે બસંતર પર એકસાથે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાન પાસે જીતવાની તક હતી પણ પુના હૉર્સના સેકન્ડ લેફટનન્ટ અરુણ ખેતરપાલે એકલા હાથે લડીને પાકિસ્તાનની એ તક છીનવી લીધી.’


