શાસ્ત્રો અનુસાર દેહથી ન્યારા થવાનો અનુભવ સર્વ પ્રકારના અધ્યાત્મિક અનુભવોનો આધાર છે અને આ જ અનુભવમાં નિરંતર ટકી રહેવાથી પ્રભુમિલનનો, પ્રભુપ્રેમનો અને ઈશ્વરીય શક્તિઓનો અનુભવ આપણને થાય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આધુનિક જીવનની અનેક પડકારરૂપ પરિસ્થિતિઓ વચ્ચે જીવતાં ઘણી વખત એવું બને છે જ્યારે આપણે થાકી-હારીને પોતાનો હાથ હૃદય પર મૂકીને એવું કહેવા લાગીએ છીએ કે ‘ખબર નહીં કેમ પણ મારું હૃદય આજે ખૂબ જ ચિંતાગ્રસ્ત છે અને અંદર-અંદર કંઈ પણ સારું નથી લાગી રહ્યું’ અને ઘણી વખત એમ પણ કહીએ છીએ કે ‘મારું દિલ તૂટી ગયું છે.’ સામાન્ય રીતે આવી અવસ્થામાં જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને શરીરની પૂર્ણ તપાસ કર્યા બાદ જ્યારે કંઈ પણ નકારાત્મક નીકળતું નથી ત્યારે આપણે વધુ હેરાન થઈ જઈએ છીએ અને મનોમન એમ વિચારવા લાગીએ છીએ કે ‘તો પછી આ મને શું થઈ રહ્યું છે?’ આવી પરિસ્થિતિમાં જો આપણે એકાંતમાં બેસીને સ્વયં સાથે થોડી વાતો કરીશું તો આપણને એ સમજાશે કે આખરે આ પીડા શેની છે, કોને થઈ રહી છે, દિલ બરાબર છે તો પછી તૂટી શું ગયું છે? જો આપણે શરીર છીએ તો પછી વાસ્તવમાં અસ્વસ્થ કોણ છે? આ પ્રશ્નનો સરળ જવાબ છે, આત્મા. જી હા, આત્માને જ્યારે કોઈ વાત પરેશાન કરે છે તો એની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ અસર શરીર પર ચોક્કસપણે જોવા મળે જ છે. અહીં એક નાજુક બાબત એ છે કે શરીરનું દુઃખ-દર્દ તો આપણે દવાઓ, આરામ કે સારવારથી દૂર કરી શકીએ, પરંતુ આત્માની પીડાને દૂર કરવા માટે દવાની નહીં પરંતુ યોગ્ય દિશાની જરૂર પડે છે. અને એ દિશા છે આત્મજ્ઞાન અને પરમાત્મા સાથેનો જીવંત સંબંધ.
પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન જેને છે એવી આત્મસ્થ વ્યક્તિ કર્મ કરતા સમયે પણ ‘ઇન્દ્રિયો કાર્ય કરી રહી છે, વ્યવહાર કરી રહી છે’ એવું સમજીને એનાથી ન્યારી બનીને રહે છે અર્થાત્ તે પોતાનાં કર્મોથી અલિપ્ત રહે છે. શાસ્ત્રો અનુસાર દેહથી ન્યારા થવાનો અનુભવ સર્વ પ્રકારના અધ્યાત્મિક અનુભવોનો આધાર છે અને આ જ અનુભવમાં નિરંતર ટકી રહેવાથી પ્રભુમિલનનો, પ્રભુપ્રેમનો અને ઈશ્વરીય શક્તિઓનો અનુભવ આપણને થાય છે. પ્રભુની આ અનુપમ અનુકંપાના પાત્ર બનવા માટે આપણે નિરંતર આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરવો પડશે. એટલે જે ઘડીએ આપણું ધ્યાન દેહ પર જાય ત્યારે પોતાની જાતને આ પ્રશ્ન પૂછો, હું ક્યાં છું? શું વિચારી રહ્યો છું? શું હું આત્મચિંતનમાં છું? કે પછી શરીરચિંતનમાં છું? યાદ રહે, આત્મચિંતનના અનુભવી બનવાથી જ આત્મનિયંત્રણ, આત્મશોધન અને આત્મપરિવર્તનમાં આપણે સફળતામૂર્ત બની શકીશું. તો ચાલો, આજથી આપણે સહુ શરીર પરથી પોતાનો બુદ્ધિયોગ હટાવીને આત્મા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીએ જેથી આપણે તન અને મનથી સદા સ્વસ્થ રહી શકીએ.
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.


