એ દિવસોમાં હું ખૂબ બિઝી હતી એમ છતાં હું તેમના ઘરે રિહર્સલ માટે જેટલી વાર બોલાવે એટલી વાર સમયસર પહોંચી જતી. આ ફિલ્મમાં તેમણે મારી ગાયકીની આખી સ્ટાઇલ બદલી નાખી. મારો સ્કેલ નીચો રખાવીને તેમણે ગીતો રેકૉર્ડ કર્યાં.
આશા ભોસલેની ગઝલ-ગાયકીને ચરમસીમા પર પહોંચાડવામાં ખય્યામનો અમૂલ્ય ફાળો છે
‘દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજિએ...’ માટે સંગીતકાર ખય્યામે આશા ભોસલેને નીચા સ્કેલમાં રેકૉર્ડિંગ કરવા મનાવી લીધાં, પરંતુ આશાતાઈએ એક શરત મૂકી. આ ગીત તેમના નૉર્મલ (ઊંચા) સ્કેલમાં પણ રેકૉર્ડ કરવું. એ પછી જે સ્કેલ ગીત માટે યોગ્ય લાગે એ ફાઇનલ કરવો એમ નક્કી થયું.
ખય્યામ એ દિવસના રેકૉર્ડિંગની વાત કરતાં કહે છે...
ADVERTISEMENT
નીચા સ્કેલમાં રેકૉર્ડિંગ પૂરું થયા બાદ આશાજીની મરજી પ્રમાણેનો બીજો ટેક લેવાની તૈયારી શરૂ થઈ. એ માટે ગીતનાં નોટેશન્સમાં થોડો ફેરફાર કરવો પડે. એટલે મેં આશાજીને કહ્યું કે એટલી વારમાં તમે જે ટેક રેકૉર્ડ થયો છે એ સાંભળી લો.
તે મારી કૅબિનમાં આવીને બેઠાં. ગીતની શરૂઆત થઈ. સારંગી વાગી, આલાપ શરૂ થયો અને મુખડાના શબ્દો શરૂ થયા. ‘દિલ ચીઝ ક્યા હૈ...’ આશાજી આંખ બંધ કરીને ગીત સાંભળી રહ્યાં હતાં. લગભગ ૬ મિનિટનું ગીત પૂરું થયું તો પણ આશાજી આંખ બંધ કરીને જ બેઠાં હતાં. એકદમ શાંતિ છવાયેલી હતી. અમે સૌ ટેન્શનમાં હતા. આશાજી શું કહેશે? તેમને પૂછવાની હિંમત કોણ કરે? એક મિનિટ થઈ, બે મિનિટ થઈ પણ આશાજી બંધ આંખે જાણે સમાધિમાં બેઠાં હતાં.
લગભગ ૩ મિનિટ થવા આવી ત્યાં કોઈ કૅબિનમાં આવ્યું. દરવાજો ખૂલવાનો અવાજ સાંભળીને આશાજી ટ્રાન્સમાંથી બહાર આવ્યાં. મને કહે, યે ક્યા મૈં ગા રહી થી? મૈંને અપની યે આવાઝ કભી સુની હી નહીં; આપને પૂરે ગાને મેં એક કમ્પોઝર કે હિસાબ સે જો કામ કિયા વો કમાલ કા હૈ; યે જો ‘આસમાં કો ઝમીં પર ઉતાર લાએ’ મેં ‘આસમાં’ પર સ્વરકી જો ગુંજન હૈ, ઉતાર-ચઢાવ હૈ વો લાજવાબ હૈ. તેમણે મારી ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે બાકીનાં ગીતો પણ હું આ જ (નીચેના) સ્કેલમાં ગાઈશ.
આમ બીજા ટેકનું રેકૅર્ડિંગ થયું જ નહીં. ‘ઉમરાવ જાન’ની સફળતામાં ખય્યામ અને ગીતકાર શહરયાર ઉપરાંત આશાજીના સ્વરનો મોટો ફાળો છે. રેખાનો જીવંત અભિનય અને આશાજીની સંગીતમય અદાયગી ‘ઉમરાવ જાન’ના સંગીતની જાન છે. ફિલ્મ માટે ખય્યામને ફિલ્મફેર ઉપરાંત નૅશનલ અવૉર્ડ મળ્યો તો રેખા અને આશાજીને ‘આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ’ અવૉર્ડ મળ્યા.
ખય્યામ અને આશાજીની વાત નીકળી છે તો તેમની પ્રથમ મુલાકાતની વાત પણ એટલી જ રસપ્રદ છે. એક ઇન્ટરવ્યુમાં આશાજી કહે છે...
૧૯૪૮ની આ વાત છે. એ દિવસોમાં હું બોરીવલી રહેતી હતી. એક દિવસ સવારે હું ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે એક યુવાન આવ્યો અને કહે, મારે આશા ભોસલેને મળવું છે. મેં કહ્યું, શું કામ છે? તો કહે, તેમને બોલાવોને, તેમની સાથે વાત કરવી છે. હું જે રીતે લઘરવઘર દશામાં હતી એટલે તે મને ઓળખી ન શક્યો.
હું અંદરની રૂમમાં ગઈ અને વ્યવસ્થિત તૈયાર થઈને આવીને કહ્યું, હું જ આશા ભોસલે છું; બોલો, શું કહેવું છે? આ સાંભળીને તેનો ચહેરો જોવા જેવો થઈ ગયો. કહે, સૉરી, મેં તમને ઓળખ્યા નહીં, હું એક કમ્પોઝર છું અને મારી એક ફિલ્મનાં થોડાં ગીત તમારે ગાવાનાં છે. મેં તરત હા પાડી દીધી. એ હતી સંગીતકાર ખય્યામ સાથેની મારી પહેલી મુલાકાત. તેમની સાથે જે ગીત રેકૉર્ડ કર્યું એ ફિલ્મ ‘પરદા’ (1949) માટે જેના શબ્દો હતા ‘મેરે પ્યારે સનમ કી હૈ પ્યારી ગલી’ (આ ફિલ્મમાં ખય્યામે શર્માજીના નામે સંગીત આપ્યું હતું).
૧૯૮૦માં સંગીતકાર જયદેવ મને કહે કે ‘ઉમરાવ જાન’ માટે એક ગીત રેકૉર્ડ કરવું છે. મેં હા પાડી. થોડા દિવસ પછી ખય્યામસાબ મળ્યા અને કહે હવે આ ફિલ્મ હું કરું છું અને બધાં ગીત તમારે ગાવાનાં છે. હું વિચાર કરતી હતી કે જયદેવ મને એક ગીત માટે કહેતા હતા જ્યારે ખય્યામસાબ બધાં ગીતની વાત કરે છે. ત્યારે મને ખબર નહોતી કે ‘ઉમરાવ જાન’ એક હિસ્ટોરિકલ મ્યુઝિકલ ફિલ્મ બનવાની છે.
એ દિવસોમાં હું ખૂબ બિઝી હતી એમ છતાં હું તેમના ઘરે રિહર્સલ માટે જેટલી વાર બોલાવે એટલી વાર સમયસર પહોંચી જતી. આ ફિલ્મમાં તેમણે મારી ગાયકીની આખી સ્ટાઇલ બદલી નાખી. મારો સ્કેલ નીચો રખાવીને તેમણે ગીતો રેકૉર્ડ કર્યાં.
બે-ત્રણ ગીતો રેકૉર્ડ થયા બાદ મારી મુલાકાત રેખા સાથે થઈ. મેં તેમને કહ્યું, ‘પાકીઝા’ પછી મીનાકુમારીને જે શોહરત મળી છે એવી જ શોહરત તમને ‘ઉમરાવ જાન’ પછી મળશે, દુનિયા તમને એક ઊંચા દરજ્જાના કલાકાર તરીકે માન આપશે.
કમનસીબે ફિલ્મને શરૂઆતના અઠવાડિયામાં બહુ સારો રિસ્પૉન્સ ન મળ્યો. એક પાર્ટીમાં રાજ કપૂર મને કહે કે આશાજી, તમે તો કહેતાં હતાં કે ‘ઉમરાવ જાન’ની સરખામણી ‘પાકીઝા’ સાથે થશે, એવું કંઈ લાગતું નથી. મેં કહ્યું, થોડી ધીરજ રાખો, અમે દિલ લગાવીને કામ કર્યું છે, અમારી મહેનત નકામી નહીં જાય. જોકે તેમને બહુ વિશ્વાસ નહોતો.
એ દિવસોમાં આજના જેવી પબ્લિસિટી નહોતી થતી. રેડિયો અને થોડા અંશે દૂરદર્શન પર મીડિયા પબ્લિસિટી થતી. આજે તો દિવસ-રાત ટીવી અને રેડિયો પર ગીતો વાગે છે. સાચું કહું તો માથે મારવામાં આવે છે. ‘ઉમરાવ જાન’ના સંગીતની કક્ષા ઉત્તમ હતી. ધીમે-ધીમે એનાં ગીતો લોકપ્રિય થયાં અને શ્રોતાઓના દિલોદિમાગ પર એનો નશો છવાઈ ગયો.
એક દિવસ ખય્યામસાબ મને મળ્યા ત્યારે કહ્યું, કોઈ પણ જાતનો સંદેશો મોકલાવ્યા વિના લતાજી મારા ઘરે આવ્યાં અને ‘ઉમરાવ જાન’ના સંગીત બદલ ખૂબ-ખૂબ અભિનંદન આપ્યાં, તમે જે રીતે ગીતોને નિભાવ્યાં એ બદલ તમારી ગાયકીની પણ ખૂબ પ્રશંસા કરી. દીદી જેવાં મહાન કલાકાર પાસેથી મળેલી આ સરાહના મારા માટે એક મોટી ભેટ હતી.
‘ઉમરાવ જાન’ની સફળતા બાદ કમાલ અમરોહીએ નિખાલસતાથી કબૂલાત કરતાં મને કહ્યું, હું માની જ નથી શકતો કે આટલી સુંદર રીતે તમે ગઝલ ગાઈ શકો છો. રાજ ખોસલાએ ફોન કરીને મારી ખૂબ તારીફ કરી. ત્યાર બાદ ગુલામ અલી અને હરિહરન સાથે મારાં આલબમ રિલીઝ થયાં જે અત્યંત લોકપ્રિય થયાં. મારી આ સફળતાનું સંપૂર્ણ શ્રેય હું ખય્યામસાબને આપું છું.
આ હતી આશાતાઈની પોતાની ગઝલગાયકીની સફળતાની કૅફિયત. જેમ ૭ સૂરની મેળવણીથી એક સુરીલી સરગમ બને છે એવી જ રીતે કલાકારની પોતાની ગાયકીની ભિન્ન-ભિન્ન શૈલીથી જ તે સંપૂર્ણ કલાકાર બને છે. કલાકારની સાચી ગરિમા એ છે કે તે પોતાની સફળતાનું શ્રેય સાથી કલાકારને આપે. મને યાદ આવે છે મિત્ર રૂપકુમાર રાઠોડને ત્યાં ગુલામ અલી સાથેની મુલાકાતોમાં તેમણે એક વાત કરી હતી, ‘ગઝલ મેં દમ હોના ચાહિએ, ગાનેવાલા તો મેરે જૈસા ભી ચલેગા.’
જોકે સંગીતકાર ઓ. પી. નય્યરની માન્યતા કંઈક અલગ હતી. તે કહેતા, ‘ગીતની સફળતાનું શ્રેય પ્રથમ સંગીતકાર, પછી ગીતકાર અને છેલ્લે ગાયક કલાકારને આપવું જોઈએ.’ આવા ખુદ્દાર સંગીતકાર અને એટલાં જ સ્વમાની આશા ભોસલેના સથવારાની વાત આવતા રવિવારે.
