Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જે દેડકાની હોંશેહોંશે આયાત કરેલી એનાથી છુટકારો મેળવવા માટે હવે ઑસ્ટ્રેલિયા ખર્ચશે ૧૮૫ કરોડ રૂપિયા

જે દેડકાની હોંશેહોંશે આયાત કરેલી એનાથી છુટકારો મેળવવા માટે હવે ઑસ્ટ્રેલિયા ખર્ચશે ૧૮૫ કરોડ રૂપિયા

Published : 22 November, 2026 12:51 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શું છે આ યોજના અને કોણ છે કેન ટોડ, ચાલો જાણીએ

અત્યંત ઝેરી કેન ટોડ દેડકો અને થોડા સમય પહેલાં ૨.૭ કિલો વજનનો જાયન્ટ કેન ટોડ દેડકો ક્વીન્સલૅન્ડથી પકડાયો હતો.

અત્યંત ઝેરી કેન ટોડ દેડકો અને થોડા સમય પહેલાં ૨.૭ કિલો વજનનો જાયન્ટ કેન ટોડ દેડકો ક્વીન્સલૅન્ડથી પકડાયો હતો.


૯૧ વર્ષ પહેલાં જેમને ખાસ ઍમૅઝોનથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા એ કેન ટોડ પ્રજાતિના દેડકાએ આજે આખા ઑસ્ટ્રેલિયાને પરસેવો છોડાવી દીધો છે. આ ઝેરી દેડકાની વધતી જતી વસ્તીને અટકાવવા માટે ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે ખાસ યોજના બનાવવી પડી, જેના માટે ૧૮પ કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું. શું છે આ યોજના અને કોણ છે કેન ટોડ, ચાલો જાણીએ

વાત છે ૧૯૩૧ની.



છેલ્લાં ૬ વર્ષથી શેરડીના પાકમાં લાગતી જીવાતને કારણે ઑસ્ટ્રેલિયામાં ૯૦ ટકા અને ૯૫ ટકા શેરડીનો પાક નાશ થઈ જતો. એ માટે જાતજાતના રસ્તા શોધવામાં આવ્યા, પણ કંઈ વળ્યું નહીં. એવામાં ખબર પડી કે અમેરિકાના ઍમૅઝોન ફૉરેસ્ટમાં થતા કેન ટોડ એવા દેડકા છે જે શેરડીના પાક પર થતી બધી જીવાત જમી જાય છે. પત્યું. થાકી-હારી ગયેલા ઑસ્ટ્રેલિયાએ ઍમૅઝોનના જંગલમાંથી કેન ટોડ ઇમ્પોર્ટ કર્યા. ઇમ્પોર્ટ કરવામાં આવેલા આ દેડકાની સંખ્યા હતી રોકડી ૧૦૨ અને આ દેડકાઓએ ઑસ્ટ્રેલિયાનો શેરડીનો પાક બચાવી દીધો. ઑસ્ટ્રેલિયાના ખેડૂતો રાજી-રાજી થયા, પણ તેમને ખબર નહોતી કે આવનારા સમયમાં આ જ કેન ટોડ આખી ઑસ્ટ્રેલિયન સરકારને પરસેવો પાડી દેવાના છે.


૯૧ વર્ષ પહેલાં આવેલા એ ૧૦૨ દેડકાની વસ્તી આજે ૨૦ કરોડને પાર થઈ ગઈ છે અને આ ભસ્માસુરે ઑસ્ટ્રેલિયાના વન્યજીવો તથા જળસ્રોતોનો સફાયો કરી નાખ્યો છે. ઝેરીલા એવા કેન ટોડના આ વસ્તીવધારાને રોકવા ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે કર્ટિન યુનિવર્સિટી અને વર્લ્ડની પહેલા નંબરની માઇનિંગ કંપની રિયો ટિન્ટો સાથે બેસીને ખાસ પ્લાન બનાવવો પડ્યો અને કેન ટોડને રોકવા માટે ૨૮ મિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે ૧૮પ કરોડ રૂપિયાનો પાંચ વર્ષનો ઍક્શન-પ્લાન તૈયાર કરવો પડ્યો. આ જે પ્લાન બનાવવામાં આવ્યો છે એનું નામ છે ટોડ કન્ટેઇનમેન્ટ ઝોન. જાન્યુઆરી મહિનાથી શરૂ થતા આ પ્રોજેક્ટના બે ઉદ્દેશ છે : કેન ટોડની વસ્તી નિયંત્રણમાં લાવવી અને પછી એમને ધીમે-ધીમે દેશમાંથી દૂર કરવા.

એક સામાન્ય પાંચસો ગ્રામનું વજન ધરાવતો દેડકો એક વિકસિત દેશની ગવર્નમેન્ટ, વિશ્વની સૌથી મોટી માઇનિંગ કંપની અને ટોચના સાયન્ટિસ્ટોની ઊંઘ હરામ કરી શકે? હા, જો એ કેન ટોડ હોય તો. ઑસ્ટ્રેલિયાએ પોતે જેને અતિથિ બનાવીને ઘરમાં જગ્યા આપી હતી એ જ ઑસ્ટ્રેલિયા હવે ઇચ્છે છે કે આ અતિથિ જાય. જોકે એવું શું કામ ઇચ્છે છે એ જાણવું અને સમજવું પણ જરૂરી છે.


કેન ટોડનો ત્રાસ અને દુનિયાના બીજા દેશો

કેન ટોડનો ત્રાસ માત્ર ઑસ્ટ્રેલિયા પૂરતો સીમિત નથી. ઓગણીસમી અને વીસમી સદીમાં ખેતીની જીવાતો નાબૂદ કરવા એને વિશ્વના ૪૦થી વધુ દેશો અને ટાપુઓ પર લઈ જવાયો હતો અને પછી એ દેશોએ પણ કેન ટોડની ત્રાસદી સહન કરીને આખરે મુક્તિ પણ મેળવી.

જપાન : કેન ટોડના સંપૂર્ણ સફાયાનું એકમાત્ર સફળ ઉદાહરણ જો કોઈ હોય તો એ જપાન છે. જપાનના ઓકિનાવા અને ઇશિગાકી ટાપુઓ પર કેન ટોડ પહોંચી જતાં ત્યાંની જંગલી બિલાડી પર ખતરો ઊભો થયો. જપાન સરકારે ૨૦૦૦ના દશકમાં અભિયાન શરૂ કર્યું અને વર્ષો સુધી રાત્રે ટૉર્ચ લઈને એક-એક ટોડ તથા એનાં ઈંડાં વીણી-વીણીને દૂર કર્યાં. પરિણામે ઇશિગાકી ટાપુ પરથી કેન ટોડ સંપૂર્ણપણે નાબૂદ થયા.

તાઇવાન : ૨૦૨૧માં તાઇવાનના નાન્તોઉ નામના એરિયામાં ગેરકાયદે રીતે લાવવામાં આવેલા કેન ટોડમાંથી એક કેન ટોડ છટકી ગયો. ઑસ્ટ્રેલિયાની ભૂલમાંથી બોધપાઠ લઈને તાઇવાને ડ્રોન, થર્મલ કૅમેરા અને સ્વયંસેવકોની મદદથી એ એરિયા ઘેરી લીધો અને થોડા મહિનામાં હજારો કેન ટોડ પકડીને આફતને ડામી દીધી.

અમેરિકા : દક્ષિણ ફ્લૉરિડામાં કેન ટોડ ઘરના પાલતુ ડૉગીઓ માટે જીવલેણ બન્યા, જેને કારણે સરકારે રાત્રે ઘરની બહાર ઓછી લાઇટ રાખવાની સૂચના આપી જેથી જીવજંતુઓ ન આવે અને એને ખાવા પાછળ કેન ટોડ ન આવે. આ ઉપરાંત પાલતુ પ્રાણીઓનો ખોરાક બહાર ન મૂકવાની અને બગીચાનાં તળાવો ફરતે ૧૮ ઇંચ ઊંચી એકદમ ઝીણી જાળી લગાવવાની ઝુંબેશ અત્યારે પણ ચાલુ છે.

કૅરિબિયન આઇલૅન્ડ : જમૈકા અને પોર્ટો રિકોનું ઉદાહરણ તો હસવું આવે એવું છે. કેન ટોડ અને ઉંદરોનો નાશ કરવા માટે ભારતથી એશિયન નોળિયા લઈ જવામાં આવ્યા, પણ આખી ગણતરી ઊંધી પડી. નોળિયા દિવસે શિકાર કરે અને કેન ટોડ રાત્રે નીકળે. પરિણામે નોળિયાએ કેન ટોડને બદલે ટાપુનાં નિર્દોષ સ્થાનિક પક્ષીઓ, મૉનિટર લિઝર્ડ અને અન્ય ગરોળીઓ તથા ઉંદરનો સફાયો બોલાવી દીધો અને કેન ટોડનો ત્રાસ અકબંધ રહ્યો.aa

પ્રૉબ્લેમ શું પડ્યો?

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ સ્ટેટમાં થતી શેરડી માત્ર ક્વીન્સલૅન્ડ માટે જ નહીં, આખા ઑસ્ટ્રેલિયા માટે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હતી. ત્રીસના દશકમાં આ શેરડીને ગ્રે-બેક્ડ કેન બીટલ નામની જીવાત લાગી, જે જવાનું નામ જ ન લે. એ સમયમાં આજના જેવાં જંતુનાશકો તો શોધાયાં નહોતાં. ઘરગથ્થુ ઇલાજ ચાલ્યા કરે, પણ એનાથી પેલી જીવાત જાય નહીં. એક વખત અચાનક જ વિચાર આવ્યો કે જો આ જીવાત ખાઈ જાય એવો અન્ય કોઈ જીવ લાવવામાં આવે તો?

અને એવા જીવની શોધ શરૂ થઈ. નજર છેક સાઉથ અમેરિકાના ઍમૅઝોનમાં થતા કેન ટોડ પર પડી. અહીં મજાની વાત એ છે કે આ દેડકા શેરડીની જીવાત ખાવા માટે ઑલરેડી અમેરિકામાં પૉપ્યુલર હતા એટલે જ એમનું નામ (શુગર)કેન ટોડ પડ્યું હતું. ખાસ પ્લેનમાં ૧૦૨ કેન ટોડ ઑસ્ટ્રેલિયા લાવવામાં આવ્યા, થોડા મહિના ઉછેરવામાં આવ્યા અને ૧૯૩પના ઑગસ્ટ મહિનામાં ૧૦૨માંથી જન્મેલા ૨૪૦૦ દેડકાઓને શેરડીનાં ખેતરોમાં ખુલ્લા મૂકવામાં આવ્યા. રિઝલ્ટ ચમત્કારિક મળ્યું અને જીવાતો આ દેડકા જમી ગયા. પણ હવે... હવે શું?

ભોજન તો રોજ જોઈએ. કેન ટોડનું શરીર ભારે અને પગ ટૂંકા હોવાથી એ જમીન પર જ રહ્યા અને હવે એમણે ચાલુ કર્યું સ્થાનિક જીવજંતુઓ, નાના ઉંદરો, ગરોળીઓ અને પક્ષીઓનાં બચ્ચાં ખાવાનું. કેન ટોડની વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે દુનિયામાં દેડકાની અંદાજે ૭૬૦૦થી વધુ પ્રજાતિઓ છે અને દર વર્ષે એમાં ઓછામાં ઓછી પચાસથી ૧૦૦ જેટલી નવી પ્રજાતિઓ ઉમેરાતી જાય છે.

મૂળ વાત પર આવીએ.

કેન ટોડે પાકને બચાવી લીધો અને બીજા વર્ષે શેરડીમાં એ જીવાત જોવા મળી નહીં, પણ ટોડલે બેઠેલો કેન ટોડ તો ભૂખ્યો ને ભૂખ્યો જ હતો. એણે તો રોજિંદી આદત મુજબ બીજા જીવજંતુઓ ઓહિયાં કરવાનું ચાલુ જ રાખ્યું. થોડા સમય માટે તો બધાએ મન મનાવી લીધું કે હશે, ઠીક છે, વાંધો નહીં અને આ જ હશે, ઠીક છેવાળી માનસિકતા ઑસ્ટ્રેલિયાને નડી ગઈ. કેવી રીતે એ જાણતાં પહેલાં કેન ટોડને નજીકથી ઓળખી લઈએ.

થયો છે, અમારી જબાન પર પહેરો બેસાડશે? મેં તેમને મોઢા પર કહ્યું કે કોઈની મા-બહેનને ગાળ આપવી એ મર્દાનગી નથી, જ્યારે ઘરમાં ભાષા ગંદી હશે તો સંસ્કાર સારા ક્યાંથી આવશે? અમે મહિલાઓને હિંમત આપી. આજે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનાં સેંકડો ગામોમાં આ બોર્ડ લાગેલાં છે. ગાળો બંધ થશે તો જ વિચારો શુદ્ધ થશે. લોકોને સમજાવ્યા, લોકોના ગળે વાત ઊતરી અને ગાળો બોલવાનું ઓછું થયું. ઘણાં બાળકોએ પોતાના ઘરની બહાર અમારે ત્યાં ગાળો નથી બોલાતી એવાં બોર્ડ લગાવી દીધાં. લગભગ ૨૦,૦૦૦ રૂપિયા પેનલ્ટીરૂપે ભેગા થયા હતા. એ એક વર્ષમાં ખૂબ જ સારું પરિણામ મળ્યું.’

જોખમ પણ ઉઠાવ્યું

એ જ રીતે સુનીલભાઈએ ‘લાડો સ્વાભિમાન’, ‘મહિલા ખાપ પંચાયત’, ‘ડિજિટલ લાડો’, ‘બાલિકા પંચાયત’ અને ‘પિરિયડ્સ ચાર્ટ’ જેવાં ૧૦૦થી વધુ અભિયાનો પોતાના ખર્ચે અને લોકસહયોગથી સફળ બનાવ્યાં. આ પરિવર્તનની સફર પડકારોથી ભરેલી હતી. સુનીલભાઈ કહે છે, ‘તમે જ્યારે સદીઓ જૂની ગંદકી સાફ કરવા નીકળો ત્યારે છાંટા તમારા પર ઊડે જ. મને ખાપ પંચાયતોમાંથી કાઢી મૂકવાની ધમકીઓ મળી. ગામનાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ મારા પર જીવલેણ હુમલા કરાવ્યા, મારી કારના કાચ ફોડી નાખ્યા અને મારા પરિવારને ડરાવવાનો પ્રયાસ કર્યો. મારી પત્ની અને માતા ઘણી વાર રડી પડતાં કે આ બધું છોડી દો, પણ મેં ગાંધી અને આંબેડકરને વાંચ્યા હતા. મેં લડવાને બદલે સંવાદનો રસ્તો પસંદ કર્યો. હું એ જ વિરોધ કરનારા વડીલોના પગ પકડીને બેસી જતો અને પૂછતો કે ચાચા, જો દીકરીઓ જ નહીં રહે તો તમારી વંશવેલો કોણ ચલાવશે, ઘર કોણ સાચવશે? ધીમે-ધીમે એ કઠણ હૃદયના બુઝુર્ગોની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યાં અને વિરોધ સમર્થનમાં બદલાયો.’

અનેક સિદ્ધિઓ

સુનીલ જાગલાનના નેતૃત્વ હેઠળ બીબીપુર પંચાયતને ભારત સરકાર તરફથી ‘રાષ્ટ્રીય પંચાયત સશક્તીકરણ પુરસ્કાર’ અને એક કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું. તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીએ તેમને રાષ્ટ્રપતિભવનમાં બોલાવીને ‘સ્માર્ટ ગ્રામ યોજના’ના સલાહકાર બનાવ્યા અને હરિયાણાનાં ૧૦૦ ગામોને દત્તક આપ્યાં. યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ તેમની કામગીરીને વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી. નેપાલ સરકારે કાઠમાંડુમાં કન્યા અધિકાર અભિયાન શરૂ કરવા સુનીલભાઈને વિશેષ નિમંત્રણ આપ્યું.

આજે સરપંચપદ પરથી મુક્ત થયા પછી પણ સુનીલ જાગલાન ‘સેલ્ફી વિથ ડૉટર ફાઉન્ડેશન’ દ્વારા દિવસ-રાત ગામડે-ગામડે ફરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પદ આવે અને જાય, વિચાર ક્યારેય નિવૃત્ત થતો નથી. હું કોઈ સરકારી ગ્રાન્ટ કે મોટા NGOના ભરોસે નથી જીવતો. જ્યાં સુધી આ દેશના દરેક ઘરના દરવાજે ‘ગાલી બંધ ઘર’નું બોર્ડ નહીં લાગે અને દરેક પિતા દીકરીના જન્મે ગર્વથી થાળી નહીં વગાડે ત્યાં સુધી હું અટકવાનો નથી’

કેમ ખતરનાક કેન ટોડ?

ટોડ અને ફ્રૉગ વચ્ચેનો તફાવત પહેલાં સમજો. પાણીમાં રહે એને ફ્રૉગ કહે છે. આ દેડકા નાના, લિસ્સી-ભીની સ્કિનના અને નિર્દોષ હોય છે. એમની ત્વચા સુકાઈ જાય તો એ મરી જાય એટલે આ દેડકા થોડો સમય જમીન પર આવે પણ પછી ફરી પાછા પાણીમાં જતા રહે. જમીન પર પર રહેતા દેડકાને ટોડ કહેવામાં આવે છે. આ જે કેન ટોડ છે એ છથી ૯ ઇંચ લાંબા અને ૧.૫થી ૨.૫ કિલો વજન ધરાવે છે. કેન ટોડ ખૂંખાર શું કામ છે એ જાણવું હોય તો એમની સેક્સ-લાઇફ જાણવી પડે.

કેન ટોડની પ્રજનનક્ષમતા અકલ્પનીય છે. સામાન્ય દેડકા એક સમયે સોથી ૫૦૦ ઈંડાં મૂકે છે, જેમાંથી જન્મનો રેશિયો પચાસ ટકા જેટલો છે; જ્યારે માદા કેન ટોડ એક જ વારમાં ૮૦૦૦થી ૩૫,૦૦૦ જેટલાં ઈંડાં મૂકે છે અને એમનો જન્મનો રેશિયો ૮૦ ટકાથી વધારે છે. આ જ તો કારણ છે કે ૧૯૩૫માં આવેલા ૧૦૨ કેન ટોડની વસ્તી આજે ૨૦ કરોડ કરતાં પણ વધી ગઈ છે અને આ કેન ટોડ ઑસ્ટ્રેલિયાના ૧૩ લાખ ચોરસ કિલોમીટર એટલે કે છ ગુજરાત ભેગાં થાય એટલા વિશાળ વિસ્તાર પર કબજો જમાવીને કૂદાકૂદ કરે છે. કેન ટોડ ઝેરીલા છે. એમની આંખોની પાછળ ખભા પાસે ઝેરની મોટી ગ્રંથિઓ છે. કોઈ શિકારી પ્રાણી એને પકડે કે કરડે એટલે તરત જ આ ગ્રંથિઓમાંથી બુફોટૉક્સિન નામનું વાઇટ પૉઇઝન નીકળે છે જે શિકારી પ્રાણીના દાંત દ્વારા સીધું એના હૃદય પર વાર કરે છે. ઑસ્ટ્રેલિયાનાં સ્થાનિક પ્રાણીઓમાં કેન ટોડના આ ઝેર સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નથી. પરિણામે કેન ટોડ ખાવાની ૧૫ જ મિનિટમાં મગર, સાપ, ડૉગી અને ગરોળીઓ હાર્ટ-અટૅકથી મરે છે. આ મૃત્યુદર દિવસે-દિવસે બહુ ઊંચો જતો જાય છે. માણસને સમજાવી શકાય કે આ ખાજે અને આ નહીં ખાતો; પણ મગર, સાપ અને ગરોળી કે રખડતા ડૉગીને કેવી રીતે સમજાવવા બેસવાનું? કેન ટોડ ખાવાને લીધે આજે ઑસ્ટ્રેલિયામાં આ પ્રાણીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે. પરિણામે કેન ટોડ માટે શત્રુઓ ઘટવા માંડ્યા. એક તો ચિક્કાર પ્રજનનક્ષમતા અને સામે પક્ષે શત્રુઓનો ઘટાડો. કેન ટોડ માટે જલસા થઈ ગયા.

કેન ટોડના ત્રાસનું ત્રીજું કારણ એ છે કે એ પાણીમાં ઝેર ફેલાવે છે. એનાં ઈંડાં અને ટેડપોલ એટલે કે નાનાં બચ્ચાં પણ અત્યંત ઝેરી છે. હજારોની સંખ્યામાં કેન ટોડ નાના તળાવમાં ઈંડાં મૂકે છે ત્યારે એ તળાવમાં ઝેરી સ્રાવ કરે છે, જેથી અન્ય પ્રાણીઓ આવીને કેન ટોડનાં બચ્ચાંઓને જમી ન જાય. પરિણામે આખું જળાશય ઝેરી બને છે. એને લીધે એ પાણીમાં રહેનારાં અને એ પાણી પીનારાં પશુ-પક્ષીઓ અને જળચર જીવોનાં મોત થાય છે.

કેવો સર્વનાશ ફેલાવ્યો?

કેન ટોડના આક્રમણથી ઑસ્ટ્રેલિયાને રીતસર વજ્રાઘાત થયો. કેન ટોડને કારણે આટલાં વર્ષોમાં અનેક પ્રાણીઓ નામશેષ થઈ ગયાં. બિલાડી કુળનું નૉર્ધર્ન ક્વોલ નામનું પ્રાણી ઑલમોસ્ટ ૯૫ ટકા ખતમ થઈ ગયું અને આજે એ લુપ્ત થવાના આરે છે. જંગલની ટોચની શિકારી ગણાતી મૉનિટર લિઝર્ડ્સની સંખ્યામાં પણ ૯૦ ટકાનો ઘટાડો થયો, જ્યારે મીઠા પાણીના મગર અને ડેથ એડર જેવા સાપની વસ્તી અડધી થઈ ગઈ. અલબત્ત, બાયોલૉજિસ્ટે એક વાત એ પણ નોટિસ કરી કે કેન ટોડે ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદના સિદ્ધાંતને નવી ઊંચાઈ આપી. સામાન્ય રીતે ઉત્ક્રાન્તિ થવામાં હજારો વર્ષ લાગે, પણ જીવલેણ કેન ટોડના કારણે ઑસ્ટ્રેલિયાના જીવોમાં માત્ર ૮૦-૯૦ વર્ષમાં જ ઝડપી ઉત્ક્રાન્તિ આવી.

આજે ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના સાપનાં માથાં અને જડબાં નાનાં થઈ ગયાં છે, કારણ કે મોટા મોઢાવાળા સાપ કેન ટોડ ગળતા અને ઝેરથી મરતા, પણ હવેના સાપના મોઢામાં કેન ટોડ આવતા જ નથી. સામા પક્ષે ઑસ્ટ્રેલિયામાં થતાં હાઇટ આઇબિસ નામનાં પક્ષીઓની ખાવાની રીત જ આખી ચેન્જ થઈ ગઈ. તેઓ હવે દેડકાઓને સીધા ખાતા નથી. એ કેન ટોડને પાછળના ભાગથી પકડે છે અને પછી જમીન પર ફેંકે છે, જેને લીધે કેન ટોડ ગભરાઈને પોતાનું બધું ઝેર જમીન પર બહાર કાઢી નાખે છે. કેન ટોડ મરી જાય એટલે વાઇટ આઇબિસ એને પેટના ભાગથી ખોલીને ઝેરી ગ્રંથિ સિવાયના અવયવોનું ભોજન કરે છે. સામા પક્ષે કેન ટોડમાં પણ વાતાવરણ ચેન્જ થતાં સર્વાઇવલ ચેન્જ આવ્યો.

ઑસ્ટ્રેલિયામાં રહેલા કેન ટોડના પગ લાંબા અને કરોડરજ્જુ મજબૂત બન્યાં. આવ્યા ત્યારે માત્ર વર્ષે ૧૦ કિલોમીટરની ગતિથી આગળ વધતા કેન ટોડ આજે વર્ષે ૪૦થી ૬૦ કિલોમીટર અંતર કાપે છે. કેન ટોડની આ ઝડપથી પણ ઑસ્ટ્રેલિયન સરકાર ગભરાય છે.

શું છે ઑપરેશન કેન ટોડ?

ઝડપી સ્પીડ પર આવીને આગળ વધતા કેન ટોડ હવે વેસ્ટ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી એરિયાને ક્રૉસ કરીને પિલબારા નામના એરિયા તરફ આગળ વધે છે. આ પિલબારા વિશ્વનો સૌથી જૂનો અને અનોખી જીવસૃષ્ટિ ધરાવતો પ્રદેશ છે. અહીં દુર્લભ ગરોળીઓ, સાપ અને માર્સ્યુપિયલ પ્રાણીઓની એવી પ્રજાતિઓ છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. જો કેન ટોડ એક વાર પિલબારામાં ઘૂસી જાય તો આગામી બે દશકમાં આ આખો પ્રદેશ સ્મશાન બની જવાનો ડર છે. અલબત્ત, પિલબારા અને કિમ્બર્લી વચ્ચે કુદરતે ગ્રેટ સૅન્ડી રણની દીવાલ બનાવી હતી, પણ પશુપાલકોએ ગાય-ભેંસ માટે રણમાં બનાવેલા ખુલ્લા પાણીના ખાડા અને ટાંકીઓ કેન ટોડ માટે રણ પાર કરવાના હાઇવે બની રહ્યાં છે.

વિશ્વવિખ્યાત માઇનિંગ કંપની રિયો ટિન્ટો, પર્થની કર્ટિન યુનિવર્સિટી અને ઑસ્ટ્રેલિયન સરકારે સ્થાનિક આદિવાસીઓ સાથે હાથ મિલાવીને આખો પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો, જેમાં ૧૮૫ કરોડ રૂપિયાના ખર્ચે પિલબારાના ૨.૭ કરોડ હેક્ટર એરિયાને બચાવવાનું મહાઅભિયાન શરૂ થયું.

શું છે વૉટરલેસ બૅરિયર?

૨૦ કરોડ દેડકાઓને વીણી-વીણીને મારવા અશક્ય છે એટલે એવું નક્કી થયું કે કેન ટોડની સૌથી મોટી નબળાઈ એવી તરસ પર પ્રહાર કરવો. સૂકી ઋતુમાં કેન ટોડને જીવતા રહેવા માટે બેથી ૩ દિવસે પાણીમાં ડૂબકી મારીને શરીર ભીનું રાખવું પડે છે, નહીં તો એ મરી જાય. આ નબળાઈનો લાભ લઈને ગ્રેટ સૅન્ડી રણ અને હિન્દ મહાસાગર વચ્ચેની સાંકડી પટ્ટીમાં ૭૫૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વૉટરલેસ બૅરિયર (એટલે કે પાણી વિનાનો પટ્ટો) ઊભી કરવાનું નક્કી થયું. એ માટે આ પટ્ટામાં આવેલા ૬૮૫ જેટલા કૃત્રિમ પાણીના ખાડા, ખુલ્લાં તળાવ અને લીક થતી પાઇપલાઇન બંધ કરી દેવામાં આવશે.

પશુઓને પીવા માટે પાણી મળી રહે એ માટે જમીન પરના ખાડાઓને બદલે બે ફુટ ઊંચી અને એકદમ લિસ્સી સીધી દીવાલવાળી સ્ટીલ કે કૉન્ક્રીટની ટાંકીઓ મુકાશે. કેન ટોડ વધુમાં વધુ ૩૦-૪૦ સેન્ટિમીટર જ કૂદી શકતા હોવાથી ગાય કે કાંગારૂ પાણી પી શકશે, પણ ટોડ પાણી સુધી પહોંચી શકશે નહીં.

આ ઉપરાંત મોટાં જળાશયોની ફરતે ૫-૬ મિલીમીટરનાં બારીક છિદ્રો ધરાવતી જાળી લગાવવામાં આવશે. એ જમીનમાં પણ બે ફુટ નીચે સુધી દાટવામાં આવશે, જેથી કેન ટોડ જમીનમાં ખાડો કરીને પણ અંદર ન જઈ શકે. આ જે જળાશયો હશે એની આસપાસ સૂકા કાંકરા પથરાશે, જે ટોડની ચામડીનો ભેજ શોષવાનું કામ કરશે. આ નાનાં જળાશયોની બહાર વન-વે ટ્રૅપ મુકાશે, જેમાં ટોડ ઘૂસી તો શકશે પણ બહાર નહીં નીકળી શકે. આ આખું કાર્ય જાન્યુઆરીમાં શરૂ થશે અને ૨૦૩૧ સુધીમાં પૂરું કરવામાં આવશે, પણ ત્યાં સુધી શું? જો આ સવાલ તમારા મનમાં આવ્યો હોય તો વાંચો આગળ.

બીજું શું-શું ચાલે છે?

વૉટરલેસ બૅરિયર ઊભી થાય એ પહેલાંથી ઑસ્ટ્રેલિયાના સાયન્ટિસ્ટો કેન ટોડ પર રીતસર ધૂણી ધખાવીને બેસી ગયા છે.

જીન એડિટિંગ નામના એક પ્રોગ્રામમાં મૅક્વેરી યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ જીન-એડિટિંગ ટેક્નૉલૉજીથી કેન ટોડનાં એવાં ટેડપોલ એટલે કે બચ્ચાં વિકસાવ્યાં છે જે ક્યારેય પુખ્ત બનતાં જ નથી અને એટલે એ પ્રજનન કરી શકતા નથી એટલે નવાં બચ્ચાં બનતાં નથી. કેન ટોડનાં આ બચ્ચાંના જીન્સમાં પણ એ ચેન્જ કરવામાં આવ્યો છે કે એ કેન ટોડનાં ઈંડાંઓને જ ખાય! એને લીધે તળાવમાં રહીને બીજા કેન ટોડનાં હજારો ઈંડાં ખાઈને એનો વંશવેલો ખતમ કરવામાં ઑસ્ટ્રેલિયાને મદદ કરે.

આ ઉપરાંત સાયન્ટિસ્ટોએ કેન ટોડનાં બચ્ચાંમાંથી ખાસ સૉસેજ લઈને, એમાં હળવું ઊબકા આવે એવું કેમિકલ મિક્સ કર્યું છે. એને હેલિકૉપ્ટર દ્વારા જંગલોમાં ફેંકવામાં આવે છે. મગર કે અન્ય જીવજંતુ જ્યારે એ ખાય છે ત્યારે એમને થોડી વાર ઊલટી થાય પણ જીવ જતો નથી. આનાથી એ પ્રાણીઓના મગજમાં કેન ટોડની ગંધ પ્રત્યે કાયમી નફરત બેસી જાય છે અને એ ભવિષ્યમાં અસલી ઝેરી કેન ટોડને ખાતાં નથી.

નવા વિસ્તારોમાં એક પણ ટોડ પ્રવેશ્યો છે કે કેમ એ જાણવા પાણીના નમૂનામાંથી eDNA એટલે કે એન્વાયર્નમેન્ટલ DNA ટેસ્ટ પણ કરવામાં આવે છે. આ જે બધાં કામો થાય છે એ પેલા ૧૮પ કરોડના બજેટ સિવાયના ખર્ચમાં આવે છે.

જરા વિચાર કરો, ૯૧ વર્ષ પહેલાં ૧૦૨ દેડકા લાવવાનો એક નાનકડો નિર્ણય આજે કરોડોના ખર્ચ અને પર્યાવરણના વિનાશનું કારણ બન્યો. પ્રકૃતિના સંતુલન સાથે કરવામાં આવેલી એક નાની અમસ્તી રમત કે ભૂલ સુધારતાં કેટકેટલા મોરચે લડવાનો વારો આવી જાય છે એ ઑસ્ટ્રેલિયાનો આ જંગ દેખાડે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 12:51 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK