કહેવાય છે કે આ ટેકરીઓની નીચે બૌદ્ધ સ્તૂપો, બૌદ્ધ મઠની ઇમારતો અને એ સાથે બીજી કેટલીક જૂની સંરચનાઓ પણ છે જે સિદ્ધ કરે છે કે એ વિસ્તારમાં ક્યારેક એક શહેર હતું જે ક્યારેક બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર પણ હતું
જેહાનપુરામાં બૌદ્ધ મૂર્તિઓ અને સ્તૂવ્યાં મળી આવ્યા છે.
બારામુલા પાસેની ટેકરીઓ પરથી તાજેતરમાં ૨૦૦૦ વર્ષથીયે જૂના કેટલાક અવશેષો મળી આવ્યા છે જે કુષાણકાળના હોવાનું પુરાતત્ત્વવિદો કહે છે. કહેવાય છે કે આ ટેકરીઓની નીચે બૌદ્ધ સ્તૂપો, બૌદ્ધ મઠની ઇમારતો અને એ સાથે બીજી કેટલીક જૂની સંરચનાઓ પણ છે જે સિદ્ધ કરે છે કે એ વિસ્તારમાં ક્યારેક એક શહેર હતું જે ક્યારેક બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર પણ હતું
જો તમને કોઈ એમ કહે કે તમે જે જમીન પર હમણાં ચાલી રહ્યા છો એની બરાબર નીચે એક આખેઆખી સભ્યતા, માનવ સંસ્કૃતિ શ્વાસ લઈ રહી છે તો? એક એવો ઇતિહાસ આપણા પગ તળે છે જે લગભગ ૨૦૦૦ વર્ષથી અંધારામાં સચવાયેલો છે તો? આ કહાણી કંઈક એવી જ છે. આ કહાણી એ કાશ્મીરની નથી જે માત્ર વાદીઓનું, આતંકવાદનું, હમે ક્યા ચાહિએ, આઝાદી! એવા નારાઓનું કે કાશ્મીરી પંડિતોના બેરહમ જેનોસાઇડનું શહેર છે; આ કહાણી છે એ કાશ્મીરની જે ક્યારેક જ્ઞાન અને ધર્મનું કેન્દ્ર હતું.
પ્રભુ શ્રી રામચંદ્રજીના પુત્ર કુશ પરથી હિમાલયની પર્વતમાળાઓના એક હિસ્સાનું નામ પડ્યું હિન્દુકુશ. અને એ હિન્દુકુશની ઘાટીઓમાં વસેલો પ્રદેશ એટલે કાશ્મીર. આજે જે પ્રદેશ ઇસ્લામ અને એને માનનારા મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવે છે એ જ પ્રદેશ એક સમયે મહાન સનાતન સંસ્કૃતિના વેદો, પુરાણો અને સંહિતાઓને જાણનારા, શાસ્ત્રાર્થ કરનારા વિદ્વાન પંડિતોના પ્રભુત્વવાળો હતો. કાશ્મીર અને શ્રીનગરનો ઇતિહાસ કેવો રક્તરંજિત છે અને એ ભૂમિ પર પંડિતો સાથે, હિન્દુઓ સાથે કેવા-કેવા જુલમો અને અન્યાયો થયા છે એ વિશે આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ હાલ નજીકના જ ભૂતકાળમાં એક એવા સમાચાર આવ્યા કે જે માટે કહેવું પડે, ‘અહો આનંદો!’
સહેલાણી તરીકે કાશ્મીરના બારામુલાનું નામ આપણે બધાએ જ સાંભળ્યું છે. હા, એ અલગ વાત છે કે થોડા સમય પહેલાં બારામુલા એના કુદરતી સૌંદર્ય કરતાં આતંકવાદ અને સીમાપારથી થતી ઘૂષણખોરીને કારણે વધુ ચર્ચામાં રહેતું હતું. પણ હવે એ જ બારામુલા અને એમાંય ખાસ કરીને એનું એક ગામ નામે જેહનપોરા જાણીતું થઈ રહ્યું છે બૌદ્ધ ઇતિહાસના પુરાવાઓને કારણે. હમણાં થોડા દિવસો પહેલાં બારામુલાના જેહનપોરા ગામમાંથી પુરાતત્ત્વવિદો (આર્કિયોલૉજિસ્ટ્સ)ને ૨૦૦૦ વર્ષ કરતાંય વધુ જૂના એવા એક બૌદ્ધ સ્થળના પુરાવાઓ મળી આવ્યા છે.
ADVERTISEMENT

બારામુલામાં ચાલી રહેલું સંશોધન.
ઘાસમાં જડેલી સોય
તો બન્યું કંઈક એવું કે જેહનપોરાને આજ સુધી લોકો બીજાં અનેક કાશ્મીરી ગામોની જેમ જ એક સામાન્ય ગામ સમજી જીવી રહ્યા હતા પરંતુ એ ગામની એક સાવ સામાન્ય દેખાતી ખાસિયત આટલી અસામાન્ય હશે એની કોઈને ખબર જ નહોતી. જેહનપોરાની જમીન સીધી કે સપાટ મેદાન જેવી નથી, ત્યાં માટીના અનેક ઊંચા-નીચા ટીલાઓ છે જેને તમે ન પહાડનો ભાગ કહી શકો કે ન મેદાની વિસ્તારનો. હવે ક્યાં ભારતનું કાશ્મીર અને ક્યાં યુરોપનો દેશ ફ્રાન્સ. પણ તમે નહીં માનો, આ આખીય ઘટનાનાં મૂળ ક્યાંક ફ્રાન્સથી જ મળ્યાં હતાં! તો કહાની મેં ટ્વિસ્ટ યહ હૈ કિ ફ્રાન્સના એક મ્યુઝિયમમાં દશકો જૂની અને ધૂંધળી થઈ ગયેલી (જે રીતે કાશ્મીર મૂળ કાશ્મીરી પંડિતોની માતૃભૂમિ હતી અને તેમના પર બળાત્કાર, નરસંહાર અને લૂંટફાટ જેવા જુલમ કરવામાં આવ્યા હતા એ હકીકત આપણા બધાના ઝહેનમાં ધૂંધળી થતી જાય છે એ જ રીતે.) એક તસવીર છે જેમાં બારામુલા વિસ્તારમાં ત્રણ બૌદ્ધ સ્તૂપ હોવાનું દેખાય છે.
આર્કિયોલૉજિકલ સર્વે કરતા વિદ્વાનોને એ ફોટો રહસ્યમયી જ નહીં પરંતુ રસપ્રદ પણ જણાયો અને શરૂ થયો બારામુલા અને એની આસપાસના વિસ્તારોનો એક સર્વે. ફ્રાન્સમાં મળેલી એ તસવીર બાદ ઇતિહાસકારો અને આર્કિયોલૉજિસ્ટ્સે કાશ્મીરના ઇતિહાસ પર બારમી સદીમાં સંસ્કૃતમાં લખાયેલું ઇતિહાસકાર કલ્હણના પ્રાચીન પુસ્તક ‘રાજ તરંગિણી’નો પણ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ સિવાય અનેક પ્રાચીન અને અર્વાચીન પ્રવાસ વર્ણનોની પણ મદદ લેવામાં આવી. જેને કારણે આર્કિયોલૉજિસ્ટ્સ અને રિસર્ચર્સનો વિશ્વાસ વધુ ગહેરો થયો અને શોધખોળ શરૂ થઈ. પ્રાચીન પુસ્તક અને પ્રવાસ વર્ણનોમાં મળેલી એક-એક માહિતીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો અને અંદાજ મેળવવામાં આવ્યો કે આ બધું જ સાહિત્ય કઈ ઘટના તરફ, કયા સ્થળ તરફ ઇશારો કરી રહ્યું છે.
ડ્રોન સર્વેએ ખોલ્યાં ઇતિહાસનાં પડળો
પહેલાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યો અને ત્યાર બાદ ફિઝિકલ મહેનત પણ શરૂ થઈ. પહેલા સર્વેમાં અસફળતા મળી. પણ એટલો વિશ્વાસ હતો કે ક્યાંક કશુંક હોવું તો જોઈએ. સ્થળની ઍક્યુરસી વધુ સટીક કરવામાં આવી અને હવે ઉપયોગમાં લેવાયું ૨૧મી સદીનું સૌથી આધુનિક અને સૌથી અસરકારક હથિયાર. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર અર્થાત GPR જેણે માત્ર શોધકર્તા તરીકે નહીં પરંતુ જાસૂસની ભૂમિકા નભાવી. GPR એક એટલું અસરકારક શોધકર્તા છે કે એ જમીન ખોદ્યા વિના જ એ તપાસ કરી લે છે કે નીચે દીવાલ છે, માત્ર પથ્થરો છે કે કોઈ માનવનિર્મિત સંરચના. એની સાથે ડિજિટલ મૅપિંગ અને ડીટેઇલ્ડ ડ્રોન સર્વેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.
GPRના રિપોર્ટ્સને કારણે એક્સપર્ટ્સ અને આર્કિયોલૉજિસ્ટ્સને એટલું તો સમજાઈ ગયું હતું કે બારામુલાના જેહનપોરા ગામમાં જે થોડી-થોડી ઊંચાઈની ટેકરીઓ દેખાય છે એ પ્રાકૃતિક ટેકરીઓ નથી અને સાથે હિમાલયની પર્વતમાળાનો હિસ્સો પણ નથી પરંતુ આ ટેકરીઓ માનવી દ્વારા બનાવવામાં આવેલી ટેકરીઓ છે જેનો સીધો અર્થ એ હતો કે આ જમીન પર ક્યારેક કોઈ જમાનામાં એવી ઘટનાઓ બની હોવી જોઈએ જેને છુપાવવાની જરૂર પડી અને શક્ય છે કે કોઈક એવી ઘટનાઓ ઘટિત થઈ હોય જેને કારણે એ સ્થળનો આખોય ઇતિહાસ જ પલટાઈ ગયો હોય.
ડ્રોન સર્વે જે તરફ નિર્દેશ કરી રહ્યો હતો એ અનુસરતાં GPR અને ડિજિટલ મૅપિંગ દ્વારા એક ડીટેલ્ડ મૅપ તૈયાર થયો જેથી ખોદકામ દરમિયાન ધરતીના પેટાળમાં જે રહસ્યો ધરબાયેલાં છે એને કોઈ નુકસાન ન થાય અને ખોદકામ સાવચેતીપૂર્વક થઈ શકે.
કુષાણકાળ : ભૂગોળ અને ઇતિહાસ
ભારત વર્ષની હિન્દુકુશની આ ઘાટીઓમાં ક્યારેક એક સમયે કુષાણ શાસકનું રાજ હતું. આ જે સ્તૂપો, શિલ્પો, સંરચનાઓ અને પુરાવાઓ મળ્યા છે એનો અભ્યાસ કરતાં કેટલાક વિશેષજ્ઞો કહી રહ્યા છે કે આ કુષાણકાળના અવશેષો હોવાની પૂરેપૂરી સંભાવના છે.
પણ આ શોધ અને એનું મહત્ત્વ શું છે એ સમજવું ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી આપણે કુષાણકાળ શું અને કુષાણ કોણ હતા એ જાણી ન લઈએ. કુષાણકાળ અને મહારાજ કનિષ્કના સમયને ભારતના એક સુવર્ણયુગ તરીકે ગણાવવામાં આવે છે. આ એ સમય હતો કે જ્યારે કાશ્મીર માત્ર પહાડોનો દેશ નહોતો પરંતુ બૌદ્ધ ધર્મનું પાવરહાઉસ હતું. ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો જાણવા મળે છે કે બૌદ્ધ ધર્મની ચોથી પંક્તિ એટલે કે ફોર્થ જનરેશનનો ઉદય કાશ્મીરમાં જ થયો હતો. આ એ સમય હતો કે જ્યારે કાશ્મીર આખાય વિશ્વના વિદ્વાનોનું કેન્દ્ર હતું. ચીન, તિબ્બત અને મધ્ય એશિયાના અનેક પ્રદેશોથી લોકો અહીં જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા હતા. બારામુલામાં મળેલા આ સ્તૂપો અને મઠો એ જ મહાન પરંપરાની સાબિતીઓ છે જે કુષાણ શાસક હુઇવિશ્કની રાજધાની હુઇવિશ્કપુરાના આ અવશેષો હોય એવી શક્યતા જણાઈ રહી છે કારણ કે સ્તૂપો અને મઠો સહિત જે બીજી સંરચનાઓ અને શિલ્પો મળી આવ્યાં છે એની બનાવટ અને શૈલી ઘણા અંશે ગાંધાર શૈલીને મળતી આવે છે.
કુષાણકાળ, કુષાણ રાજવી અને રાજધાની... આ બધી ધારણાઓ કે અંદાજો અમસ્તાં જ નથી મુકાઈ રહ્યાં. ખોદકામ બાદ જે જમીનના ગર્ભમાંથી આ જે કંઈ મળી આવ્યું છે એ ક્યાં મળી આવ્યું છે એ સ્થળ એમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેહનપોરા, બારામુલાનું આ ગામ ભૌગોલિક દૃષ્ટિએ એવી જગ્યાએ સ્થિત છે કે જે વિસ્તાર એક જમાનામાં ગાંધાર અને કાશ્મીરને જોડાતા મુખ્ય માર્ગનો વિસ્તાર હતો. બીજા સંદર્ભ પુરાવાઓ : ભૂતકાળમાં થયેલી શોધો અને ઇતિહાસ એવું કહે છે કે, એક સમય હતો કે જ્યારે ગાંધાર અને કાશ્મીર વચ્ચે થતો સમગ્ર વ્યાપાર આ માર્ગે જ થતો હતો એટલું જ નહીં, યાત્રા પ્રવાસો અને તીર્થધામોની સફર પણ કાશ્મીરથી ગાંધાર કે ગાંધારથી કાશ્મીર માટે આ જ મુખ્ય માર્ગે થતી હતી. બારામુલાનું જેહનપોરા ગામ હાલ ભૂતકાળના એ જ માર્ગ પર વસેલું છે. એક એવો માર્ગ અને એક એવું ક્ષેત્ર કે જે ક્યારેક કોઈક સમયે ધર્મ અને સંસ્કૃતિના આદાન-પ્રદાનમાં મુખ્ય ભૂમિકા નિભાવતું હતું. જમ્મુ-કાશ્મીર આર્કાઇવ્ઝ અર્થાત આર્કિયોલૉજી અને મ્યુઝિયમ વિભાગ અને કાશ્મીર યુનિવર્સિટીએ ભેગા મળી કરેલા અભ્યાસ અને ખોદકામને કારણે શક્ય છે કે આવનારા ભવિષ્યમાં કાશ્મીર અને એના ઇતિહાસને એક સાવ નવો જ દૃષ્ટિકોણ મળે.

ફ્રાન્સના એક મ્યુઝિયમના આર્કાઇવ્ઝમાં કાશ્મીરની પહાડીઓના આ ચિત્ર પરથી પુરાતત્ત્વવિદોને અહીં બૌદ્ધ ઇતિહાસ છુપાયો હોવાનાં એંધાણ મળ્યાં હતાં.
ખોદા પહાડ, નિકલા ઇતિહાસ
સર્વેમાં આશાજનક પરિણામો મળવાની ખાતરી થતાં રિસર્ચર્સ અને આર્કિયોલૉજિસ્ટ્સે મળીને ખોદકામ શરૂ કર્યું. અને મળ્યો ઇતિહાસનો એક સુવર્ણકાળ! અંદાજે ૨૦૦૦ વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ જેને પુરાતત્ત્વવિદો કુષાણકાળ તરીકે ઓળખાવી રહ્યા છે. અહીંથી મળી આવ્યા બૌદ્ધ સ્તૂપો, બૌદ્ધ મઠની ઇમારતો અને એ સાથે બીજી કેટલીક જૂની સંરચનાઓ પણ જે સિદ્ધ કરે છે કે એ વિસ્તારમાં ક્યારેક એક શહેર હતું, વસ્તી રહેતી હતી જે બૌદ્ધ ધર્મને માનનારી અને અનુસરનારી હતી એટલું જ નહીં, પુરાવાઓ તો ત્યાં સુધીનું કહે છે કે આ સ્થળ ક્યારેક બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. માટીનાં વાસણો અને તાંબાની અત્યંત કીમતી એવી કલાકૃતિઓ જેવી કંઈ કેટલીય ચીજો જમીનનાં આ પડળો નીચે કંઈ કેટલાંય વર્ષોથી ધરબાઈ ગઈ હતી જે આજે હવે બૌદ્ધ સ્તૂપો, મઠો અને બીજી અનેક સંરચનાઓ સાથે વિશ્વ સામે છતી થઈ ચૂકી છે.
ભારતનું ગૌરવ
બારામુલાની ધરતીએ આપણી સામે એવાં-એવાં રહસ્યો છતાં કરવા માંડ્યાં છે કે ઇતિહાસકારો અને વિજ્ઞાનીઓ વિસ્મયથી એ તરફ જોઈ રહ્યા છે. એક એવી શોધ કે જે ભારતના ઇતિહાસને ફરી એક વાર નવાં પાનાં પર લખવા મજબૂર કરી શકે છે. વિજ્ઞાને ઇતિહાસની આંગળી પકડી અને પાંચ મહિના સુધી ચાલ્યો સઘન શોધખોળનો એક લાંબો દોર. આ શોધ એ માત્ર એક શોધ નથી પરંતુ સાંસ્કૃતિક પુનર્જાગરણ છે. આ શોધ માત્ર એક શોધ નથી પરંતુ દેશના સાંસ્કૃતિક મંત્રાલયના એ ઉદ્દેશ્યનું પણ મહત્ત્વનું પાનું છે જે ભારતની ખોવાયેલી વિરાસતને વિશ્વ સામે છતી કરવાનાનો અણીશુદ્ધ ઇરાદો ધરાવે છે. પુરાતત્ત્વ વિભાગનું તો માનવું છે કે આ તો માત્ર હજી શરૂઆત છે. શક્ય છે હજી વધુ સઘન તપાસમાં બીજાં અનેક પડળો આપણી સામે ખૂલે!


