Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માન્યતાઓને કારણે ધર્મને જુદી જ દિશા મળી ગઈ

માન્યતાઓને કારણે ધર્મને જુદી જ દિશા મળી ગઈ

13 June, 2021 04:07 PM IST | Mumbai
Swami Sachidanand

આ માત્ર વાતો નથી, આના અઢળક પુરાવા ઇતિહાસમાં છે.

GMD Logo

GMD Logo


ધર્મ સામેનો ત્રીજો અને સૌથી મહત્ત્વનો પડકાર જાણવા જેવો છે.
માન્યતાઓ. હા, ધર્મ સામેનો આ સૌથી મોટો પડકાર માન્યતાઓનો છે. પ્રત્યેક ધર્મની પોતપોતાની આગવી માન્યતાઓ હોય છે. ઈશ્વર, આત્મા, પરલોક, પુનર્જન્મ, સ્વર્ગ, નરક, મોક્ષ, કર્મફળ, અવતાર, તીર્થંકર, પયગંબર, દૈવી પુસ્તક જેવી અનેક માન્યતાઓ સાથે પ્રત્યેક ધર્મ જોડાયેલો છે. અનેક પરસ્પરવિરોધી માન્યતાઓ વિશ્વના ધર્મો ધરાવે છે. આ માન્યતાનું મૂળ કોઈ દૈવી પુસ્તક સીધું કે આડકતરી રીતે પરમેશ્વર કે સર્વજ્ઞથી જોડાયેલું હોય છે એટલે આવી માન્યતાઓ, માત્ર માન્યતાઓ ન રહેતાં તત્ત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પરમ સત્યજ્ઞાન બની જાય છે. પરસ્પરમાં અત્યંત વિરોધી હોવા છતાં આવી માન્યતાઓ જે-તે સંપ્રદાયો સાથે જડબેસલાક સ્થિર થઈ ગયેલી હોય છે. 
પ્રાચીનકાળમાં જ્યારે પ્રયોગશાળાનો પ્રભાવ લગભગ ન સમાન હતો ત્યારે ધર્મના નામે ધારો એવી અને ઇચ્છો એવી માન્યતાઓ પ્રચલિત કરી શકાતી. શિક્ષણક્ષેત્ર ધર્મક્ષેત્રની અંદર જ આવી 
જતું એટલે આ માન્યતાઓની પુષ્ટિનું જ શિક્ષણ અપાતું છતાં જો કોઈ પડકાર આપનારો ઊભો થાય તો તેને ધર્મની વ્યવસ્થા પ્રમાણે જીવતો બાળી મુકાતો. આ માત્ર વાતો નથી, આના અઢળક પુરાવા ઇતિહાસમાં છે.
યુરોપના ધર્મે સર્વેટસ, બ્રુનો, વિકિલફ, હસ, વાલ્ડો અને ફ્રાન્સિસ જેવા કેટલાય પડકારકોને જીવતા બાળી મૂક્યા હતા. સત્યની વ્યાખ્યા અને સ્થાપના કરવાનું કામ જેનું મુખ્ય કર્તવ્ય છે એ ધર્મે આજ સુધી હજારો સત્યોપાસકોની આહુતિ લીધી છે. ધર્મ જો સત્યની વેદી બનાવીને ઊભો હોત અને એમાં અસત્યની આહુતિ અપાઈ હોત તો વિશ્વ સ્વર્ગથી પણ ઉત્તમ બન્યું હોત, પણ ઊલટું થઈ ગયું એટલે વિશ્વ સ્વર્ગ તો ન થઈ શક્યું, પણ અસંખ્ય વાર યાતનાઓનું કેન્દ્ર બની ગયું છે. યુરોપના પડકારકોની આહુતિ એળે ન ગઈ. અડધું યુરોપ (પૂર્વ યુરોપ) ધર્મ વિનાનું થઈ ગયું અને બાકીનું મંદ-ધર્મ બની ગયું.
જે કામ યુરોપમાં થયું એ ભારતમાં ન થઈ શક્યું. અહીં પડકાર આપનારાઓને બળાયા નહીં, ઊલટાનું તેઓમાંના કેટલાકને ભગવાન, અવતાર, ઋષિ કે મુનિ માની લેવાયા. એનું સારું પરિણામ એ આવ્યું કે અહીં ધર્મના નામે પ્રચુર હિંસા ન થઈ, પણ એનું કુપરિણામ એ આવ્યું કે પૂરી પ્રજા અસંખ્ય સંપ્રદાયો તથા માન્યતાઓમાં વહેંચાઈ ગઈ, એથી સંગઠન કે શક્તિ ઊભી ન થઈ શકી. જે પ્રજા વૈચારિક સંઘર્ષ નથી કરી શકતી એ ઢીલી અને ઐતિહાસિક મહત્ત્વ વિનાની થઈ જાય છે. આપણે બધાનું બધું સ્વીકારતા રહ્યા એટલે મક્કમ પ્રજા તરીકેનું કાઠું ન કાઢી શક્યા. 


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 04:07 PM IST | Mumbai | Swami Sachidanand

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK