Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પેરન્ટ્સને મૃત દીકરી જોઈએ છે કે ડિવૉર્સી એ નક્કી કરવાનો સમય પાકી ગયો છે

પેરન્ટ્સને મૃત દીકરી જોઈએ છે કે ડિવૉર્સી એ નક્કી કરવાનો સમય પાકી ગયો છે

Published : 04 June, 2026 12:30 PM | Modified : 04 June, 2026 01:12 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બદનામીના ભયથી ઘણી વાર દીકરીને સાસરિયાંમાં પડતા ત્રાસને નજરઅંદાજ કરવામાં આવે છે અને એનાં આકરાં પરિણામો પણ ભોગવવાં પડે છે

થોડા સમય પહેલાં મેરઠના રિટાયર્ડ જજ જ્ઞાનેન્દ્રકુમાર શર્માએ દીકરીના ડિવૉર્સ થયા પછી તેનું ઢોલ-નગારાં અને ફૂલમાળાથી ભવ્ય સ્વાગત કરીને સામાજિક મિસાલ રજૂ કરી હતી

થોડા સમય પહેલાં મેરઠના રિટાયર્ડ જજ જ્ઞાનેન્દ્રકુમાર શર્માએ દીકરીના ડિવૉર્સ થયા પછી તેનું ઢોલ-નગારાં અને ફૂલમાળાથી ભવ્ય સ્વાગત કરીને સામાજિક મિસાલ રજૂ કરી હતી


દીકરીને ભણાવીને આત્મનિર્ભર બનાવવાની વાત કરતા સુધરેલા ભારતમાં પરણેલી દીકરીને પારકી માનવાની પરંપરા આજેય વત્તેઓછે અંશે અસ્તિત્વમાં હોવાનું કારણ છે ડિવૉર્સી મહિલાને જોવાનો સામાજિક નજરિયો. બદનામીના ભયથી ઘણી વાર દીકરીને સાસરિયાંમાં પડતા ત્રાસને નજરઅંદાજ કરવામાં આવે છે અને એનાં આકરાં પરિણામો પણ ભોગવવાં પડે છે. સાસરિયાંના ત્રાસથી છૂટવા માગતી દીકરીને જ્યારે પિયરનો સપોર્ટ નથી મળતો ત્યારે તે જીવ ગુમાવે છે.

છેલ્લા થોડા દિવસોમાં દેશમાં દહેજને કારણે થયેલી આત્મહત્યાઓ અને શંકાસ્પદ હત્યાના ત્રણેક બનાવ એવા બન્યા છે જેની ખૂબ ચર્ચા છે. દહેજવિરોધી કડક કાયદા હોવા છતાં આવા કિસ્સાઓ બને એ કમનસીબી છે. આ સંદર્ભમાં અભિનેત્રી અને સંસદસભ્ય કંગના રનૌતે તીખી પ્રતિક્રિયા આપી છે. કંગનાએ કહ્યું કે પરિણીત યુવતીઓ વિશે વારંવાર દુ:ખદ સમાચાર આવે છે; ઘણી યુવાન અને શિક્ષિત યુવતીઓ ગૂંગળામણની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે માતા-પિતા પાસે મદદ માગે છે, પરંતુ ભારતીય સમાજ લગ્ન પછી દીકરીઓને ત્યજી દેવા માટે બદનામ છે. સુપ્રીમ કોર્ટમાં મધ્ય પ્રદેશ સરકારને રિપ્રેઝન્ટ કરતી વખતે ઍડ્વોકેટ તુષાર મહેતાએ પેરન્ટ્સની નૈતિક જવાબદારી વિશે વાત કરતાં કહ્યું હતું કે મૃત દીકરી કરતાં ડિવૉર્સ લીધેલી દીકરી હોય એ સારી સ્થિતિ છે. દીકરીને ભણાવીને આત્મનિર્ભર બનાવવાની વાત કરતા સુધરેલા ભારતમાં પરણેલી દીકરીઓને પારકી માનવાની સામાજિક પરંપરા આજેય વત્તેઓછે અંશે બરકરાર હોવાનું મુખ્ય કારણ છે ડિવૉર્સી મહિલાને જોવાનો સામાજિક નજરિયો. આ બાબતે વિવિધ સમાજના અગ્રણીઓ શું કહે છે એ જોઈએ.



દીકરીઓ ફસાઈ ન જાય એવા કાર્યક્રમો કરીએ : વર્ષા દિવાણી, શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન મહિલા મંડળ-મુંબઈનાં પ્રમુખ


અમારા સમાજમાં પહેલેથી દહેજપ્રથાનું અસ્તિત્વ નથી. દીકરી પહેરેલાં કપડે આવે તોય સહર્ષ સ્વીકારવા જેટલો ઉદાર સમાજ છે. હાલ પરિસ્થિતિ એવી છે કે દીકરીઓ વધુ ભણે છે અને દીકરો બાપદાદાના ધંધામાં ઝંપલાવી દે છે. પરિણામે સગપણ થવામાં મુશ્કેલી આવે છે. છૂટાછેડાના કેસ પણ અગાઉ કરતાં વધ્યા છે. નવી જનરેશન ઍડ્જસ્ટમેન્ટમાં માનતી નથી. એક્સ્પોઝર વધી જતાં આજની દીકરીઓ પરાણે સાસરીમાં રહેવાની નથી. પેરન્ટ્સનો તેમને પૂરો સપોર્ટ મળે છે. ડિવૉર્સ લીધેલી દીકરીને જોવાનો નજરિયો બદલાયો છે. છૂટા થયા પછી બીજા પાત્ર સાથે ગોઠવાઈ જાય છે. લગ્નપ્રથાને ટકાવી રાખવા અમે બા, બેટી ઔર બહૂ જેવા કાર્યક્રમો કરીએ છીએ. દીકરીને સ્વતંત્રતા છે, પરંતુ ફસાઈ ન જાય એ જોવાની સામાજિક જવાબદારી છે. દોઢ વર્ષ પહેલાં અમે કાજલ હિન્દુસ્થાનીને આમંત્રણ આપીને લવ જેદાહથી કઈ રીતે બચવું અને પોતાનું રક્ષણ કઈ રીતે કરવું એ સમજાવ્યું હતું. સામાજિક સ્તરે દીકરીઓનું જીવન બરબાદ ન થાય એવા પ્રયાસો કરવાનો સમય પાકી ગયો છે. 

અમે આ માટે મધ્યસ્થી સમિતિની રચના કરી છે : વિજ્ઞેશ ભેદા, કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન પ્રમુખ


કચ્છના બાવન કંઠી વિસ્તાર અને ૪૨ અબડાસા વિસ્તારમાં સમાયેલો અમારો સમાજ શિક્ષત, પ્રગતિશીલ અને સતત સ્થળાંતર કરતો રહ્યો છે. રાજસ્થાનથી કચ્છ, મુંબઈ અને હવે નવી જનરેશન વિદેશ સ્થાયી થવા લાગી છે. સામાજિક વ્યવસ્થા માટે દરેક ગામનું મહાજન હોય છે. અત્યારે દહેજપ્રથા નાબૂદ થઈ ગઈ છે, પરંતુ દાયકાઓ અગાઉ ખેડો નામની પ્રથા હતી. એમાં વરપક્ષનો પરિવાર કન્યાપક્ષના ગામના મહાજનને અમુક રકમ લખાવે છે. કન્યાને સાસરિયાંમાં કોઈ તકલીફ થાય તો મહાજન અને સમાજના આગેવાનો સમસ્યાને ઉકેલવાની જવાબદારી નિભાવે છે. આ પ્રકારની પ્રથા અથવા દહેજ બન્નેનો એક હેતુ હતો. દીકરી આર્થિક રીતે પતિ પર નિર્ભર હતી એટલે સ્ત્રીધન તરીકે દહેજ અપાતું જેથી કટોકટીના સમયે એનો ઉપયોગ કરી શકે. પ્રથા આર્થિક સુરક્ષા માટે હતી, પણ સમય જતાં હેતુ બદલાઈ ગયો અને દહેજ દૂષણ બની ગયું. આજની ભણેલી-ગણેલી દીકરી દહેજ માટે આત્મહત્યા કરે એ મગજમાં નથી ઊતરતું. નવી પેઢીમાં માનસિક હતાશા મોટી સમસ્યા છે. અમારા સમાજે લગ્નસંસ્થા ટકી રહે એ દિશામાં પ્રયાસો કર્યા છે. અમે સેન્ટ્રલ લેવલ પર કામ કરે એવી મધ્યસ્થી સમિતિની રચના કરી છે. સમિતિ કાયદાકીય સલાહ ન આપી શકે, પરંતુ વરપક્ષ અને કન્યાપક્ષ બન્નેના ગામનાં મહાજનોનો સંપર્ક કરીને સમજાવટથી કામ લે છે. જરૂર પડે તો મહિલામંડળના પ્રતિનિધિની સહાય લેવામાં આવે છે. મોટા ભાગે પ્રશ્ન ઉકેલાઈ જાય છે. છતાં એકાદ કેસમાં દીકરીને પિયર પાછા આવવું પડે તો દરવાજા ખુલ્લા હોવા જોઈએ.

દરેક પરિસ્થિતિમાં દીકરીને સામાજિક ટેકો આપીએ : રમણીક યાદવ, મલાડ મોચી સમાજના ભૂતપર્વ પ્રમુખ

સમયની સાથે અમારો સમાજ પણ આધુનિકતાના રંગે રંગાયો છે. આજે અમારા સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ લઈને પગભર થઈ રહી છે. દહેજના દૂષણને ડામવામાં સફળતા મળી છે. એજ્યુકેશન અને આર્થિક સ્વતંત્રતાને લીધે મોચી સમાજમાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ વધ્યું છે. અન્ય સમાજમાંથી આવેલી વહુ અને જમાઈ બન્નેને સમાજ ઉદારતાથી સ્વીકારતો થયો છે. સંયુક્ત કુટુંબ રહ્યાં નથી એટલે સાસુ-સસરાનો ત્રાસ હોય એવા કિસ્સા ભાગ્યે જ સામે આવે. પ્રમુખ તરીકેના ૬ વર્ષના કાર્યકાળમાં આવો એકેય દાખલો સામે આવ્યો નથી. માતા-પિતાને દીકરી પણ જીવથી વહાલી હોય છે. સામાન્ય રીતે આર્થિક રીતે સ્વતંત્ર દીકરી પોતાની રીતે દામ્પત્યજીવનની સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ હોય. છતાં જરૂર પડે ત્યારે માતા-પિતા જ નહીં, સમસ્ત સમાજ તેને ટેકો આપે છે. દીકરી જ્ઞાતિમાં પરણી હોય કે લવમૅરેજ કર્યાં હોય એનાથી ફરક નથી પડતો. પ્રેમલગ્નમાં ફસાઈ જાય ત્યારે પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં પણ અમે મદદરૂપ થઈએ છીએ. દીકરીને કોઈ પારકી નથી માનતું, પરંતુ એકાદ કિસ્સામાં દીકરી માતા-પિતાથી ઉપરવટ થઈને લગ્ન કરે ત્યારે પેરન્ટ્સ તેને ઍડ્જસ્ટ કર એવું કહી દેતા હશે. આવા કેસમાં હલ નથી મળતો અને સમાધાન મુશ્કેલ બને છે. 

ઘરમાં કંકાસ ન રહે એવા વચલા રસ્તા શોધવા પડે : મીરા શાહ, મુંબઈ ઝાલાવાડી મહિલા મંડળનાં પ્રમુખ

દહેજપ્રથા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે એવો દાવો ન કરી શકાય. વર્ષો પહેલાં અમારામાં એવું કહેવાતું કે ઝાલાવાડીની સાસરી આકરી. કોઈ જલદીથી પોતાની દીકરી આપતું નહીં. હવે સમય બદલાયો છે. અમારો સમાજ દીકરા જેટલું જ મહત્ત્વ દીકરીને આપે છે, તેના એજ્યુકેશન અને આર્થિક સ્વતંત્રતા પર ભાર મૂકે છે. ૪૫ વર્ષના લગ્નજીવનમાં અને સામાજિક કાર્યો કરતાં આ બદલાવ જોયો છે. અમારી સામે એવા કિસ્સા વધુ આવે છે જ્યાં નાની-નાની વાતમાં દીકરી મમ્મીને ફરિયાદ કરે છે. લગ્નજીવનમાં ઍડ્જસ્ટ કરતાં ન શીખે ત્યારે કહેવું પડે કે બેટા, હસતાં-હસતાં પિયર આવજે, રડતી નહીં આવતી. ઘણી વાર ઘરમાં વહુને લીધે માતા​-પિતા દીકરીને મદદરૂપ નથી થઈ શકતાં. જોકે અમારા સમાજમાં પૈસેટકે સુખી ઘરમાં આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પેરન્ટ્સ લાંબા ગાળાના નિર્ણયો લે છે. એક પરિવારે દીકરીને પાછી લાવતાં પહેલાં દીકરા-વહુને અલગ ઘર લઈ આપ્યું અને પોતે દીકરી અને તેનાં સંતાનો સાથે રહે છે. પરણેલી દીકરીને પાછી લાવતી વખતે ઘરમાં કંકાસ ન રહે એવા રસ્તા શોધવા પડે છે જે મુશ્કેલ હોય છે. દીકરીને ડિપ્રેશનમાંથી માતા-પિતા જ ઉગારી શકે. આવા કિસ્સામાં સમાધાન માટે ઝાલાવાડી સમાજ સીધી રીતે હસ્તક્ષેપ નથી કરતો, કારણ કે સમાજના મોભીઓનો બન્ને પક્ષ સાથે સારો સંબંધ હોય છે. તેઓ વચ્ચે પડતાં ખચકાય છે. સામેથી સમાધાન માટે કહેણ આવે તો અમે પૂરો પ્રયાસ કરીએ જેથી દીકરીનું લગ્નજીવન ટકી જાય અથવા તે એમાંથી બહાર નીકળીને જીવનમાં આગળ વધે.

હવે જમાનો બદલાયો, ડિવૉર્સને પણ સ્વીકારતા થયા : ચેતન શાહ, શ્રી રાજસ્થાન ઓસવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ-વિરારના કોષાધ્યક્ષ

રાજસ્થાની જૈન સમાજ જડમૂળથી બદલાઈ ગયો છે. અગાઉ દહેજ આપ્યા વિના દીકરીનાં લગ્ન નહોતાં થતાં. હવે અમારા સમાજમાં દીકરીઓની એટલી અછત સર્જાઈ છે કે મુંબઈમાં રહેતો શ્રીમંત પરિવાર વિરારની દીકરી લેવા તૈયાર હોય છે. લગ્નનો ખર્ચ પણ છોકરાવાળા ભોગવી લે છે. લગ્નમાં અડધો-અડધો ખર્ચ નિયમ બની ગયો છે. દીકરીઓ ખૂબ ભણે છે અને નોકરી કરે છે. આજથી થોડાં વર્ષ પહેલાં સુધી માતા-પિતા દીકરીને શિખામણ આપતાં કે મરે ત્યાં સુધી સાસરીમાં પડી રહેજે. હવે દીકરીને સાસરીમાં ત્રાસ હોય, જમાઈ સાથે ન જામતું હોય, બે-ચાર વાર સમજાવવાથી વાત ન બને તો તેના ભવિષ્યને ધ્યાનમાં લઈને પાછી ઘરે લઈ આવે છે. એક સમયે જુનવાણી કહેવાતો અમારો સમાજ ડિવૉર્સને સરળતાથી સ્વીકારવા લાગ્યો છે. દીકરીનાં બીજાં લગ્ન કરાવવા પાત્ર મળી જાય છે. વર્તમાન સમયમાં મોટા ભાગના લોકો સમજે છે કે ઍડ્જસ્ટમેન્ટ કરવાની મર્યાદા હોય, એ પછી ખેંચી ન શકો. સમાજના ડરથી બંધાઈ રહેવા કરતાં સહમતીથી છૂટા પડે એમાં સૌનું ભલું છે. કોઈ દીકરી લગ્નજીવનમાં પરાણે બંધાઈ રહે તો એમાં તેનો વાંક છે. માતા-પિતા ફરિયાદ ન સાંભળે ત્યારે સરકારી અથવા બિનસરકારી સંસ્થાની મદદ લઈ શકાય. આજે નાનાં ગામડાંઓ સુધી સામાજિક કાર્યકરો પહોંચી ગયા છે. 

એક ઘટના સમાજનું પ્રતિબિંબ નથી : સતીશ વિઠલાણી, શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ

અમારા સમાજમાં દીકરીઓ વધુ ભણેલી છે, આર્થિક રીતે સ્વતંત્ર છે અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે એટલી સક્ષમ છે. અમે દીકરીઓને એમ જ કહીએ છીએ કે પહેલાં પગભર થાઓ, પછી પરણો. દહેજ અને લગ્ન સમયે પ્રેમથી અપાતી ભેટમાં ફરક છે એ સમજવું જરૂરી છે. એમાં માગણી નથી. માત્ર અમારા સમાજમાં જ નહીં, હવે ભારતભરમાં દહેજપ્રથાનું દૂષણ ખતમ થવાના આરે છે. એકલદોકલ ઘટના સમગ્ર સમાજનું પ્રતિબિંબ નથી. આજકાલ દીકરીના ઘરમાં ચંચુપાત કરનારા પેરન્ટ્સની સંખ્યા વધી રહી છે ત્યાં તેની ફરિયાદને નજરઅંદાજ ક્યાંથી કરવાના? નવી જનરેશનમાં સહનશીલતા ઘટી છે એટલે લગ્નજીવનમાં ઍડ્જસ્ટ કરવા સમજાવવું પડે છે, પરંતુ કોઈ તકલીફ ઊભી થાય તો અમારી પાસે એને હૅન્ડલ કરી શકે એવી કમિટી છે. લગ્નસેતુ કમિટી યુવક-યુવતી માટે યોગ્ય પાત્ર શોધવાની સાથે આવા એકલદોકલ કેસને સંભાળી લે છે. પેરન્ટ્સ અને પરણેલી દીકરી વચ્ચે કમ્યુનિકેશન જળવાઈ રહે એ અગત્યનું છે જેથી દીકરી મૂંઝાય નહીં. કોઈ પણ સ્થિતિમાં લગ્નજીવનમાં બંધાઈ રહેવાનું પેરન્ટ્સ નથી કહેતા. કોઈ માતા-પિતા દીકરીનું આખું જીવન વ્યર્થ ન થવા દે. માતા-પિતાએ દીકરીના સંસારમાં દખલગીરી નથી કરવાની, પણ સાચી હકીકત જાણીને સમજાવવાની કોશિશ કરવી જોઈએ અને એમ લાગે કે પાણી માથાથી ઉપર વહી રહ્યું છે તો કરેક્ટ નિર્ણય લેવો જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 01:12 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK