ખોટા શાસકને પ્રજા ચૂંટે ત્યારે ચિંતા થાય અને ખોટા શાસકને પ્રજા ફેંકી દે ત્યારે આનંદ થાય. ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ, જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, રાજ્યસભા, લોકસભા એમ વિવિધ સ્તરે ચૂંટણીઓ યોજાય છે. એમાં ટિકિટ મેળવવા જે પડાપડી થાય છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્રમાં ૨૯ નગરપાલિકાની ચૂંટણીમાં BJPની મહાયુતિએ ઝળહળતો દેખાવ કર્યો અને ઉદ્વવ ઠાકરે શિવસેના-મનસેના જોડાણનો કરુણ રકાસ થયો. અનેક રાજ્યોના વાર્ષિક બજેટ કરતાં પણ વધારે જેનું બજેટ છે એ મુંબઈ મહાનગરપાલિકામાં ત્રણ દાયકા સુધી ચાલેલા ઠાકરે શાસનનો અપેક્ષિત અંત મોડો-મોડો પણ આવ્યો ખરો. જનતા બધું જોતી હોય છે. માધવી ભટ્ટ હારનું પ્રમુખ કારણ દર્શાવે છે...
‘હું’ મુખર થઈ રાચશે, તો પતન નક્કી જ છે
કાળની ચોપાટ આ, સોગઠી પાકી જ છે
ADVERTISEMENT
ઠાકરેબંધુઓના પરાભવમાં કેટલાંક કારણો સ્પષ્ટ છે. તેમણે મરાઠી માણૂસની પિપૂડી સતત વગાડી. અરે ભાઈ, ખુદ મરાઠી માણૂસ પણ સમજે છે કે વિકાસ વગર નહીં ચાલે. આ મરાઠી માણૂસે ફડણવીસના શાસનમાં મેટ્રો ટ્રેનના પિલર ઊભા થવાથી માંડી એના પર યુરોપને ટક્કર મારે એવી મેટ્રો ટ્રેન દોડતી જોઈ છે. માત્ર જોઈ જ નથી, સફર આસાન બનતી મહેસૂસ પણ કરી છે. કોસ્ટલ રોડને કારણે કમાલ ફરક પડી ગયો છે. કોસ્ટલ રોડ આગામી તબક્કામાં વર્સોવા, બાંગુરનગર, માઇન્ડસ્પેસ, ચારકોપ, ગોરાઈ અને દહિસર વિસ્તાર કવર કરશે. પાંઉવડાની સોચ સાથે આ પ્રકારની પ્રગતિ ન થઈ શકે. એના માટે સંકલ્પશક્તિ પણ જોઈએ અને દૂધમાંથી પોરા કાઢવાની માંદી માનસિકતાને ફગાવવાની હિંમત પણ જોઈએ. કમલેશ શુક્લની પંક્તિમાં ગીતાસંદેશનો અણસાર મળશે...
સત્યથી સંબંધ ગહેરો રાખજો
આયના સામે જ ચહેરો રાખજો
કર્મ આવે કામ પૂરી જિંદગી
આચરણ પર ખાસ પહેરો રાખજો
રાજ ઠાકરે હંમેશાં અન્ય ભાષીઓ પ્રત્યે દ્વેષ ઓકતા આવ્યા છે. અન્ય ભાષાનું અપમાન કરીને પોતાની ભાષાનું સન્માન ન થાય. દરેક ભાષાની પોતાની રોનક અને પોતાનો મિજાજ હોય છે. એકવીસમી સદીમાં ભાષાદ્વેષ રાખવાનો કોઈ મતલબ નથી. એના બદલે ભાષાના આદાનપ્રદાન વિશે વિચારવું જોઈએ. મહારાષ્ટ્રની સાહિત્ય અકાદમી હિન્દી, ગુજરાતી અને સિંધીમાં તો વર્ષોથી કાર્યરત હતી જ, એમાં આ વર્ષથી સંસ્કૃત, તેલુગુ, બંગાળી અને ગોર બંજારા એમ ચાર ભાષાનો ઉમેરો થયો છે. આ ખરેખર પ્રશંસનીય પગલું છે. ભાષાભિમાન આવકાર્ય છે, ભાષાદ્વેષ નહીં. ડૉ. સેજલ દેસાઈ દરદીની નાડ પારખે છે...
સમય આવ્યે, ઉઝરડાની અમારે વાત કરવી છે
નથી ખૂલ્યા એ બરડાની અમારે વાત કરવી છે
ધરીની બ્હાર જો જાશે, પતન નક્કી લખી રાખો
કોઈ છુટ્ટા ભમરડાની અમારે વાત કરવી છે
પોતાની આવડતા અને હેસિયતથી બહાર વિચારાય ખરું પણ આચારાય નહીં. બાળાસાહેબના વારસાના નામે કૂદકાભૂસકા મારી શકાય, પણ છલાંગ મારવા માટે પોતાનું દૈવત અને કૌવત જોઈએ. જેની વિચારશૈલીમાં જ વિરોધ વણાયેલો હોય તેની આચારશૈલીમાં વિકાસ પ્રવેશી શકતો નથી. હવે દરેક શહેર કે રાજ્ય માત્ર સ્થાનિક નથી રહ્યા, તેમણે વૈશ્વિક હરીફાઈનો સામનો કરવાનો છે. અર્થહીન મુદ્દાઓ પર અટકીને સમાજને અપાહિજ ન બનાવાય. દિશા ખોલવા માટે પહેલાં દિમાગ ખોલવું પડે. જે તપેલીમાં રીંગણાનો ઓળો ચીટકી ગયો હોય એમાં દૂધ ગરમ ન કરાય. નીરજા પારેખ લખે છે...
એ વ્યથાનો કોઈને અણસાર ના આવી શકે
દિલ કરે આક્રંદ, આંસુ બહાર ના આવી શકે
હર વખત કક્કો તમારો જો ખરો કરતા રહો
તો તમારા પર પછી કંઈ પ્યાર ના આવી શકે
ખોટા શાસકને પ્રજા ચૂંટે ત્યારે ચિંતા થાય અને ખોટા શાસકને પ્રજા ફેંકી દે ત્યારે આનંદ થાય. ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ, જિલ્લા પરિષદ, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, રાજ્યસભા, લોકસભા એમ વિવિધ સ્તરે ચૂંટણીઓ યોજાય છે. એમાં ટિકિટ મેળવવા જે પડાપડી થાય છે એ દેશસેવા માટે હોય છે એવું તમે માનતા હો તો તમે મોંઘા માયલી ખાંડ ખાઓ છો. કેટલાક ખંધા રાજકારણીઓની બૅલૅન્સ શીટ જોશો તો એમાં કાજુ, કિસમિસ, અફઘાની અખરોટ, મામરો બદામ વગેરે વૉટરમાર્કમાં છુપાયેલા જોવા મળશે. જે પક્ષનાં સૂપડાં સાફ થયાં છે તેનાં મન પણ સાફ થાય એવી આશા રાખીએ. રાજેન્દ્ર શાહ `સ્વપ્નિલ’ની પંક્તિઓ દ્વારા હારનાં કારણોનું પૃથક્કરણ કરીએ...
ઊંડા ચિંતનમાં ઊતર્યા ના, અરથને એ કળે ક્યાંથી
નિયત વિણ કામ સૌ કીધા પછી બરકત રળે ક્યાંથી
હવે જાગ્યા, થયું ખેદાન, આ રોતલ દશા શાને?
તમે વાવ્યા હતા બાવળ, હવે કેરી ફળે ક્યાંથી
લાસ્ટ લાઇન
કહેવા શું છે માગે? સમજો
સઘળું જનતા જાણે સમજો
ઠીકરાં નઈ ફોડો બીજા પર
ભૂલો પડશે ભારે સમજો
આજે હાર્યા કારણ શોધો
આવ્યું શું છે આડે સમજો
મનનું કરવું પોષાશે નઈ
જનમતના આધારે સમજો
ખાડા ખોદેલા હંમેશાં
વાવ્યું પામ્યા, આજે સમજો
સુધરી જાઓ વ્હાલા નહીંતર
તૂટશે મહેલો કાલે સમજો
- હિતેન્દ્ર પુરોહિત


