કેન્દ્ર સરકારે એના માટે પ્રોટોકૉલ બનાવવાની ચર્ચાવિચારણા શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો અને સન્માન આપવા માટે એક ઔપચારિક પ્રોટોકૉલ બનાવવાનું ગંભીરતાથી વિચારી રહી છે. આ સંદર્ભમાં આ મહિનાની શરૂઆતમાં ગૃહમંત્રાલય દ્વારા યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન બન્નેને સમાન આદર મળે છે, પરંતુ વ્યાવહારિક અને કાનૂની બન્ને રીતે બન્ને માટેના નિયમોમાં નોંધપાત્ર તફાવત છે. જ્યારે રાષ્ટ્રગાન દરમ્યાન ઊભા રહેવું કાયદેસર રીતે ફરજિયાત છે અને એનું અપમાન રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ હેઠળ સજાપાત્ર છે, ત્યારે ‘વંદે માતરમ્’ ગાતી વખતે ઊભા રહેવા અથવા ચોક્કસ મુદ્રા અપનાવવા અંગે કોઈ સ્પષ્ટ કાનૂની જવાબદારીઓ અથવા લેખિત માર્ગદર્શિકા નથી.
ADVERTISEMENT
ગૃહમંત્રાલયની બેઠકમાં રાષ્ટ્રીય ગીત અને એના ગાન પ્રત્યેના આદરને લગતા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. શું ‘વંદે માતરમ્’ ગાવાના સમય, સ્થળ અને રીત અંગે સ્પષ્ટ નિયમો સ્થાપિત કરવા જોઈએ? શું ‘વંદે માતરમ્’ ગાતી વખતે ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ? શું રાષ્ટ્રગીતનો અનાદર કરનારાઓ સામે દંડ અથવા કાનૂની કાર્યવાહીની જોગવાઈ હોવી જોઈએ? આ મુદ્દાઓ પર હજી સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સરકાર શક્યતાઓ શોધી રહી છે.


