ઘરનું કામ હંમેશાં ‘માનું કામ’ જ રહ્યું છે; પરંતુ એ વિચારસરણી બદલાઈ રહી છે અને કોર્ટના ચુકાદા પણ. ત્યારે હવે ઘરના કામને ઘરમાં રહેતા બધા લોકોનું કામ બનાવવાનો સમય આવી ગયો છે
૧૬ વર્ષ પહેલાં એક સ્ત્રીને એટલે તલાક અપાયા હતા કારણ કે તેને ઘરકામ નહોતું કરવું
દીકરીને ઘરકામ નહીં આવડે તો સાસરામાં નભશે નહીં એ માન્યતા સાથે જ છોકરીઓનો ઉછેર થતો હોય એ સમાજમાં ઘરકામના નામે તલાક પણ શક્ય છે જ. ઘરનું કામ હંમેશાં ‘માનું કામ’ જ રહ્યું છે; પરંતુ એ વિચારસરણી બદલાઈ રહી છે અને કોર્ટના ચુકાદા પણ. ત્યારે હવે ઘરના કામને ઘરમાં રહેતા બધા લોકોનું કામ બનાવવાનો સમય આવી ગયો છે
એક જાણીતા કલાકારમિત્ર હમણાં મળ્યા ત્યારે તેમણે મને કહ્યું, ‘આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે નાનકડી છોકરીઓ પાસે રસોઈ બનાવડાવતાં હોય છે મા-બાપ. કેટલું ખરાબ કહેવાયને કે ખાલી ફેમસ થવા માટે ૭-૮ વર્ષની છોકરીઓ પાસે આવું ઘરકામ કરાવડાવે. સોશ્યલ મીડિયાએ બધાનું મગજ ખરાબ કરી નાખ્યું છે. તું લખ આના પર.’
તેમણે મને તરત જ એક રીલ મોકલી. ‘જાનુ વ્લૉગ્સ’ નામનું તેનું ઇન્સ્ટા-અકાઉન્ટ છે અને ‘જાનવી મીઠુડી’ નામની તેની એક યુટ્યુબ ચૅનલ છે જેના 142K ફૉલોઅર્સ છે. કાઠિયાવાડના એક ગામમાં રહેતી આ દીકરી તેના વ્લૉગ્સમાં તેના ગામનું જીવન બતાવતી હોય છે. દરરોજ જમવામાં કોઈ રસરસતું કાઠિયાવાડી શાક બનાવે, રોટલા ઘડે, ઘઉંના લાડવા બનાવે અને મસ્ત કાઠિયાવાડીમાં જ વાતો કરે. તે કોઈ પણને વહાલી લાગે એવી છે. આ જોઈને હું હસી પડી. મેં તેમને કહ્યું, ‘તે સાત-આઠ વર્ષની છે અને રસોઈ બનાવે છે એ સોશ્યલ મીડિયાનો પ્રૉબ્લેમ નથી, એ કાઠિયાવાડનો પ્રૉબ્લેમ છે. અમારે ત્યાં છોકરીઓ ખૂબ નાની ઉંમરથી ઘરનાં બધાં કામ કરતી જ હોય. મેં પણ કર્યાં છે. આ એકદમ નૉર્મલ છે ત્યાં. ૯ વર્ષની ઉંમરે મને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ આવવા જેટલા જરૂરી લાગતા હતા એટલું જ જરૂરી દરેક રોટલી ફૂલવી જોઈએ એમ લાગતું હતું.’
નાનપણથી એ કન્ડિશનિંગ હતું જ કે છોકરીઓને ઘરનાં કામ આવડવાં જ જોઈએ, નહીંતર સાસરે દુખી થશે. જ્યારે એ બધાં જ કામ હું શીખતી ત્યારે મેં માની લીધું હતું કે આ સાચી વાત છે, કામ તો આવડવું જોઈએ. એ કામ પર્ફેક્ટ જ્યારે કરતી ત્યારે ખુદ પર ખૂબ ગર્વ અનુભવતી કે હું ખૂબ સારી રીતે ઘરનાં કામ કરી શકું છું એટલે પરણીને સાસરે આવી ત્યારે ટ્રેઇનિંગ એટલી પાક્કી હતી કે મને કોઈએ કામ સોંપવાની જરૂર જ નહોતી. ઘરનાં બધાં કામ મેં માથે લઈ લીધાં કારણ કે એ મારાં જ તો કામ હતાં. કોઈ મોઢું મચકોડે કે ભીંડા મને ભાવે નહીં તો તેના માટે તાત્કાલિક નવું શાક બનાવું જ. ઘરમાં એક પણ જગ્યાએ ધૂળનો કણ પણ ન મળવો જોઈએ એનું ધ્યાન તો હું જ રાખુંને. ઘરમાં રહેતા સભ્યો અને ઘરે આવતા મહેમાનો બધાની પસંદ અને જરૂરિયાતોનું ધ્યાન પણ મારે જ તો રાખવાનું હોય, એ મારી ફરજ છે. ધીમે-ધીમે થયું એવું કે માટલાની ખરીદીથી લઈને ઘરના સોફાની ખરીદી સુધી, ACના રિપેરિંગથી લઈને બાથરૂમના લીકેજ સુધી, બાળકના ઘાથી લઈને વડીલના તાવ સુધી, પાસ્તાથી લઈને ખીચડી સુધી, સફાઈથી લઈને સજાવટ સુધી ‘મારાં’ કામોનું લિસ્ટ વધતું જ ગયું. ધીમે-ધીમે થયું એવું કે ઘરનું કોઈ પણ કામ હોય તો એ મને જ શોધતું આવે અને ખૂબ હકથી મારા માથે આવીને બેસી જાય. હું એને ખુશી-ખુશી વધાવી લઉં. જોકે ચાલીસે પહોંચીને થાક લાગવા લાગ્યો, ચીડ ચડવા લાગી કે ‘સાલું, દિવસમાં આવતી ૧૫ ડિલિવરી માટે મારે જ કેમ દરવાજો ખોલવાનો? બધાં બિલ્સની ફાઇલ મારે જ કેમ બનાવવાની? ઘરમાં દૂધ ઘટી પડ્યું એની ચિંતા મારે જ કેમ કરવાની? આટલાં અધધધ કામ મારા માથે જ કેમ છે? ‘ઘરનાં કામ’ એટલે ‘મારાં કામ’ આવું કેમ છે?’
કદાચ આ પ્રશ્ન વધુ ત્યારે ખૂંચવા લાગ્યો જ્યારે ‘મારાં કામ’ પડતાં મૂકીને સતત મારે ઘરનાં કામોને પ્રાધાન્ય આપવું પડ્યું. લાગ્યું કે કાશ, નાનપણમાં કહેવામાં આવ્યું હોત કે આ કામ તારાં એકલાનાં નથી, બધાનાં છે; બધાએ મળીને કરવાનાં હોય, તારે એકલાએ નહીં તો આજે જીવન કંઈક જુદું હોત.
આ વાતને ખૂબ જ સરસ રીતે હાલમાં શરૂ થયેલા ફિલિપ્સના ‘ઘર કા કામ સબકા કામ’ કૅમ્પેનમાં રજૂ કરવામાં આવી છે. નૅશનલ ક્રશ ગણાઈ ચૂકેલી ઍક્ટ્રેસ ગિરિજા ઓક અભિનીત આ જાહેરાતમાં બાળકો ઍર ફ્રાયરમાં કોઈ વાનગી બનાવી રહ્યાં હોય છે ત્યારે ગિરિજાની મમ્મી એટલે કે બાળકોની નાની કહે છે, ‘અરે વાહ, તમે બન્ને મમ્મીની હેલ્પ કરી રહ્યાં છો, ખૂબ સરસ. આજકાલ બાળકો મમ્મીની હેલ્પ ક્યાં કરે છે.’
ત્યારે ગિરિજા તેમને સાઇડમાં લઈ જઈને કહે છે કે મમ્મી, બાળકો સામે આવું ન બોલો. મમ્મી કહે છે, ‘અરે, હું તો તેમનાં વખાણ જ કરતી હતી. મેં શું ખોટું કહ્યું? તે બન્ને તારા જેવાં જ છે. નાનપણમાં તું મારી કેટલી હેલ્પ કરતી હતી. તેઓ પણ તારી હેલ્પ કરે છે.’
ત્યારે ‘હેલ્પ’ શબ્દ પર ચિડાઈને ગિરિજા કહે છે, ‘મમ્મી ‘હેલ્પ’ શબ્દ ન વાપરો. ‘હેલ્પ’ શબ્દ કહેવાથી ઘરનું બધું કામ ફક્ત મારું થઈ જાય છે. આ ‘ઘરનું કામ’ છે તો બધાનું છે, મારા એકલાનું નહીં. હું નથી ઇચ્છતી કે મારાં બાળકો ઘરના કામને ફક્ત ‘મમ્મીનું કામ’ સમજે.’
છેલ્લે ટૅગલાઇન એવી છે કે હાથ બઢાને સે બેહતર હૈ જિમ્મેદારી ઉઠાના, ક્યૂંકિ ઘર કા કામ હૈ સબકા કામ.
ગયા અઠવાડિયે ‘મિડ-ડે’માં એક ન્યુઝ તમે વાંચ્યા જ હશે. હાલમાં મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એક દંપતીએ ૨૦૦૨માં લગ્ન કર્યાં અને માંડ ૩ મહિનાની અંદર તેઓ છૂટાં પડી ગયાં. એ પછી પતિએ ફૅમિલી કોર્ટમાં તલાક માટે અરજી કરી હતી અને કારણો એ આપ્યાં હતાં કે તે પત્ની તેનાં માતા-પિતાની વાત માનતી નથી, તેને રસોઈ બનાવતાં આવડતી નથી અને ઘરનાં કામ કરવા માગતી નથી. આ મુદ્દા પર ફૅમિલી કોર્ટે ૧૬ વર્ષ પહેલાં તે બન્નેને છૂટાછેડા આપી દીધા હતા. એની વિરુદ્ધ પત્નીએ મુંબઈ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. વિચારો. ૧૬ વર્ષ પહેલાં એક સ્ત્રીને તલાક આપી શકાતા હતા કારણ કે તેને ઘરનાં કામ કરવાં નહોતાં. મતલબ એ કે કોર્ટ પણ માને છે કે ઘરનાં કામ એ ફક્ત સ્ત્રીનાં કામ છે. જોકે જેમ સમાજ બદલાઈ રહ્યો છે એ રીતે વિચારસરણી અને કોર્ટના ચુકાદા પણ બદલાઈ રહ્યા છે. હાઈ કોર્ટે ફૅમિલી કોર્ટના ચુકાદાને રદ કર્યો. ઘરકામ સ્ત્રીએ કરવું જ પડે એ માન્યતાને ખંડિત કરતાં બૉમ્બે હાઈ કોર્ટે કહેવું પડ્યું કે લગ્ન એ કોઈ સર્વિસ કૉન્ટ્રૅક્ટ નથી, લગ્ન એ બે વ્યક્તિ વચ્ચેની ભાગીદારી છે. આશા છે કે ધીમે-ધીમે એક એવા સમાજનું નિર્માણ થશે જેમાં ઘરનું કામ ઘરવાળીઓનું નહીં, ઘરમાં રહેતા બધાનું કામ બને.
