મહારાષ્ટ્રના પાલઘરનાં આદિવાસી વિસ્તારોમાં બાળકો શિક્ષણ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. પાયાની સુવિધાઓ, શિક્ષકો, હૉસ્ટેલ અને યોગ્ય માર્ગદર્શનની અછત દૂર કરીને શિક્ષણની સ્થિતિ સુધારવી જરૂરી છે.
મહેશ કારિયા
શહેરોમાં જે ગુણવત્તાનું શિક્ષણ અને સુવિધાઓ સહજતાથી મળી રહે છે એનાથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો આજે પણ વંચિત છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા અંતર્ગત આવતા જવ્હાર, વાડા અને મોખાડા જેવા તાલુકાઓમાં અંદાજે મોટા ભાગની વસ્તી આદિવાસી સમુદાયની છે. આ વિસ્તારોમાં વર્તમાન શૈક્ષણિક માળખું અત્યંત ચિંતાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં બાળકો માટે યોગ્ય વાતાવરણ, સુવિધા કે માર્ગદર્શનનો ભારે અભાવ જોવા મળે છે. સ્કૂલોમાં પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી પાયાની ભૌતિક સુવિધાઓ ન હોવાને કારણે ખાસ કરીને બાળકીઓ માટે અભ્યાસ ચાલુ રાખવો મોટો પડકાર બની જાય છે. આ ઉપરાંત સરકારી સ્તરે શિક્ષકોની ભરતી ન થવાથી સ્થિતિ એટલી ગંભીર બની છે કે એક જ શિક્ષકે એકસાથે ત્રણ-ત્રણ ધોરણનાં બાળકોને સંભાળવા પડે છે. ભૌગોલિક કઠિનતાઓને કારણે નાનાં બાળકોએ દરરોજ પાંચથી ૧૦ કિલોમીટર ચાલીને સ્કૂલમાં જવું પડે છે અને આટલી હાડમારી વેઠ્યા પછી પણ તેમની ગરીબી અને સામાજિક પરિસ્થિતિ આગળ વધવામાં અવરોધરૂપ બને છે.
બીજી તરફ સરકાર તરફથી યોજનાઓ મારફત બાળકો માટે જે નાણાકીય સહાય આપવામાં આવે છે એનો ઉપયોગ ઘણી વાર વાલીઓ પોતાના ઘરગથ્થુ કે અન્ય કામોમાં કરી લેતા હોય છે એટલે એનો વાસ્તવિક લાભ બાળક સુધી પહોંચતો નથી. ભાષાકીય મુશ્કેલી પણ એક મોટો પ્રશ્ન છે. ઘરમાં સ્થાનિક બોલી કે મરાઠી બોલાતી હોવાથી અંગ્રેજી કે અન્ય માધ્યમમાં ભણતાં બાળકો માટે ક્લાસરૂમનું શિક્ષણ સમજી શકવું અત્યંત કઠિન બને છે. શિક્ષણ માત્ર સ્કૂલની ઇમારતો કે નીતિઓ પૂરતું સીમિત ન રહેતાં જ્યારે વાસ્તવિક પાયાની સુવિધાઓ અને યોગ્ય માર્ગદર્શન સાથે જોડાય છે ત્યારે જ છેવાડાના બાળક સુધી સાચો વિકાસ પહોંચી શકે છે.
આ ગંભીર સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા માટે સૌપ્રથમ વાલીઓમાં અને સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવી જરૂરી છે. જો વાલીઓ શિક્ષણનું સાચું મૂલ્ય સમજે અને સરકારી સહાયનો ઉપયોગ માત્ર બાળકોના અભ્યાસ અને પોષણ માટે જ કરે તો આર્થિક મુશ્કેલીઓ હળવી થઈ શકે. એના માટે ગામડાંઓમાં સાતત્યપૂર્ણ જાગૃતિ અભિયાન ચલાવવું પડશે. આ સાથે જ એક અત્યંત મહત્ત્વનું સમાધાન રહેણાક સુવિધા એટલે કે હૉસ્ટેલ-વ્યવસ્થા ઊભી કરવાનું છે. અંતરિયાળ વિસ્તારોનાં બાળકોને બાલમંદિરથી લઈને કૉલેજ સુધીના અભ્યાસ સાથે સુરક્ષિત રહેણાક સુવિધા મળે તો તેઓ દરરોજ કિલોમીટરો સુધી ચાલવાની શારીરિક હાડમારીમાંથી મુક્ત થઈને પોતાના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપી શકે. સ્કૂલોમાં પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવી અને પ્રાથમિક સ્તરે ભાષાની સરળતા રાખીને સાનુકૂળ વાતાવરણ બનાવવું અનિવાર્ય છે. સામાજિક સંસ્થાઓ, સરકાર અને સમાજ જ્યારે એકસાથે મળીને નક્કર કામ કરશે ત્યારે જ આદિવાસી વિસ્તારોનાં બાળકોને શિક્ષણનો સાચો અને પૂર્ણ લાભ મળી શકશે.
