MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો) તથા નાના ઉદ્યોગો પર પણ આ બજેટમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એમના માટે સરળ લોન, સહાયની યોજનાઓ અને નિયમોમાં સરળતા જેવાં પગલાં ભરવામાં આવ્યાં હોવાથી નાના વેપારીઓનો નાણાપ્રવાહ પણ સ્થિરતાપૂર્વક ચાલુ રહે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આગામી નાણાકીય વર્ષ માટેના બજેટની સૌથી મોટી ખાસિયત છે સ્થિરતા. વ્યક્તિગત આવકવેરાના દરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. કરમાળખામાં સાતત્ય જળવાયું હોવાને કારણે પગારધારકો અને વ્યાવસાયિકોને પોતાના ખર્ચ, બચત અને રોકાણનું આયોજન કરવામાં સરળતા રહેશે. વારંવાર નિયમો બદલાય અને એ વખતે બચત તથા રોકાણ બાબતે વારંવાર ફેરફાર કરવા પડે એના કરતાં સ્થિરતા લાંબા ગાળે વધુ લાભદાયી સાબિત થતી હોય છે.
બજેટમાં રોજગારસર્જન અને આવકની સ્થિરતા પર વિશેષ લક્ષ અપાયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૅન્યુફૅક્ચરિંગ, લૉજિસ્ટિક્સ, હાઉસિંગ અને સરકારી સેવાઓ પાછળ વધારે ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ સરકારી ખર્ચ માત્ર રસ્તા કે ઇમારતો પૂરતો નહીં હોય. ઉપરોક્ત ક્ષેત્રો ઇજનેરો, કૉન્ટ્રૅક્ટરો, મજૂરો, નાના સપ્લાયરો અને સર્વિસ-પ્રોવાઇડરો જેવા વિવિધ પ્રકારના લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર પૂરો પાડે છે. પરિણામે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારા લોકોના પરિવારોમાં આવકની સ્થિરતા રહે છે. વર્તમાન સમયમાં નિયમિત આવકનું કેટલું મહત્ત્વ છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.
MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો) તથા નાના ઉદ્યોગો પર પણ આ બજેટમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એમના માટે સરળ લોન, સહાયની યોજનાઓ અને નિયમોમાં સરળતા જેવાં પગલાં ભરવામાં આવ્યાં હોવાથી નાના વેપારીઓનો નાણાપ્રવાહ પણ સ્થિરતાપૂર્વક ચાલુ રહે છે. ઘણા લોકો પારિવારિક બિઝનેસ, કન્સલ્ટન્સી કે અનૌપચારિક વ્યવસાય કરનારા હોય છે. અર્થતંત્રની ગતિ ધીમી હોય એવા સમયમાં આ લોકો માટે આવી મદદ લાંબા ગાળે ખૂબ મહત્ત્વની હોય છે.
નોંધનીય છે કે સરકારે મોંઘવારીને કાબૂમાં રાખવાની દૃષ્ટિએ સપ્લાય ચેઇન, લૉજિસ્ટિક્સ અને સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂક્યો છે. ભાવમાં ભલે તાત્કાલિક મોટો ઘટાડો ન થાય, પરંતુ ભાવ સ્થિર રહે તોય ઘરખર્ચ પરનો બોજ ઓછો થાય છે.
રોકાણ બાબતે બજેટનો સંદેશો સ્પષ્ટ છે - શિસ્ત રાખો અને લાંબા ગાળા માટે રોકાણ કરો. ખાસ કરીને સોશ્યલ મીડિયાના પ્રભાવ હેઠળ અને મોબાઇલ ઍપ મારફત રોકાણ કરનારા નવા-યુવાન રોકાણકારોને પરોક્ષ રીતે કહી દેવાયું છે કે ઝડપથી નફો કમાવાની લાલચ રાખવા કરતાં સમજદારીપૂર્વક અને ધીરજથી લાંબા ગાળા માટે રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરો.
આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય-વિકાસ માટે વધારે જોગવાઈ કરવામાં આવી છે. આમ મનુષ્યબળ સંસાધન પર ધ્યાન અપાયું છે. બાળકોના શિક્ષણ અને વૃદ્ધોના આરોગ્ય માટે જેમને સેવાઓ-સુવિધાઓ જોઈએ છે એવા પરિવારો માટે આ પગલું ખૂબ જ મહત્ત્વનું છે.
ટૂંકમાં, બજેટમાં કોઈ ‘વાઉ’ ફૅક્ટર નથી; પરંતુ વિકાસની ગતિ જાળવી રાખવાનું, નાણાકીય શિસ્ત ટકાવી રાખવાનું અને ભવિષ્ય માટેની તૈયારી કરવાનું મહત્ત્વ દર્શાવનારું બજેટ છે. આ સમય કામચલાઉ ઉપાયો કરવાનો કે આડેધડ ખર્ચ કરીને અર્થતંત્રની ગાડી ફક્ત દોડતી દેખાડવાનો નહીં પરંતુ સધ્ધર નાણાકીય પાયો રચવાનો હોવાનું બજેટની જોગવાઈઓ દર્શાવે છે.


