ચાર્લ્સ બુકોવ્સ્કીને પહેલેથી જ લેખક બનવું’તું પણ વર્ષો સુધી તેમનું સાહિત્ય દરેક મૅગેઝિન, અખબાર અને પ્રકાશક દ્વારા રિજેક્ટ થતું રહ્યું. ત્રણ દાયકા સુધી તેમના સાહિત્યને ‘બકવાસ’ કહીને, તેમની અવગણના અને અસ્વીકાર કરવામાં આવ્યાં.
કૅલિફૉર્નિયામાં આવેલી ચાર્લ્સ બુકોવ્સ્કીની ‘ડોન્ટ ડ્રાય’ લખેલી કબર સાથે તેનો એક ચાહક. ચાર્લ્સ બુકોવ્સ્કી
ચાર્લ્સ બુકોવ્સ્કીએ ક્યારેય સારા, સંસ્કૃત કે સજ્જન દેખાવાનો પ્રયત્ન ન કર્યો. પોતાની ઐયાશ અને અણઘડ જાતને તેમણે સમાજની સામે ખુલ્લી મૂકી દીધી. તેમણે ક્યારેય પોતાની નબળાઈઓ ઢાંકવાનો પ્રયત્ન ન કર્યો. અને એટલે જ તેમણે પોતાની કબર માટે લખ્યું, ડોન્ટ ટ્રાય
વિશ્વસાહિત્યમાં ડંકો વગાડનાર અને વિશ્વને અદ્ભુત નવલકથાઓ, વાર્તાઓ અને કવિતાઓ આપનાર આ એક એવા નિષ્ફળ, નાલાયક અને દુરાચારી લેખકની વાત છે જેમનું પોતાનું જીવન પણ કોઈ અદ્ભુત નવલકથા કે રોમાંચક ફિલ્મ જેવું રહ્યું. વાત થઈ રહી છે મારા અને મારા જેવા અનેકના પ્રિય એવા અમેરિકન લેખક ચાર્લ્સ બુકોવ્સ્કીની. એ જ ચાર્લ્સ બુકોવ્સ્કી જેમનો ગૂગલ પર ભાગ્યે જ કોઈ એવો ફોટો જોવા મળશે જેમાં તેમના હાથમાં સિગારેટ કે શરાબનો ગ્લાસ નહીં હોય. કોઈ રસ્તે રઝળતા રોમિયો, આવારા કે તોફાની તત્ત્વો માટે જેટલાં ખરાબ વિશેષણો તમારા મનમાં આવે એ બધાં જ તમે બુકોવ્સ્કી માટે વાપરી શકો. તેઓ આલ્કોહોલિક, ચેઇન-સ્મોકર અને વુમનાઇઝર તો હતા જ પણ શરાબ, સિગારેટ અને વ્યભિચાર ઉપરાંત તેઓ આક્રમક, ખડૂસ અને વિચિત્ર હતા. તેઓ જુગારી પણ હતા. આવા કોઈ લેખકને લોકો શું કામ વાંચે? જીવન જીવવાની સલાહ કે જ્ઞાન મેળવવા માટે આવા નિષ્ફળ, બંધાણી કે હારેલા માણસની વાત શું કામ કોઈ સાંભળે એ પ્રશ્નનો જવાબ તમને આ લેખના અંત સુધીમાં મળી જશે.
ચાર્લ્સ બુકોવ્સ્કીને પહેલેથી જ લેખક બનવું’તું પણ વર્ષો સુધી તેમનું સાહિત્ય દરેક મૅગેઝિન, અખબાર અને પ્રકાશક દ્વારા રિજેક્ટ થતું રહ્યું. ત્રણ દાયકા સુધી તેમના સાહિત્યને ‘બકવાસ’ કહીને, તેમની અવગણના અને અસ્વીકાર કરવામાં આવ્યાં. પોતાનું કામ વારંવાર રિજેક્ટ થવાને કારણે બુકોવ્સ્કી વધુપડતા શરાબ અને ડિપ્રેશનની એક એવી અવસ્થામાં પહોંચી ગયા જે લગભગ છેક સુધી રહી. આ જ કાળ દરમિયાન તેમને પોસ્ટ-ઑફિસમાં ક્લર્કની નોકરી મળી. ત્યાં તેમનું કામ પત્રો અને દસ્તાવેજોનું ફાઇલિંગ કરવાનું હતું. એ નોકરીમાંથી જે કંઈ થોડીઘણી આવક થતી એ બધી જ રકમ રોજ રાતે તેઓ શરાબ અને વ્યભિચારમાં વાપરી નાખતા. જુગાર રમીને કે ઘોડદોડમાં દાવ લગાડીને પૈસા લૂંટાવી નાખતા. શરાબ અને સિગારેટ પીતાં-પીતાં મોડી રાત સુધી ક્યારેક પોતાના ટાઇપરાઇટર પર કવિતાઓ લખતા અને નશામાં ધૂત થઈને જમીન પર સૂઈ જતા. આવું નિરર્થક અને અસ્તવ્યસ્ત જીવન તેઓ લગભગ ત્રીસેક વર્ષ સુધી જીવ્યા. એટલે કે તેઓ પચાસ વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે પોતાની જાતને સંપૂર્ણ બરબાદ કરી નાખેલી. વર્ષો સુધી ચાલેલા સ્વવિનાશ અને જાત પર કરેલા અત્યાચાર પછી એક દિવસ અચાનક એક લઘુ પ્રકાશનગૃહના તંત્રીને બુકોવ્સ્કીમાં રસ પડ્યો. એ એડિટરે બુકોવ્સ્કીને કાગળ લખ્યો કે ‘હું તમને પુરસ્કાર, વળતર કે વેચાણની કોઈ બાંયધરી નહીં આપી શકું, પણ જો તમે લખશો તો હું એ છાપવા તૈયાર છું.’ જવાબમાં બુકોવ્સ્કીએ લખ્યું. ‘મારી પાસે બે વિકલ્પ છે. કાં તો પોસ્ટ-ઑફિસની નોકરી કરીને ગાંડો થઈ જાઉં ને કાં તો એ નોકરી છોડી ફુલટાઇમ લેખક બની જાઉં અને ભૂખમરો સહન કરું. મેં નક્કી કરી લીધું છે કે હું ભૂખ્યો રહેવાનું પસંદ કરીશ.’
એ પ્રકાશનગૃહ સાથે એક કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યા બાદ ફક્ત ત્રણ જ અઠવાડિયાંમાં બુકોવ્સ્કીએ પોતાની પહેલી નવલકથા લખી, જેનું નામ હતું ‘પોસ્ટ-ઑફિસ’. એ પુસ્તકના ‘અર્પણ’ પેજ પર તેમણે લખ્યું, ‘Dedicated to Nobody’. એ પછી તેમણે બીજી છ નવલકથાઓ અને ઢગલાબંધ કવિતાઓ લખી અને તેમના પુસ્તકની બે મિલ્યન કૉપીઝ વેચાઈ. તેઓ એટલાબધા લોકપ્રિય બન્યા કે આજની તારીખે પણ વિશ્વભરના સાહિત્યરસિકો તેમનાં પુસ્તકો વાંચે છે. એવો તો શું જાદુ થયો? જીવનમાં સદંતર નિષ્ફળ ગયેલો એક માણસ એક સફળ અને સુપરહિટ લેખક કઈ રીતે બની ગયો? એનો જવાબ આજે પણ ચાર્લ્સ બુકોવ્સ્કીની કબર પર લખાયેલો છે. તેમની કબર પર કોતરાયેલું વાક્ય છે, ‘Don’t Try’. એનો અર્થ થાય, જાત સિવાય બીજું કશું જ બનવાનો પ્રયત્ન ન કરો. જેવા છો એવા જ રહો. જાત સાથે પ્રામાણિક અને અન્યની સાથે પારદર્શક રહો. અને આ વાત તેમણે જીવી બતાવી.
આટલી પ્રસિદ્ધિ અને ખ્યાતિ મળ્યા પછી પણ બુકોવ્સ્કી એ જ રહ્યા જેવા પહેલાં હતા. કવિસંમેલનમાં પોતાના ઑડિયન્સ સાથે ઝઘડો કે મારામારી કરતા, સામે મળતી દરેક સ્ત્રીને સહશયન માટે પૂછતા અને જાહેરમાં નગ્ન થઈને ફરતા. ન તો સફળતા તેમને એક સારો માણસ બનાવી શકી, ન તો એક સારો માણસ હોવાથી તેમને સફળતા મળેલી. આટલી લોકપ્રિયતા અને સફળતા પછી પણ હી વૉઝ અ લૂઝર. અને એ વાત તેઓ સારી રીતે જાણતા અને સ્વીકારતા હતા. તેઓ એક નિષ્ફળ, નાલાયક અને નિરર્થક જીવન જીવી રહ્યા હતા. એ વાતની તેમણે પોતાનાં પુસ્તકોમાં પૂરી પ્રામાણિકતાથી કબૂલાત કરી અને એ જ તેમની સફળતાનું રહસ્ય હતું.
પોતાના કપાળ પર લાગેલા ‘નિષ્ફળ’ નામના ટૅગ સાથે કમ્ફર્ટેબલ થઈ જવું, એ જ તેમની સફળતા હતી. તેમણે ક્યારેય અદ્ભુત કે અફલાતૂન સાહિત્ય લખવાની ‘ટ્રાય’ ન કરી. તેમણે પૂરી પ્રામાણિકતા અને પારદર્શકતાથી પોતાની નિષ્ફળતાઓ વિશે લખ્યું. અને એમાંથી જન્મેલી વાર્તાઓ વિશ્વસાહિત્યમાં અમર બની ગઈ. આજે તેમના ક્વોટ્સ ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે. આજની યુવા પેઢીને તેમની ફિલોસૉફીમાંથી એક એવી સમજણ, શીખ અને પ્રજ્ઞા મળે છે જે જીવન જીવવામાં સહાયક અને માર્ગદર્શક બને છે.
વાત ફક્ત એટલી કે એક નિષ્ફળ માણસ એક સફળ લેખક બની શક્યો, કારણ કે લેખક બનવા માટેનો એક એવો સદ્ગુણ તેમનામાં હતો જેણે તેમના બધા જ દુર્ગુણોને પછાડી દીધા. એ હતી તેમની પ્રામાણિકતા. પારદર્શકતા. સચ્ચાઈ. દંભ, આડંબર કે બનાવટી શબ્દોનો શણગાર કરીને તેમણે ક્યારેય સારા, સંસ્કૃત કે સજ્જન દેખાવાનો ‘પ્રયત્ન ન કર્યો’. પોતાની ઐયાશ અને અણઘડ જાતને તેમણે સમાજની સામે ખુલ્લી મૂકી દીધી. તેમણે ક્યારેય પોતાની નબળાઈઓ ઢાંકવાનો ‘પ્રયત્ન ન કર્યો’. અને એટલે જ તેમણે લખ્યું, ‘ડોન્ટ ટ્રાય’. તેમના જીવનમાંથી કશું જ ગ્રહણ કરવા જેવું નથી, જ્યારે તેમના સાહિત્યમાંથી ઘણુંબધું. પણ મને તેમનું આ ‘ડોન્ટ ટ્રાય’ ગમી ગયું. બીજા કોઈ જેવા દેખાવા કે બનવાનો પ્રયત્ન ન કરવો એ જ આપણી પોતાની જાત સાથે કરેલો શ્રેષ્ઠ ન્યાય છે.


