Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જિંદગી નામના પેપરનું પણ પુન: મૂલ્યાંકન કરાવી શકાતું હોય તો?

જિંદગી નામના પેપરનું પણ પુન: મૂલ્યાંકન કરાવી શકાતું હોય તો?

Published : 26 June, 2026 12:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવાલ થાય કે આટલો વિશ્વાસ અને આવી પાક્કી ખાતરી કેવી રીતે કેળવી હશે આ વિદ્યાર્થીઓએ? આટલો અદ્ભુત પર્ફોર્મન્સ કઈ રીતે કરી શક્યા હશે આ વિદ્યાર્થીઓ?

અવનિ કેજરીવાલ

PoV

અવનિ કેજરીવાલ


પરીક્ષાઓ અને પેપરની તપાસણીમાં થયેલા ગોટાળા વિશેના સમાચારો વાંચતાં-વાંચતાં ગયા મંગળવારે રાંચીની બારમા ધોરણની એક વિદ્યાર્થિની અવનિ કેજરીવાલના કિસ્સા પર ધ્યાન ગયું. આ વર્ષે તેણે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બારમાની પરીક્ષા આપેલી. મે મહિનામાં પરીક્ષાનું પરિણામ આવ્યું. અવ‌નિને ૯૫.૨૦ ટકા માર્ક્સ મળ્યા! આપણે વાંચીને પણ ખુશીથી ઊછળી ઊઠીએ એવું પરિણામ. જોકે અવનિ આ પરિણામથી ખુશ નહોતી, કેમ કે તેણે જે પ્રમાણે પરીક્ષામાં પેપર્સ લખ્યાં હતાં એ મુજબનું આ પરિણામ નહોતું. તેને અકાઉન્ટન્સી, અપ્લાઇડ મૅથેમૅટિક્સ અને ઇકૉનૉમિક્સ આ ત્રણેય વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મળ્યા હતા, પરંતુ અંગ્રેજીમાં ૮૧ અને બિઝનેસ સ્ટડીઝમાં ૯૫ માર્ક્સ મળ્યા હતા. એ જોઈને અવનિ ચોંકી ગઈ હતી, કેમ કે અંગ્રેજી તો તેનો સૌથી પ્રિય વિષય અને તે હંમેશાં એમાં લગભગ પૂરા માર્ક્સ લાવતી. બિઝનેસ સ્ટડીઝમાં તેણે પોતે લખેલા જવાબો CBSEના મૉડલ આન્સર પેપર સાથે સરખાવી જોયા હતા અને એમાં તેનો એક પણ માર્ક કપાવાની ગુંજાઇશ જ નહોતી. હા, અવનિને ૧૦૦ ટકા ખાતરી હતી પોતાના પર્ફોર્મન્સ વિશે. એટલે તેણે પેપર્સનું રી-ઈવૅલ્યુએશન (ફરીથી તપાસ) કરાવવા માટે અરજી કરી. અને?! અને શું થયું? અવનિનો આત્મવિશ્વાસ ૧૦૦ ટચનો પુરવાર થયો. અંગ્રેજી અને બિઝનેસ સ્ટડીઝ એ બન્ને પેપરોમાં પણ તેને પૂરા માર્ક્સ હતા. હા, બન્નેમાં ૧૦૦માંથી ૧૦૦. આ પુન: મૂલ્યાંકનના પરિણામ બાદ અવનિ CBSEના કૉમર્સ ફીલ્ડમાં આ વર્ષે નૅશનલ ટૉપર બની. એ જ રીતે બોકારોનો વિદ્યાર્થી આદિત્ય મિશ્રા પણ પેપર તપાસનારની લાપરવાહીનો ભોગ થયેલો. તેણે પણ પેપર્સની ફરીથી તપાસ કરાવી અને તેના કુલ માર્ક્સ જે ૯૯.૨ ટકા હતા એ હકીકતમાં ૯૯.૬ ટકા નીકળ્યા. CBSEના સાયન્સ ફીલ્ડમાં આ વર્ષે નૅશનલ ટૉપર બનનાર કાનપુરની સોનાક્ષી ગોયલને પણ આટલા ટકા માર્ક્સ મળ્યા છે. આમ આ પુન: ચકાસણીના પરિણામે આદિત્ય પણ નૅશનલ ટૉપર બની ગયો.

આ કિસ્સાઓમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જોઈને દંગ રહી જવાય એવું છે. સવાલ થાય કે આટલો વિશ્વાસ અને આવી પાક્કી ખાતરી કેવી રીતે કેળવી હશે આ વિદ્યાર્થીઓએ? આટલો અદ્ભુત પર્ફોર્મન્સ કઈ રીતે કરી શક્યા હશે આ વિદ્યાર્થીઓ? અવનિનો જવાબ છે : કન્સિસ્ટન્સી અને સ્માર્ટ ટાઇમ મૅનેજમેન્ટ. વાહ, કેટલું મહત્ત્વનું લાઇફનું લેસન. આટલી મહેનત, સમયનો પૂરેપૂરો ઉપયોગ અને સ્માર્ટ તૈયારીઓ કરતા આ વિદ્યાર્થીઓ પાસેથી આપણે વડીલો અને શિક્ષકો પણ કેટલું બધું શીખી શકીએ.



જોકે આજે મારે વાત મને આવેલા એક જરા જુદા પ્રકારના વિચારની કરવી છે. આપણામાંથી કેટલા બધાની જિંદગીમાં ઢગલામોઢે તકલીફો અને વણથંભ્યા પડકારો જોવા મળે છે. મોટા ભાગના લોકોને ઘણી વાર એવું લાગતું હશે કે ‘આટલી કસોટી તે કંઈ હોતી હશે? પ્રૉબ્લેમ્સ વિદાય થવાનું નામ જ નથી લેતા. ક્યારેક થાય કે આ બધી જ ઉપાધિ આપણી જિંદગીમાં જ કેમ? હું જ શા માટે આટલી મુસીબતમાં?’ આવા ઉચાટ અને સ્ટ્રેસના સમયમાં શાણા મિત્રો અને સ્વજનો આપણને કર્મના સિદ્ધાંતનો હવાલો આપીને શાંત પાડવાનો પ્રયાસ કરે. ત્યારે વળી સારા અને સજ્જન માણસો બિચારા વિચારે કે અમે તો એક કીડીનેય મારી નથી, ક્યારેય કોઈનું પણ બૂરું સપનામાં પણ ઇચ્છ્યું નથી તોય અમારી જિંદગીમાં આટલો અભાવ, આટલી અડચણો, આટલી પીડા. આવી પળોમાં ફરી પેલા શાણા સ્વજનો કે ક્યારેક પોતાની જાત જ યાદ અપાવે છે : ‘કેમ, ભૂલી ગયા? આ કર્મ કાંઈ એક જિંદગીનાં જ થોડાં હોય? એ તો કેટલાય ભવનાં ભોગવવાનાં હોય!


આ અત્યારના પેપર રી-ઈવૅલ્યુએશનના મામલે મારા દિમાગમાં આ સંબંધે એક ચિનગારી પેટાવી છે : વિચાર આવે છે કે ક્યારેક આપણાં કર્મના હિસાબ કરવામાં ઉપરવાળા મૅનેજરની ભૂલ થઈ હોય એવું ન બને? આપણાં જેટલાં સારાં કર્મ હોય એના કરતાં ઓછાં નોંધાયાં હોય અને દુષ્કર્મ કે ખરાબ કર્મની નોંધણીમાં પણ ગરબડ-ગોટાળા થયા હોય એવું ન બને? અરે, ભૂલથી કોઈનાં કાળાં કર્મ આપણા નામની સામે નોંધાઈ ગયાં હોય અને આપણાં સારાં કર્મ બીજાના નામે ચડી ગયાં હોય એવું ન બને? એવું ન બને કે આપણાં કર્મની યાદી બનાવનારને ઝોકું આવી ગયું હોય કે બેદરકારી કે આળસને કારણે તેનાથી યાદીમાં ગફલાં થઈ ગયાં હોય!? આમાંનું કંઈ પણ થયું હોય તો?! આપણને કેમ ખબર પડે? આપણે તો કર્મનાં ફળ માનીને બધું મૂંગા મોઢે સહી લઈએ. ન વેઠી શકે તે થાકી-હારીને જિંદગીની નિશાળમાંથી રાજીનામું કે નારાજીનામું આપી દે અને એમ કરતાં વળી એક ન કરવા જેવું કર્મ બાંધે.

વિદ્યાર્થીઓ જેમ પોતાને મળેલા માર્ક્સથી સંતુષ્ટ ન હોય તો પોતે લખેલા પેપરનું રી-ઈવૅલ્યુએશન કરાવી શકે છે એમ આપણે માનવીઓ આપણને મળેલી જિંદગીથી સંતુષ્ટ ન હોઈએ તો એનુ પુન: મુલ્યાંકન કરાવી શકતા હોત તો? અને એમાં પેલા પેપરમાં માર્ક મૂકવામાં થયેલા ગોટાળા જેવું કંઈક આપણાં કર્મો બાબતે જડી આવે તો આપણી જિંદગીની શકલ પણ બદલાઈ જાયને.
જોકે આમાં એક તકલીફ છે. ધારો કે આપણને પણ આ વિદ્યાર્થીઓ પાસે છે એવો પેપર ખોલાવવાનો અર્થાત્ આપણાં કર્મનો ચોપડો જોવાનો કે એની નોંધણીની ખરાઈની ખાતરી કરવાનો મોકો મળે તો પણ આપણે આ વિદ્યાર્થીઓ જેવા આત્મવિશ્વાસથી આપણો કેસ કઈ રીતે રજૂ કરી શકવાના? વિદ્યાર્થીઓ પાસે પોતાની તૈયારીની, પેપરમાં પોતે લખેલા જવાબો સાચા જ હોવાની ખાતરી હતી. આપણી પાસે આપણે કરેલાં કર્મો વિશે આવી કોઈ ચોકસાઈ કે ખાતરી ક્યાં હોવાની?   


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK