પીક અવર્સ દરમ્યાન AC ટ્રેનોના દરવાજા બંધ ન થવાથી અન્ય ટ્રેનો પણ અટવાય છે
પ્રતીકાત્મક તસવીર
ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ વધુ ક્રાઉડને કારણે સમયસયર ન ચાલતી હોવાનું ધ્યાનમાં આવતાં હવે વેસ્ટર્ન રેલવેએ વધુ કર્મચારીઓ અને અધિકારીઓ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. AC લોકલમાં વધુ ગિરદીને કારણે ઑટોમૅટિક ડોર સિસ્ટમ કામ ન કરતી હોવાથી લેવાયેલા આ નિર્ણયને કારણે લોકલ ટ્રેનો મોડી પડવાની સમસ્યા પણ દૂર થશે. દાદર, અંધેરી અને બોરીવલી જેવાં ક્રાઉડેડ સ્ટેશનો પર AC લોકલમાં ભીડ વધુ હોવાથી આ સ્ટેશનો પર ટ્રેનોના દરવાજા બરાબર બંધ કરવાની જવાબદારી કર્મચારીઓને સોંપવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પીક અવર્સ દરમ્યાન દોડતી AC લોકલમાં વધુ ગિરદી હોવાને કારણે એના ઑટોમૅટિક દરવાજા બંધ નથી થતા અને એટલા માટે એ મોડી પડે છે તેમ જ એનું શેડ્યુલ ખોરવાતાં અન્ય ટ્રેનો પણ મોડી પડે છે.
ADVERTISEMENT
વેસ્ટર્ન રેલવેએ આપેલા આંકડાઓ મુજબ ૧૪૧૪ AC લોકલ ટ્રેન-સર્વિસ ચાલે છે. એમાંથી મોટા ભાગની સર્વિસિસ ફક્ત થોડી મોડી ચાલે છે, પરંતુ ૬૦ AC લોકલ ૧૦થી ૩૦ મિનિટ મોડી ચાલતી હોય છે, જેને કારણે લાખો પૅસેન્જરોએ સમસ્યા ભોગવવી પડે છે.
સેન્ટ્રલ રેલવેમાં CSMTથી કલ્યાણ દરમ્યાન હવે ૧૨ વધુ AC લોકલ દોડશે
સેન્ટ્રલ રેલવેમાં હવે વધુ ૧૨ AC લોકલ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કલ્યાણ દરમ્યાન આ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. ટૂંક સમયમાં આ સર્વિસ શરૂ થશે. આ સાથે જ સેન્ટ્રલ રેલવેમાં સર્વિસ આપતી AC લોકલની સંખ્યા ૮૦થી વધીને ૯૨ થશે.
