તાજેતરમાં બે કિસ્સા એવા બન્યા જે એકવીસમી સદીમાં વિસ્મિત અને લજ્જિત કરે છે. પરજ્ઞાતિના પ્રેમી જોડે વિવાહ કરવા બદલ ગાયિકા કિંજલ દવેને નાતબહાર કરવાની સગર્વ ઘોષણા કરવામાં આવી. એ જ રીતે સુરતસ્થિત ગાયિકા આરતી સાંગાણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બંધારણે આપણને કેટલાક મૂળભૂત અધિકારો આપ્યા છે. એમાં સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધર્મસ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તથા બંધારણીય ઉપાયોનો અધિકાર સામેલ છે. કાગળ પર સક્ષમ લાગતા આ અધિકારો વાસ્તવિકતામાં અપંગ લાગે છે. જેમનું નિષ્ઠાથી પાલન થવું જોઈએ એવી ઘણી ફરજો અદા થતી નથી અને એને કારણે સમાજમાં વિસંગતિ પેદા થાય છે. ડૉ. ધીરજ એસ. બલદાણિયા સણસણતો સવાલ પૂછે છે...
ADVERTISEMENT
અજવાશ હોય કેવો? - એ રાત નક્કી કરશે?
ઘુવડ હવે સૂરજની ઔકાત નક્કી કરશે?
રૂઢિ, પરંપરાઓ, હક ને ફરજની સાથે
કોણે પરણવું કોને, એ ન્યાત નક્કી કરશે?
તાજેતરમાં બે કિસ્સા એવા બન્યા જે એકવીસમી સદીમાં વિસ્મિત અને લજ્જિત કરે છે. પરજ્ઞાતિના પ્રેમી જોડે વિવાહ કરવા બદલ ગાયિકા કિંજલ દવેને નાતબહાર કરવાની સગર્વ ઘોષણા કરવામાં આવી. એ જ રીતે સુરતસ્થિત ગાયિકા આરતી સાંગાણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. કોની જોડે, ક્યાં, ક્યારે લગ્ન કરવાં એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય, જ્ઞાતિએ નહીં. આ પ્રકારની મધ્યકાલીન માનસિકતા હાનિકારક પ્રદૂષણ છે. અશોક નિર્મલ કહે છે એમ પુરુષપ્રધાન વિચારધારા આ અસમાનતાની જનક છે...
ન સમજો મને આજ નારી બિચારી
મેં રાખી છે હક માટે કાંખે કટારી
જરા જો હું ઊડવા મથું આસમાને
જમાનો મથે કાપવા પાંખ મારી
જ્ઞાતિનું લક્ષ્ય પ્રગતિ તરફ હોય છે. સામાજિક સ્તરે એકબીજા સાથે અનુબંધ કેળવાય, એકબીજાને કામ લાગી શકાય અને જે ઓછી આવક ધરાવનાર વર્ગ છે એને સાચવવાનું ઉત્તમ કામ દરેક જ્ઞાતિમાં થતું હોય છે. નાતજાતને લઈને જો વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે તો એ જોહુકમી ગણાય. દરેક સદીમાં આવી જોહુકમી યથાવત્ રહી છે. સ્ત્રીને ડાકણ કહીને વગોવવામાં આવે છે. વાંક પુરુષનો હોય તોય દુરાચારિણીનું લેબલ તેના માથે જ લાગે છે. દેવેન્દ્ર રાવલ કહે છે એમ આવી બાબતોમાં અવગણના જ ઉપાય બની શકે...
આ જગતને નારીની ઓળખાણ થાવા દો
છે સવાલ હકનો તો ખેંચતાણ થાવા દો
ટેવ છે પુરાણી તો ના જશે સરળતાથી
ચોતરફ બધા કરશે બુમરાણ, થાવા દો
બુમરાણ મચાવીને નરસિંહ મહેતા જેવા ભક્તને નાતબહાર મૂકવામાં આવ્યા હતા. ઘણી વાર સમાજ પ્રતિભાને પોંખવાને બદલે પ્રતિભાનું હનન કરવાનું કામ કરે છે. આપણે નસીબદાર છીએ કે અફઘાનિસ્તાનમાં નથી. ત્યાં સ્ત્રીની હાલત બદથી બદતર છે. સ્વતંત્રતા નામની ચીજ તો ચૂલામાં હોમાઈ ગઈ છે. કન્યાઓ પાસેથી શિક્ષણનો અધિકાર પણ ઝૂંટવી લેવામાં આવ્યો છે. જ્યાં શાસક જ શેતાન હોય ત્યાં અપેક્ષા રાખવાનો કોઈ મતલબ નથી. ઈરાનમાં હમણાં પ્રજાએ ખામેનેઈના એકચક્રી શાસન સામે માથું ઊંચક્યું છે એમાં સ્ત્રીવર્ગ પણ રસ્તા પર ઉતરી આવ્યો છે. ૧૦૦થી વધારે શહેરોમાં દેખાવો થયા છે અને ૨૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જિજ્ઞેશ ક્રિસ્ટી ‘સંગત’ લખે છે....
સદીઓ જૂની લડત છે અચાનક નહીં મળે
ક્યારેય માગવાથી તને હક નહીં મળે
પુરુષસમોવડી છે એ સાબિત કરી દે તું
સાચે કહું છું આવી ફરી તક નહીં મળે
જેને આપણે મા કહીને નતમસ્તક વંદન કરીએ છીએ, જે ગૃહિણી તરીકે પોતાનાં સપનાં ન્યોછાવર કરી પરિવારને સંભાળે છે તે સ્ત્રીએ પોતાનો હક માગવો પડે એ પણ શરમજનક બાબત છે. ટ્રિપલ તલાકને કારણે કેટલીયે સ્ત્રીઓ તરડાઈ ગઈ. શારીરિક શોષણ અને માનસિક પ્રતાડના કરનાર પુરુષ ખરેખર જેલના સળિયા પાછળ હોવો જોઈએ, પણ સમાજ ‘પતિ-પત્ની વચ્ચેની વાત’નું લેબલ મારીને હાથ ઊંચા કરી દે છે. રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’ આ વ્યથા વ્યક્ત કરે છે...
મારું સપનું મારી મરજી
તારું સપનું તારી મરજી
ડૂસકાંઓના દરિયા પીને
થઈ ગઈ કેવી ખારી મરજી
લાસ્ટ લાઇન
જેટલી સમજો છો નાની, એટલી નાની નથી
ચૂપ છું; તો એવું ના સમજો મને વાણી નથી
ના દયા માગી કદી, માગું છું હું મારો જ હક
હા, ઉધારીમાં કદી ઓળખ તો મેં માગી નથી
જીતવાની તક ન આપો આંચકીને લઈશ હું
આદરી છે જીવવાની આ લડત, બાગી નથી
મૂંગા મોઢે જો સહું તો નબળી ના સમજો કદી
સારું છે સામે હજી તલવાર મેં તાણી નથી
જિંદગી મારી છે તો મરજી બીજાની કેમ હોય?
મારા જીવનમાં દખલ કરવાની આઝાદી નથી
થાકીને બેસી ગઈ છું ભ્રમમાં ના રહેશો કદી
આ હરીફાઈમાં મારી વારી બસ આવી નથી
ચાલવા માગું છું સાથે સાથે આખી જિંદગી
જિંદગીએ આવી નાનકડીયે તક આપી નથી
- ભારતી વોરા ‘સ્વરા’


