અમદાવાદના પરિવારે ૧૦૦ ગ્રામ સોનાની એક એવી પાંચ લગડી માતાજીના મંદિરમાં કરી અર્પણ : અંબાજી મંદિર પર અત્યાર સુધીમાં સુવર્ણ શિખરમાં ૧૪૧ કિલો જેટલા સોનાનો થયો છે ઉપયોગ
અમદાવાદના માઈભક્ત પરિવારે મંદિરમાં સોનાની લગડીઓ અર્પણ કરી હતી. અંબાજી મંદિરનું સોનાથી મઢેલું સુવર્ણ શિખર.
શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર છે એ ઉક્તિ ગઈ કાલે વધુ એક વખત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાચી ઠરી છે. અમદાવાદના એક માઈભક્ત પરિવારે શ્રદ્ધાપૂર્ણ રીતે ૫૦૦ ગ્રામ સોનું અંબાજી મંદિરમાં અર્પણ કર્યું હતું. આ સોનાનો ઉપયોગ અંબાજી મંદિર પર બની રહેલા સુવર્ણ શિખર માટે કરવામાં આવશે.
શ્રી આરાસુરી અંબાજી માતે દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ટેમ્પલ-ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે ૧૦૦ ગ્રામ સોનાની એક એવી કુલ પાંચ લગડી મળીને કુલ ૫૦૦ ગ્રામ સોનું અમદાવાદના એક પરિવારે આસ્થાપૂર્વક માતાજીના મંદિર માટે અર્પણ કર્યું હતું. આ લગડીની કુલ કિંમત અંદાજિત કિંમત ૭૨ લાખ રૂપિયા થાય છે. આ પરિવાર પોતાનું નામ જાહેર કરવા માગતો નહોતો.
ADVERTISEMENT
અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદના પરિવારે અર્પણ કરેલી સોનાની લગડીઓનો મંદિરના સુવર્ણ કળશ માટે ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં અંબાજી મંદિર પર સુવર્ણ કળશ શિખર માટે અંદાજે ૧૪૧ કિલો સોનાનો ઉપયોગ થયો છે. મંદિર પર ૬૧ ફુટ સુધી સુવર્ણ કળશ શિખર માટે કામ થયું છે. હજી બીજા અંદાજે ૨૦૦થી ૨૨૫ કિલો સોનાની જરૂર છે. ત્યારે આખું મંદિર થઈ રહે એમ છે.’


