નવી ટેક્નૉલૉજી કે પદ્ધતિ અપનાવતાં પહેલાં વ્યાપક, વિશદ ચકાસણી અને મોટા પાયે અજમાયશ થાય એ અનિવાર્ય બની ગયું છે
પ્રતીકાત્મક તસવીર
સ્કૂલનું ભણતર પૂરું કરીને કૉલેજમાં જવા તૈયાર વિદ્યાર્થી-પેઢી માટે આ વર્ષ કંઈક આકરું પુરવાર થઈ રહ્યું છે. પહેલાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીકનો મામલો અને બીજો સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની પરીક્ષાનાં પેપર્સના ચેકિંગમાં અપનાવાયેલી ઑન-સ્ક્રીન માર્કિંગ (OSM) પદ્ધતિમાં જોવા મળેલા ગોટાળા. કરવા જાય સારું પણ થઈ જાય બૂરું. આવું જ કંઈક શિક્ષણ ખાતા અને CBSE સંદર્ભે થયું હોય એમ જણાય છે. દેશના લાખો વિદ્યાર્થીઓની શાળાંત પરીક્ષાઓનાં પેપર્સની તપાસ વધુ ચોકસાઈ, નિષ્પક્ષતા અને ઝડપથી થાય એ માટે આ વર્ષથી CBSEએ બારમા ધોરણની પરીક્ષાનાં પેપર્સની ચકાસણી માટે આ નવી ડિજિટલ ચેકિંગની ઑન-સ્ક્રીન માર્કિંગની પદ્ધતિ અપનાવી હતી. આમાં પેપર તપાસનારા શિક્ષકો સ્ક્રીન પર પેપર્સ તપાસે, માર્ક્સ મૂકે અને આખા પેપરના માર્ક્સનું ટોટલ આપોઆપ થઈ જાય. વળી દરેક સવાલનો જવાબ તપાસાઈ જાય અને એના માર્ક્સ મુકાઈ જાય એટલે એ સવાલ સામેનું લાલ બૉક્સ લીલું થઈ જાય. આમ તપાસનારને કોઈ પણ જવાબ તપાસ્યા વગરનો હોય તો તરત દેખાઈ આવે. આવી બધી વિગતો OSM વિશેની જાણકારી શોધીએ તો મળે છે. વળી આમાં આન્સરશીટ પરથી વિદ્યાર્થીનું નામ, સરનામું, સ્કૂલ વગેરે વિગતો માસ્ક કરી દેવામાં આવે છે એટલે કે ઢાંકી દેવામાં આવે છે. એટલું જ નહીં, એક શહેરના વિદ્યાર્થીઓની આન્સરશીટ્સ બીજા કોઈ પણ શહેરના તપાસનીશ પાસે જાય છે. એટલે આમાં કોઈ પ્રકારનો પક્ષપાત કે છેતરપિંડી થવાની શક્યતા પણ નથી. આવું બધું ઘણું સારું–સારું આ નવી તપાસપદ્ધતિ વિશે જાણવા, વાંચવા અને સાંભળવા મળે છે.
જોકે આ વષે CBSEનું પરિણામ આવ્યું ત્યારે પ્રથમ આંચકો તો એમાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારીનો આંકડો જોઈને લાગ્યો. આ વરસે બારમા ધોરણમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી ૮૫.૨૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. ગયા વર્ષની ઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ટકાવારી ૮૮.૩૯ હતી. આ વિશે એવો ખુલાસો થાય છે કે આમાં માનવીય મર્યાદાઓ (તપાસનારનો મૂડ, ઉદારતા વગેરે) ન હોય અને એને બદલે એક નિયત સિસ્ટમ હોય એટલે એમાં પરિણામ અનુસાર જ માર્ક મુકાયા હોય. ખેર, મશીનમાં માનવસહજ દયા-માયા કે સહાનુભૂતિ ન હોય એ તો સમજી શકાય; પરંતુ કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ, જેમનાં પેપર્સ ઘણાં સારાં ગયાં હતાં તેમને અપેક્ષા કરતાં ઘણા ઓછા માર્ક્સ મળ્યા. આટલા માર્ક્સ સાથે તો તેમને પોતાના પસંદગીના ક્ષેત્રમાં અને કૉલેજમાં પ્રવેશ ન મળે. હવે? હા, તેમની પાસે પોતાની આન્સરશીટ્સ જોવાનો અને એમાં ભૂલ કે ગફલત જણાય તો પેપર રી-વૅલ્યુએશનનો વિકલ્પ હતો. અલબત્ત, એ માટે તેમણે પેપરદીઠ ૫૦૦ કે ૭૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે. કેટલાક વિદ્યાર્થીઓએ એ ખર્ચ કરીને પણ એ વિકલ્પ લેવાનો નિશ્ચય કર્યો, પણ એ માટે CBSEની સાઇટ પર લૉગ-ઇન કરવામાં અને પૈસા ભરવામાં જ ઘણી જદ્દોજહદ કરવી પડી. આ બધી કોશિશો કરીને આખરે એક વિદ્યાર્થીએ પોતાની આન્સરશીટ્સ જોઈ. અને શું જોયું? એક પેપરમાં તેની આન્સરશીટમાં તેની સાથે બીજા કોઈની આન્સરશીટનાં પાનાં હતાં! એક વિદ્યાર્થિનીના કેટલાક ઉત્તરોની સામે માર્ક્સ મુકાયા જ નહોતા? આવું કઈ રીતે બન્યું? હજી સુધી આવા અનેક ગફલાઓનાં કારણ કે ખુલાસા મળ્યાં નથી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના પરિણામને લઈને તાણ અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT
આન્સરશીટ્સ જોવાની કે પેપર રીવૅલ્યુએશનની જોગવાઈ રાખી છે એટલે વિદ્યાર્થીઓ પોતાના મનમાં ઊઠેલા પ્રશ્નો કે શંકાનું સમાધાન કરી શકે છે, પરંતુ એ માટે તેમણે નાણાં ખર્ચવા પડે છે. એ વધારાનો ખર્ચ વિદ્યાર્થીઓ શા માટે વેંઢારે? વળી બધા વિદ્યાર્થીઓ એટલા ટેક-સૅવી ન હોય અને ગ્રામીણ વિસ્તારમાં તો નેટવર્કના પણ પ્રશ્નો હોય છે. તેઓ આ બધી માથાકૂટ કેવી રીતે કરે? એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે જેઓ પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા કામ કરતા હોય છે. તેમની પાસે આટલો સમય પણ ક્યાંથી હોય? ટૂંકમાં, તંત્રએ અપનાવેલી નવી પદ્ધતિની મર્યાદાને પરિણામે સર્જાયેલી સમસ્યાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય કોઈ પણ પ્રકારનાં બલિદાનોની આશા રાખવી યોગ્ય નથી.
કોઈ પણ નવી ટેક્નૉલૉજી અપનાવવા પહેલાં એની પૂરેપૂરી ચકાસણી અને ટ્રાયલ્સ કરવી જરૂરી છે, ખાસ કરીને જે પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા આટલી મોટી છે અને તેઓ દેશભરમાં ફેલાયેલા છે. શિક્ષણ વિભાગ અને CBSE બોર્ડની આ પહેલ ૧૦૦ ટકા એક બહેતર વિકલ્પ પૂરો પાડવાના ઇરાદાથી થઈ છે અને એમાં વિદ્યાર્થીઓના હિત અને શિક્ષકોની સહૂલિયતનો પણ ખ્યાલ રખાયો છે, પરંતુ આટલા વ્યાપક પાયે એને શરૂ કરતાં પહેલાં નાના પાયે એની અજમાયશ વારંવાર કરીને એની સંપૂર્ણતાની ચોકસાઈ કરી લેવી જરૂરી હતી.
અને હા, ભૂલો માણસની થાય, મશીનની નહીં એવી ગલતફહમીમાં તો રહેવું જ નહીં. એક કિસ્સો યાદ આવે છે. એક મિત્રે પોતાની ગાડી વેચી. ભાવતાલ નક્કી થઈ ગયા પછી ગ્રાહકે પૂછ્યું : તમારી ગાડીના નામે કોઈ ચલાન છે? મિત્રે કહ્યું ના. થોડી વારમાં પેલા ગ્રાહકનો ફોન આવ્યો : તમારા નામે પાંચસો રૂપિયાનું ચલાન આઉટસ્ટૅન્ડિંગ છે! મિત્રને નવાઈ લાગી, કેમ કે તેમને ક્યારેય એવી કોઈ નોટિસ કે ઇન્ટિમેશન પણ RTO પાસેથી મળ્યું નહોતું. તેમણે પેલા ગ્રાહકને કહ્યું કે મને થોડો સમય આપો, હું આ વિશે તપાસ કરીને તમને જણાવું. તેમણે RTOની સાઇટ પર જઈ પોતાની ગાડીનો નંબર નાખીને ચલાનનું સ્ટેટસ જાણવા માગ્યું. તેમના આશ્ચર્ય વચ્ચે પેલા ગ્રાહકે કહ્યું હતું એમ ૫૦૦ રૂપિયાનું ચલાન અનપેઇડ દેખાઈ રહ્યું હતું. તેમણે એ તારીખ જોઈ તો યાદ આવ્યું કે એ અરસામાં તો તેઓ બહાર હતા અને ગાડી કોઈએ ચલાવી જ નહોતી. તેમણે એની વિગત જોવા ક્લિક કર્યું તો એમાં એક ટૂ-વ્હીલરની તસવીર હતી. એની નંબરપ્લેટ જોઈ અને ખુલાસો થયો. તેમની ગાડી અને એ ટૂ-વ્હીલરના નંબરમાં એક સિવાય બીજા બધા જ આંકડા સરખા હતા. તેમણે તરત જ એ સાઇટ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી અને પોતાના વ્હીકલ સામે દર્શાવાયેલા અનપેઇડ ચલાનને દૂર કરવાની માગણી કરી. એ ફરિયાદની અને એના RTO તરફથી આવેલા જવાબની નકલ પોતાની ગાડીના ભાવિ ગ્રાહકને મોકલી આપી. આ કિસ્સો યાદ કરવાનું કારણ એટલું જ કે ડિજિટલ કે ઑટોમેટેડ પદ્ધતિ કોઈ ભૂલ કરે જ નહીં એવું આંખ બંધ કરીને માની લેવાની જરૂર નથી.
