Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઝરા યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ના આએ...

ઝરા યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ના આએ...

Published : 04 November, 2026 11:01 AM | Modified : 04 November, 2026 11:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દિવાળીએ એક દીવો દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોના નામે પણ પ્રગટાવજો. .

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


આંગણે રંગોળીના રંગો પુરાઈ રહ્યા છે, રસોડામાંથી મીઠાઈઓની સુગંધ પ્રસરી રહી છે, બજારોમાં ખરીદીની ભીડ છે અને બાળકો નવાં કપડાં પહેરીને ફટાકડા ફોડવા માટે ઉતાવળાં થઈ રહ્યાં છે. સંધ્યા થતાં જ ઘરના આંગણે દીવડાઓની હારમાળા ઝળહળી ઊઠશે. પરિવારજનો સાથે હસતાં-ખીલતાં, મીઠાઈઓની આપ-લે કરતાં અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવતાં આપણે સૌ દિવાળીના રંગમાં રંગાઈ જઈશું. ખરેખર, દિવાળી એટલે માત્ર દીવડાઓનો ઉત્સવ નહીં પરંતુ પરિવારના સ્નેહ, સંબંધોની હૂંફ અને ખુશીઓની ઉજવણી. જોકે આ આનંદના માહોલમાં ક્યારેય બે ઘડી થોભીને વિચાર્યું છે કે આપણે આટલી નિશ્ચિંતતાથી દિવાળી ઊજવી શકીએ છીએ એની પાછળ કોની જાગતી આંખો અને કોનું સમર્પણ છે?

આપણે ઊજવીએ દિવાળી, તેઓ નિભાવે ફરજ



આપણે જ્યારે પરિવાર સાથે ઘરમાં દીવડાઓ પ્રગટાવી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણા દેશના હજારો જવાનો પોતાના સ્વજનો અને ઘરથી હજારો કિલોમીટર દૂર સરહદોની રક્ષા કરી રહ્યા હોય છે. બરફથી ઢંકાયેલા સિયાચીનના દુર્ગમ પહાડો હોય, કચ્છ અને રાજસ્થાનના આગ ઓકતાં રણ હોય, પૂર્વોત્તરનાં ગાઢ જંગલો હોય કે સમુદ્રની અનંત જળરાશિ; આપણા જવાનો દરેક પડકાર સામે અડીખમ ઊભા છે. જ્યાં સામાન્ય માણસ માટે થોડી ક્ષણો પસાર કરવી પણ મુશ્કેલ હોય ત્યાં તેઓ દિવસો, મહિનાઓ અને વર્ષો વિતાવે છે. તેમની આંખોમાં ઊંઘ કરતાં દેશની સુરક્ષાની ચિંતા વધારે હોય છે, કારણ કે તેમને ખબર છે કે સરહદ પરની તેમની એક ક્ષણની બેદરકારી દેશના કરોડો નાગરિકોની સુરક્ષા માટે જોખમ બની શકે છે.


સરહદે જવાન, ઘરમાં રાહ જોતા સ્વજનો

હવે જરા એક સૈનિકના પરિવારની દિવાળીની કલ્પના કરો. વૃદ્ધ માતા દરવાજે નજર રાખીને બેઠી છે કે કદાચ આજે દીકરાનો ફોન આવશે, પત્ની મનમાં આશા રાખે છે કે પતિની રજા મંજૂર થઈ જાય તો આ દિવાળી સાથે ઊજવી શકાય, નાનકડાં બાળકો વારંવાર ફોન તરફ નજર કરે છે કે પપ્પા ક્યારે ફોન કરશે અને તેમને દિવાળીની શુભેચ્છા આપશે. ઘરમાં પણ રંગોળી પુરાય છે, દીવડાઓ પ્રગટે છે અને મીઠાઈઓ બને છે; પરંતુ પરિવારનો એક સભ્ય દૂર સરહદ પર હોવાથી જાણે ખુશીઓમાં કંઈક અધૂરું રહી જાય છે. છતાં આ પરિવારો ગર્વ અનુભવે છે કે તેમનો દીકરો, પતિ કે પિતા દેશની રક્ષા કરી રહ્યા છે. એક સૈનિકની ફરજ પાછળ આખા પરિવારનો આવો ત્યાગ અને સહકાર છુપાયેલો હોય છે.


કેટલીક પ્રતીક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી

પરંતુ દરેક જવાનની ઘરે પાછા ફરવાની રાહ પૂરી થાય એવું જરૂરી નથી. ક્યારેક દેશની અખંડિતતા અને સરહદોની રક્ષા કરતાં કોઈ જવાન વીરગતિને પામે છે. જે માતા દીકરાના આગમનની રાહ જોતી હતી તેણે હવે તેની તસવીર સામે દીવો પ્રગટાવવો પડે છે, જે પત્ની પતિ સાથે દિવાળી ઊજવવાનાં સપનાં જોતી હતી તેણે તેની યાદો સાથે આખું જીવન વિતાવવું પડે છે અને જે બાળક પિતાની આંગળી પકડીને ફટાકડા ફોડવા માગતું હતું તે હવે પિતાની આજીવન રાહ જોતું થઈ જાય છે. એક જવાનનું બલિદાન એક પરિવારમાં એવો ખાલીપો છોડી જાય છે જે સમય વીતવા છતાં ક્યારેય પુરાતો નથી. આથી જ આપણી ભારતીય સેનાના જવાનના બલિદાનને આપણા જીવનની સુરક્ષા સાથે જોડાયેલા એક મહાન ઋણ તરીકે યાદ રાખવું જોઈએ.

એક દીવો શહીદોના નામે

આપણા માટે વીરગતિ પામેલા જવાનોનું ઋણ ચૂકવી શકીએ એટલા સક્ષમ તો આપણે નથી, પણ તેમના પ્રત્યે કૃતજ્ઞતા તો જરૂર વ્યક્ત કરવી જોઈએ. આપણે આ દિવાળીએ એક નાનકડો ફેરફાર કરીએ. જેવી આવડે એવી ભારતીય સેના અથવા દેશના વીર જવાનોને સમર્પિત એક રંગોળી બનાવીએ અને એની મધ્યમાં વીરગતિ પામેલા જવાનોની સ્મૃતિમાં એક દીવો પ્રગટાવીએ. એ દીવો માત્ર માટીનું કોડિયું નહીં હોય, દેશ માટે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનો પ્રત્યેની આપણી કૃતજ્ઞતા અને આદરનું પ્રતીક હશે, એ વીરો પ્રત્યે અંતઃકરણપૂર્વકની આપણી આદરાંજલિ અને સ્મરણાંજલિ હશે. એ દીવાની પવિત્ર જ્યોતમાં આપણા એ સપૂતોની અપ્રતિમ શહાદતને નમન હશે. શક્ય હોય તો એ રંગોળી અને દીવાનો ફોટો કે વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકીને ભારતીય સેનાને પણ ટૅગ કરજો જેથી આપણા જવાનોને અહેસાસ થાય કે દેશવાસીઓ તેમને માત્ર યાદ જ નથી કરતા, તેમના બલિદાનને હૃદયપૂર્વક સલામ પણ કરે છે. આપણો આ ભાવ દેશવાસીઓ પ્રત્યેના તેમના આત્મીયતાના ભાવને વધુ મજબૂત બનાવશે.

આપણી જવાબદારી છે...

સાથે-સાથે શક્ય હોય તો આ દિવાળીએ તમારી આસપાસ કે પરિચયમાં કોઈ એવો પરિવાર હોય જેના ઘરનો દીકરો, પતિ કે પિતા દેશની રક્ષા કરતાં વીરગતિ પામ્યા હોય તો તેમના ઘરે અચૂક જજો. તેમના ઘરમાં જઈને શહીદ જવાનની તસવીરને વંદન કરજો, પરિવારજનો સાથે થોડો સમય વિતાવજો અને તેમનાં બાળકોના માથે પ્રેમથી હાથ ફેરવજો. તેમને માત્ર સાંત્વનના શબ્દો નહીં, આત્મીયતાનો અહેસાસ કરાવજો કે દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર જવાનનો પરિવાર ક્યારેય એકલો નથી. તેમના સુખ-દુઃખમાં સહભાગી થવું અને જરૂરિયાતના સમયે પડખે ઊભા રહેવું એ જ સાચી સ્મરણાંજલિ છે, કારણ કે દેશ માટે બલિદાન આપનાર જવાનનું સન્માન ત્યારે જ સાર્થક બને છે જ્યારે દેશ તેના પરિવારનું સન્માન કરે અને એની સંભાળ પણ રાખે.

અંતિમ વિચાર

આંગણે પ્રગટેલા દીવાને જો પવનનો એક સામાન્ય ઝોકો અડી જાય તોય આપણે એને હાથની ઓટ આપીને બચાવી લઈએ છીએ; પરંતુ સરહદ પર દેશ કાજે, આપણા પરિવારની સુરક્ષા કાજે જેમની જિંદગીનો આખો દીવો જ ઓલવાઈ ગયો તે આપણી ભારતીય સેનાના જવાનોના સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિઓ આપણા દિલમાં ક્યારેય ઝાંખી પડવી ન જોઈએ.

જય હિન્દ! જય હિન્દની સેના!

- રાજેશ ચાવડા

રાજેશ ચાવડા સામાજિક-રાજકીય વિષયોના વિશ્લેષક અને કન્ટેન્ટ રાઇટર છે.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK