પત્રલેખન દ્વારા વ્યક્ત થયેલી આ સંવેદનાઓ એ સાબિતી છે કે ટેક્નૉલૉજી ભલે ગમેતેટલી આગળ વધે, હૃદયના ભાવોને વાચા આપવા માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે.
ડૉ. પ્રીતિ જરીવાલા
ગુજરાતી સાહિત્યમાં સિંહફાળો આપનારાં ધીરુબહેન પટેલની શતાબ્દી વંદના એટલે કે તેમનું ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે અને આ નિમિત્તે આણંદમાં ૨૪ જાન્યુઆરીના દિવસે પરિસંવાદ છે અને મારે વક્તવ્ય આપવાનું છે તેથી હું તેમનાં પુસ્તકો વાંચી રહી છું. ગુજરાતી સાહિત્યના વારસાને આગળ વધારવામાં ધીરુબહેન અને મીનળબહેનનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે એ વારસો અમને આપ્યો અને અમે હવે આજની યુવા પેઢીને આપી રહ્યા છીએ. તાજેતરમાં યોજાયેલી એક પ્રવૃત્તિમાં પત્રલેખનનો ટાસ્ક આપ્યો હતો. પત્રલેખન એટલા માટે આપ્યું કારણ કે અત્યારે મોબાઇલ ફોનના જમાનામાં પત્રવ્યવહારથી થતી વાતચીત વિસરાઈ ગઈ છે. તો મારી સંસ્થાની બહેનોએ બહુ અલગ-અલગ વિષય પર પત્ર લખ્યા. કોઈએ બારીમાંથી દેખાતી બદામડી પર પત્ર લખ્યો, કોઈએ પોતાના અજન્મા બાળક પર પત્ર લખ્યો, એકે મુન્નાભાઈ અને સર્કિટને પત્ર લખ્યો, એકે કૃષ્ણને પત્ર લખ્યો. આટલુંબધું વૈવિધ્ય જોઈને તો હું ખરેખર પ્રભાવિત થઈ અને ખુશ પણ થઈ કે લોકો હજી પણ પોતાની માતૃભાષાને પસંદ કરે છે. એ સમયે મને એવું લાગ્યું કે આવનારી પેઢી આપણી ભાષાને જીવંત રાખશે. જે સ્ત્રીઓ પાસે કરવા માટે કોઈ પ્રવૃત્તિ નહોતી અથવા નવરાશની પળો ટીવી સામે વિતાવતી હતી એ સ્ત્રીઓ જ્યારે અમારી સંસ્થા સાથે જોડાઈ તો લખતી થઈ એટલું જ નહીં, તેમનાં ચાર-પાંચ પુસ્તકો પણ પ્રકાશિત થઈ ગયાં. સાહિત્યમાં આટલો રસ કોઈ લઈ શકે એ જાણીને ખરેખર ખુશી થાય છે. આ પ્રવૃત્તિથી સાહિત્ય પ્રત્યેનો જે ઉમળકો જોવા મળ્યો છે એ સૂચવે છે કે જો યોગ્ય વાતાવરણ અને પ્રોત્સાહન મળે તો આજે પણ ગુજરાતી સાહિત્યનો વારસો નવી પેઢીમાં ધબકતો રહી શકે છે. ચાર-પાંચ પુસ્તકોનું પ્રકાશન માત્ર એક સિદ્ધિ નથી, ગુજરાતી અસ્મિતાના જતનની એક નવી શરૂઆત છે. પત્રલેખન દ્વારા વ્યક્ત થયેલી આ સંવેદનાઓ એ સાબિતી છે કે ટેક્નૉલૉજી ભલે ગમેતેટલી આગળ વધે, હૃદયના ભાવોને વાચા આપવા માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે. આ કલમ હવે અટકવાની નથી, કારણ કે એમાં માતૃભાષા પ્રત્યેનો આદર અને અભિવ્યક્તિનો આનંદ ભળ્યો છે. આ સાહિત્યિક મશાલ પેઢી-દર પેઢી આમ જ પ્રજ્વલિત રહેશે અને આપણી સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવશે.
- ડૉ. પ્રીતિ જરીવાલા
ADVERTISEMENT
(ડૉ. પ્રીતિ જરીવાલાગુજરાતી લેખિકાઓની સંસ્થા ‘લેખિની’નાં પ્રમુખ છે. આ સંસ્થાનો મુદ્રાલેખ છે ‘સાહિત્ય સર્જનમાં સ્ત્રીઓના સૂર’. પ્રીતિબહેન માસિક મૅગેઝિન ‘લેખિની’નાં સહસંપાદિકા છે.)


