Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મૃત્યુનો મલાજો પાળવાને બદલે ઉત્સવ કેમ ન મનાવી શકાય?

મૃત્યુનો મલાજો પાળવાને બદલે ઉત્સવ કેમ ન મનાવી શકાય?

Published : 09 March, 2026 02:46 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

છેલ્લાં થોડાં વર્ષોથી પ્રાર્થનાસભાઓનાં સ્વરૂપો બદલાયાં છે. એમાં શોકનું મૌન પાળવાને બદલે એ વ્યક્તિ સાથેના કનેક્શન વિશે બધા વાત કરે છે

સતીશ શાહની પ્રાર્થનાસભામાં તેમનાં પત્ની મધુ સાથે ગીત ગાતો સોનુ નિગમ

PoV

સતીશ શાહની પ્રાર્થનાસભામાં તેમનાં પત્ની મધુ સાથે ગીત ગાતો સોનુ નિગમ


એક સમય હતો જ્યારે કોઈ મરી જતું તો મરસિયાં ગાતા. ભેંકડા તાણીને રોતા. રાજસ્થાનમાં આ પ્રકારે રોવાની માસ્ટરી ધરાવતી સ્ત્રીઓ હતી જેમને રૂદાલી કહેતા જે કોઈના મરણ પર જઈને ફક્ત રડવાનું કામ કરતી હતી. આખો શોકનો માહોલ ઊભો કરતી હતી. તે રોતી એટલે કારણ કે મરનારના પરિવારો તેમને જોઈને રડી શકતા. મૃત્યુ પછી રડવું અને દુઃખને હળવું કરવું જરૂરી માનવામાં આવતું, પણ ધીમે-ધીમે રડવાનું ઓછું થતું ગયું. એટલે નહીં કે લોકો દુઃખ છુપાવવા લાગ્યા, પરંતુ એટલે કે આજની તારીખે દુઃખ જ ઓછું થાય છે. પહેલાંના લોકો કોઈ પરાયાના મૃત્યુ પર પણ અસરગ્રસ્ત થતા, આજે પોતાના લોકોના મૃત્યુ પર પણ અસર ઓછી થતી જણાય છે. જે મૃત્યુ પામી છે એ વ્યક્તિની અત્યંત નજીકની ગણીને બેચાર વ્યક્તિઓ હોય જેને રડવું આવતું હોય છે. બાકીના લોકો આ ધક્કો ખમી જતા હોય છે. પહેલાં દેશના કોઈ નેતા ગુજરી જતા ત્યારે પણ રાષ્ટ્રીય શોક (પરાણે) ‘પાળવો’ નહોતો પડતો, એ શોક લોકોના ચહેરે દેખાતો. હવે લોકો તેમના મૃત્યુના ન્યુઝ જોયા કે નહીં એની ચર્ચા કરી લેતા હોય છે અને એ દિવસને રજા ગણી પોતાનાં પેન્ડિંગ કામો પતાવી લેતા હોય છે. મૃત્યુ પર દુખી થવાનું, દુઃખ જતાવવાનું અને શોકમાં રહેવાનું ચલણ આપણે ત્યાં હવે ઘટતું ચાલ્યું છે. સારું માનો કે ખરાબ, પણ મૃત્યુ પછીનો શોક ૧૩ દિવસને બદલે ૩ દિવસમાં પતી જાય છે. જે લોકો ૧૩ દિવસનો શોક મનાવે તેમને લોકો આશ્ચર્યથી જોતા થઈ ગયા છે. સમયની સાથે શોક બદલાયો છે અને શોકને પાળવાની રીતો પણ. કદાચ મૂળ વાત એ છે કે માણસનું માણસ સાથેનું કનેક્શન બદલાતું જાય છે. એક સમય હતો કે કોઈના મૃત્યુ પર સમાજમાંથી આખા-આખા પરિવારો બેસણામાં જતા. હવે એવું થઈ ગયું છે કે કોઈ એક વડીલ જઈ આવે એટલે ચાલે. મુંબઈ જેવા શહેરમાં કોઈ એક વ્યક્તિના મૃત્યુમાં અગ્નિસંસ્કાર, ત્રીજું, તેરમું અને શોકસભા આમ અલગ-અલગ બધા જ કાર્યક્રમોમાં હાજરી આપવી ખૂબ ભારે પડે છે. લોકો પ્રેમ અને સ્નેહથી ખેંચાઈ નથી આવતા, ‘જવું પડે’ એટલે જાય છે. 
નાનપણથી મને દરેક વાત મારી મમ્મીને કહેવાની અને પૂછવાની આદત હતી. તેની ઇચ્છાઓને મેં હંમેશાં સર્વોપરી રાખવાની કોશિશ કરી હતી. ૨૦૨૪નો જુલાઈ મહિનો, મેં એ સમયે મારા જીવનનું સૌથી અઘરું કન્વર્સેશન આદર્યું. અમને સમજાઈ ગયું હતું કે હવે મમ્મી વધુ સમય અમારી સાથે નહીં કાઢી શકે ત્યારે તેની સાથે એ વાત કરવી અનિવાર્ય હતી કે તે જતી રહેશે એ પછી તેની અંતિમવિધિઓ કયા પ્રકારે કરવી છે. મને જાણવું હતું કે તેની ઇચ્છા શું છે. માએ જીવનમાં હસતા મોઢે તેની ઇચ્છા વગર કેટકેટલું કર્યું હશે પણ છેલ્લે તે જવાની હતી ત્યારે તો બધું જ તેની મરજી અને તેની જ ઇચ્છા પ્રમાણે થાય એવી મને ઇચ્છા હતી. એટલે મેં પૂછ્યું કે મમ્મી, તું તો જાય છે; રીતરિવાજો મુજબ તને શું કરવાની ઇચ્છા છે? તેણે કહ્યું હતું કે હું નથી ઇચ્છતી કે મારા પછી કોઈ શોક મનાવે, દુખી થવાની જરૂર નથી, મારી પ્રાર્થનાસભામાં કોઈએ સફેદ કપડાં પહેરવાની જરૂર નથી. એ કહેતાં-કહેતાં પણ તેની આંખમાં એક ચમક હતી. તેણે કહ્યું હતું કે જેટલા લોકો આવે તેમને બધાને ચા અને પાણીપૂરી તો ચોક્કસ ખવડાવજે કારણ કે મને એ ખૂબ ભાવતાં હતાં, તો બધાને કહેજે કે ચોક્કસ ખાઈને જ જજો. તેની આ હદની ક્લૅરિટીની હું ફૅન હતી. જતાં-જતાં પણ તેને કોઈને દુખી નહોતા જોવા. પોતાની મનગમતી વાનગીઓની ઉજાણી કરવી હતી. અમે તેની ઇચ્છા મુજબ જ કર્યું.

‘મિડ-ડે’માં અમે ઘણા સિનિયર સિટિઝનને કવર કરતા હોઈએ છીએ અને એને કારણે અઢળક વડીલો જોડે મારે સંપર્ક થાય. એમાંના ઘણા લોકો સાથેની વાતોથી મને સમજાયું કે ‘મૃત્યુ’ જેવી ભારેખમ વસ્તુ માટે તેઓ ખાસ્સા પ્રિપેર્ડ છે. જે વડીલો આખી દુનિયા ફરે છે, આ ઉંમરે પણ પાણીપૂરી કે મૅગીના શોખીન છે અને જીવનને પૂરી રીતે માણી રહ્યા છે એ વડીલોને ‘મૃત્યુ’ની કોઈ બીક જ નથી. એ લોકોએ પોતાના બાળકોને પોતે નહીં હોય તો શું કરવાનું છે એ પણ કહી રાખ્યું છે. જુહુમાં રહેતાં ૮૩ વર્ષનાં કેતકીબહેન મહેતા જેમને પ્રેમથી હું ‘કેતકી બા’ કહું છું તેમની સાથે એક ઇન્ટરવ્યુ દરમિયાન વાત થઈ હતી જેમાં તેમણે મને કહ્યું હતું કે જ્યારે મને મૃત્યુ આવે ત્યારે હું ઇચ્છું છું કે લોકો એમ ન કહે કે ‘કેતકીબહેન મૃત્યુ પામ્યાં’, ઊલટું તેઓ કહે કે ‘કેતકીબહેન જીવી ગયાં.’ તેમનું કહેવું હતું કે હું અત્યારે સતત ધબકતું જીવન જીવું છું, જીવનમાં ઘણું દુઃખ જોયું એટલે ખુશ રહેવાની અને જીવી લેવાની ઇચ્છા સર્વોપરી રાખી છે. તેમને બિલકુલ ઇચ્છા નથી કે તેમના પછી કોઈ કર્મકાંડ થાય. તેમણે મને કહ્યું કે મેં મારી દીકરીને કહ્યું છે કે મારું શરીર મેડિકલ કૉલેજમાં દાનમાં આપી દેજે, મારે બીજું કંઈ નથી કરવું. આ વિચારો ફક્ત મારી મમ્મી કે કેતકીબહેન જેવા ગણ્યાગાંઠ્યા વડીલોના નથી, આવું વિચારનારા ઘણા વડીલો છે.



આને લીધે જ છેલ્લાં થોડાં વર્ષોથી પ્રાર્થનાસભાઓનાં સ્વરૂપો બદલાયાં છે. એમાં શોકનું મૌન પાળવાને બદલે એ વ્યક્તિ સાથેના કનેક્શન વિશે બધા વાત કરે છે. તેઓ મરી ગયા એના કરતાં તેઓ કેવું જીવન જીવી ગયા એના પર વધુ ફોકસ થાય છે. એ વ્યક્તિ સાથેની મજેદાર યાદોને મમળાવવામાં આવે છે; તેમનાં સગાંવહાલાં, મિત્રો, તેમની સાથે કામ કરનારાઓ, પાડોશીઓ બધા તેમને યાદ કરીને હસવું હોય તો હસે છે અને વચ્ચે ક્યારેક આંખ ભીની થઈ જાય તો રડી પણ લે છે. લાગણીઓનાં ઘોડાપૂર વહે છે. ખાસ કરીને જે વ્યક્તિઓ ખરેખર જીવી ગઈ છે તેમની પ્રાર્થનાસભાઓ પણ જીવંત બની જતી હોય છે. જાણે કે મૃત્યુનો મલાજો નહીં, ઉત્સવ મનાવી રહ્યા હોય. ઍક્ટર સતીશ શાહની પ્રાર્થનાસભા કંઈક આવી જ હતી. આ પ્રકારની પ્રાર્થનાસભામાં પાણી પણ ન પિવાય જેવી રૂઢિચુસ્તતા જોવા ન મળે, ઊલટું મૃત્યુ પામનાર વ્યક્તિની ઇચ્છા સમજીને બધા ત્યાં જે પિરસાય એ પ્રસાદ સમજીને ગ્રહણ કરે છે. મુંબઈ જેવા શહેરમાં ટ્રાફિકમાં કલાકો હેરાન થઈને વ્યક્તિ માંડ પ્રાર્થનાસભા સુધી પહોંચી હોય ત્યારે તે ભૂખીતરસી થઈ ગઈ હોય એ શક્ય છે, ન જ ખવાય જેવી રૂઢિચુસ્તતા ત્યાં બરાબર નથી.


પ્રાર્થનાસભાનું આ સ્વરૂપ ઘણા વખાણે છે તો ઘણા એની નિંદા કરે છે. શું સાચું અને શું ખોટું, શું સારું અને શું ખરાબ જેવો અહીં પ્રશ્ન નથી. શોકસભા કરવી કે નહીં, એમાં મૌન પાળવું કે ગીતો ગાવાં, એમાં શાંત બેસવું કે ગરબા કરવા એ રિવાજો અનુસાર કરવા કરતાં મરનારની ચૉઇસ અનુસાર કરવામાં આવે એટલી મોકળાશ તો મૃત્યુ પછી એ વ્યક્તિને અને તેના પરિવારજનોને હોવી જ જોઈએ. ગુડ-લાઇફ આપણે આપણી સ્ટાઇલથી જીવી હોય તો પછી છેલ્લું ગુડ-બાય પણ આપણી જ સ્ટાઇલમાં થવું જોઈએ. શું કહો છો? 


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 02:46 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK