Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્પીકર, જજ કે સંત વ્યક્તિ નથી; આસ્થા-કેન્દ્ર છે

સ્પીકર, જજ કે સંત વ્યક્તિ નથી; આસ્થા-કેન્દ્ર છે

Published : 17 March, 2026 04:12 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

ઉત્તમની ગરિમા જાળવવી એ ઑથોરિટીની પવિત્ર ફરજ બને છે. સજ્જનો, સાચા ત્યાગી સંતો અને કડક ધર્માચરણથી આ ધરતી આજે પણ અલંકૃત છે. સમાજને દિશા બતાવવામાં આ ઉત્તમ તત્ત્વો ઘણાં ઉપકારક બનતાં હોય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રસોઈ બનાવનારનું લક્ષ ભલે સ્વાદિષ્ટ વાનગીઓથી જમનારને ખુશ કરવાનું હોય પણ એ રસોઈ કોઈ પણ રીતે જમનારની તબિયત બગાડી ન દે એવી કાળજી પણ એમાં રાખવી જ રહી. એવી જ રીતે ક્યારેક ઉત્તમ સ્થાનની ગરિમા સામે પ્રશ્ન ખડો થાય ત્યારે સત્તાએ સક્રિય થવું પડે. આવો જ એક કિસ્સો ગયા મહિને નજરે ચડ્યો. 

NCERTના ધોરણ આઠના એક પાઠ્યપુસ્તકમાં એક ચૅપ્ટર છપાઈ ગયું જેનું હેડિંગ હતું ‘કરપ્શન ઇન જુડિશ્યરી’. આ ચૅપ્ટરના કારણે આખા ન્યાયતંત્રમાં અને શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો. જાગૃત અખબારોએ આ વાત વહેતી મૂકી અને દેશની સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ દાખવ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા આને ભૂલ નહીં પણ ન્યાયતંત્રને બદનામ કરવાની ‘સાઝિશ’ કહી. કુમળા બાળમાનસમાં ન્યાયતંત્ર માટે અવિશ્વાસ પ્રસારવાના ઇરાદા સાથે આ કામ થયું હોવાનું પણ કહેવાયું. આમાં સંડોવાયેલા દરેક સામે કડક પગલાનો નિર્દેશ પણ આપ્યો. આ બધાથી ઉપર એ વાત છે કે લાખો નકલો છપાઈ ગઈ હોવા છતાં એને રદ કરી અને જે થોડી નકલો વેચાઈ હતી એ તાત્કાલિક પાછી મેળવી લેવા આદેશ આપ્યો. આ સમગ્ર ઘટનામાં જજે સુઓમોટો ઍક્શન લીધી હતી કારણ કે અહીં ન્યાયતંત્રની ગરિમા જાળવવાનો પ્રશ્ન હતો. 



આ ઘટના ઘણું શીખવી જાય છે. અખબારથી લઈને ન્યાયતંત્રની ફરજ પ્રત્યેની સક્રિય સભાનતાનાં અહીં દર્શન થાય છે. એક અલગ જ દૃષ્ટિકોણથી વિચારો તો જણાશે કે વીતેલા સમયમાં ન્યાયાધીશના ઘરેથી કરોડોની કૅશ બળેલી મળી હોય એવી કે અન્ય આક્ષેપો લાગેલા હોય એવા કેટલાક દાખલાઓ બન્યા પણ છે અને એમ છતાં સમગ્ર ન્યાયતંત્રની છબી ખરડવાના આ હીન પ્રયાસને CJIએ આડે હાથે લઈ નાખ્યો છે એ ખરેખર યોગ્ય અને દિશાસૂચક છે.


ઉત્તમની ગરિમા જાળવવી એ ઑથોરિટીની પવિત્ર ફરજ બને છે. સજ્જનો, સાચા ત્યાગી સંતો અને કડક ધર્માચરણથી આ ધરતી આજે પણ અલંકૃત છે. સમાજને દિશા બતાવવામાં આ ઉત્તમ તત્ત્વો ઘણાં ઉપકારક બનતાં હોય છે. કોઈ અણછાજતી ઘટનાને લઈ સમગ્ર પવિત્ર માળખા પર આક્ષેપ કે આક્રમણ થાય એ આવો જ છબરડો ગણાય. વ્યક્તિ દોષિત હોઈ શકે, પણ તેના કારણે આખા માળખાને કઠેડામાં ઊભું કરવું યોગ્ય નથી.

કૌભાંડો, છબરડા, વિકૃતિઓ વ્યાપક બન્યાં છે; જેણે લગભગ કોઈ સેક્ટર છોડ્યું નથી. એ બધું છપાય અને વાઇરલ પણ થાય. સેંકડો સંતોની નિ:સ્પૃહ સાધના, તેમના ઉપદેશથી થતાં લોકકલ્યાણનાં અગણિત કાર્યોની નોંધ ક્યારેક જ લેવાય છે. ધર્મનાં ઊંડાં અને ઉમદાં રહસ્યોને આજે પણ લોકમંચ પર વહેતાં મૂકવાની અગ્રિમ જવાબદારી સંતો નિભાવે છે. આગામી સમય માટે આ ઉત્તમ તત્ત્વના ક્રેડેન્શ્યલ્સ પ્રથમ સંતોએ પોતે અને પછી સમાજે પણ સાચવવાના છે. દુષ્ટ ઘટનાઓનો બચાવ ન થાય એમ પ્રચાર પણ ન થાય. ઊગતા કુમળા માનસમાં શ્રદ્ધા, આદર વગેરે ટકાવી રાખવા વિરોધ કરતાં વિવેક વધુ ઉપયોગી બની શકે. કેરી ક્યારેક સડેલી હોય, પરંતુ એને લીધે આંબાવાડી આખી ક્યારેય સડેલી નથી હોતી. કેરીને કે કરંડિયાને ત્યજી દેવાય, પણ આંબાવાડીને બદનામ ન કરાય.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 04:12 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK