અમ્પાયર કુમાર ધર્મસેનાના રિવ્યુ લેવાની અનુમતિ આપવાના નિર્ણયને પાકિસ્તાની ટીમે અયોગ્ય ગણાવ્યો હતો.
પાકિસ્તાન સામે વન-ડે સિરીઝ જીતીને ટ્રોફી સાથે ઉજવણી કરતા બંગલાદેશી પ્લેયર્સ.
બંગલાદેશ અને પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે હાલમાં ૧૧ વર્ષ બાદ વન-ડે સિરીઝ રમાઈ હતી. આ વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મૅચ ૧૧ રને જીતીને બંગલાદેશ ૨-૧થી વિજેતા બન્યું હતું. પાકિસ્તાન સામેની ૬ વન-ડે સિરીઝમાંથી બંગલાદેશ માત્ર બીજી જ સિરીઝ જીત્યું છે. ઢાકામાં રવિવારે બંગલાદેશે પાંચ વિકેટ ગુમાવીને ૨૯૦ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાન ૫૦ ઓવરમાં ૨૭૯ રને ઑલઆઉટ થયું હતું. નિર્ણાયક મૅચમાં જીત માટે પાકિસ્તાનને અંતિમ બે બૉલમાં ૧૨ રનની જરૂર હતી. ૪૯.૫મી ઓવરમાં સ્પિનર રિશાદ હુસેને બૉલ લેગ સ્ટમ્પ તરફ ફેંક્યો હતો. એને પાકિસ્તાની કૅપ્ટન શાહીન આફ્રિદી ફટકારવાનું ચૂકી ગયો અને વિકેટકીપર લિટન દાસ બૉલને પહેલી જ વખતમાં પકડવાનું ચૂકી ગયો હતો. અમ્પાયર કુમાર ધર્મસેનાએ આ બૉલને વાઇડ જાહેર કર્યો હતો. બંગલાદેશી પ્લેયર્સ નિયમો અનુસાર વાઇડ બૉલ માટે રિવ્યુ લઈ શકતા નહોતા. થોડી ચર્ચા બાદ આ ટીમે LBW માટે રિવ્યુ લેવાનું નક્કી કર્યું. જોકે રિવ્યુમાં અલ્ટ્રાએજ દરમ્યાન બૉલ બૅટને સ્પર્શ કરીને જતો હોય એવું જાણવા મળતાં વાઇડ બૉલનો નિર્ણય પલટાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની ટીમ મૅનેજમેન્ટે મૅચ-રેફરી સામે ફીલ્ડ-અમ્પાયર કુમાર ધર્મસેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. પાકિસ્તાની ટીમ અનુસાર બંગલાદેશના પ્લેયર્સે રિવ્યુ લેતાં પહેલાં બિગ સ્ક્રીન પર રિપ્લે જોઈને સમયમર્યાદા પૂરી થયા બાદ રિવ્યુ માગ્યો હતો. અમ્પાયર કુમાર ધર્મસેનાના રિવ્યુ લેવાની અનુમતિ આપવાના નિર્ણયને પાકિસ્તાની ટીમે અયોગ્ય ગણાવ્યો હતો.
