ગાયના છાણની સૌથી મોટી ખરીદી જો કોઈ દેશ કરતો હોય તો એમાં કુવૈત, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સનું નામ સૌથી ઉપર આવે છે તો સાથોસાથ અમેરિકા, સિંગાપોર અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ હવે એની માગ વધવા માંડી છે.
ગોબર દેશને કરોડોનું હૂંડિયામણ રળી આપે છે.
હા, આ સત્ય હકીકત છે. જે છાણ જોઈને જેન-ઝી સહિત આપણે સૌ નાકનું ટીચકું ચડાવીએ છીએ એ જ ગોબર દેશને કરોડોનું હૂંડિયામણ રળી આપે છે. જે છાણ લઈ જવા માટે આપણે તાત્કાલિક સફાઈ-કામદારને બોલાવીએ છીએ એ જ છાણ ખરીદવા માટે દુનિયાના માલેતુજાર દેશો ભારત સામે હાથ ફેલાવીને ઊભા રહે છે
એક સમય હતો કે ગોબરમાંથી બનતાં છાણાંનો બળતણ તરીકે ઉપયોગ થતો. આ એ જ સમયની વાત છે જે સમયે ગોબરની દીવાલો બનાવવામાં આવતી. બસ, આ બે સિવાય એનો કોઈ ઉપયોગ નહોતો પણ સમય જતાં બળતણનો વિકલ્પ આવી ગયો અને દીવાલો સિમેન્ટની બનવા માંડી એટલે ગોબરને લોકોએ વેસ્ટ તરીકે વાપરવાનું શરૂ કરી દીધું. હા, એનો ઉપયોગ કુદરતી ખાતર તરીકે ગામડાંમાં થતો રહ્યો પણ એ સિવાય ગોબરનો બીજો કોઈ ઉપયોગ રહ્યો નથી.
એક મિનિટ.
આવું તમે માનો છો અને તમારી દરેક માન્યતા સત્યવચન હોય એ જરૂરી નથી.
જે ગોબરને મોટા ભાગના શહેરીજનો વેસ્ટ તરીકે જુએ છે, જે ગોબરને જોઈને આજની જેન-ઝી નાકનું ટીચકું ચડાવે છે એ ગોબર થકી દેશને દર વર્ષે ૪૦૦ કરોડનું વિદેશી હૂંડિયામણ કમાવવા મળે છે. હા, ગોબર એટલે કે છાણનું વિદેશમાં બહુ મોટું માર્કેટ ઊભરવા માંડ્યું છે અને વર્ષેદા’ડે ભારત ગોબર એક્સપોર્ટ કરીને ૪૦૦ કરોડની કમાણી કરતું થઈ ગયું છે. અફકોર્સ, આ જે ડિમાન્ડ છે કે ગાયના છાણની એટલે કે કાઉ-ડંગની છે.
કાઉ-ડંગનું મૂલ્ય સમજીને ૨૦૨૩-’૨૪માં વિદેશના દેશોએ ૪૦૦ કરોડનું કાઉ-ડંગ ભારતથી ઇમ્પોર્ટ કર્યું.
ગાયના છાણની સૌથી મોટી ખરીદી જો કોઈ દેશ કરતો હોય તો એમાં કુવૈત, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સનું નામ સૌથી ઉપર આવે છે તો સાથોસાથ અમેરિકા, સિંગાપોર અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ હવે એની માગ વધવા માંડી છે.
જેને આપણે ‘શિટ’ કહીને ઉતારી પાડીએ છીએ એ કાઉ-ડંગની ડિમાન્ડ નીકળવા પાછળ પણ સાયન્સ જવાબદાર છે.
ADVERTISEMENT
શું કામ છે માગણી?
કુવૈત, સાઉદી અરેબિયા અને ગલ્ફના અન્ય દેશોમાં ખજૂરની ખેતી મોટા પાયે થાય છે તો એ પણ એટલું જ સાચું કે વધુ પાક અને ઉત્તમ પાક લેવા માટે ત્યાં નિયમિત રિસર્ચ પણ થતું રહે છે. ખજૂરની ખેતીમાં ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવાથી ખજૂરનું ઉત્પાદન અને પ્રત્યેક ફળનું કદ વધતું હોવાના પરિણામ મળતાં ગલ્ફના આ દેશોએ કાઉ-ડંગ વાપરવા પર ભાર આપવાનું શરૂ કરી દીધું, જેનો સીધો ફાયદો ભારતને થયો.
ગલ્ફના દેશો પાસે આ કારણ છે તો પશ્ચિમના દેશોમાં હવે કેમિકલમુક્ત ખેતીનો ક્રેઝ વધ્યો છે. કુદરતી ખાતરમાં ઉત્તમ ખાતર કાઉ-ડંગ છે એ લૅબોરેટરીમાં પુરવાર થયા પછી અમેરિકા, સિંગાપોર, બ્રાઝિલ જેવા દેશોમાંથી પણ કાઉ-ડંગની માગ વધવા માંડી.
ત્રીજું અને અગત્યનું કારણ, આજે પણ યુરોપના અનેક દેશોમાં અંતરિયાળ ગામડામાંઓમાં વીજળી અને ગૅસની સુવિધા નથી, જેની પાછળનું કારણ આળસ નહીં પણ પર્યાવરણની માવજત છે. એવા દેશોનાં ગામડાંઓમાં વીજળી અને બાયોગૅસમાં આપણા ગોબરનો ઉપયોગ થાય છે.
આપણે એવું ધારીને બેઠા હોઈએ કે ગાય-ભેંસને પાળીને માત્ર દૂધ થકી જ આવક થઈ શકે તો આપણી એ માન્યતાને એ વાત ભાંગીને ભૂકો
કરી નાખે છે, કારણ કે આ પશુઓના વેસ્ટ એવા ગોબરમાંથી પણ કમાણી થઈ શકે છે અને એ કમાણીમાં આજે ભારત મોખરેના સ્થાન પર પહોંચી ગયું છે.
વાત થોડી આર્થિક
જો તમને મનમાં આવ્યું હોય કે છાણની તે શું કિંમત મળવાની તો તમારી જાણ ખાતર, ફૉરેનના માર્કેટમાં કાઉ-ડંગના પાઉડરનો એટલે કે ડીહાઇડ્રેટ કરેલા ગોબરનો ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો છે. આપણે ત્યાં રોજનું ૩૦ લાખ ટન છાણનું ઉત્પાદન છે જેનો મહત્તમ ઉપયોગ અત્યાર સુધી ગ્રામ્ય સ્તર પર જ હતો, પણ હવે દુનિયાભરના દેશો એ ખરીદવા માટે લાઇનમાં ઊભા રહે છે. મજા જુઓ, આજ સુધી જેને આપણે સામાન્ય કચરો કે પેટનો વેસ્ટ સમજતા હતા એ ચીજ આજે ઇન્ટરનૅશનલ માર્કેટમાં હાઈ-વૅલ્યુ કૉમોડિટી સાબિત થઈ ગઈ છે જે ગ્રામીણ અર્થતંત્ર માટે કમાણીનો મોટો સોર્સ બની શકે છે.
કાઉ-ડંગની એક્સપોર્ટની શરૂઆત સૌથી પહેલાં રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલી સનરાઇઝ ઍગ્રિલૅન્ડ ઍન્ડ રિસર્ચ IGC દ્વારા કરવામાં આવી. પહેલા તબક્કામાં કંપનીએ ૧૯૨ મેટ્રિક ટન કાઉ-ડંગ એક્સપોર્ટ કર્યું હતું. જોકે એ પછી તો અન્ય એક્સપોર્ટર્સ પણ તૈયાર થઈ ગયા અને તેમણે પણ ગોબર વિદેશ મોકલવાનું શરૂ કરી દીધું.
ખેતી માટે જે દેશો ગોબર મગાવે છે એમાં કાઉ-ડંગની જ માગ રહે છે, જેનું કારણ છે. ભારતીય ગાયના છાણમાં રહેલાં પોષક તત્ત્વો જમીનને લાંબો સમય સુધી ફળદ્રુપ રાખે છે તો સાથોસાથ રેતાળ પ્રદેશની જમીનમાં ફળદ્રુપતા ઉમેરે છે તો સાથોસાથ ગાયનું છાણ જમીનમાં ભેજ અકબંધ રાખે છે એટલે ઓછા પાણીએ પણ વધુ સારો પાક લઈ શકાય છે. મનમાં સવાલ જાગે કે ભારતીય ગાયના જ છાણની માગ શું કામ છે?
જવાબ છે, જર્સી-કલ્ચર હજી પહોંચ્યું નથી એટલે. અલગ-અલગ બે બ્રીડના સંવનનથી જન્મતી ગાયને જર્સી ગાય કહે છે અને જર્સી ગાયના દૂધથી માંડીને એના ગોબરમાં પોષક તત્ત્વોનું સ્તર નિમ્ન હોય છે.
જરા વિચાર કરો કે આપણે ત્યાં ૩૦ કરોડ પશુઓ છે, એના દ્વારા આપણને રોજ ૩ કરોડ ટન છાણ મળે છે અને આપણે હજી સુધી માત્ર ૩૦ લાખ ટનના જ એક્સપોર્ટ પર પહોંચ્યા છીએ. એક્સપોર્ટ નહીં વધવા પાછળનું કારણ જાણવા જેવું છે.
કારણ શું છે?
સૌથી આગળ કયું રાજ્ય, શું કામ?
કાઉ-ડંગ એક્સપોર્ટમાં રાજસ્થાન સૌથી આગળ છે, જેની પાછળનું મુખ્ય કારણ રાજસ્થાનમાં આવેલી મોટી ગૌશાળાઓ છે. આ ગૌશાળામાંથી પૂરતી માત્રામાં ગોબર મળી રહે છે. બીજા નંબરે ગુજરાત છે અને ગુજરાતને આગળ લાવવાનું કામ અમૂલ અને બનાસ ડેરીએ કર્યું છે. અમૂલ અને બનાસ ડેરી પોતે ગોબર ગૅસ અને પ્રોસેસ કરેલું ખાતર બનાવે છે તો સાથોસાથ એ એક્સપોર્ટ પણ કરે છે. આ બન્ને રાજ્યોને મુંદ્રા અને કંડલા જેવાં મેગા પોર્ટ પાસે હોવાનો પણ બેનિફિટ મળે છે તો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ ઊતરતા ક્રમે છે જેની પાછળ પોર્ટ નજીક નહીં હોવાની અસુવિધાને મુખ્ય માનવામાં આવે છે એટલે સીધી એક્સપોર્ટને બદલે આ રાજ્યોમાંથી પાર્ટી-થ્રૂ એક્સપોર્ટ વધારે થાય છે.
ફૉરેનથી મગાવવામાં આવતું
કાઉ-ડંગ કે પછી ગોબર સીધેસીધું એમ જ મગાવી લેવામાં નથી આવતું. એને પ્રોસેસ કરીને પાઉડર બનાવવામાં આવે છે તો સાથોસાથ એમાંથી આવતી દૂર્ગંધને દૂર કરવામાં આવે છે. એ પછી જ એ પાઉડર એક્સપોર્ટ થાય છે. આપણે ત્યાં આ પ્રકારનાં ડીહાઇડ્રેશન યુનિટ રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જ છે. આ યુનિટ ચલાવવા માટે મોટી માત્રામાં ગોબર જોઈએ, જે આ રાજ્યોમાંથી સરળતાથી ઉપલબ્ધ છે અને એટલે યુનિટ ચલાવવું, એને મેઇન્ટેઇન કરવું સહેલું પડે છે. હવે આ પ્રકારના યુનિટ વધે એ માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ યોજનાઓ જાહેર કરવાનું શરૂ થયું છે પણ સામાન્ય લોકો કે બિઝનેસમૅન સુધી આ બિઝનેસની અવેરનેસ પહોંચી નહીં હોવાથી એ યોજનાઓ કાગળ પર રહી જાય છે. આ એક્સપોર્ટને આગળ વધારવા ભારત સરકારે ગોબર્ધન સ્કીમ પણ જાહેર કરી છે, પ્રોસેસિંગ યુનિટ કરવામાં આ યોજના થકી અનેક લાભો મળે છે.
એવું માનવું પણ જરૂરી નથી કે માત્ર કાઉ-ડંગ પાઉડરની જ ડિમાન્ડ છે. ગાયના છાણમાંથી બનતા પાઉડરની ડિમાન્ડ સૌથી મોટી માત્રામાં છે તો સાથોસાથ છાણની ટિક્કી (નાનખટાઈ આકાર અને સાઇઝ)ની પણ માગ રહે છે, જેનો મોટા ભાગે ઉપયોગ પૂજાપાઠ અને બળતણ તરીકે થતો હોય છે. આ સિવાય વર્મિકમ્પોસ્ટ તરીકે ઓળખાતા છાણમાંથી બનેલું અળસિયાનું ખાતર પણ મોટી માત્રામાં વિદેશ જાય છે તો છાણ અને ગૌમૂત્રના મિશ્રણ સાથે તૈયાર થયેલા ઑર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરની માગ પણ ખાસ્સી રહે છે.
છેલ્લા થોડા સમયથી કાઉ-ડંગની બામ્બુલેસ અગરબતી પણ ડિમાન્ડમાં આવી છે પણ એની ખપત ઑનલાઇન પૂરતી સીમિત રહે છે પણ એ ડિમાન્ડ દિવસે-દિવસે આગળ વધતી જાય છે એ પણ એટલું જ સાચું છે.
ટૂંકમાં કહેવાનું એટલું કે શાસ્ત્રોમાં ગાયને કામધેનુ એમ જ નથી કહી, એનો વેસ્ટ પણ બરકત આપનારો છે.


